World cycle day

World cycle day: બચપણ ના દિવસો યાદ કરાવતી સાયકલની કહાની…

World cycle day: સાયકલ શારીરિક સ્વાસ્થ્ય માટે ઉપરાંત પર્યાવરણ અને અર્થવ્યવસ્થા માટે પણ અનુકૂળ છે

Vaibhvi joshi
વૈભવી જોશી

World cycle day: રોજીંદા જીવનમાં સાયકલનાં ઉપયોગને લોકપ્રિય બનાવવાનાં ઉદ્દેશ્યથી ૩ જૂન એટલે કે આજે “વિશ્વ સાયકલ દિવસ” કે “વર્લ્ડ બાઈસિકલ ડે” ઉજવાઇ રહ્યો છે. આ વાત ભાગ્યે જ આપણને ખબર છે. તેનો ઉદ્દેશ્ય લોકોને એ સમજાવવાનું છે કે સાયકલ શારીરિક સ્વાસ્થ્ય માટે ઉપરાંત પર્યાવરણ અને અર્થવ્યવસ્થા માટે પણ અનુકૂળ છે. સંયુક્ત રાષ્ટ્ર (United Nations) મહાસભાએ ૩ જૂનનાં રોજ આ દિવસનાં રૂપમાં ઉજવવાની જાહેરાત કરી હતી.

સત્તાવાર રૂપે પહેલીવાર વિશ્વ સાયકલ દિવસ ૩ જૂન ૨૦૧૮નાં રોજ ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારાં ઉજવાયો હતો. આ ઉદ્દઘાટન સમારંભમાં સંયુક્ત રાષ્ટ્રનાં અધિકારીઓ, રાજનાયકો, એથલેટો, સાઈકલિંગ સમુદાયનાં હિમાયતીઓ સહિત મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. આ અવસર પર સાયકલ ચલાવતાં લોકોને સેવા આપવાની ઘણી રીતો પણ શેર કરવામાં આવી હતી. આ સાથે જ સાયકલ ચલાવવાનું મહત્વ અને તેનાં આરોગ્ય માટેનાં ફાયદા પણ જણાવવામાં આવ્યા હતા.

આ વર્ષે એટલે કે વર્ષ ૨૦૨૩માં છઠ્ઠો વિશ્વ સાયકલ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. આ વર્ષની થીમ “Riding Together for a Sustainable Future” નક્કી કરવામાં આવી છે. સંયુક્ત રાષ્ટ્ર અનુસાર વિશ્વ સાયકલ દિવસનું મહત્વ સભ્ય દેશોને વિવિધ વિકાસ રણનીતિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાં અને આંતરરાષ્ટ્રીય, પ્રાદેશિક, રાષ્ટ્રીય અને ઉપરાષ્ટ્રીય વિકાસ નીતિઓ અને કાર્યક્રમોમાં સાયકલને સામેલ કરવાં માટે પ્રોત્સાહિત કરવાનો છે.

સાથે જ આ દિવસ સભ્ય દેશોને શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારીને મજબૂત કરવાં માટે સમાજનાં તમામ સભ્યોમાં અને રાષ્ટ્રીય અને સ્થાનિક સ્તરે સાયકલની સવારીને વ્યવસ્થિત કરવા માટે પ્રોત્સાહિત કરવાનો પણ છે. આ દિવસ બાળકો અને યુવાનો માટે શિક્ષણને મજબૂત કરવાં, આરોગ્ય જાળવવાં, રોગોને રોકવાં, સામાજીક સમાવેશ અને સુવિધા આપવાં માટે સાયકલનાં ઉપયોગને સમજવાં માટે પણ પ્રોત્સાહિત કરે છે.

વિશ્વ સાયકલ દિવસની ઉજવણીનું કારણ સાયકલની વિશેષતાં અને બહુમુખી પ્રતિભાને 😇 ઓળખ આપવાનું પણ છે. એવું કહેવાય છે કે જો શહેરનાં લોકો પોતાની આસપાસ એટલે નજીક ક્યાંક જવાં માટે સાયકલનો ઉપયોગ કરે તો તે દરરોજ સેંકડો લિટર પેટ્રોલનો વપરાશ ઘટાડશે. આ સાથે શહેરમાં પ્રદૂષણનું પ્રમાણ પણ ઘટશે.

મને તો આટલાં વર્ષો પછી પણ સાયકલ ચલાવતાં જે મજા આવે છે એ ૧૧૦ની સ્પીડ પર ગાડી ચલાવતાં પણ નથી આવતી. મારાં માટે સાયકલ સાથે ખાટાં મીઠાં અને ગભરાવી મૂકે 😛 એવાં સંસ્મરણો પણ જોડાયેલાં છે. હું માનું છું ત્યાં સુધી ભાગ્યે જ કોઈ એવું હશે જેની લાઈફમાં પહેલું સાધન સાયકલ નહિ આવ્યું હોય.

કદાચ જ કોઈ હશે જેણે આ ગીત નહિ ગાયું હોય સાયકલ મારી સ.ર.ર.ર.ર….જાય ટ્રીન ટ્રીન ટોકરી વગાડતી જાય… ડોશીમાં ડોશીમાં ચાલ્યાં છો ક્યાં લાકડી લઈને ચાલ્યાં છો ક્યાં…આઘા ખસો આઘા ખસો આઘા ખાસો નહીંતર ચગદાઈ જશો 😅😅..!! આશા રાખું કે તમારું બાળક પણ આવા બાળગીતોથી તદ્દન અજાણ તો નહિ જ હોય.

પપ્પાની જેન્ટ્સ સાયકલમાં વચ્ચેથી પગ નાખીને ચોરી છુપી સાઇકલ શીખવાથી લઈને, ૧ રૂપિયામાં મળતી ભાડાની સાયકલ પર રેસ લગાવવાથી લઈને, એક જ સાયકલ પર ૨-૩ જણાં સાથે બેસવાથી લઈને, પોતાની નવી સાયકલ પર પહેલી વાર વટથી સવારી કરવાથી લઈને, સ્કૂલમાં ઉત્સાહથી મિત્રોને નવી સાયકલ બતાવવાથી લઇને, ઊંધા પેડલ મારવાંથી લઇને, ચેન ઉતરી પડે તો મિકેનિકની અદાથી ચઢાવાથી લઇને, હાથ કાળાં કરી એકબીજાનાં કપડાં બગાડવાંથી લઇને😅 એવાં તો કંઈ કેટલાંય શાનદાર અને જાનદાર કિસ્સાઓ મારી સાયકલે મને આપ્યાં છે.

અને હા પાછું સાથે-સાથે પેલી કહેવત સાર્થક તો કરવાની જ કે ‘પડતાં સાયકલ આવડે’ એટલે નાનપણમાં વર્ષો સુધી બંને ગોઠણ તો છોલાયેલાં જ રહેતાં. અહીં સુધી કે મમ્મીપપ્પા એક વાર ગભરાઈ ગયેલાં જયારે સાયકલ એકધારી કલાક સુધી ચોક્કસ દિશામાં ગોળ-ગોળ ચલાવવાથી ચક્કર ચડેલાં અને આટલું ઓછું હોય એમ એ પછી પણ રમતાં રમતાં ચક્કર ચડેલાં હોઈ ઈંટ સાથે માથું અથડાવાથી યાદશક્તિ થોડીક ક્ષણો માટે ગુમાવી દીધેલી🙈.

સિરિયલ અને ફિલ્મોમાં અવારનવાર નજરે પડે એવું દ્રશ્ય સર્જાયેલું કે જેમાં યાદશક્તિ જતી રહી હોય અને હું ખરેખર કોઈને ઓળખું નહિ. મારાં મમ્મી ને પપ્પાને પણ નહિ 😨. નસીબ મારાં કે એ જ વખતે મારાં મામા જે એક પ્રતિષ્ઠિત બાળકોનાં ડોક્ટર છે એ કોઈ કારણસર ઘરે આવેલાં અને પરિસ્થિતિની ગંભીરતા જોઈ તાત્કાલિક સમયસૂચકતાં વાપરી અમને નિષ્ણાંત પાસે મોકલી આપ્યાં અને પરિસ્થિતિ થાળે પડી 🤓.

જો કે રવિવારની એ સાંજ બહુ અઘરી હતી. રવિવારનો દિવસ હતો એટલે કેટલી મથામણ અને કેટકેટલી જગ્યાએ ફોન કર્યાં પછી માંડ નિષ્ણાંત મળેલાં. આમ તો મારી યાદશક્તિ ખૂબ જ ધારદાર પણ હું કેવી રીતે પડી, ઘરે કેમ પહોંચી કે મારાં મિત્રો મને ઘરે કેવી રીતે લઇ ગયેલાં એ હજી આજે પણ યાદ નથી અને જેટલો સમય યાદશક્તિ નહોતી એટલો સમય મમ્મીપપ્પાનો જીવ તાળવે ચોંટી ગયો હશે એ તો ખરું જ.

આટલી ઘટના એ ટૂંકો સમય આજ દિન સુધી મારી મેમરીમાં નથી પણ હળવાશ સાથે એક ગંભીર વાત કે ઈશ્વર કોઈને એવો સમય ન દેખાડે એ આજે માબાપ બન્યાં પછી સમજાય છે. મારાં મમ્મીપપ્પાની હિમંત, ઈશ્વર પ્રત્યેની શ્રધ્ધા, ડોક્ટર મામાની ધીરજ અને અથાગ મહેનત મને વર્તમાન સમયમાં ખેંચી લાવી બાકી ખબર નહિ બનવાં જોગ શું બન્યું હોત.

થોડીક ક્ષણો માટે બધાનો જીવ ચોક્કસ અધ્ધર થઇ ગયેલો પણ થોડી જ વારમાં મગજનું નાળિયેર યથાસ્થાને આવી જતાં મમ્મી શબ્દ કાને પડતાં જ જાણે મારી મમ્મીનાં જીવમાં જીવ આવ્યો હશે અને પપ્પાનાં આંટાફેરાં બંધ થયાં હશે એવું હું અનુભવી શકું છું 😛 અજાણતાં પણ આ પ્રસંગ મમ્મીપપ્પા માટે ખૂબ કષ્ટદાયક રહ્યો હશે એટલે દરેક બાળકોને મારી નમ્ર વિનંતી કે આવાં કોઈ પરાક્રમો કરવાં નહિ.🙈

લો ત્યારે આજે ‘વિશ્વ સાયકલ દિવસ’ પર મારી જેમ આપ સહુ પણ આપનાં જીવનનાં સૌપ્રથમ મુસાફરીનાં સાધન એવાં સાયકલ સાથેનાં સંસ્મરણો વાગોળવાનું અને વહેંચવાનું ભૂલતાં નહિ હો કે..!!

આ પણ વાંચો… Ruturaj Gaikwad Wedding: કાલે લગ્ન કરશે ભારતીય ક્રિકેટર ઋતુરાજ ગાયકવાડ, જાણો કોણ છે છોકરી…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો