amavsya

Amavasya: સર્વે દેવો જે દિવસે એક જ સ્થાને એકત્રિત થતા હોય એને અશુભ કેમ કેવાય ?

Amavasya: અમાવસ્યા એટલે, અમ-સાથે અને વસ્યા એટલ વસવું, રહેવું કે સાથે રહેવું એનું નામ અમાવસ્યા. આ દિવસે સૂર્ય અને ચંદ્ર બંને સાથે રહે છે. એક ગરમ પ્રકૃતિનો ને બીજો શીત પ્રકૃતિનો આમ શીત અને ગરમ પ્રકૃતિ સાથે થવાના કારણે કેટલાક તેને પ્રલયકારી કહે છે અને અશુભ માને છે. વાસ્તવમાં આ વિપરીત પરિસ્થિતિને લય કરનારી સ્થિતિ છે. શાસ્ત્રો કહે છે કે અમાસનાં દિવસે દરેક દેવો એક બીજાને મળે છે. સર્વે દેવો જે દિવસે એક જ સ્થાને એકત્રિત થતા હોય એને અશુભ કેમ કેવાય ?

Banner Vaibhavi joshi

સર્વેને પ્રિય છે એવી લક્ષ્મીજીનું પૂજન પણ આપણે અમાસનાં કરીએ છીએ એ પણ વર્ષનાં અંતિમ દિવસે રાત્રીનાં મધ્ય ભાગમાં. આપણા શાસ્ત્રમાં તો યંત્ર, મંત્ર, તંત્ર, સાધનાને અમાસનાં દિવસે શ્રેષ્ઠ ગણી છે.દેવતાઓમાં ભગવાન શિવની પૂજા માટે શ્રાવણ મહિનો સૌથી શુભ અને કલ્યાણકારી ગણવામાં આવ્યો છે. પણ એ પહેલાનો દિવસ અષાઢ વદ અમાસ કે જેને હરિયાળી અમાસ અથવા દિવાસો તરીકે પણ ઓળખવામાં આવે છે. દિવાસો એટલે સો પર્વનો વાસો પણ માનવામાં આવે છે. આજનાં દિવાસાનાં દિવસથી લઈને દેવદિવાળી સુધીનાં અંદાજે ૧૦૦ દિવસો થાય છે. આ ૧૦૦ દિવસોમાં રક્ષાબંધન, જન્માષ્ટમી, ગણેશોત્સવ, નવરાત્રિ, દશેરા, દિવાળી એમ અનેક તહેવારોની હેલી સર્જાતી હોય છે. અનેક બહેનો આ દિવસે એવરત-જીવરત વ્રત કરે છે તેમજ દશામાનાં વ્રતનો પણ પ્રારંભ થતો હોય છે.

હિન્દુ શાસ્ત્રોમાં દિવાસાનું મહત્વ એટલા માટે વધુ છે કેમકે સામાન્ય રીતે કોઈ પણ વ્રતનું જાગરણ ૨૪ કલાક સુધીનું હોય છે પરંતુ એકમાત્ર દિવાસાનું વ્રતનું જાગરણ ૩૬ કલાકનું હોય છે. એટલે દિવાસાનું વ્રત કરનારે સતત ૩૬ કલાક સુધી જાગરણ કરવું પડે છે. આ ઉપરાંત આજથી દશામાનાં વ્રતનો પણ પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે ભકતો અષાઢી અમાસ હોઈ દેવાધિદેવ મહાદેવની પૂજા-અર્ચના કરવાની સાથે સાથે ૧૦ દિવસ સુધી દશામાની પ્રતિમાની ઘરમાં સ્થાપના કરી આસ્થાપૂર્વક ભકિત પણ કરશે.દિવાસાનાં દિવસે એવરત અને જીવરત એમ બે પ્રકારના વ્રત કરવાની પણ પરંપરા છે. દિવાસાનું જાગરણ અષાઢ મહિનાનાં અંતિમ દિવસ એટલે કે અમાસના દિને કરવામાં આવે છે. જેમાં જયાપાર્વતીનાં વ્રત મુજબ જ જવારાની વાવણી કરાઈ છે. તેમજ કુંવારી અથવા નવપરિણીતા એવરતનું વ્રત જ્યારે મોટી ઉંમરની મહિલાઓ જીવરતનું વ્રત કરે છે.

આ પણ વાંચો..August horoscope 2022: ઓગસ્ટ મહિનામાં આ રાશિના જાતકોને મળશે ધનલાભ, મળશે ભાગ્યનો સાથ

આમ તો આ બંને વ્રત પરિવારનાં સારા સ્વાસ્થ્ય અને સમૃધ્ધિ માટે કરાય છે માન્યતા છે કે દિવાસાનાં દિવસે જુદા-જુદા છોડ લગાવવા જોઈએ તો મનોકામના પૂરી થઈ શકે છે. જેમ કે લક્ષ્‍મી કૃપા મેળવવા માટે તુલસી , આમળા, કેળા, બિલ્વપત્રનાં છોડ લગાવવા જોઈએ. સ્વાસ્થય લાભ મેળવવા માટે બ્રાહ્મી, પલાશ, અર્જુન, આમળા, સૂરજમુખી, તુલસીનાં છોડ લગાવી શકાય છે. જો ભાગ્યનો સાથ ન મળી રહ્યો હોય તો ઘરની આસપાસ અશોક, અર્જુન, નારિયળ , બડ(વટ)ના છોડ લગાવવા જોઈએ. સંતાન સુખ – મેળવવા માટે પીપળ, નીમ, કદમ્બનો છોડ લગાવવો. જો બુદ્ધિનો વિકાસ ઈચ્છતા હોય તો અષાઢી અમાવસ્યા પર શંખપુષ્પી , પલાશ, બ્રાહ્મી કે તુલસીના છોડ લગાવવા જોઈએ. ઘરમાં સુખ સમૃદ્ધિ ઈચ્છો છો તો નીમ, કદમ્બના છોડ લગાવવા જોઈએ વગેરે વગેરે. આ બધી માન્યતાઓ હકીકતમાં તો પર્યાવરણનાં જતન સાથે સંકળાયેલી છે.

asadh amavasya

આ રીતે જાતજાતનાં છોડ લગાવવાથી આસપાસનું વાતાવરણ હર્યુ ભર્યું રહે અને પર્યાવરણમાં સંતુલિતતા જળવાઈ રહે તે જ આશયથી આ બધું ધાર્મિક માન્યતાઓ સાથે જોડી દેવાયું. આપણે જે રીતે આપણી જરૂરિયાતો માટે આડેધડ પ્રકૃતિનો સર્વનાશ કરીયે છીએ તો આ રીતે સમયોચિત પ્રકૃતિને પાછું પણ આપી શકાય અને એનું જતન પણ કરી શકાય એવા જ આશયથી આપણા પૂર્વજો એ આ બધું ધર્મ સાથે જોડી દીધું. એટલે જ કદાચ એને હરિયાળી અમાસ પણ કહે છે હરિયાળી અમાસ એટલે પર્યાવરણનું જતન કરવાનું પર્વ.આપણે ત્યાં અમાસનાં મહત્વની સાથે સાથે પીપળાનાં પૂજનનો પણ અનેરો મહિમા અને મહત્વ છે.

પૃથ્વીની તમામ વનસ્પતિ માનવ જાત માટે પરમ કલ્યાણકારી છે. પીપળાનું વૃક્ષ પિતૃમોક્ષ માટે પવિત્ર ઉપકારક અને ઉધ્ધારક માનવામા આવે છે. પીપળાનાં વૃક્ષને વિષ્ણુ સ્વરુપ પણ માનવામાં આવે છે. એને વેદવૃક્ષ પણ કહે છે કેમકે એમાં ત્રિદેવનો વાસ છે. ભગવાન શ્રી કૃષ્ણે ‘અશ્ર્વત્ય: સર્વ વૃક્ષાણામ’ કહી પીપળાનાં વૃક્ષને પોતાની વિભૂતિનાં રૂપમાં દર્શાવ્યુ છે. પીપળામાં પ્રાણશકિતનો ભંડાર છે. આ ઉર્જા અનિષ્ટ નિવારક અને આયુષ્યવર્ધક છે. એટલે જ સુતરના આંટા વડે એની પ્રદક્ષિણા કરી એના માધ્યમ વડે આ શકિતગ્રહણ કરાય છે.

આપ સૌને અમાસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને આવતી કાલથી શરુ થતાં પવિત્ર શ્રાવણ મહિનાની પણ આગોતરી શુભેચ્છાઓ 🙏🙏વૈભવી જોશી

આ પણ વાંચોઃ Covid case: ભાવનગર શહેરમાં 31 અને ગ્રામ્ય કક્ષાએ કોરોના પોઝિટિવના 7 કેસ ગ્રામ્ય કક્ષાએ 9 દર્દો થયા કોરોનામુક્ત, એક્ટિવ દર્દી 210

Gujarati banner 01

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *