Regional Science Center in Gujarat 1

Regional Science Center In Gujarat: 1 વર્ષમાં લાખો પ્રવાસીઓએ લીધી ગુજરાતમાં સ્થિત રિજિયોનલ સાયન્સ સેન્ટરોની મુલાકાત

Regional Science Center In Gujarat: ગુજરાતમાં પાટણ, ભાવનગર, ભુજ અને રાજકોટ ખાતે ₹100 કરોડના ખર્ચે GUJCOST દ્વારા બનાવવામાં આવ્યા છે રિજિયોનલ સાયન્સ સેન્ટર્સ

  • વિવિધ વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓથી ધમધમી રહેલા આ વિજ્ઞાન કેન્દ્રો બન્યા છે ગુજરાતના આકર્ષક વૈજ્ઞાનિક પ્રવાસન સ્થળો
  • રિજિયોનલ સાયન્સ સેન્ટર્સ ‘લોકોને વિજ્ઞાન સુધી અને વિજ્ઞાનને લોકો સુધી લઇ જવું’ના થીમને અનુસરે છે

ગાંધીનગર, 17 નવેમ્બર: Regional Science Center In Gujarat: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને નેતૃત્વમાં ગુજરાત રાજ્યમાં વિજ્ઞાન અને ટેક્નોલોજીના પ્રચાર માટે અને વિદ્યાર્થીઓને ઇનોવેશન કરવા માટે એક આદર્શ પ્લેટફોર્મ પૂરું પાડવાના ઉદ્દેશથી વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી દ્વારા રાજ્યના પાટણ, ભાવનગર, ભુજ અને રાજકોટ ખાતે ચાર રિજિયોનલ સાયન્સ સેન્ટરનું નિર્માણ કરવામાં આવ્યું છે.

₹100 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા આ રિજિયોનલ સાયન્સ સેન્ટર્સ આજે વિજ્ઞાન વિષય અને વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓમાં રસ ધરાવતા લોકો માટે આકર્ષણના કેન્દ્રો બન્યા છે. આ સેન્ટરોના લોકાર્પણથી અત્યારસુધીમાં 11 લાખથી વધુ મુલાકાતીઓ આ રિજિયોનલ સાયન્સ સેન્ટરોની મુલાકાત લઈ ચૂક્યા છે, જેમાં સૌથી વધુ 7.50 લાખ લોકોએ પાટણ ખાતે આવેલા રિજિયોનલ સાયન્સ સેન્ટરની મુલાકાત લીધી છે.

RSC વિવિધ વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓ હાથ ધરે છે

આ ચાર રિજિયોનલ સાયન્સ સેન્ટરોના ઉદ્ઘાટનથી રાજ્યમાં અત્યંત વ્યવસ્થિત અને વિચારપ્રેરક વૈજ્ઞાનિક પ્રવાસન સ્થળોની રચના થઈ છે. વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રત્યે વધુ ને વધુ લોકો આકર્ષાય તે હેતુથી આ સેન્ટરો ખાતે અનેક જ્ઞાનવર્ધક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

ગુજરાતના તમામ જિલ્લાઓ, ભારતના વિવિધ રાજ્યો અને વિદેશોમાંથી પણ લોકો વૈજ્ઞાનિક સંશોધનના આ કેન્દ્રો તરફ આકર્ષાયા છે. ઇન્ટરેક્ટિવ ગેલેરીઓ ઉપરાંત, આ સેન્ટર્સ વિવિધ વૈજ્ઞાનિક આઉટરીચ પ્રવૃત્તિઓ હાથ ધરે છે.

આ પ્રવૃત્તિઓમાં જિલ્લા કક્ષાની ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ, જિલ્લા કક્ષાની ગુજરાત STEM (સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ, મેથેમેટિક્સ) ક્વિઝ, વર્લ્ડ સ્પેસ વીક, સ્કાય ઓબ્ઝર્વેશન પ્રોગ્રામ્સ, નેશનલ મેથેમેટિક્સ ડે, નેશનલ સાયન્સ ડે, મિશન LiFE પર અવેરનેસ પ્રોગ્રામ, જનભાગીદારી દ્વારા ઇવેન્ટ્સ અને વર્કશોપ જેવી ઘણી મેગા ઇવેન્ટ્સનો સમાવેશ થાય છે. આ રિજિયોનલ સાયન્સ સેન્ટરો “લોકોને વિજ્ઞાન સુધી અને વિજ્ઞાનને લોકો સુધી લઈ જવું” ના થીમને અનુસરે છે.

આ સેન્ટરોએ નોંધપાત્ર સંખ્યામાં વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક પ્રયોગોમાં જોડાવા, તેમજ વિજ્ઞાન અને ટેક્નોલોજીમાં રસ અને જિજ્ઞાસા જગાડવા માટે પ્રોત્સાહિત કર્યા છે.

આવનાર સમયમાં GUJCOST દ્વારા સ્થાપિત કરવામાં આવશે વધુ ચાર રિજિયોનલ સાયન્સ સેન્ટર

GUJCOST આગામી સમયમાં વડોદરા, સુરત, જામનગર અને જૂનાગઢ ખાતે વધુ ચાર રિજિયોનલ સાયન્સ સેન્ટરોની સ્થાપના કરી રહ્યું છે. આ સેન્ટરો વૈજ્ઞાનિક શિક્ષણ, ઇન્ટરેક્ટિવ પ્રદર્શનો, વર્કશોપ અને શૈક્ષણિક કાર્યક્રમો માટે હબ તરીકે કાર્યરત થશે. તેઓ આગામી પેઢીના લર્નર્સ અને લીડર્સમાં વૈજ્ઞાનિક જિજ્ઞાસા અને પૂછપરછની સંસ્કૃતિને ઉત્તેજન આપવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

આ ઉપરાંત, GUJCOST એ રાજ્યના 23 જિલ્લાઓમાં ડિસ્ટ્રિક્ટ સાયન્સ સેન્ટર્સની કામગીરી શરૂ કરી છે અને રાજ્યના બાળકો અને નાગરિકોને તેમના ઘરઆંગણે એક મંચ પૂરો પાડવાનો પ્રયાસ કર્યો છે, જેથી દરેક વ્યક્તિને વૈજ્ઞાનિક અનુભવો અને શૈક્ષણિક સંસાધનો સરળતાથી ઉપલબદ્ધ કરાવી શકાય તે સુનિશ્ચિત થાય.

ડિસ્ટ્રિક્ટ સાયન્સ સેન્ટર્સ, રિજિયોનલ સાયન્સ સેન્ટર્સ અને ગુજરાત સાયન્સ સિટી, આ ત્રણેય સાથે મળીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિજિટલ ઇન્ડિયા મિશન અનુસાર દેશમાં વિજ્ઞાનના પ્રચાર અને વિજ્ઞાનની લોકપ્રિયતા વધારવાનું એક રોલ મોડેલ બનાવે છે.

પાયાના સ્તરે વિજ્ઞાન અને ટેક્નોલોજીને પ્રોત્સાહન આપવાથી રાજ્યના આર્થિક અને તકનીકી વિકાસને પ્રોત્સાહન મળે છે. વૈજ્ઞાનિક રીતે સાક્ષર અને ઇનોવેટિવ સમાજનું નિર્માણ કરીને, ગુજરાત કૃષિ અને ઉદ્યોગથી લઈને આરોગ્યસંભાળ અને પર્યાવરણીય ટકાઉપણા સુધીના વિવિધ ક્ષેત્રોમાં તેની પ્રગતિને આગળ વધારી શકે છે.

રિજિયોનલ સાયન્સ સેન્ટર્સ રાજ્યના જ્ઞાન કેન્દ્રો તેમજ વિજ્ઞાન અને ટેક્નોલોજીના સંશોધન માટે અને વૈજ્ઞાનિક પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટેના શ્રેષ્ઠ સ્થળ બનવાની દિશામાં સતત આગળ વધી રહ્યા છે. આ સેન્ટ્રો સમગ્ર ગુજરાત રાજ્યમાં વિજ્ઞાન અને ટેક્નોલોજીના પ્રચાર, પ્રસાર અને શિક્ષણ માટેના અનન્ય કેન્દ્રો તરીકે ઉભરી રહ્યા છે અને સમાજના તમામ લોકો માટે વૈજ્ઞાનિક શિક્ષણને સુલભ અને આનંદપ્રદ બનાવે છે.

આ પણ વાંચો… Ahmedabad Civil Hospital Diwali: દિવાળી પર્વમાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સેવાનો મહાયજ્ઞ…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો