Banner Nilesh Dholakiya 600x337 1

Indian Festival: ઝૂલા કે ચૂલા : સબ ભૂલા !: નિલેશ ધોળકિયા

અત્યારે નવરાત્રિ (Indian Festival) ને પછી દશેરા અને શરદ પૂનમ, એ પછી દિવાળીના શુભ અવસરો ! ઉત્સવો આવે ત્યારે ઉત્સાહ વધે તે સ્વભાવિક છે અને એવા સમયે ફરી થનગનવા કે તરોતાજા રહેવા અમુક પ્રયોગો કરતા રહેવાનું જરૂરી છે. મન પ્રફુલ્લિત કે પ્રજ્જવલિત હોય ત્યારે વિચારો સાફ થતા જાય, મનમાં ધુમ્મસ જેવું હોય તો ઓગળવા માંડે, પર્સનલ કે પ્રોફેશનલ લાઈફમાં જે કંઈ ચાલતું હોય તે સ્પષ્ટપણે સમજાવા માંડે, કોઈ ઘટના કે વ્યક્તિને કારણે મનમાં નકારાત્મકતા પેદા થઈ ગઈ હોય તો તે દૂર થવા માંડે, જેથી આપણને મહત્વના નિર્ણયો લેવામાં આસાની રહેશે.

સંબંધોની વેલીડીટી(!?!)ને (લોક લાજે પણ) “લાઈફ ટાઈમ” જીવંત રાખવા માટે “વર્તનનું બેલેન્સ” તપાસતા રહેવું અથવા ખમતા રહેવું જરૂરી હોય છે. આંખમાં આંસુ હોય તો ય હસવું પડે છે, ભૂલ ભલે આપણી ન હોય તો પણ સંબંધ સાચવવા નમવું પડે છે. આ બાબતે આપણે સૌ અસહમતી સાથે સહમતી સાધીને જીવનનું રગસીયું ગાડું ગબડાવ્યે જ જઈએ છીએ ને !?

ન જાણે કોઈ એ રીતે બીજાને છેતરી જાણુ, અજબ ચાલાક બુદ્ધિનું ડહાપણ મને નથી જોઈતું. હોય કોઈ ઠંડીના ઠરતા તો એનું અંગ ઢાંકી દઉં, નકામા મૃત શરીર પાછળ ખાંપણ મને નથી જોઈતું. જીવતાને રાંધી ખાવા મળતું નથી જ્યાં ઈંધણ, પાંચ મણનું બળતણ મને નથી જોઈતું. કવિતા(સમર્પણ)નો ઉદ્દેશ સમજીને કોઈ દાદ ન આપી શકે, એવી કદર વગરની મહેફિલનું આમંત્રણ મને નથી જોઈતું ! – કવિ દિપ્તેશ મહેતા, મણિનગર.

2nd Navratri-23: બીજું નોરતું; બ્રહ્મચારિણી દેવી શાંત અને મગ્ન થઈને તપ કરનારા દેવી છે.

ખરું ! ઘરનો મોભ કહેવાતા (અને કમાતા) પુરુષે આખા આયખાની દડમજલ માંડી હોય ને છતાં ય સમય સંજોગોને આધીન મેળવેલી નિષ્ફળતા ટાણે જો પરિજનોને સધિયારો ન મળે અને એને બદલે “તમે પોતે જ ડફોળ છો” હોવાનો વાક્બાણોનો ઇલ્કાબ મળે ત્યારે ભલભલા, અસીમ મનોબળ ધરાવતા દિગ્ગજો પણ કડડભૂસ થઈને ભાંગીને ભૂક્કો થઈ જાય છે. લગભગ ૯૦/૯૫% પુરુષો પોતાની કમાઈના ૯૦/૯૫% પોતાના પત્ની, પુત્રો, પુત્રી, પરીવારના લોકોને સુખ, સાહ્યબી, સગવડ ને સમાજમાં મોભો મળે તે ખાતર ખર્ચી નાખતા હોય છે.

દુનિયાભરના મેણાટોણા, આક્ષેપો, ધિક્કારો કે અભદ્ર વાતો સાંભળીને, સહન કરીને ય જ્યારે કુટુંબનો વડો પોતાના આશ્રિતો માટે સ્વયં વેરણ છેરણ થવામાં જેટલું દુઃખ નહીં અનુભવતો હોય એનાથી વધુ પીડા એ પોતાના (!!) સ્વજનો (??) તરફથી હડધૂત થવાની અથવા અણમાનીતું થવાની ક્ષણે અવાચક બનવામાં તેમજ દિગ્મૂઢ થઈ જતા ગ્લાનિ અનુભવતા હોય છે. “વર્કિંગ વુમન કરતાં ગૃહિણી ઘરને સારી રીતે સંભાળી લેતી હોય છે” એ વાત હવેના સમયમાં માત્ર વક્રોક્તિ જ બની રહે તેટલી હદે પરિસ્થિતિ ઘસાતી ને વકરતી જતી જોવા મળી રહી છે – જેના મુખ્ય કારણો નાસમજ સહ જિદ્દી તથા વ્યર્થ તુલના કે સરખામણી હોઈ શકે છે. સ્ત્રીની તરફેણના કાયદાનો ઘણી નારીઓ નિર્લજ્જપણે (ગેર)ફાયદો ઉઠાવે છે.

અમરેલી સ્થિત મારા એડવોકેટ દોસ્ત શ્રી કિન્નરભાઈ ભીમાણીએ જે કહ્યુ તે ખરેખર સત્યથી ખૂબ જ નજીક છે : પેલી છોકરીને કેમ પેલા છોકરાએ છોડી દીધો ? જેનો સંભવત: જવાબ એ છે કે, એક હદથી વધુ લપ, કચકચ કરવી, માથું ખાવું. જનરલી સ્ત્રીને સમાગમ કરતા પ્રેમમાં વધુ રસ હોય અને પુરુષને પ્રેમ કરતા સેક્સ માટે વધુ રસ હોય એવી (મિથ્યા) સામાન્ય ધારણા પ્રવર્તે છે. પણ એક લેવલ પછી પુરુષને રતિક્રીડાથી વધુ શાંતિમાં રસ હોય છે. જો પત્ની કે GF એને શાંતિ ન આપી શકે તો એ એને છોડી દે એવું બને છે. પરાકાષ્ઠા ત્યારે આવી જાય છે કે એ એવું વિચારવા લાગે કે સાત જન્મો સુધી સ્ત્રી મિત્ર કે પત્ની જોઈતી જ નથી. આ એવું લેવલ છે જ્યાં એની પત્ની કેટરિના કેફ કે કેટ વિંસ્લેટ હોય તો ય એ એને પડતી મૂકી દેતો હોય છે.

પતિ ૧૧/૧૨ કલાક નોકરી/ધંધામાં ઢસરડા કરીને પોતાના (!!) ઘરે (??) આવે ત્યારે ઈચ્છે છે કે રાતે ગરમ જમુ, ટીવી જોઉં, પારિવારીક હુંફ પામું ને જીવનસંગીનીનો સહવાસ માણીને કે એના વિના મોબાઈલ જોતા જોતા શાંતિથી ઊંઘી જાઉં. પણ જો એ સમયે પત્નીની કચકચ કે લપ શરૂ થાય અને એ પણ રોજેરોજ ચાલે તો એ કંટાળી જાય – સહજ છે ને ! નો ડાઉટ, પંચાત ને કુથલી કરવી એ ( અપવાદને બાદ કરતા મોટા ભાગની ) સ્ત્રીઓનો સ્વભાવ અને હક્ક પણ છે, કદાચ વારસાગત….

સામેવાળાની સ્થિતિ જોઈને મહિને એકાદ વાર કકળાટ કરે ત્યાં સુધી ઠીક કે વ્યાજબી છે. એથી વધુ થાય એટલે માણસને ખુદના ખૂન પસીના થી બનાવેલા ઘરે રાતે રીટર્ન આવવામાં ય ડર રહેતો હોય છે. કહેવાનો મતલબ એક લાઈનમાં એટલો જ કે પુરુષને એટલો તંગ ન કરવો કે એના માટે સેકસ કરતા શાંતિનું મહત્વ વધી જાય. અલબત્ત, આપણી સમૃદ્ધ ધરોહર સમી સનાતન પરંપરા અંતર્ગત લગ્ન સંસ્થા સહિતની પારિવારીક માન્યતાને વધુ સામાજિક અનુમોદના મળે છે. ધારવું, તારવું, વારવું કે મારવું એ દરેક કેસમાં અલગ અલગ દ્રષ્ટિકોણથી સન્માનીય છે અને રહેવું જ જોઈએ !

કાયમ રહે છે કો’ અહીં આસપાસમાં-
લાગ્યું ન એકલું – કદી તેથી પ્રવાસમાં,
કોને ખબર ધબકે છે કોના લગાવમાં ?
આવતું કશું ન હાથ દિલની તપાસમાં.

સમય સૌનો ખૂબ જ ધારદાર હોય છે – કપાઇ તો જાય છે, “ઘણુબધું” કાપીને ! આપણા સામાજિક જીવનની ઘટમાળની ગોઠવણીમાં સ્ત્રી-પુરુષ અથવા વિવિધ સંબંધ કે પદ અને આત્મીયતા તથા લાગણીના તાણાવાણા જળવાઈ રહે, વધુ મજબૂત બને તે વાસ્તે અમુક ચોક્કસ તિથિ કે તારીખે એની ઉજવણી કે renewal થાય છે અને તે જરૂરી પણ છે.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો