Closing of Navratri: ગઈકાલે નવરાત્રિનું સમાપન થયું; નવરાત્રિ એટલે એક સ્ત્રીનાં જીવનની નવ અવસ્થા

Closing of Navratri: વિશેષ નોંધ: નવરાત્રિ એ સમસ્ત જગતમાં સ્ત્રીઓની ભીતર રહેલી દૈવી શક્તિઓની જ આરાધના કરવાનો અવસર છે એ વાત સહુથી પહેલાં સ્ત્રીઓ પોતે સમજે, સ્વીકારે અને પછી સમાજને સમજાવે.

Closing of Navratri: ગઈકાલે નવરાત્રિનાં છેલ્લાં નોરતાં સાથે જ ચૈત્રી નવરાત્રિનું સમાપન થયું. ચૈત્રી નવરાત્રિ એટલે ઘણા બધા માટે સાચી શ્રદ્ધાથી ઘરે જ બેસીને મા દુર્ગાનાં નવ સ્વરૂપોની રોજેરોજ આરાધના કરવાનો અવસર. ઘણી જગ્યાએ લોકોએ આપણા શેરી ગરબાની વર્ષો જૂની પ્રથા પુનઃ જીવંત કરવાનો પ્રયાસ પણ કર્યો હશે અથવા જેમણે ઘટ સ્થાપન કર્યું હશે એમણે બેઠાં ગરબા પણ કર્યા જ હશે અને રોજેરોજ પૂજા, આરતી, આઠમનાં નૈવેદ્ય અને પૂરાં વિધિવિધાનથી જગતજનનીની ઉપાસના પણ કરી જ હશે. મેં પણ આ ચૈત્રી નવરાત્રિ દરમ્યાન મા દુર્ગાનાં નવેનવ સ્વરૂપ વિશે શક્ય એટલી માહિતી આપવાનો પ્રયાસ કર્યો છે પણ આજે નરવા સમાજની એક વરવી વાસ્તવિકતા પર પણ ધ્યાન દોરવું છે. એક માનસિકતા આવી પણ જોઈ હતી કે જ્યાં ઘરનાં સભ્યો એ માતાજીનાં દર્શન માટે ખુલ્લાં પગે ચાલીને જવાની માનતા માની હતી અને ૧૧ કુમારિકાઓને પણ જમાડવાનું નક્કી કર્યું હતું જો એમને ત્યાં દીકરો અવતરશે તો..!!

(આ વાત સમજાય તેમને વંદન..!! 🙏🙏)અને એટલે જ આજે એક વાત ફરીફરીને યાદ કરવી છે અને કરાવવી છે. હકીકતમાં તો નવરાત્રિ એ કોઈ નવ માતાજીનાં રૂપ નહિ પણ એક સ્ત્રીનાં જીવનની નવ અવસ્થા છે.

  1. શૈલપુત્રી = પુત્રી તરીકે જન્મનાર
  2. બ્રહ્મચારિણી = બ્રહ્મચર્યનું પાલન કરતી બાલિકા
  3. ચંદ્રઘટા = ચંદ્રકળાની જેમ માસિક ધર્મ પાળતી યુવતી
  4. કુષ્માંડા = કુષ્માંડ (ગર્ભ) ધારણ કરતી ગર્ભવતી
  5. સ્કંદમાતા = સ્કંદ (કાર્તિકેયનું એક નામ)ની મા સ્વરૂપે માતૃત્વ નિભાવનાર
  6. કાત્યાયની = સદા પરિવાર માટે કાંઈક ને કંઈક ઇચ્છતી રહેનાર ગૃહિણી (કાતિ એટલે ઇચ્છુક, આયની એટલે રહેનાર…)
  7. કાળરાત્રિ = કાળનો માર ખાઈને જીવનની રાત્રી સમાન વૃદ્ધાવસ્થામાં જીવતી સ્ત્રી
  8. મહાગૌરી = મરણપથારીએ શ્વેત કફન ઓઢી પરમધામમાં સદ્દગતિની પ્રાપ્ત થયેલી ગૌરી
  9. સિદ્ધિ દાત્રી = મોક્ષ/ મુક્તિ / સિદ્ધિને પ્રાપ્ત કરી ચૂકેલી સૌનું કલ્યાણ કરનારી પરમાત્મા

આથી તમે નવરાત્રિમાં માતાજીનાં નવ સ્વરૂપોની (Closing of Navratri) પૂજા કરો કે ન કરો પણ સમાજમાં રહેલી દરેક સ્ત્રીને એક બહેન, એક દીકરી કે એક માતા સ્વરુપે માનીને એની તરફ આદર અને સત્કારની ભાવના કેળવજો એ જ સાચા અર્થમાં નવદુર્ગાની ઉપાસના છે. આશા રાખીયે કે આ નવ દિવસ મા દુર્ગાની આરાધના કર્યા પછી તમારાં ઘરમાં જ રહેતી તમારી ગૃહલક્ષ્મીને પણ એટલું જ માન-સમ્માન આપશો, એની ગરિમા જાળવશો અને એના સ્ત્રીત્વનું અપમાન ન થાય એની કાળજી લેશો. આ વાત માત્ર તમારાં ઘર પૂરતી સીમિત ન રાખતાં સમસ્ત સ્ત્રીજાતિને સન્માન આપશો. સાથેસાથે સમસ્ત નારીશક્તિને પણ એટલી પ્રાર્થના જરૂર કરીશ કે જે માન સન્માન પામવાની ઝંખના ધરાવો છો એ માટેની યોગ્યતા પણ કેળવશો. સ્ત્રીદાક્ષિણ્ય સહુથી પહેલાં તો એક સ્ત્રી બીજી સ્ત્રી સાથે દાખવે પછી બીજા કોઈ વર્ગ પાસે અપેક્ષા રાખે. એક સ્ત્રી પોતાના સ્વાભિમાનની સાથેસાથે પહેલાં પોતે અન્ય સ્ત્રીનાં માન સન્માનની રક્ષા કરે પછી અન્ય કોઈ વર્ગ પર આધાર રાખે.

આ પણ વાંચો..દેવેન્દ્ર પટેલ દ્વારા લિખિત About shammi kapoor: જબ કભી ભી સુનોગે ગીત મેરે, સંગ સંગ તુમ ભી ગુનગુનાઓગે…

હું એક વાત વર્ષોથી કહેતી આવી છું અને આજે પણ કહીશ કે તમારાં ઘરનાં ઉંબરે બેઠેલી જો રાજી નથી તો પેલાં ડુંગરે બેઠેલી મા તમારા પર ક્યારેય રાજી નહિ થાય એ નક્કી જાણજો. તમારાં ઘરની ગૃહલક્ષ્મીનું અપમાન કરી માતાનાં સન્માનમાં લાખો રૂપિયાની ભેટ કે ચઢાવો અર્પણ કરશો કે ચૂંદડી ઓઢાડશો તો એ જગતજનની ક્યારેય આશીર્વાદ નહિ આપે. ઘરની ગૃહિણીનાં (ગૃહિણી કેટલો સરસ શબ્દ, જેનો મતલબ છે આખું ગૃહ એટલે કે ઘર જેનું ઋણી છે) અંતરનો ખાલીપો માતાનો દરબાર ક્યારેય નહિ ભરી શકે.

અંતમાં એટલું ચોક્કસ કહીશ કે જો તમારા ઘરમાં દીકરી, બહેન, પત્ની કે માતા અંતરથી રાજી હશે તો માતાનાં દરબારમાં દીવો નહિ પણ પ્રગટાવો તો પણ એ તમારાં સમસ્ત જીવનને અજવાળશે.આશા રાખું કે દરેક ઘરમાં ચૈત્રીય હોય કે શારદીય નવરાત્રિ કે પછી માઘ કે અષાઢીય ગુપ્ત નવરાત્રિ પણ આ નવરાત્રિનાં નવ દિવસ દરમ્યાન આદ્યશક્તિની ઉપાસના કર્યા પછી ઘરની લક્ષ્મીની પણ યથાર્થ આરાધના કરવાનો સંકલ્પ કરવા કટિબદ્ધ થશો..!!- વૈભવી જોશી

Gujarati banner 01

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *