Banner Nilesh Dholakiya 600x337 1

Father-Son Story: દીકરા મારા: દેવના દીધેલા!

Father-Son Story: !!દીકરા મારા!!

Father-Son Story: મારા એકદમ નજીકના “ઓળખીતાની આપવીતી અને વાર્તામય લખાણ”નું સાયુજ્ય સાધી શકાય તેવી અને ઉછેરમાં શું સંભવી શકે તે બાબતને ઉજાગર કરતી હરતી, ફરતી, તરતી ને દિલોદિમાગને ઢંઢોળતી લોકભોગ્ય વાતની પુનઃ પ્રસ્તુતિ – હિતેષભાઈ પોતાના પાંચ વર્ષના પૌત્ર શ્લોકને પીઠ પર બેસાડીને પોતે ઘોડો બનીને રમાડી રહ્યા હતા એ વખતે જ શાકભાજી લેવા ગયેલી એમની પુત્રવધૂ પ્રતિભા આવી ચડી.

પ્રતિભા દરવાજે ઉભી રહીને ઘડીક તો પૌત્ર અને દાદાનું આ નાટક જોતી જ રહી. શ્લોક દાદાની પીઠ પર બેસીને બાળબુદ્ધિમાં બિંદાસ બનીને ગાઈ રહ્યો હતો- “ચલ મેરે ઘોડે ટીક્ ટીક્ ટીક્, ન મમ્મા ઘરમેં ન કીસીકી બીક્. ચલ મેરે ઘોડે ટીક્ ટીક્ ટીક્…”

“હા હા,બદમાશ ! ક્યાંથી કોઈની બીક હોય તને! મારી ગેરહાજરીમાં કાયમ આવા જ ખેલ કરતા હશો ને દાદા અને પૌત્ર ભેગા થઈને! હવે મને ખબર પડી કે કાયમ તારું હોમવર્ક અધુરુ કેમ હોય છે. પપ્પા, મારી ગેરહાજરીમાં તમે આ જ ધંધો કરો છો ને મેડમનો ઠપકો મારે સાંભળવો પડે છે! તમે તો ટીચર રહી ચૂક્યા છો તેથી તમને તો એટલી ખબર પડવી જોઈએ ને કે, આ રીતે બાળકને રમાડીને બગાડાય નહીં!” કહીને ગુસ્સા સાથે વાવાઝોડાની જેમ પ્રતિભા રસોડામાં ચાલી ગઈ.

હિતેષભાઈએ થોડો નાહકનો બચાવનો પ્રયત્ન કર્યો, “વહુ બેટા, શ્લોકની આ ઉંમર હજી રમવાની છે. અભ્યાસની સાથે-સાથે થોડું રમવાનું મળે તો એનું મગજ આનંદમાં રહે અને એનું હોમવર્ક તો હું પુરુ કરાવું જ છું. હા, ઘણી વખત એટલું બધું હોમવર્ક હોય છે કે, મને ય દયા આવે છે એટલે પછી હોમવર્ક કરાવવાનું કાલ પર છોડી દઉં છું. આમેય દીકરાને પહેલા ધોરણમાં તો હવે દાખલ કરવાનો જ છે ને!”

“એ રમવાની વાતો બધી ભૂતકાળની થઈ, પપ્પા. એ બધું ગામડામાં શોભે. અત્યારે તો હોમવર્ક તો જે તે દિવસે જ પુરુ કરવું પડે. બીજું કે, આ ‘સીટી’નું કલ્ચર છે. અહીં તો સોસાયટીના લોકો સાથે તાલ મિલાવીને રહેવું પડે. આખી સોસાયટીમાં કોઈનું ય બાળક તમે- ક્યારેય રમતું જોયું છે? હા, તમેય થોડું સૌનું જોઈ જોઈને તો શીખો, શીખો. મારે ક્યાંય સોસાયટીના લોકોનું સાંભળવું ન પડે કે, “આ ફેમિલી સાવ ગામડીયું છે!”

પ્રતિભાએ રસોડામાં રહીને ગુસ્સામિશ્રિત અવાજે હિતેષભાઈ ને ધમકાવી કાઢ્યા. પ્રતિભાનો પતિ તે હિતેષભાઈનો પુત્ર પૂછી રહ્યો હતો કે, શું વાત છે પ્રતિભા? પપ્પાને શું કહે છે? “શું વાત હોય બીજી! આ પપ્પાના છોકરવેડા! પપ્પા શ્લોકને રમાડી રમાડીને બગાડી રહ્યા છે. આપણને તો એમ હતું કે, મમ્મી પપ્પા વારાફરતી આપણી સાથે રહીને છોકરાવને સુધારશે.

હિતેષભાઈને તો આજે બધું પાક્કું થઈ ગયું છતાંય થોડા પણ વિહ્વળ થયા વગર બોલ્યા, “પ્રતિભા વહુ, સાડા નવ થઈ ગયા છે, બગીચા બાજુ આંટો મારી આવું છું. છાશની થેલી લાવવાની હોય તો કહેજો.” “કેટલી વાર કહેવાનું કે, છાશનું નામ ન લ્યો, શ્લોક તમારા વાદે છાશ પીધા વગર રહેતો નથી. તમને ખબર છે કે, હું રોજ એને બોર્નવીટાવાળું દૂધ જ આપું છું.” પ્રતિભા તુચ્છકારેબોલી.

“એ સારું” કહીને હિતેષભાઈ ઘર બહાર નિકળી ગયા. જાહેર બગીચાના ગેટ પાસે પહોંચતાં જ હિતેષભાઈના ફોનમાં રીંગ આવી. ફોન એમની ધર્મપત્ની હેતલનો જ હતો, હિતેષભાઈ મૂડમાં આવી ગયા ને બોલ્યા ,”હેલ્લો દિવાની, મજે મેં?” “શું તમેય પણ! આ લખ્ખણ તમારાં ક્યારે જશે?” હેતલબેન ગામઠી લહેકામાં બોલ્યા. વહુ અને દીકરો સારુ રાખે છે ને?” હિતેષભાઈના હ્રદયમાં શેરડો પડી ગયો.

હિતેષભાઈ પરિસ્થિતિ પામી ગયું. એમને નક્કી થઈ ગયું કે, ધર્મપત્નીની પરિસ્થિતિ પણ તેમના જેવી જ છે. “હા, વિશ્વાસની મમ્મી! હું લ્હેરમાં છું. તું મારી લગીરેય ચિંતા કરીશ નહીં. દીકરો અને વહુ ખુબ સારુ રાખે છે. તું તારું શરીર સાચવજે. “હા, હું પણ મજામાં છું. અહીં બધી રીતે આનંદ છે. મારી કોઈ ચિંતા, ફિકર કરશો નહીં. લ્યો ત્યારે, હવે ફોન મૂકું છું.” હેતલબેને પણ સહજભાવે બોલવાનો પ્રયત્ન કરીને ફોન મુકી દીધો.

હિતેષભાઈ દશ મહિના પહેલાં જ શિક્ષકની નોકરીમાંથી નિવૃત થયેલ છે. સ્વભાવે કાયમી આનંદિત હિતેષભાઈની ધર્મપત્ની હેતલ સન્નિષ્ઠ ગૃહિણી. એમના પરિવારમાં બે પુત્રો- મોટો પુત્ર વિનોદ સિવિલ એન્જિનીયર છે, રાજકોટમાં પોતાની ઓફિસ છે. હિતેષભાઈએ હમણાં જ નિવૃતિ વખતે મળેલ નાણાંમાંથી પચ્ચીસ લાખનો ટેકો કરીને ઓફિસ લેવડાવી છે. વિનોદની પત્ની આકૃતિ બે બાળકોની માતા છે.

હિતેષભાઈનો નાનો દીકરો તે વિશ્વાસ અને એની ધર્મપત્ની પ્રતિભા. વિશ્વાસને સંતાનમાં એકનો એક પુત્ર શ્લોક છે. વિશ્વાસ ફાઈનાન્સ કંપનીમાં ફરજ બજાવે છે ને સારો પગારદાર છે. એને પણ હિતેષભાઈએ નિવૃત્તિ વખતે પચ્ચીસ લાખનો ટેકો કરીને મકાન લેવડાવ્યું છે. હાલ હિતેષભાઈ વિશ્વાસના પરિવાર સાથે છે. હિતેષભાઈ છેલ્લે વતનના ગામમાં જ નોકરી કરતા હતા ને ત્યાંથી જ નિવૃત થયા. ગામડે ઘરની પાંચ વિઘા જમીન પણ હિતેષભાઈ પાસે ખરી.

હિતેષભાઈની નિવૃતિની પછી છઠ્ઠે મહિને જ બન્ને દીકરા ને તેમની પત્નીઓ હિતેષભાઈ અને હેતલબેનને તેઓની સાથે રહેવા માટે લેવા આવ્યા હતા. બન્ને દીકરાઓ વિનંતી કરીને પિતાજીને કહેવા લાગ્યા હતા, ‘અમે બન્ને ભાઈ કમાતા છીએ, તમે હવે નિવૃત થયા છો.bતો હવે અમારી સાથે ચાલો.’ ખેતીવાડી તો આમેય ભાગીયા દ્વારા થતી હતી એટલે એની કોઈ ચિંતા નહોતી પરંતુ ગામલોકોની લાગણીના લીધે જ હિતેષભાઈ થોડા અટકી રહ્યા હતા.

મોટા પુત્ર વિનોદે કહ્યું હતું, ‘પપ્પા અમે તમારા બે દીકરાઓ છીએ. પુત્રોની લાગણી તો સરખી જ હોય એટલે અમારા બન્ને ભાઈઓની એવી ઈચ્છા છે કે, એક દીકરાને ત્યાં મમ્મી રહે અને એક દીકરાને ત્યાં પપ્પા. મહિનો પુરો થાય એટલે મમ્મી બીજા દીકરાને ત્યાં અને પપ્પા બીજા દીકરાને ત્યાં.

માબાપની લાગણીનો બન્ને પરિવારોને સરખો લાભ મળે એટલા માટે અમારી આવી ઈચ્છા છે.’ ‘અરે ભાઈ, તમે બન્ને તો અમારી આંખોનાં રતન છો. ગામ તો હવે તમારી અતિશય લાગણીઓને લીધે છોડવાનું જ છે તો તમારી ઈચ્છા પણ અમને મંજુર જ હોય ને. હિતેષભાઈએ હસતાં હસતાં કહ્યું હતું

હેતલબેન તથા વિશ્વાસના બાપુ, મા+બાપ બન્ને દીકરાઓ વચ્ચે વહેચાઈ ગયા. એક મહિનો પુરો થતાં જ વિનોદે હેતલબેનને કહ્યું, “ચાલો મમ્મી, હવે તમને વિશ્વાસને ઘેર મુકવા આવું.” બીજી બાજુ હિતેષભાઈ તો હેતલબેનની ચાતક નજરે રાહ જોઈ રહ્યા હતા. વિશ્વાસના ઘેર પહોચતાં જ હેતલબેને સૌપ્રથમ હિતેષભાઈ પર નજર સ્થિર કરી. હિતેષભાઈએ પણ દશેક સેકન્ડ હેતલબેનના ચહેરાનું મુલ્યાંકન કરીને હાસ્યની લહેરખી ફેંકી.

હ્રદયના ઉંડાણમાંથી હતાશાના નિકળેલ હાયકારાને હિતેષભાઈએ ચહેરા પર આવતાં પહેલાં જ રોકી દીધો. હિતેશભાઈ અને હેતલબેનનું આ ઔપચારિક મિલન બે કલાકનું જ રહ્યું. વારંવાર મોબાઈલમાં સમય જોતા વિનોદે જમવાનું પુરૂ થતાં જ કહ્યું, “ચાલો પપ્પા, તૈયાર થઈ જાઓ.”

હિતેષભાઈને જતી વખતે હેતલબેન એકીટશે જોઈ રહ્યા હતા. પ્રતિભા હાથ પકડીને હેતલબેનને ઘરમાં લઈ ગઈ. પૌત્રો પૌત્રીને સવાલ થયો કે, દાદા/દાદી કેમ જતા રહ્યા? ભૂલકાંઓનો નિસ્વાર્થ ભાવ આજે મોટેરાઓના સ્વાર્થમાં અટવાઈ ગયો હતો એ બિચ્ચારાને ક્યાંથી ખબર હોય…

હિતેષભાઈ બાળકોના માત્ર ટ્યુશન શિક્ષક અને દેખરેખ રાખનાર બનીને રહી ગયા. એમના ખાવાપીવાના ઓરતા તો સુકાઈ જ ગયા. ઓગણસાઈઠેય અડીખમ હિતેષભાઈના શરીરમાં હજી એક પણ રોગનું નામોનિશાન નહોતું છતાં ય દીકરાઓના ઘરમાં તો મોટાભાગનાં મિષ્ઠાન વાનગીઓની ચરી પાળવાની નોબત આવી ગઈ હતી.

બીજી બાજુ બન્ને દેરાણી જેઠાણીઓ ફોન પર વાતો કરીને સાસુ, સસરા માટે કેટલાય નિયમો નક્કી કરી લેતી હતી. વિકટ પરિસ્થિતિ તો હેતલબેનની હતી. બન્ને દીકરાઓને ઘેર કચરો પોતું તો સામાન્ય થઈ ગયું હતું સાથેસાથે બાળકોને નવડાવવા ધોવડાવવાનું કાર્ય તો ખરું જ!

ઉપરાંત શાકભાજી કાપવાનો અને લોટ બાંધવાનો વધારાનો હવાલો, લટકામાં! વાહ રે, નવા જમાનાની નવલી વહુરાણીઓનો સાસુ સસરા પ્રત્યેનો “સેવાભાવ”!?! સતત કામને લીધે એલર્જીની દવા બે ટાઈમ લેવાનું ફરજીયાત થઈ પડ્યું, હેતલબેનને. હવે તો શ્વાસ માટે પંપ લેવાનું પણ નસીબમાં લખાઈ ગયું.

પાંચ મહિનાની અદલાબદલીમાં ન હિતેષભાઈએ એક હરફ ઉચ્ચાર્યો કે ન કદી હેતલબેને તેમની આપવીતી વર્ણવી. પાંચમે મહિને એકદમ તબીયત લથડતાં હેતલબેનને દવાખાને દાખલ કરવા પડ્યા. સમાચાર મળતાં તાબડતોબ હિતેષભાઈ દવાખાને પહોંચી ગયા. હિતેષભાઈની હેતલબેન સાથે નજર મળી.

ઉચાટભર્યા સ્વરે માથા પર હાથ મુકીને હિતેષભાઈ બોલ્યા, “આમ તો સારું છે ને વિશ્વાસના મમ્મી!” “આમ તો સારું છે વિશ્વાસના બાપુ.” ચહેરા પર નિરર્થક હાસ્ય લાવવાની કોશિષ કરતા હેતલબેનની આંખો ઉભરાઈ આવી.

દીકરો આઘોપાછો થયેલ હતો અને વહુ તો ઘેર હતી. હિતેષભાઈએ હેતલબેનના આંસુ લુંછી નાખીને કહ્યું, “તો હવે કહેવું છે ને તમારે મને કે, “હાલો ને આપણા મલકમાં!” લાચારી દર્શાવતા ચહેરે હેતલબેને માત્ર હકારમાં ડોકું હલાવ્યું.

બપોર પછી ડોક્ટર આવતાં જ હિતેષભાઈ એમને મળી આવ્યા અને ડોકટર સાથે થોડી ગુપચુપ કરી લીધી. બીજા દિવસે હિતેષભાઈના દીકરા વહુની હાજરીમાં ડોકટરે કહ્યું કે, “હેતલબેનને શહેરનું હવામાન ક્યારેય માફક નહીં આવે. એમને લાંબું જીવાડવા હોય તો ગામડે લઈ જાઓ.”

હવે વતનમાં હિતેષભાઈ અને હેતલબેન ખેતરમાં ફાર્મહાઉસ બનાવીને સંતોષ સાથે જીવન પસાર કરી રહ્યા છે. આંગણે ગીરની દુઝણી ગાયો ઉભી છે. લીલાં તાજા શાકભાજી, છાણીયા ખાતરથી પકવેલ બાજરા, ઘઉંના રોટલા, રોટલી, તાજા છાશ, ઘી, માખણ આ બન્ને પતિ પત્ની આરોગી રહ્યાં છે. દિવસનો મોટા ભાગનો સમય ગામમાં સેવાકીય પ્રવૃતિઓમાં વિતાવતા આ દંપતિ પર ગામના લોકોનો અઢળક પ્રેમ વરસી રહ્યો છે.

હેતલબેનની એલર્જી ક્યારનીય ગાયબ થઈ ગઈ છે. પૌત્ર+પૌત્રીઓને રમાડવાના અભરખા તો મનના મનમાં રહી ગયા છે છતાંય મહિને બે મહિને આવતા બન્ને દીકરાઓના પરિવારોને ઘી, દુધની બરણીઓ ભરી આપે છે. બાજરા, ઘઉંની ગુણીઓય આપે છે તો બન્ને દીકરાઓના બાળકોને ગામડાના લોકજીવન, સંસ્કૃતિ, સભ્યતાના અને સંયુક્ત પરીવારના પાઠ શીખવવાની નાકામ કોશિષ પણ કરે છે. કાશ, પુત્રપ્રેમ સંયમિત કરી શકાતો હોત…!

આ પણ વાંચો…. 5 Benefits of Eating Cheese: વજન ઘટાડવાથી લઈને કેવિટીને દૂર રાખવા સુધી, તમને ચીઝ ખાવાના મળે છે આ 5 ફાયદા!

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો