Festival of Diwali: બાળકોને દિવાળી જેવાં તહેવારમાં બારણે તાળાં લટકાવતાં જોવા છે કે આંગણે રંગોળી પૂરતાં: વૈભવી જોશી

Festival of Diwali: દિવાળીનાં સપ્તરંગી પર્વની આડે હવે માત્ર ગણતરીનાં દિવસો જ બાકી રહ્યાં છે. આમ જોવા જાઓ તો આવતી કાલે વર્ષની અંતિમ એવી રમા એકાદશીથી આ મહામૂલાં પર્વનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. હું હંમેશા કહેતી આવી છું કે સંતાનો માતાપિતાને સાંભળે ઓછું અને અનુસરે વધારે અને એટલે જ દરેક માબાપને આજે મારે પૂછવું છે કે બાળકોને દિવાળી જેવાં સ્નેહાળ તહેવારમાં બારણે તાળાં લટકાવતાં જોવા છે કે આંગણે રંગોળી પૂરતાં અને દીવાની હારમાળા સજાવતાં ?? આ પ્રશ્ન આપણે આપણી જાતને પૂછવાનો છે.

જુઓ જરાં, અંધકારને અળગો કરી,

જ્યોત ભીતરમાં રહી છે ઝળહળી..!!

Festival of Diwali; VAIBHAVI JOSHI

મેં આ વાત પર કાયમ ભાર મુક્યો છે કે સંતાનોને સભ્યતાં અને સંસ્કાર ધરોહરમાં નથી મળતાં. એને ખૂબ જ લગન, મહેનત અને લાગણીથી સિંચવા પડે છે, ધીરજથી એની માવજત કરવી પડે છે અને એનું ખૂબ કાળજીથી જતન કરવું પડે છે. આટલું જયારે ખંતપૂર્વક કરશો ત્યારે બાળકરૂપી છોડ વટવૃક્ષ બની ફૂલશે, ફળશે, એનાં મૂળિયાં ઊંડે સુધી રોપાશે અને તમારી શાખને મજબૂત કરશે. એનામાં રહેલાં સભ્યતાનાં ફળોથી એ નમશે, એનાં પર સંસ્કારનાં ફૂલ ઉગશે અને સમાજમાં એની મહેંક ફેલાવશે. એટલું જ નહિ ભવિષ્યમાં આજ ઘટાદાર વૃક્ષ તમને છાંયો આપશે.

મિત્રો, આ વખતે દિવાળી કઈંક આવી રીતે મનાવીએ. ચોતરફ ભલે અંધકાર હોય પણ આપણે દીપ પ્રગટાવીએ. આપણે જ આપણા અને અન્યનાં આભને પણ અજવાળીએ.

લાગણીથી ખળખળો તો છે દિવાળી,

પ્રેમનાં રસ્તે વળો તો છે દિવાળી.

એકલા છે જે સફરમાં જિંદગીની,

એમને જઈને મળો તો છે દિવાળી.

છે ઉદાસી કોઈ આંખોમાં જરા પણ,

લઇ ખુશી એમાં ભળો તો છે દિવાળી.

જાતથી યે જેમણે ચાહયા વધારે,

એમના ચરણે ઢળો તો છે દિવાળી.

દીવડાઓ બહાર પ્રગટાવ્યે થશે શું?

ભીતરેથી ઝળહળો તો છે દિવાળી..!!

એક અત્યંત મહત્વની વાત દેવીદેવતાનાં ચિત્રો વાળા ફટાકડાં તો ન જ ખરીદીયે. કેમિકલયુક્ત ધુમાડાં શ્વાસમાં ન જાય અને સ્વાસ્થ્યને અને પર્યાવરણને નુકસાન ન થાય એ પણ સાચવીયે. હું ફટાકડાં ફોડવાની વિરોધી નથી એ જમાનામાં એની પાછળનું અલગ વિજ્ઞાન હતું જે હજી પણ એટલું જ જરૂરી છે પણ આજકાલ ચાઈનાથી આવતાં માલમાં નુકસાન થવાની શક્યતા વધુ રહેલી છે માટે શક્ય હોય તો આવી ખરીદી ટાળીયે.

Stress of competition: ડોકટર કે એન્જિનિયર બનાવવો હોય તો શું કરશું કેવી રીતે બનાવીશું?

દીપાવલીનાં પર્વને ખરાં અર્થમાં પ્રકાશનાં પર્વ તરીકે ઊજવીએ. નગરનાં કોઈ અંધારા ખૂણામાં આવેલી કોઈ જર્જરિત ઝૂંપડીનાં આથમતાં દીવામાં નવી આશાનું દિવેલ પૂરીએ. આટલું કરવા માટે આતશબાજીનાં કે ડિનર પાર્ટીનાં બજેટનો માત્ર નાનો અંશ પૂરતો છે. આ વાત આપણે પણ સમજીયે અને બાળકોને પણ સમજાવીએ.

કોરોનાકાળ પછી કંઈકેટલાંયનાં ધંધા રોજગાર પડી ભાંગ્યા હશે. એમને બેઠાં થવામાં આપણાથી બનતું યોગદાન આપીયે. નાનાં-નાનાં વ્યાપારીઓ પાસેથી દીવડાઓ, ફરસાણ, મીઠાઈ શણગારનો સામાન જેવી બને એટલી સ્વદેશી વસ્તુ ખરીદી આપણી ભુલાતી જતી કલાને પ્રોત્સાહન આપીયે અને એમની પણ દિવાળી રોશન કરીયે.

યાદ રાખજો મિત્રો કે ફરવાં જવા માટે તો આખા વર્ષમાં ક્યારેય પણ જઈ શકાય પણ પરિવાર, સ્નેહીજનો અને મિત્રો સાથે મળીને પરસ્પર સ્નેહ અને મીઠાઈ વહેંચીને તહેવાર ઉજવવાની પરંપરા અમથી નથી ચાલી આવતી ! અમે નાનાં હતાં ત્યારે ઘરનો માહોલ કઈંક અલગ જ રહેતો. એક બાજુ ફરસાણમાં મઠિયા, ચોળાફળી ને સેવ જેવા જાતજાતનાં ફરસાણ તળાતાં હોય તો બીજી બાજુ ઘૂઘરા, લાડું ને મોહનથાળ જેવી મીઠાઈઓ ઘરમાં બનતી હોય. કાજુ બદામ જેવા ડ્રાયફ્રૂટ્સ પણ ત્યારે ખાસ આવતા ને સાથે જાતભાતનાં મુખવાસ પણ.

ત્યારે ટેબલ પર ખાસ નવું લાવેલું ટેબલ ક્લોથ પાથરી અમે ખૂબ હરખાતાં. કોનાં ઘરે કેટલો સરસ નાસ્તો બન્યો છે કે મીઠાઈ બની છે એની લાંબી ચર્ચાઓ ચાલતી. અમને બધાના ઘરે જઈ આ બધું ચાખવાની ખાસ છૂટ મળતી. અમે દિવાળીમાં ખાસ ઘર ગણતાં અને ઘરે-ઘરે જઈને વડીલોને પગે લાગી એમના આશીર્વાદ પણ લેતાં અને એમની આપેલી રૂપિયાની કડક નોટો ભેગી કરતાં ત્યારે કુબેર ભંડાર ભરાયો હોય એવી લાગણી થતી.

હવે તો આવી દિવાળીઓ જવલ્લે જ જોવા મળે છે એ છતાંય હું એટલું હંમેશા માનું કે એટલાં બધા આગળ ન નીકળી જવું કે જ્યાંથી પાછાં ફરવું મુશ્કેલ પડે. આશા રાખું કે આપણે હજી મોડાં નથી પડ્યાં ને એટલાં બધા આગળ નથી નીકળી ગયા કે પાછાં ન વળી શકીયે. આ આવનારી દિવાળીનાં દીવડાઓ તમારાં અંતરને ઝગમગાવે, આંગણે પૂરેલાં સાથિયાઓ મિત્રો અને સ્નેહીઓ વચ્ચે આત્મીયતાને વિકસાવે. વડીલોનાં આશીર્વાદ સદાય અમીછાંટણા બની વરસતાં રહે.

દિવાળી માત્ર ફટાકડાં અને મીઠાઈ પૂરતું સિમીત ન રહેતાં, પ્રેમ અને આનંદ વહેંચવાનું પર્વ બની રહે એવી આપ સહુને મારાં તરફથી આવનારાં દિવાળીનાં તમામ તહેવારોની હાર્દિક શુભેચ્છાઓ..!! વૈભવી જોશી

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *