happy new year

Happy new year: “મુઝે ચલના હોગા”


Happy new year: નવા વર્ષનો પ્રારંભ આશા, આકાંક્ષા અને આયોજનનો સમય. વીતેલા વર્ષમાં મેળવેલ સિદ્ધિનું, આવનાર વર્ષમાં પુનરાવર્તન પામે તે માટે આયોજનનો અથવા ભોગવેલ દુઃખ, યાતના ભૂલી નવી શરૂઆત કરવા પ્રયોજન નો સમય. એક અદભુત રિવાજ છે – ‘સંકલ્પ’. અનુભવ તેમજ અપેક્ષાઓના સમન્વય વડે વિચારમંથનના વલોણાં દ્વારા જે મન-મસ્તિષ્કમાં દસ્તક દે, વીતેલા વર્ષમાં મેં શું ભૂલ કરી હતી, જે આ વર્ષે ન કરવી જોઈએ? હું આ વર્ષે એવું શું કરૂ, જેથી હેલ્થ સારી રહે?

નવા વર્ષે ટાર્ગેટ એચીવ કરવા કાર્યો કરવા કે ન કરવાની સૂચિ એ જ સંકલ્પ.

સિગરેટ પીનારા શરીરને થનાર નુકસાનથી અજાણ નથી હોતા, તેઓનો સિગરેટ છોડવાનો નીર્ધાર, પાન-માવા-ગુટખા ખાવાવાળાનો સાર્વજનિક જગ્યાએ ન થુંકવાનો મનસૂબો, જાડી વ્યક્તિનો પાતળા બનવાનો નિશ્ચય કે વિદ્યાર્થીનો સારા માર્કસે પાસ થવાનો માનસિક ઈરાદો એટલે જ સંકલ્પ.

Naman munshi image 600x337 1

માણસની પ્રકૃતિ જ એવી છે જ્યાં ગોલ (લક્ષ્ય) હોય ત્યાં ટેમ્પ્ટેશન (પ્રલોભન) હોય જ. રોજ ઉપર-નીચે જવા જે દાદરનો ઉપયોગ કરતા હોય તે દાદરનું પગથિયું ક્યારેક ચૂકાઈ જવાય એટલે આપણે દાદર જ કાઢી નથી નાખતા. આવી ક્ષણિક ચૂકથી લક્ષ્ય પ્રાપ્તિ મોડી થઇ શકે તેટલું જ. પ્રયત્ન સાવ બેકાર તો નહિ જાય. શરત માત્ર એટલી, આવી ચૂક આદત ન બનવી જોઈએ. યાદ રહે સંકલ્પ એ ગોલ નથી, એ ગોલ તરફનું પહેલું પગથિયું માત્ર છે. સારી હેલ્થનું લક્ષ્ય સાધવા યોગ-કસરત કરવા જરૂરી છે. સંકલ્પ હંમેશા એચિવેબલ હોવો જોઈએ.

સાધારણ રીતે કાર્યારંભે જ લાગે તો તીર, નહીં તો તુક્કો અને ચાદર જોઈને પગ પહોળા કરવા જેવા માઈન્ડ સેટ હોય છે. ચાદર પહોળી ન હોય તો, નવી ચાદર લાવી શકાય. પ્રારંભ કરતા પહેલા જ થાય તો ઠીક મારા ભાઈ જેવી ઢીલી ચેષ્ટા આખા ઉદ્દેશને જ તરંગ-તુક્કો બનાવે છે. સંકલ્પની ખૂબી અને ખામી આ જ છે, ખૂબી એ કે તમે તમારી જાત સાથે કમિટમેન્ટ કરો છો અને ખામી એ કે તમે તમારી જાત સાથે જ છેતરામણી કરી શકો છો. જંગલમેં મોર નાચા, કિસને દેખા?

વીતેલા બે વર્ષે ઘણુંબધું છીનવી લીધું છે, કેટલાકનું તો સર્વસ્વ. વીતેલું વર્ષ કે ગુમાવેલ વ્યક્તિ તો પાછો આવવાનો નથી. ઈશ્વરે આપણને આજનો દિવસ જોવા જીવતા રાખ્યા તે માટે આભાર વ્યક્ત કરતા આગળ વધવું એ જ આપણી ફરજ તેમજ ઈશ્વર તરફની શ્રદ્ધા. આજે એક જ સંકલ્પ લેવો – ‘આગળ વધતા રહેવું છે’, મુઝે ચલના હોગા. મારા કુટુંબીઓ, મિત્રો અને પરિવારના સભ્યો સંપૂર્ણ સાવધાની અને કાળજી રાખીને હવે વધુ હાનિ ન થાય તે માટે પ્રયત્નશીલ અને સજાગ રહીશું.
નવું વર્ષ સર્વને સુખ, સમૃદ્ધિ અર્પે એ જ શુભેચ્છા.

Whatsapp Join Banner Guj