stress of competition on a child

Stress of competition: ડોકટર કે એન્જિનિયર બનાવવો હોય તો શું કરશું કેવી રીતે બનાવીશું?

શીર્ષક:- સ્પર્ધા નો તણાવ એક બાળક પર (Stress of competition)

Banner Puja Patel


Stress of competition: સ્પર્ધા સ્પર્ધા સ્પર્ધા ! આજનો જમાનો એટલે સ્પર્ધાની તો વાત જ ન કરી શકાય! એવું કોઈ જ ક્ષેત્ર નથી કે જ્યાં સ્પર્ધા નથી! પણ સ્પર્ધામાં જીતવું કે હારવું, ભાગ લેવો કે ન લેવો આ બધું મહત્વ નથી રાખતું કેમ કે તે ગૌણ વસ્તુ છે. મહત્વની વાત એ છે કે સ્પર્ધાની ભાગદોડ અને હરોળ સુધી ઊભા રહેવા માટે પણ એક વ્યક્તિનું જીવન દાવ પર લાગી જાય છે. એ વ્યક્તિ એટલે આજના દરેક બાળક! હું અહીં મારા લેખ દ્વારા એક જ બાળકની વાત કરીશ!

એક બાળક જ્યારે જન્મે ત્યારે તે નકકી કરી નાખવામાં આવે છે કે તે મોટું થઈને શું બનશે! હજી તો ઓલા બાળકે જન્મ લીધો છે જેને હજી બરાબર આંખો પણ નથી ઉઘાડી તેને શ્વાસ તો લેવા દ્યો! એનાં જન્મતાની સાથે જ નક્કી કરી લીધું કે એ એની કારકિર્દી શેમાં બનાવશે? વાત અહીં જ ખતમ નથી થતી પણ હાં અહીંથી શરૂઆત થઈ ગઈ એટલે વાત જ ન પૂછો! એ બાળક શાળાએ જતાં શીખશે એ ત્રણ વર્ષમાં તો એ આગામી વીસ વર્ષ પછી શું કરશે તે બધું જ નક્કી કરી લીધું હોય છે એટલે તેને શાળાએ મૂકી દેશે અને ધીરે ધીરે ચાલું થશે તેની સરખામણી! જ્યારે તે અભ્યાસ કરતું હોય અને આસપાસનાં બાળકો કોઈ અન્ય પ્રવૃત્તિ કરતાં હોય તો તેની તરત જ સરખામણી થશે કે,

દક્ષા બેનનો દીકરો જો, સારું ચિત્ર દોરે છે,
રેખા બેનની દીકરી જો, સ્કેચ બનાવે છે,
જલ્પા બેનનો દીકરો દોડવામાં અવ્વલ છે,
એટલુ જ નહીં પરંતું પરીક્ષામાં જે વિદ્યાર્થીનાં ગુણ પોતાનાં બાળક કરતાં એક વધારે આવી ગયો હોય, એટલે તરત જ આ બાળકને એવું સર્ટિફિકેટ આપી દેવામાં આવશે કે તેનું તો ભણવામાં ધ્યાન જ નથી! અને આજે આ રીતે તે ભણવામાં પાછળ રહી ગયું છે કાલે સવારે એને ડોકટર કે એન્જિનિયર બનાવવો હોય તો શું કરશું કેવી રીતે બનાવીશું? માર્ક્સ તો જો! આટલા માર્ક્સમાં કોણ એડમિશન આપશે?! ભણવામાં ધ્યાન તો આપ થોડુક!

અને એ જ બાળક ભણવા સિવાય કોઈ બીજી પ્રવૃત્તિમાં ભાગ લેવાનું વિચારે કે રસ ધરાવે તો તેને કહી દેવામાં આવશે કે તું માત્ર ભણવામાં હોંશિયાર બન ધ્યાન આપ બીજું કશું કરવાની જરૂર નથી! અને છતાંય તેની સરખામણી તો કરી જ બેસશે દરેક બાળક સાથે કે જે અલગ અલગ પ્રવૃત્તિમાં અવ્વલ નંબર પર હોય; હવે સ્પર્ધા નથી છતાંય તેની સરખામણી ઘરે બેઠાં જ કરી લેવામાં આવે એટલે તે બાળક બીજી વસ્તુ એ વિચારશે કે હું કશુંક એવું કરું કે મારી સરખામણી બીજાં બાળકો સાથે ન થાય હું કશુંક એવું અલગ કરી બતાવું!

એ કશુંક અલગ કરી બતાવવાની તૈયારી બતાવે તો પણ વળી પાછી એની કલાની કદર નહિ થાય પરંતુ ઉપરથી તેની ધૃણા કરવામાં આવશે કે તેનું ધ્યાન ભણવામાં કેમ નથી?! એવામાં આ બાળકે કશુંક અલગ કરેલું હોય તો તે એકવખત તો જોઈ જોવું જોઈએ ને! કમ સે કમ તેને પ્રોત્સાહન મળે કે તેણે કશુંક અલગ કરી બતાવ્યું!
એકતો તેને સ્પર્ધામાં ઉતારી પાડવું છે અને એવી આશા રાખવામાં આવે કે તે કશુંક અલગ કરે પરંતું તે કશુંક અલગ કરી બતાવે તો તેને સમર્થન આપવાને બદલે જો તેની ટીકા જ કરવામાં આવે તો તે બાળક જાય કયાં?! જ્યારે તે કંટાળીને માત્ર ઇત્તર પ્રવૃત્તિ છોડી દેશે કે જેમાં તેને મનથી રસ હોય! ઉપરથી જ્યારે માત્ર ભણવામાં જ ધ્યાન આપશે તો કહેશે કે જીવનમાં ભણતર જ જરૂરી નથી બીજી પ્રવૃત્તિઓમાં પણ રસ ધરાવવો જોઈએ તો આપણને કશુંક આવડી શકે! એવામાં બાળક કરે શું?
જ્યારે બાળકની સરખામણી અહીં શાળાએ જતો હોય ત્યારે માત્ર આસપાસના લોકો સાથે કરવામાં આવે છે પરંતુ જ્યારે તે મોટું થશે અને દસમાં ધોરણની પરિક્ષા આપતું હશે ત્યારે શું? તેની સરખામણી તો આખા રાજ્ય ક્રમશઃ આખા દેશનાં ભણતા દરેક વિદ્યાર્થી સાથે કરી દેવામાં આવે ત્યારે તે બાળકનાં મગજ પર કેટલું દબાણ આપવામાં આવતું હશે? તે બાળકનાં મન પર શું વીતતું હશે? તેને જે આવડે છે તેમાં તેને પ્રોત્સાહન મળી રહે તો તે બાળક આપોઆપ જ કશુંક નવીન કરી બતાવશે જે પહેલેથી જ તેની પાસેથી આશા રાખવામાં આવેલ છે કે અમારું બાળક કશુંક અમારું નામ બનાવે! એણે કશુંક નવું કાર્ય કર્યું તો આપોઆપ જ એ જ કામને તે આગળ વધારે તો તેનો યશ તો તેનાં માબાપને જ મળે ને! પણ એ સર્જનાત્મક શક્તિ જાતે કેળવે અને સાથે સાથે મા બાપ દ્વારા પ્રોત્સાહન મેળવે તો જ આ વસ્તું શક્ય છે ને!

સ્પર્ધાત્મક જમાનામાં બાળકને સર્જનાત્મક બનાવો અને તેની શક્તિ જાતે કેળવવા દેશો તો તે કશુંક કરવાની ક્ષમતા ધરાવશે! બાકી તેની હાલતા ને ચાલતા માત્ર સરખામણી જ કરતાં રહેશો તો તે આગળ કેવી રીતે આવશે? મા બાપની અહીં બાળક પ્રત્યે એક જ લાગણી હોય છે કે તેમનું બાળક સર્વશ્રેષ્ઠ બને પરંતુ જ્યારે બાળક પોતાની જાતે પોતાનાં મનથી સર્વશ્રેષ્ઠ તો નહીં પરંતુ માત્ર શ્રેષ્ઠ બનવાની કોશિશ કરે અને તેમાં પણ તેને સમર્થન ન મળે તો ? માબાપે સમર્થન તો કરવું જ જોઇએ ને જો પોતાના બાળકની સરખામણી કરતી વખતે તેની આંખોમાં પણ એક વખત નથી જોતા હોતાં કે નથી તેની ભાવનાઓને સમજતાં તો પછી તેની સરખામણી બીજાં લોકો સાથે કરવાનો શું મતલબ છે?!

Unlimited Food: અનલિમિટેડ ખાવાનું કેટલું આપણા વિચારશક્તિ સાથે રમી રહ્યું છે!

આ સાથે, હું મારી કલમને વિરામ આપું છું, મળીશ હું નવા ટોપિક અને નવાં લેખ સાથે ખૂબ જ જલ્દી! ✍🏻પૂજા અનિલકુમાર પટેલ (ચીકી)

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *