Harsh Sanghvi

Toilet Facility Free: એસ.ટી બસ સ્ટેશન ઉપર કાર્યરત પે એન્ડ યુઝ શૌચાલયોની સુવિધા નિ:શુલ્ક કરી દેવાશે

Toilet Facility Free: વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગર એસ.ટી ડેપો ખાતેથી “શુભ યાત્રા, સ્વચ્છ યાત્રા” કેમ્પેઈનનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો

  • બસ સ્ટેશન ખાતે વિરામના સમયે પહોંચેલી એસ.ટી બસ સ્વચ્છતા કર્મીઓ દ્વારા ૧૦ મિનિટમાં નીટ એન્ડ ક્લીન કરી દેવાશે: વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી

ગાંધીનગર, 02 ડિસેમ્બરઃ Toilet Facility Free: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન વેગવંતુ બન્યુ છે. ત્યારે રાજ્યના નાગરિકોની મુસાફરી સ્વચ્છ અને સુગમ બની રહે તે આશય સાથે આજે ગાંધીનગર એસ.ટી ડેપો ખાતેથી “શુભ યાત્રા, સ્વચ્છ યાત્રા” કેમ્પેઇનનો રાજ્યવ્યાપી શુભારંભ વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ કરાવ્યો છે.

આની સાથે જ રાજ્યના નાગરિકોને યાતાયાતની સુવિધા વધુ સુદ્રઢ કરવા માટે આગામી ૧૦ મહિના સુધી દર મહિને ૨૦૦ એસ.ટી બસો એટલે કે, ૧૦ મહિનામાં કુલ ૨૦૦૦ નવી એસ.ટી બસો મુસાફરોની સુખાકારી અને શુભ યાત્રા માટે ઉપલબ્ધ કરાવવાનું આયોજન કરવામાં આવ્યુ હોવાનું મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ છે.

“શુભ યાત્રા સ્વચ્છ યાત્રા” કેમ્પેઇનનો શુભારંભ કરાવતા મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, નાગરિકોની મુસાફરી સ્વચ્છ અને સુગમમય બની રહે તે માટે રાજ્ય સરકાર હર હંમેશ કટિબદ્ધ છે. તે અંતર્ગત રાજ્ય સરકારે કેટલાક નવીન આયામો હાથ ધર્યા છે જેમાં બસ સ્ટેશન ખાતે વિરામના સમયે પહોંચેલી એસ.ટી બસ સ્વચ્છતા કર્મીઓ દ્વારા ૧૦ મિનિટમાં નીટ એન્ડ ક્લીન કરી દેવામાં આવે ત્તે પ્રકારની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.

આ ઉપરાંત નિગમ દ્વારા પી.પી.પી ધોરણે વિકસાવેલા બસ સ્ટેશનો સિવાયના તમામ બસ સ્ટેશન ઉપર શૌચાલયના વપરાશ માટે લેવામાં આવતા પે એન્ડ યુઝ ચાર્જીસ પણ માર્ચ-૨૦૨૪ સુધીમાં સંપૂર્ણ રીતે બંધ કરીને પે એન્ડ યુઝ શૌચાલયોની સુવિધા નિ:શુલ્ક કરી દેવાશે. પે એન્ડ યુઝ થકી નિગમને સવા કરોડ રૂપિયાની આવક થાય છે. પરંતુ પ્રજાના હિત માટે આ રકમ જતી કરી પે એન્ડ યુઝ શૌચાલય નિશુલ્ક સેવા આપવાનો પ્રજાલક્ષી નિર્ણય કર્યો છે.

તેમણે કહ્યું કે, હવે મુસાફરો બસ અને બસ સ્ટેશનોની સ્વચ્છતાનો અભિપ્રાય પણ આપી શકશે. જે માટે ખાસ પેસેન્જર ફિડબેક સિસ્ટમ QR કોડ હશે. નિગમના અધિકારીઓ દ્વારા સ્વચ્છતાની કામગીરીનું સમયસર ઇન્સ્પેક્શન અને ઇવેલ્યુશન કરાશે. આ QR કોડ મારફતે બસ અને ડેપોની સ્વચ્છતા અંગે ફિડબેક આપવા સૌ નાગરિકોને મંત્રીએ અપીલ કરી છે.

ST Bus Cleaning

સરકારી એસ.ટી બસોને ખાનગી લકઝરી જેવી બનાવવાની નેમ સાથે મંત્રીએ કહ્યું કે, એસ.ટી. નિગમની ૧૬૮૧ બસોમાં ડસ્ટબીન મૂકવામાં આવી છે. જ્યારે બાકી રહેતી અન્ય બસોમાં પણ આગામી ૧૦ દિવસમાં ડસ્ટબીન મૂકી દેવામાં આવશે. તે ઉપરાંત ડેન્ટીંગની જરૂરીયાતવાળા ૫૪૧ વાહનોને ૬૦ દિવસમાં દુરસ્ત કરવામાં આવશે.

કલર કામની જરૂરિયાતવાળા ૫૧૬ વાહનોની આગામી ૧૦૦ દિવસમાં કામગીરી પૂર્ણ કરવામાં આવશે. સીટની રીપેરીંગની જરૂરીયાતવાળા ૪૮૨ વાહનોના રીપેરીંગની કામગીરી આગામી ૧૫ દિવસમાં પૂર્ણ કરી તમામ સરકારી એસ.ટી બસને ખાનગી લકઝરી બસ કરતા પણ ચઢિયાતી બનાવી દેવામાં આવશે.

મંત્રીએ ઉમેર્યુ કે, રાજ્યના તમામ ૨૬૨ બસ સ્ટેશનો ખાતે ટોઈલેટ બ્લોકના અપગ્રેડેશનની કામગીરી આગામી ૧૦૦ દિવસમાં પૂર્ણ કરવામાં આવશે. રાજયના ૨૧૬ બસ સ્ટેશનો ખાતે મુસાફર બેઠક વ્યવસ્થા, વિકલાંગ વ્યક્તિઓ માટે રેલીંગ, રેમ્પ, કલર કામગીરી તેમજ સરકયુલેશન વિસ્તાર સહિત અપગ્રેડેશન/નવીનીકરણની કામગીરી આગામી ૧૦૦ દિવસમાં પૂર્ણ કરવામાં આવશે.

૧૩ નવીન બસ સ્ટેશનની કામગીરી પ્રગતિ હેઠળ છે. જ્યારે ૩૩ સ્થળો ખાતે નવીન બસ સ્ટેશન નિર્માણ કરાશે. ૫૦ સ્થળો ખાતે આર.ઓ. ટ્રીટેડ શુધ્ધ પાણીની સુવિધા આગામી ૫૦ દિવસમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે.

રાજ્યના તમામ બસ સ્ટેશન ઉપર સ્વચ્છતાના ઉચ્ચતમ પરિણામો હાંસલ કરી સતત જાળવી રાખનાર સ્ટેન્ડ ઇન્ચાર્જ તથા ડેપો મેનેજરને બસો તથા બસ સ્ટેશનની સફાઈનું મૂલ્યાંકન કરી રાજ્યકક્ષાનો ઇનામ વિતરણ સમારોહ યોજવામાં આવશે. જે અંતર્ગત બસ સ્ટેશનનું તેમજ બસોની કાયાકલ્પ, બસોમાં સ્વચ્છતાના ઉત્તમ પરિણામો હાંસલ કરવા સફાઈની પદ્ધતિમાં આમૂલ પરિવર્તન કરીને કુલ ૩૦૦થી વધુ સફાઈ કર્મીઓ રાઉન્ડ ધી ક્લોક રાખીને રાજ્યની ચાર મહાનગરપાલિકાઓના બસ સ્ટેશન ઉપર પ્લેટફોર્મ દીઠ એક સફાઈ કર્મી રાખીને સાફ-સફાઈ કરવામાં આવશે.

આ ઉપરાંત જિલ્લા તથા તાલુકા કક્ષાના બસ સ્ટેશન ઉપર ૧ હજાર જેટલા સફાઈ કર્મીઓ રાઉન્ડ ધી ક્લોક રાખીને બસો તેમજ બસ સ્ટેશનની સાફ સફાઈમાં ઉચ્ચતમ પરિણામો હાંસલ કરવા એસટી નિગમને સૂચના આપવામાં આવી છે.

મંત્રીએ ઉમેર્યુ હતું કે, બસો અને બસ સ્ટેશન ઉપર સ્વચ્છતાની જવાબદારી જેટલી એસટી નિગમની છે તેટલી જ મુસાફરોની પણ છે. કચરો જ્યાં ત્યાં ન ફેંકતા ડસ્ટબીનનો ઉપયોગ કરો. જે બસોમાં રોજ સવારે તમે તમારા સપનાની પાંખ આપવા સવારી કરો છો તેને સ્વચ્છ રાખવા સહકાર આપવા પણ તેમણે અ‍નુરોધ કર્યો હતો.

આ કાર્યક્રમમાં ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલ, ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર હિતેશભાઈ મકવાણા, મુખ્ય અધિક સચિવ એમ.કે દાસ, મેનેજિંગ ડાયરેકટર એમ.એ ગાંધી સહિતના પદાધિકારી-અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને એસટી બસ ડેપોનું નિરીક્ષણ કરી સ્વચ્છતા કરીને શ્રમદાન કર્યું હતું.

આ પણ વાંચો… CM Bhupendra Patel Visited Micron Plant in Singapore: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સિંગાપોરમાં માઇક્રોન પ્લાન્ટની મુલાકાત લીધી

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો