New Zealand flag raising

Little india Australia: ”લિટલ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા” સંસ્થા દ્વારા ધ્વજવંદનનાં કાર્યક્રમ આયોજિત

Little india Australia: સંસ્થાનાં કલચરલ ડાયરેક્ટર વૈભવી જોશીએ આ ધ્વજવંદનનાં કાર્યક્રમની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કર્યું હતું

Little india Australia: તિરંગા કિરણો લઈને, ખુશીઓનાં ઉમળકા સાથે આઝાદીનો સૂરજ મારે સિડનીને આંગણે ઉગ્યો..!! આવી એક સવાર સાચે જ સિડનીનાં આંગણે આવીને કાયમ માટે સોનેરી યાદો આપતી ગઈ. આમ જોવા જઇયે તો અહીંયા કેટલાં બધા ભારતીયોએ છેલ્લાં ૨-૩ દિવસોમાં ભેગા મળીને અલગ-અલગ જગ્યાએ ધ્વજવંદન કર્યું હતું.

વિદેશની ધરતી પર જયારે આપણો રાષ્ટ્રધ્વજ હવામાં ફરફર લહેરાતો હશે ત્યારે સાચે જ ત્યાં હાજર રહેલો દરેકેદરેક ભારતીય ધન્યતા અનુભવી રહ્યો હશે. આંખોમાં હર્ષનાં આંસુ સાથે અને ઉન્નત મસ્તકે જયારે આપણા ત્રિરંગાને સલામી અપાઈ રહી હશે ત્યારે તમામ ભારતીયોની છાતી ગજગજ ફૂલી ગઈ હશે. “જન ગણ મન!!” પત્યા પછી “જય હિન્દ”, “ભારત માતા કી જય” અને “વંદે માતરમ્” નાં પડઘા હજીય જાણે હવામાં ગુંજી રહ્યા છે.

આટલા બધા અલગ-અલગ કાર્યક્રમોમાં એક વિશેષ કાર્યક્રમ સહુનાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો. આ કાર્યક્રમમાં ઘણી બધી વિશેષ બાબતો બની જેણે સહુનું ધ્યાન ખેંચ્યું હતું. ૧૩મી ઓગસ્ટનાં રોજ રવિવારની સવારે ૧૧ વાગે સિડનીનાં અત્યંત પ્રખ્યાત સબર્બ હેરિસ પાર્કમાં “લિટલ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા” દ્વારા ધ્વજવંદનનો વિશેષ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો.

આ સંસ્થાનાં પ્રમુખ ગુરમીત તુલી અને ચેર પર્સન પરાગ શાહનો આ કાર્યક્રમને સફળ બનાવવા પાછળ સિંહ ફાળો રહ્યો હતો. આ એ જ લિટલ ઈન્ડિયા ઓસ્ટ્રલિયા છે જેનો પાયો આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં તાજેતરમાં થયેલા ઓસ્ટ્રેલિયાનાં પ્રવાસ દરમ્યાન નાખવામાં આવ્યો હતો.

New Zealand flag raising 1

આ સંસ્થાનાં કલચરલ ડાયરેક્ટર વૈભવી જોશીએ આ ધ્વજવંદનનાં કાર્યક્રમની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કર્યું હતું જેમાં ભારતનાં અલગ-અલગ રાજ્યોનાં નૃત્ય પ્રસ્તુત કરવામાં આવ્યા. એ સાથે સિનિયર સિટિઝનોએ પણ અનેરાં ઉત્સાહથી ભાગ લીધો હતો.

એમણે ગાયેલાં દેશભક્તિનાં ગીતોથી ત્યાં હાજર રહેલા દરેકેદરેક ભારતીયોની નસેનસમાં દેશદાઝ ઉતરી આવી હતી. આ કાર્યક્રમમાં એટલી મોટી સંખ્યામાં જનમેદની હાજર રહી હતી કે જાણે હકીકતમાં મીની ઈન્ડિયા જ જોઈ લો.

આ આખોય કાર્યક્રમ આમ તો સવારનાં ૧૧ વાગ્યે શરુ થવાનો હતો પણ ત્યાંના સ્થાનિક રહેવાસીઓનો મેળાવડો આશરે ૧૦ વાગ્યાથી જ જામવા લાગ્યો હતો. લિટલ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયાનાં અન્ય એક કાર્યકર્તા દિપીકાબહેનની આગેવાનીમાં હેરિસ પાર્કમાં સિનિયર સિટિઝનનું એક ગ્રુપ કાર્યરત છે.

કનુભાઈ બોરબાર, રમેશ શાહ અને શંકરભાઈ પટેલ મહેસાણાથી આ ગ્રુપનાં મુખ્ય કાર્યકર્તા છે. દીપિકાબહેન અને પરાગ શાહ સાથે મળીને આ સિનિયર સીટીઝન ગ્રુપે હેરિસ પાર્કનાં રોસેલાં પાર્કમાંથી આપણા ત્રિરંગા સહીત રેલી કાઢી હતી.

New Zealand flag raising 2

આ રેલી રોસેલાં પાર્કમાંથી નીકળી ત્યાંની પ્રખ્યાત વિગ્રામ સ્ટ્રીટ પર થઈને અડા સ્ટ્રીટમાંથી પસાર થતાં-થતાં એના ગંતવ્ય સ્થાન પર નિર્ધારિત સમયે પહોંચી હતી. આ આખીય રેલી દરમ્યાન આ સિનિયર સિટીઝન ગ્રુપનાં લોકોએ “જય હિન્દ”, “ભારત માતા કી જય” અને “વંદે માતરમ્” નાં સૂત્રોચ્ચાર કર્યા હતાં.

આ વિશેષ રેલી અંગે મંતવ્ય આપતા પરાગ શાહે જણાવ્યું હતું કે આ રેલીનો મુખ્ય આશય લોકોમાં “વસુધૈવ કુટુંમ્બક્મ” ની ભાવના જાગૃત કરવાનો હતો. આ રેલીનાં સુકાની દીપિકાબહેને જણાવ્યું હતું કે આ રેલી લોકોમાં શાંતિ અને ભાઈચારાનાં મૂલ્યોની સ્થાપના કરવાનાં હેતુસર કાઢવામાં આવી હતી.

આ રેલી નિયત સમયે સ્થળ પર પહોંચી હતી જેથી ધ્વજવંદનનો કાર્યક્રમ સમયસર શરુ થઈ શકે. ધ્વજવંદન માટે અહીંનાં સ્થાનિક રાજકારણીઓ, કાઉન્સેલર, પાર્લામેન્ટનાં સદસ્યો અને ભારતીય સમુદાયનાં અગ્રણીઓએ હાજરી આપી હતી. અહીંયા સિડનીનાં પ્રતિષ્ઠિત અને અગ્રણીઓમાંના એક એવા હરીશ ભાઈએ સંસ્થાનાં પ્રમુખ ગુરમીત ભાઈ, ચેર પર્સન પરાગભાઈ અને હાજર રહેલાં તમામ રાજકારણીય મહાનુભાવો સાથે મળીને ધ્વજવંદન કર્યું.

સાથે જ ચારેયકોર હવામાં “જય હિન્દ”, “ભારત માતા કી જય” અને “વંદે માતરમ્” નાં સૂત્રોચ્ચાર ગુંજી ઉઠ્યા હતાં. એ પછી સહુથી પહેલાં ઓસ્ટ્રેલિયાનું રાષ્ટ્રગાન ૧૧ વર્ષનાં નાનાં બાળકો પ્રેશા અવલાની અને અઘ્યાંશ ઝા દ્વારા ગાવામાં આવ્યું.

New Zealand flag raising 3

સહુથી મુખ્ય વાત એ હતી કે ભારતનું રાષ્ટ્રગાન “જન ગણ મન…!!” માત્ર ૬ અને ૮ વર્ષનાં નાનાં બાળકો અનુક્રમે પ્રહર શુક્લા અને શાનવી ગોવિંદા રાજુ દ્વારા ગાવામાં આવ્યું હતું. એ સિવાય અન્ય એક ભારતીય મૂળનાં છોકરા માલવ વાણીએ ગિટાર દ્વારા આપણા રાષ્ટ્રગાનની ધૂન વગાડી ત્યાં હાજર રહેલાં તમામને મોહિત કર્યા હતાં.

સંતાનો માતાપિતાને સાંભળે ઓછું અને અનુસરે વધારે. આવનારી પેઢી દ્વારા રાષ્ટ્રગાન ગવાયું ત્યારે હાજર રહેલાં તમામ ભારતીયોને એ શ્રદ્ધા બેઠી હતી કે આવનારી પેઢી આપણા અમૂલ્ય અને સમૃદ્ધ વારસાની પરંપરા આગળ ચોક્કસ ધપાવશે. અને આ મૂળિયાં બાળપણથી જ એમના બાળકોમાં રોપવા બદલ આ તમામ બાળકોનાં માતાપિતા અભિનંદનનાં અધિકારી તો ખરાં જ!

રાષ્ટ્રગાન કે રાષ્ટ્રગીત દેશની એવી ધરોહરમાંથી એક છે જેનાથી દેશની ઓળખ જોડાયેલી છે. મેં હંમેશા કહ્યું છે કે સભ્યતા અને સંસ્કાર ધરોહરમાં નથી મળતાં. એને ખૂબ જ લગન, મહેનત અને લાગણીથી સિંચવા પડે છે, ધીરજથી વર્ષોવર્ષ એની માવજત કરવી પડે છે અને ખૂબ કાળજીથી જતન પણ કરવું પડે છે.

આટલું જયારે ખંતપૂર્વક કરશો ત્યારે બાળકરૂપી છોડ વટવૃક્ષ બની ફૂલશે, ફાલશે અને એનાં મૂળિયાં ઊંડે સુધી રોપાશે. દેશની બહાર વસતાં તમામ ભારતીયોનાં મૂળ છેવટે તો ભારત સાથે જોડાયેલાં રહે એ મહત્વનું છે.

રાષ્ટ્રગાન પત્યાં પછી સાંસ્કૃતિક કાર્યક્રમની શરૂઆત ત્યાંની પ્રખ્યાત “સર્જન નૃત્ય અકાદમી” ચલાવતાં આશિકા મહેતાની શિષ્યો દ્વારા ગણેશ વંદનાનાં નૃત્યથી કરવામાં આવી. એ પછી તો કાર્યક્રમનો દોર આગળ વધતો ચાલ્યો અને પલ્લવી ભાગવત દ્વારા ચાલતી નાટયોક્તિ સંસ્થાની શિષ્યએ ભરતનાટ્યમનો અંશ રજુ કર્યો હતો જયારે મનમોહિની સંસ્થાની શિષ્યાઓએ કથ્થક નૃત્ય રજુ કર્યું હતું.

આ તમામ નૃત્યો નાનાં બાળકો દ્વારા કરવામાં આવ્યા હતાં જેમની વય મર્યાદા માત્ર ૮-૧૧ ની વચ્ચે કહી શકાય. આખાય કાર્યક્રમમાં સિડનીની પ્રખ્યાત ગાયિકા શોભા ઈંગલેશ્વરનો દેશભક્તિનાં ગીતો ગાવામાં સિંહ ફાળો રહ્યો જયારે ગાંધીનગરનાં શ્રી પ્રવીણ રાવલે એમની અદભુત ગાયિકી દ્વારા ત્યાં હાજર રહેલાં તમામમાં દેશદાઝની અનેરી ભાવના જન્માવી હતી. આમ જોવા જાઓ તો આ આખોય કાર્યક્રમ બાળકો અને સિનિયર સિટીઝને સફળ બનાવ્યો હતો.

સાંસ્કૃતિક કાર્યક્રમ પત્યાં પછી ત્યાં હાજર રહેલાં રાજકીય મહાનુભાવોનું પ્રવચન અત્યંત સરાહનીય રહ્યું જે ત્યાંની જનમેદનીએ ભરપૂર તાળીઓ સાથે વધાવી લીધું હતું. આ તમામ સ્થાનિક રાજકીય મહાનુભાવોનાં પ્રવચનની શરૂઆત “નમસ્તે” બોલીને અને અંત “જય હિન્દ” બોલીને થયો હતી જે તમામ ભારતીયો માટે અત્યંત ગર્વની બાબત હતી.

આ આખોય કાર્યક્રમ અહીંની સુવિખ્યાત મહિલા ફોટોગ્રાફર શાંતના દત્તા દ્વારા કચકડે કંડારાતો રહ્યો અને લાઈવ કવરેજ પણ કરવામાં આવ્યું અને ભારતીય સમુદાયનાં અગ્રણીઓનાં મંતવ્યો પણ લેવામાં આવ્યા હતાં.

આ આખીય વાતમાં સહુથી ધ્યાનાકર્ષક બાબત એ હતી કે લિટલ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સંસ્થા દ્વારા આ આખાંય કાર્યક્રમનું આયોજન નિઃશુલ્ક કરવામાં આવ્યું હતું. અહીં સુધી કે ત્યાંની પ્રખ્યાત જયપુર સ્વીટ્સ રેસ્ટોરાંના માલિક નરિન્દર સિંઘ દ્વારા ત્યાં હાજર રહેલાં તમામ લોકો માટે વિના મુલ્યે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. મોદી સાહેબનાં પ્રવચનમાં જે પ્રખ્યાત જયપુર જલેબીની વાત હતી એ ગરમાગરમ જલેબીની લિજ્જત ત્યાં હાજર રહેલાં તમામે માણી હતી.

ફરીફરીને એક વાર લિટલ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયાનાં પ્રમુખ ગુરમીત તુલી, ચેર પર્સન પરાગ શાહ અને કલ્ચરલ
ડાયરેક્ટર વૈભવી જોશીનો આભાર માનીયે એટલો ઓછો છે.

આજે તમામ ભારતીયોને પછી ભલે એ દેશવિદેશનાં કોઈ પણ ખૂણે વસતાં હોય કે ત્યાંનાં નાગરિક હોય પણ જેમનાં દિલમાં મારી જેમ અખંડ ભારત વસે છે કે જેમનાં મૂળિયાં ભારતમાં હજુય ક્યાંક તો અડે છે એવાં સહુને ૭૭માં સ્વાતંત્ર્ય દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ..!! જય મા ભારતી..!!

આ પણ વાંચો…. Maninagar Firing Case: મણિનગર ફાયરિંગ મામલે મોટો ખુલાસો; જાણો આરોપીએ શું કહ્યું…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો