Urvashi prajapati image 600x337 1

ટૂંકી વાર્તા: દાગ અચ્છે હે!!(Dag achchhe hai)

શિષૅક: દાગ અચ્છે હે!!(Dag achchhe hai)

દાગ અચ્છે હે! ટીવીની એક જાહેરાતની આ લાઈન જોઈ મમતા મનમાં ને મનમાં હસી.

દાગ ખબર નહીં આ શબ્દ એનાં જીવનમાં એવો વણાઈ ગયો છે.
એનાં લીધે તો કેટલાંય મેણાં ટોણાં સાંભળ્યાં છે.

જન્મ લીધો એક ગરીબ પરિવારમાં. જ્યાં માં બાપને દુઃખ અને જવાબદારીઓમાં ઘેરાયેલાં જ જોયાં.

બાપ કડિયા કામ કરતાં અને માં લોકોનાં ઘરમાં કચરા પોતા અને વાસણ.
નિશાળ શું હોય એ તો મમતાને ખબર નહીં.
નાનો ભાઈ હતો એને સરકારી શાળામાં મૂક્યો હતો.

મમતા માંને મદદ કરવાં સાથે જતી હતી.
માં બીજાં કામ કરે તો એ વાસણ કે પોતા કરતી.
નાનકડાં હાથથી ઘણીવાર વાસણો એંઠા રહી જતાં કે પછી પાવડરના દાગ રહી જતાં.
તો ઘણીવખત પોતું મારતી વખતે ફશૅ પર કોઈ દાગ રહી જતો.
ત્યારે શેઠાણીઓ પ્રેમથી સમજાવવની જગ્યાએ ગુસ્સો કરતી, ખખડાવતી અને કોઈ…કોઈ તો મારતી પણ.
એ માં નાં ગંધાતા મેલાં દાગ પડેલાં ખોળામાં માથું મૂકી રડતી. માં શેઠાણીઓની માફી માંગી મમતાને સમજાવતી.

એ મોટી થઈ. હવે એ એકલી અમુક જગ્યાએ કામ કરવાં જતી.
ત્યાં એક શેઠિયાએ મમતા પર નજર બગાડી અને એકાંતનો લાભ લઈ મમતા પર જબરદસ્તી કરવાનો પ્રયતન કર્યો.

મમતા જેમતેમ કરી ત્યાંથી ભાગી છૂટી. પણ એણે માં બાપને બધી જ હકીકત જણાવી ને એનાં ઘરે હોબાળો મચાવ્યો.
પોલિસને બોલાવી પણ એ સેવા ગરીબો માટે નથી હોતી.
પહોંચેલા શેઠિયાએ પોલિસને પાછી કાઢી અને મમતાને પોતાની ઈજ્જત પર દાગ લગાવવા માટે જોઈ લેશે એમ ધમકી આપી કાઢી મૂકી.

અને થયું પણ એવું જ. મમતા અને એની માં નાં બધાં જ કામ છૂટી ગયાં. એનાં બાપને પણ કોઈ જ મજૂરી નહોતી મળતી. ભાઈ તો હજું ભણતો હતો.
આ બધું શેઠિયાની મહેરબાની.

આખો પરિવાર એ વિસ્તાર છોડી દૂર જઈ વસ્યા.
ફરીથી નવો ઘડી નવો દાવ થયો. તકલીફ પડી પણ સચવાઈ ગયું.
હવે થોડે જ દૂર બીજી ઝૂંપડપટ્ટીમાં રહેતાં એક છોકરાં સાથે મમતાને પરણાવવામાં આવી.

શરૂઆતમાં બધું સારું હતું. પણ પછી એ જ દારૂ અને જુગારની લત.
પતિ રાત્રે આવીને મમતાને મારતો કે પછી જબરદસ્તી કરતો.
ક્યારેક ગાલ પર, આંખો પર, ગળામાં, હાથમાં, પગમાં કે કમરમાં મમતાને પીડા આપતાં લાલ-કાળાં દાગ મળતાં.
શારીરિક દાગ કરતાંયે માનસિક દાગ જિદ્દી હતાં.
જવાનાં નામ જ નહોતાં લેતાં.

એમાં મમતાને સારાં દિવસો રહ્યા. પણ એક રાતે ફરી પતિ પર હેવાન સવાર થયો ને એણે જોરથી મમતાને પેટ અને કમર પર લાત મારી.
મમતાની તબિયત લથડી.
અડધી રાત્રે ભયાનક દુઃખાવા સાથે પથારીમાં લાલ દાગ પડ્યાં ને મમતાએ બાળક ખોયું.
એ બહું રડી અને સૂનમૂન થઈ ગઈ.

એનામાં હવે પતિનો વિરોધ કરી શકે એટલી હિંમત નહોતી.
એ કાયમ માટે પતિને છોડી પિયર જતી રહી.
માં બાપે સમજાવી પણ એ ટસની મસ ના થઈ અને પાછી ના ગઈ.
ફરીથી એ કામકાજ કરવા લોકોનાં ઘરે જવા લાગી.
થોડાં પૈસા કમાવવા લાગી જેથી માં બાપને એ બોજ ના લાગે.

પતિ અને સાસરિયાં મમતાને સમજાવી ગયાં. પણ મમતાએ નિણૅય ના બદલ્યો.

એણે પગભર થવા સરકારી સિલાઈ મશીનનાં ક્લાસ કયૉ.
સિલાઈ મશીન ચલાવીને એ સારું એવું કમાવા લાગી.
પણ પતિને છોડવાનો દાગ ભૂંસાતો જ નહોતો. લોકો ભૂંસવા દેતાં નહોતાં.

મા-બાપને તકલીફ ના પડે એટલે એકલી રહેવા જતી રહી.
લોકો એનાં વિશે આડી અવળી વાતો કરવા લાગ્યાં.
બસ હવે એનાં ચારિત્ર્ય પર દાગ લગાડવાનાં બાકી હતાં તો એ પણ લોકોએ પૂરું કરી દીધું.

પણ.. હવે એને કોઈ ફરક નહોતો પડતો.
એ કમાતી અને વધેલી રકમ માં બાપ માટે રાખતી.
જેને જે કહેવું હોય એ કહે. એ એકલી રહેતી.

ત્યાં કામનાં સ્થળે ચાલું રહેલાં ટીવીમાં જાહેરાત આવી.
દાગ અચ્છે હે!
મમતા મનોમન બોલી, હા ખરેખર અમુક દાગ સારાં હોય છે.
ને પછી ફટાફટ સિલાઈ મશીનમાં ખૂંપી ગઈ.

ઉર્વશી પ્રજાપતિ, અમદાવાદ

~~~~~~

આ પણ વાંચો…very strong winds in gujarat: ગુજરાતમાં ઠંડી,ગરમી, વરસાદ, કોરોના બાદ નવા ખતરાના એંધાણ- હવામાન વિભાગે માછીમારોને કર્યા એલર્ટ

Gujarati banner 01

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *