jivantika vatra katha

Festival in Shravan: શ્રાવણ માસ જ એવો છે કે જેમાં અનેક તહેવારોની હારમાળા જોવા મળે છે: વૈભવી જોશી

Festival in Shravan: આપણા ઋષિમુનીઓએ વ્રત, જપ, તપ અને ભગવાનની ઉપાસના માટે શ્રાવણ માસ પસંદ કર્યો છે તો ખૂબ વિચારપૂર્વક કર્યો છે. ચોમાસાની સીઝન હોઈ ઉપવાસ અને એકટાણા રાખવામાં આવે છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયક છે. કેટલાક લોકો તો આખો શ્રાવણ માસ એકટાણું કરે છે. ભગવાનનાં મંદિરોમાં ભીડ જોવા મળે છે તો કોઈ તિર્થયાત્રાએ નીકળી પડે છે. ગામમાં કે મોટા શહેરોમાં કથાકારો ભગવાનની કથાઓ કરે છે એક જુદા જ પ્રકારનું ધાર્મિક વાતારણ ઊભું થાય છે.

Festival in Shravan; vaibhavi joshi

વર્ષ દરમિયાન ફક્ત શ્રાવણ માસ(Festival in Shravan) જ એવો છે કે જેમાં અનેક તહેવારોની હારમાળા જોવા મળે છે. આવતી કાલે શ્રાવણ માસનો પ્રથમ શુક્રવાર છે. પવિત્ર શ્રાવણ માસનાં પ્રથમ શુક્રવારે ‘જીવંતિકા વ્રત’ કરવામાં આવે છે. આ વ્રત ખાસ કરીને ગુજરાત-સૌરાષ્ટ્રમાં વધુ પ્રચલિત છે. સ્કંદ પુરાણમાં આ વ્રતનો મહિમા સવિસ્તર જોવા મળે છે.

આપણે ત્યાં જીવંતિકા માતાનું વ્રત સૌભાગ્યવતી સ્ત્રીઓ પરિવારનાં મંગલ માટે, અખંડ સૌભાગ્ય માટે અને ખાસ કરીને બાળકોનાં રક્ષણ માટે કરતા હોય છે. આમ તો આ વ્રતનો પ્રારંભ શ્રાવણ માસનાં પ્રથમ શુક્રવારથી કરવામાં આવે છે પણ સંજોગોવશાત્ પ્રથમ શુક્રવારે વ્રત ન કરી શકાય તો બીજા શુક્રવારથી પણ વ્રતની શરૂઆત થતી હોય છે.

આ વ્રત કરનાર સ્ત્રીએ પીળા વસ્ત્રો, પીળા અલંકારો કે પીળા રંગની વસ્તુઓનો ત્યાગ કરી લાલ વસ્ત્રો પહેરવાં એવી માન્યતા છે. સવારે વહેલાં ઉઠીને જીવંતિકા વ્રતની કથા વાંચવાની હોય છે. કથા સાંભળ્યા પછી માની પાંચ દિવેટોનાં દીવાથી આરતી કરવાની હોય છે. ત્યારબાદ ખાંડનાં શીરાનો કે સાકરનો પ્રસાદ વહેંચવાનો હોય છે. પોતાના બાળકોનાં રક્ષણ માટે માતાજીને પ્રાર્થના કરી અને એકટાણું કરવાનું હોય છે. આ દિવસે રાત્રિનાં ૧૨ વાગ્યા સુધી જાગરણ પણ કરવામાં આવે છે.

આ વ્રતનું ઉજવણું પાંચ, સાત કે નવ વર્ષે કરી શકાય છે. ઉજવણા દરમ્યાન એક સૌભાગ્યવતી, એક કુમારિકા અને એક બટુકને જમાડવાનાં હોય છે. તે દરમ્યાન કંકુ-ચોખાથી તિલક કરી ફૂલહાર પહોરાવી વસ્ત્રદાન કરવાનું હોય છે અને સાથે પાન, સોપારી, ફળ અને શકિત મુજબ દક્ષિણા આપવાની હોય છે. આ પ્રકારે વ્રતનું ઉજવણું કર્યા પછી પણ દર વર્ષે શ્રાવણ માસમાં વ્રત રાખી શકાય છે પણ ફરી ઉજવણું કરવાનું રહેતું નથી.

શ્રાવણ માસનાં દરેક શુક્રવારે રાજકોટ અને સુરત ખાતેનાં જીવંતિકા માતાનાં મંદિરે દર્શનાર્થી શ્રધ્ધાળુઓની ભારે ભીડ જામે છે. મા જીવંતિકાનું વ્રત કરનારનાં બાળકોને મા જીવંતિકા લાંબુ આયુષ્ય પ્રદાન કરે છે એવી સર્વાધિક માન્યતા પ્રચલિત છે. એવું કહેવાય છે કે મા જીવંતિકાનું વ્રત કરનારનાં સંતાન પર માની અમી દ્રષ્ટિ સદાય રહે છે અને તેઓ દીર્ધાયુષી થાય છે.

હું નાની હતી ત્યારથી મને વ્રતકથાઓ વાંચવી ખૂબ ગમતી. અમે નાનાં હતાં ત્યારથી ઘરમાં મમ્મીને આ બધા વ્રત કરતાં જોયા છે એટલે કુતુહલવશ્ અમે પણ આગળ પાછળ ગોઠવાઈ જતાં. મને હજી આજેય આટલાં વર્ષો પછી પણ મા જીવંતિકાની આખી કથા યાદ છે. સાથે થોડીક છબીઓ મુકું છું કદાચ આપ સહુને પણ આ કથા વાગોળવાનું મન થઈ આવે.

આપ સહુનાં સંતાનોની મા જીવંતિકા રક્ષા કરે એ જ પ્રાર્થના..!!

આ પણ વાંચો:Shravan Mass ane shiv: જીવને શિવમાં સમાવતો શ્રાવણીયો..!!

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *