Pm Jan Dhan Yojana

PM Jan Dhan Yojana: રાજકોટ જિલ્લામાં પુરુષો કરતાં મહિલાઓએ વધુ ખાતા ખોલાવ્યા

PM Jan Dhan Yojana: પી.એમ. જનધનની ૨૮મી ઓગસ્ટે નવમી વર્ષગાંઠ

 રાજકોટ, 27 ઓગસ્ટ: PM Jan Dhan Yojana: આ દેશના ગરીબ અને સામાન્ય લોકોને આર્થિક  વિકાસની મુખ્ય ધારામાં સામેલ કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ૧૫મી ઓગસ્ટ ૨૦૧૪ના રોજ પી.એમ. જનધન યોજનાની લાલ કિલ્લા પરથી જાહેરાત કરી હતી અને ૨૮ ઓગસ્ટ ૨૦૧૪થી તેની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં ઝીરો બેલેન્સથી બેન્ક ખાતા ખોલવાની શરૂઆત કરાઈ હતી.

આજે પી.એમ. જનધન યોજના (PM Jan Dhan Yojana)અને જનધન ખાતું અનેક ગરીબ અને વંચિત લોકો માટે આર્થિક વ્યવહારનો મુખ્ય આધાર બન્યા છે. આગામી ૨૮મી ઓગસ્ટે પી.એમ. જનધનની નવમી વર્ષગાંઠ આવી રહી છે, ત્યારે રાજકોટ જિલ્લામાં પી.એમ. જનધન યોજના અને ખાતાઓની વિગતોનું ઉજ્જવળ ચિત્ર સામે આવ્યું છે. જિલ્લામાં અત્યાર સુધીમાં ૬.૩૬ લાખથી વધુ જનધન ખાતા ખોલવામાં આવ્યા છે.

સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના લીડ બેન્ક વિભાગ દ્વારા જણાવાયા પ્રમાણે, વડાપ્રધાન મોદીએ શરૂ કરાવેલી આ યોજનાના કારણે રાજકોટ જિલ્લામાં ૨૩મી મે ૨૦૨૩ સુધીમાં વિવિધ બેન્કોમાં કુલ મળીને ૬,૩૬,૦૩૧ જનધન ખાતા ખોલવામાં આવ્યા છે. જેમાં ગ્રામીણ વિસ્તારોમાં ૨,૩૮,૦૩૯ ખાતા ખૂલ્યા છે, જ્યારે  શહેરી વિસ્તારોમાં ૩,૯૭,૯૯૨ લોકોએ ખાતા ખોલાવ્યા છે.

મહત્ત્વનું છે કે, જનધન ખાતાઓ ખોલવામાં મહિલાઓ પુરુષો કરતાં આગળ છે. જિલ્લામાં ૩,૪૭,૭૧૦ ખાતાઓ મહિલાઓ ના નામે ખોલવામાં આવ્યા છે, જ્યારે ૨,૮૮,૩૨૧ ખાતા પુરુષ ખાતેદારોના છે. આમ તો જનધન ખાતા ઝીરો બેલેન્સથી ખુલી શકે છે, પરંતુ આ વિવિધ ખાતાઓમાં કુલ મળીને રૂપિયા ૩૮૮ કરોડથી વધુની બચત નાગરિકોએ જમા કરી છે. અને આ બચત પર તેમને વ્યાજ પણ મળતું થયું છે.

જિલ્લામાં જે ૬.૩૬ લાખ જનધન ખાતા ખૂલ્યા છે, તેમાં ૪૧,૨૯૩ ખાતા ઝીરો બેલેન્સવાળા છે. બેન્ક ખાતા ખોલાવનારા વિવિધ ૪,૫૪,૬૮૮ ખાતેદારોને રૂપે કાર્ડ ઈશ્યૂ કરવામાં આવ્યા છે. જેનાથી તેઓ નાણા ઉપાડવા, ખરીદી કરવા સહિતની નાણાકીય સેવાઓનો લાભ સરળતાથી મેળવતા થયા છે.

નોંધનીય છે કે, પ્રધાનમંત્રી જન ધન યોજના (PMJDY) એ નાણાકીય સર્વસમાવેશકતા માટેનું એક રાષ્ટ્રીય મિશન છે.  જે બેંકિંગ-બચત અને ડિપોઝીટ ખાતાઓ, રેમિટન્સ, ધીરાણ, વાજબી ખર્ચે વીમો, પેન્શન વગેરે જેવી નાણાકીય સેવાઓની સુલભતા સુનિશ્ચિત કરે છે.

Rishikesh Patel V/S Shaktisingh Gohil: ઋષિકેશ પટેલે શક્તિસિંહ ગોહિલના આક્ષેપો પ્રજાને ગેરમાર્ગે દોરનારા ગણાવ્યા

પી.એમ. જનધન એ લોક-કેન્દ્રિત આર્થિક પહેલો માટેનો પાયો છે. સરકારી સહાયોનું લાભાર્થીઓના ખાતામાં સીધું હસ્તાંતરણ (DBT) હોય, કોવિડ-19 નાણાકીય સહાય હોય, પીએમ-કિસાન હોય , મનરેગા અંતર્ગત વેતનમાં વધારો હોય, જીવન અને આરોગ્ય વીમાકવચ હોય – આ તમામ પહેલોનું પ્રથમ પગથિયું પુખ્ત વયની દરેક વ્યક્તિને બેંક ખાતું પ્રદાન કરવાનું છે અને આ પ્રક્રિયા પી.એમ. જે.ડી.વાય.એ લગભગ પૂર્ણ કરી છે. 

ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ૧૫ ઑગસ્ટ, ૨૦૧૪ના રોજ તેમના સ્વતંત્રતા દિવસ નિમિત્તેના રાષ્ટ્રજોગ સંબોધનમાં પ્રધાનમંત્રી જનધન યોજનાની શરૂઆતને આર્થિક વિષકારી ચક્રમાંથી ગરીબોની મુક્તિની ઉજવણીનો એક પ્રસંગ ગણાવી હતી. (ખાસ લેખ – સંદીપ કાનાણી)

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો