Harsh sanghavi

Yoga training: ૧૦૦ દિવસ દરમિયાન ગુજરાતભરમાં યોગ તાલીમના ૧૦૦ કાર્યક્રમો યોજાશે: હર્ષ સંઘવી

Yoga training: ૧૦માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી પૂર્વે ગાંધીનગર ખાતેથી “100 Days to Go” કાઉન્ટ ડાઉનની શરૂઆત કરાઈ

  • Yoga training: ૨૧ જૂન, ૨૦૨૪ના રોજ નડાબેટ બોર્ડર ખાતે લાખો ગુજરાતીઓ યોગાભ્યાસ કરીને “યોગોત્સવ”ની ભવ્યાતિભવ્ય ઉજવણી કરશે
  • ગુજરાતની તમામ જેલોમાં પણ ૧૦૦ દિવસ સુધી બંદીવાન ભાઇઓ-બહેનો માટે યોગ તાલીમ કાર્યક્રમો યોજાશે
  • ગુજરાત યોગ બોર્ડ દ્વારા ગત એક વર્ષમાં ૧૦૦થી વધુ યોગ કોચ અને ૨૦,૦૦૦થી વધુ યોગ ટ્રેનરો તૈયાર કરાયા

ગાંધીનગર, 13 માર્ચ: Yoga training: ૧૦માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસના રોજ રાજ્ય સરકાર દ્વારા ગુજરાતભરમાં “યોગોત્સવ”ની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવશે. યોગ દિવસની ઉજવણી પૂર્વે ગાંધીનગર ખાતે રમત-ગમત રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ માટે “100 Days to Go” કાઉન્ટ ડાઉનની શરૂઆત કરાવી હતી.

મંત્રી હર્ષ સંઘવીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આગામી ૨૧ જૂનના રોજ ભારત-પાકિસ્તાનની બોર્ડર – નડાબેટ ખાતે લાખો નાગરીકો યોગાભ્યાસ કરીને “યોગોત્સવ”ની ભવ્યાતિભવ્ય ઉજવણી કરશે. આ ઉપરાંત ગુજરાત સરકાર દ્વારા યોગ દિવસ પૂર્વે આગામી ૧૦૦ દિવસ સુધી રાજ્યભરમાં યોગ તાલીમના ૧૦૦ જેટલા કાર્યક્રમો યોજાશે. સાથે-સાથે ગુજરાતની તમામ જેલોમાં પણ ૧૦૦ દિવસ સુધી દરેક બંદીવાન ભાઇઓ-બહેનો અને જેલના સ્ટાફને યોગના લાભ અને યોગની સમજૂતી ઉપરાંત જીવનમાં સકારાત્મકતા લાવવા યોગના તાલીમ કાર્યક્રમો પણ યોજાશે.

તેમણે કહ્યું કે, ગત એક વર્ષ દરમિયાન ગુજરાતે યોગાભ્યાસને પ્રોત્સાહિત કરતા બે વર્લ્ડ રેકોર્ડ નોંધાવી વિશ્વભરમાં ભારતનું નામ રોશન કર્યું છે. વર્ષ ૨૦૨૩માં યોગ દિવસના રોજ ગુજરાતમાં ઐતિહાસિક દ્રશ્યો જોવા મળ્યા હતા. રાજ્યમાં એક સાથે લાખો નાગરિકોએ યોગાભ્યાસ કરીને ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધણી કરાવી હતી. ત્યારબાદ વર્ષ ૨૦૨૪ની શરૂઆતમાં જ એક સાથે લાખો ગુજરાતીઓએ સૂર્ય નમસ્કાર કરીને વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે.

આ પણ વાંચો:- NHAI Updates FASTag Provider List : NHAIની સુધારેલી યાદી મુજબ હવે આ બેંકો અથવા NBFCs FASTag સેવા ઉપલબ્ધ રહેશે- વાંચી લો લિસ્ટ

યોગના મહત્વ અંગે વાત કરતા મંત્રી સંઘવીએ જણાવ્યું હતું કે, ભારતના ઋષિમુનીઓએ યોગ સ્વરૂપે ભારતીય સંસ્કૃતિ અને માનવજાતને અમૂલ્ય ભેટ આપી છે. આ મહામૂલી ભેટને વિશ્વ ફલક પર નામના અપાવવા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ યુનાઇટેડ નેશન્સને કરેલ પ્રસ્તાવનો સ્વીકાર કરી, ૨૧ મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાનો ઐતિહાસિક નિર્ણય લીધો હતો. પરિણામે આજે સમગ્ર વિશ્વ પ્રતિવર્ષ ૨૧મી જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરે છે.

મંત્રીએ યોગસેવકોને અનુરોધ કરતા કહ્યું હતું કે, દેશની ઋષિ પરંપરા “યોગ”ને ગુજરાતના ઘર-ઘર સુધી પહોંચાડવાની ગુજરાત સરકારે નેમ લીધી છે. રાજ્ય સરકારના યોગ બોર્ડ દ્વારા છેલ્લા એક વર્ષમાં ૧૦૦થી વધુ યોગ કોચ અને ૨૦,૦૦૦થી વધુ યોગ ટ્રેનરો તૈયાર કર્યા છે. આ ૧૦૦ દિવસ દરમિયાન રાજ્યના યોગસેવકોથી પ્રેરિત થઈને રાજ્યના વધુમાં વધુ નાગરીકો યોગ સાથે જોડાય તે માટેના પ્રયત્નો કરવા મંત્રીએ સૌને અનુરોધ કર્યો હતો. સાથે જ તેમણે આ વર્ષના યોગ દિવસની ઉજવણીને પણ જનસહયોગ થકી સફળ બનાવવા સૌને સંકલ્પબદ્ધ થવા જણાવ્યું હતું.

આ કાર્યક્રમ દરમિયાન ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલ, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શીશપાલસિંહ રાજપૂત, ગુજરાત યોગ બોર્ડના અધિકારી-કર્મચારી, યોગ કોચ, યોગ ટ્રેઈનર અને મોટી સંખ્યામાં નાગરીકો ઉપસ્થિત રહ્યા હતા.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો