Loan Moratoriumને લઇ સુપ્રીમ કોર્ટે આપ્યો ચુકાદો, કહ્યું- સંપૂર્ણ વ્યાજ માફી નહીં મળે- વાંચો સંપૂર્ણ અહેવાલ

Loan Moratorium

નવી દિલ્હી, 24 માર્ચઃ તાજેતરમાં જ લોન મોરેટોરિયમ(Loan Moratorium) સમયગાળા મામલે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવી ગયો છે. કોર્ટનો આ ચુકાદો એ લોકો માટે મોટા ઝટકા સમાન છે જેઓ લોન મોરેટોરિયમ(Loan Moratorium)પર સંપૂર્ણ રીતે વ્યાજ માફીની માગણી કરતા હતા. કોર્ટે આજે કહ્યું કે સંપૂર્ણ વ્યાજમાફી શક્ય નથી. કોર્ટે કહ્યું કે ફક્ત કેટલાક લોકોની અસંતુષ્ટિ માટે કોર્ટ પોલીસીમાં હસ્તક્ષેપ કરી શકે નહીં. આ ઉપરાંત કોર્ટે એમ પણ કહ્યું કે લોન મોરેટોરિયમને આગળ વધારી શકાય નહીં. 

નિર્ણયને જાણ કરતાં સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એમ આર શાહે કહ્યું કે અનેક અરજીકર્તા ઈચ્છતા હતા કે લોન મોરેટોરિયમ(Loan Moratorium) ના વ્યાજ પર સંપૂર્ણ છૂટ મળે અને સેક્ટર પ્રમાણે રાહત આપવામાં આવે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ઈકોનોમિક પોલીસી શું છે અને નાણાકીય પેકેજ શું હોવું જોઈએ તે નક્કી કરવું કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેન્કનું કામ છે.સુપ્રીમ કોર્ટે કહ્યું કે કેટલાક સેક્ટર સંતુષ્ટ નથી ફક્ત એટલા માટે થઈને કોર્ટ પોલીસીના મામલાઓમાં હસ્તક્ષેપ કરી શકે નહીં. આ નિર્ણય કેન્દ્ર સરકારને કરવા દો કે કઈ પોલીસી તમારા માટે હોવી જોઈએ, ભલે તેની સમીક્ષા થઈ શકે. સરકારી નીતિઓમાં ન્યાયિક સમીક્ષા સારી રીતે પરિભાષિત છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે કોર્ટ ફક્ત પોલીસીના કાનૂની પહેલું જુએ  છે, આર્થિક નિર્ણય લેવાનો હક સરકારને છે. 

ADVT Dental Titanium

વધુમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે મહામારીએ તમામ સેક્ટરોને અસર કરી છે અને સરકારે જરૂરી પગલાં ભરવા જોઈએ. જ્યારે મહામારી દરમિયાન સરકાર પાસે પણ કોઈ સપોર્ટ નહતો, એ વખતે સરકારની GST ખોટ પણ વધી. સરકાર અને રિઝર્વ બેન્કે મહામારી દરમિયાન કઈ કર્યું નથી એ  કહેવું યોગ્ય નથી. અમે રાહતો અંગે વાત કરી. અમે જાણ્યું કે સંપૂર્ણ રીતે વ્યાજમાફી શક્ય નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે બેન્કોએ ખાતાધારકોને વ્યાજ આપવું પડે છે.  સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે લોન મોરેટોરિયમ દરમિયાન વ્યાજ પર વ્યાજ કે વળતર લઈ શકાય નહી. જો કોઈ પણ પૈસો આ રીતે વસૂલવામાં આવ્યો હોય તો તે પાછો આપવો પડશે. જો રિફંડ શક્ય ન હોય તો આગળ એડજસ્ટ કરવું પડશે. 

નોંધનીય છે કે, કેન્દ્ર સરકારે પહેલા જ સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે 6 મહિનાના મોરેટોરિયમ પીરિયડ દરમિયાન અપાયેલી તમામ કેટેગરીની બધી લોન પર વ્યાજ માફ કરાયું તો આ રકમ 6 લાખ કરોડ રૂપિયા થશે. કેન્દ્ર સરકારે કહ્યું કે જો બેન્કોને કહેવામાં આવ્યું કે તેઓ આ બોજો ઉઠાવે તો તેમની નેટવર્થનો મોટો હિસ્સો તેમાં જ જતો રહેશે. આવામાં આ બેન્કોના ભવિષ્ય પર સવાલ ઊભો થઈ જશે કે તેઓ આગળ ચાલી શકશે કે નહીં. 

Whatsapp Join Banner Guj

ઉલ્લેખનીય છે કે, ગત વર્ષ 27 નવેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો હતો કે તેઓ જણાવેલી 8 કેટેગરીમાં કમ્પાઉન્ડ વ્યાજ માફીના નિર્ણયને સારી રીતે લાગુ કરે. આ 8 કેટેગરી છે MSME, શિક્ષણ, હાઉસિંગ, કન્ઝ્યૂમર ડ્યૂરેબલ્સ, ક્રેડિટ કાર્ડ, ઓટો સેક્ટર, પર્સનલ અને વપરાશ. RBI તરફથી અપાયેલા લોન મોરેટોરિયમ પીરિયડ 3 માર્ચથી લઈને 31 ઓગસ્ટ 2020 સુધી ચાલ્યો હતો. 

આ પણ વાંચો…

પ્રોવિડન્ટ ફંડ એકાઉન્ટ પર કેન્દ્ર સરકાર થઇ મહેરબાન, નાણામંત્રી પીએફ(PF Account)ને લઇ કરી મોટી જાહેરાત