લોકો શુ કહેશે…..? : ચૌધરી રશ્મીકા `રસુ´(Loko shu kaheshe)

લોકો શુ કહેશે…..?(Loko shu kaheshe)

લોકો શું કહેશે..? (Loko shu kaheshe) આ પ્રશ્ન દરેક માટે ખૂબ જ અઘરો છે.કોઈપણ ઉંમરની વ્યક્તિ હોય એ કંઈ પણ કરે એની પહેલા એના મનમાં એક વાર તો આ પ્રશ્ન આવે જ છે કે લોકો શું કહે છે.કેમ લોકો શું કહેશે એના પર આપણે વિચારીને કોઈ પણ ફેસલો કરતા હોઈએ છે.?જીવન આપણું, ઈચ્છાઓ આપણી,સમસ્યાઓ આપણી તો પણ આપણે લોકો શું કહેશે એ પહેલાં વિચારતા હોઈએ છીએ.કોઈ પતિ- પત્ની વચ્ચે મનમેળ ના હોય અને એ લોકો અલગ થવા માંગતા હોય તો પહેલાં તો ધરનાં લોકોનું દબાણ આવે છે કે કંઈ પણ કરતા પહેલાં વિચારજો કે લોકો શું કહેશે?. કોણ છે આ લોકો જે આપણા માટે વિચારતા હોય છે. જેની આપણા ખુદને પણ ખબર નથી હોતી.


     દરેકના જીવનમાં સમસ્યાઓ તો હોય જ છે.સમસ્યાઓ આવે છે અને જાય છે.દરેકે તેમાંથી પ્રસાર થવું પડે છે. નાનું બાળક લોકો શું કહે છે એ વાતથી અજાણ હોય છે.પણ જેમ જેમ મોટું થતું જાય છે તેમ આપણા સમાજના લોકો એટલે કે આપણા જેવા જ લોકો એના મગજમાં એક વાત બેસાડી દે છે કે કંઇ પણ થશે ,કંઈ પણ કરીશ લોકો શું કહેશે, સમાજ શુ કહેશે એ વાત જરૂર ધ્યાનમાં રાખજે.બસ ત્યારથી જ આ સિલસિલો ચાલુ થઈ જાય છે.આપણે આપણા જિંદગી નો ફેસલો કરતા પહેલા એ વિચારીએ છીએ કે લોકો શું કહેશે.

સમાજના કહેવાતા પ્રતિષ્ઠિત લોકો નક્કી કરે છે તે આપણે શું કરવું? એ કેટલા અંશે વ્યાજબી છે.કોઇ વિધવા સ્ત્રી ભણવા માંગે,પોતાના પગ પર ઊભી થવા માંગે તો સમાજના કહેવાતા આગેવાનો ની ચિંતા આપણને સતાવતી હોય છે કે લોકો શું કહેશે.સમાજ શુ કહેશે.છોકરીઓને તો આવા કપડાં ના પહેરાય છોકરીઓને તો આ ના શોભે એ પણ બીજા નક્કી કરે છે. કેમ કે તમે શું ઈચ્છો છો એ પછી નક્કી થાય છે પણ લોકો શું ઈચ્છે છે એ તમારે પહેલા વિચારવાનું હોય છે. કેમ આવું વિચારવું જોઈએ એ જ નથી સમજાતું.?

આપણો દેશ આઝાદ થયો છે દરેક વ્યક્તિને સ્વતંત્રતાનો અધિકાર છે.દરેક વ્યક્તિ પોતાના હિત માટે બોલી શકે છે, કાર્ય  કરી શકે છે.જે કંઈ પણ ખોટું નથી.માણસને અડધી જિંદગી તો લોકો શું કહેશે એ જ વિચારવામાં  નીકળી જાય છે.જે એમને કરવું હોય છે એ તે કરી શકતા નથી કેમ કે એના માટે પોતાના સપના મહત્વના હોતા નથી પણ મહત્વ દુનિયાનો હોય છે.કેમકે આપણે તો સમાજ વાળા લોકો સમાજ સાથે આપણે જીવવાનું હોય છે એવી દૃઢ માન્યતા આપણા મનમાં ઘર કરી ગઈ છે.પોતાના વિચારોને મારવા ,પોતાના સપનાઓને તોડવા એ પણ એ બીકે કે લોકો શું કહેશે , એ ખૂબ ખોટું છે.દુનિયાના લોકો શું કહેશે એ વિચારીને જો તમે કોઈ પણ કામ કરતા હોય તો એ ક્યારેય ન કરતા કેમકે એ ફેસલો તમારો નથી હોતો બીજા શું કહેશે એ વિચારીને તમે લીધેલો હોય છે.જેમાં તમારી મરજી તો હોતી નથી,એટલે પરિણામ પણ એવુ જ મળે છે કે જે લોકો ઈચ્છતા હોય છે.

જેના લીધે તમને જોઇએ એવી ખુશી નથી મળતી એટલે તમે દોષ બીજાને જ આપશો.કયારે પણ આવુ ન કરવુ જોઈએ કેમ કે સમય ચૂકી ગયા પછી તમે ફક્ત અફસોસ જ કરી શકો છો બીજું કશું નહીં.તો કેમ તમારે અફસોસ કરવો છે?તમારું દિલ કહે  છે, તમે જે ઈચ્છો છો એ જ કરો કેમ કે જે પણ પરિણામ આવશે સારું કે ખરાબ એના જવાબદાર તમે પોતે હશે નહીં કે બીજું કોઈ એટલે તમે કોઈને દોષ આપી પણ નહી શકો.દુનિયાના લોકો સહેલાઈથી તમને સલાહ તો આપી દેશે પણ મુશ્કેલીના સમયમાં કોઈ સાથ નહીં આપે , એટલે લોકો શું કહે છે એ વિચારવાનું તમે બંધ કરી દો.

કેમ તમારા જીવનમાં ફેસલો લેવાનો હક્ક અને બીજાને આપો છો કેમ આટલા મજબૂર થઈ જાવ છો કે તમારે લોકો શું કહે છે એ વિચારીને ફેસલો કરવો પડે.કોઈને એટલો પણ હકક ન આપવો જોઈએ કે તમારી પોતાની સ્વતંત્રતા તો રહે જ નહીં.લોકો શુ કહે છે એ વિચારવાનું કામ આપણું નથી લોકોનો જ છે એટલે એમને વિચારવા દો તમે એ જ કરો જે તમારું મન કહે છે.કેમ કે સમય જતા તમને અફસોસ તો ના થાય કે કદાચ એક વાર મેં મારા મનની વાત સાંભળી લીધી હોત,કદાચ એકવાર મે મારા મનમાં જે આવ્યું હતું એ જ કર્યું હતું તો મારી જિંદગી આજે કંઈક અલગ હોય તો.


     શું તમે આવા અફસોસ લઈને જિંદગી જીવવા માંગો છો.?લોકોના તો હજાર મોઢા છે હજારો વાતો થશે પણ તમે એ જ કરો જે તમે ચાહો છો.લોકો શુ કહેશે એ વિચારતા રહેશો તો તમારી આખી જિંદગી નીકળી જશે.જિંદગી બહુ જ અનમોલ છે જે ઈશ્વરે સુંદર પુષ્પ રૂપે તમને આપી છે.હંમેશા એ જ કાર્ય કરો જેમાં તમને ખુશી મળે છે ,જે તમારું દિલ કહે છે.જે પણ પરિણામ આવે એના માટે પોતે તૈયાર રહો.કેમકે લીધેલો ફેસલો તમારો પોતાનો હશે.કોઇના દબાણમાં આવીને ક્યારેય પણ જિંદગીનો  ફેસલો કરવો નહીં.કેમ કે જિંદગી વારંવાર નથી મળતી.એટલે ખુશ રહો , મસ્ત રહો ,સ્વસ્થ રહો અને લોકો શું કહેશે એ વિચારવાનું બંધ કરો.

ચૌધરી રશ્મીકા `રસુ´ અમદાવાદ

આ પણ વાંચો…ટૂંકી વાર્તા: દાગ અચ્છે હે!!(Dag achchhe hai)

Gujarati banner 01

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *