Swamiji ni Vani part-19: ભગવાન શ્રીકૃષ્ણ ગીતામાં યજ્ઞની બહુ જ વ્યાપક વ્યાખ્યા આપે છે: यज्ञो वै विष्णु:

Swamiji ni Vani part-19: પૂજય સ્વામીશ્રી વિદિતાત્માનંદ સરસ્વતીજી: “સમર્પણ-યજ્ઞ

ગીતાના ત્રીજા અધ્યાયમાં ભગવાન કહે છે: सहयज्ञा: प्रजा: सृष्ट्वा पुरोवाच प्रजापति: |अनेन प्रसविष्यध्वमेष वोस्त्विष्टकामधुक् ||

Swamiji ni Vani part-19: બ્રહ્માજીએ જ્યારે સૃષ્ટિનું સર્જન કર્યું ત્યારે મનુષ્યના સર્જન સાથેસાથે તેમણે યજ્ઞનું સર્જન કર્યું અને યજ્ઞનો ઉપદેશ કરતાં મનુષ્યને કહ્યું: આ યજ્ઞથી તમે સર્વ ઉન્નતિ પ્રાપ્ત કરો. તમે જે કાંઈ ઇચ્છો તે સર્વનું પ્રદાન કરનારો આ યજ્ઞ છે. યજ્ઞની પાછળ બહુ જ સુંદર સિદ્ધાંત રહેલો છે. સામાન્ય રીતે યજ્ઞની એવી સમજ છે કે એક વેદી બનાવવામાં આવી હોય, અગ્નિ પ્રગટાવવામાં આવ્યો હોય અને તેમાં આહુતિ અપાતી હોય તેને યજ્ઞ કહેવાય. પરંતુ ભગવાન શ્રીકૃષ્ણ ગીતામાં યજ્ઞની બહુ જ વ્યાપક વ્યાખ્યા આપે છે. यज्ञो वै विष्णु:| યજ્ઞ એટલે વિષ્ણુ, ઈશ્વર કે પરમાત્મા અને તેથી પરમાત્માને અર્પણ કરવાની ભાવનાથી જે કર્મ થયું હોય તે યજ્ઞ કહેવાય.

આપણે પ્રચલિત અર્થમાં જેને યજ્ઞ કહીએ છીએ તેમાં કાંઈ ત્યાગ કરવામાં આવતો હોય છે, આહુતિનું અર્પણ કરવામાં આવતું હોય છે. આથી જે કર્મની પાછળ સમર્પણની ભાવના હોય, પરોપકારની ભાવના હોય, ત્યાગની ભાવના હોય, તે કર્મનું નામ યજ્ઞ. જો તમે મીમાંસકોને પૂછો કે યજ્ઞ કોને કહેવાય તો તે ‘દેવતાને ઉદ્દેશીને કરવામાં આવતા દ્રવ્યના ત્યાગને જ યજ્ઞ કહેવામાં આવે છે’ એમ કહેશે. બાકી તો બધી એ યાગની તૈયારી જ છે. વેદી રચવી, અગ્નિ પ્રગટાવવો, બીજાં બધાં દ્રવ્યો એકઠાં કરવાં, મંત્રોચ્ચાર કરવા આ તો યજ્ઞની આસપાસની તૈયારી છે. પરંતુ યજ્ઞ તો દ્રવ્યને અગ્નિમાં હોમવાની ક્રિયાને જ કહેવામાં આવે છે. આ દ્રવ્ય હોમવાની, દ્રવ્ય-ત્યાગની ક્રિયા પાછળ સમર્પણની, ત્યાગની ભાવના રહેલી છે.

આથી બ્રહ્માજીએ મનુષ્યને ઘડીને, તેને આદેશ આપ્યો કે ‘જીવનમાં સમર્પણની ભાવનાથી કામ કરો.’ देवान्भावयतानेन ते देवा भावयन्तु व: | परस्परं भावयन्त: श्रेय: परमवाप्स्यथ || આ યજ્ઞ વડે તમે દેવતાઓને સંતુષ્ટ કરો અને દેવતાઓ પણ તમને સંતુષ્ટ કરશે. આમ પરસ્પરને સંતુષ્ટ કરતાં તમે પરમ શ્રેય પ્રાપ્ત કરો. દેવતાઓ એટલે જગતનું સંચાલન અને નિયંત્રણ કરનારાં મૂળભૂત પરિબળો, જેમ કે અગ્નિ, વાયુ, જળ, પૃથ્વી, આકાશ, સૂર્ય, ચંદ્ર, ઇન્દ્ર, વરુણ ઇત્યાદિ. આ દેવતાઓ જે રીતે કામ કરી રહ્યા છે તે ઉપરથી શીખ લઈને એ રીતે આપણે જીવનમાં કાર્ય કરવું જોઈએ. એ સૌ સમર્પણ કરી રહ્યા છે.

સૂર્ય પરોપકારાર્થે પ્રકાશે છે. માત્ર નમસ્કાર કરીએ તો સૂર્ય પ્રસન્ન થાય છે અને આપણી આંખોનું તેજ વધારે છે. વળી, સૂર્યનો પ્રકાશ ન હોય તો આંખોનો પ્રકાશ પણ નકામો થઈ જાય, આપણે કાંઈ જોઈ જ ન શકીએ. પરંતુ સૂર્ય કદી એમ નથી કહેતો કે ‘આ માણસે મને નમસ્કાર નથી કર્યા તેથી તેના ઘરમાં પ્રકાશ નહીં જવા દઉં.’ કોઈ પણ પ્રકારના રાગ-દ્વેષ વગર સૂર્ય સમાન રીતે સર્વત્ર પ્રકાશ પાથરે છે. પ્રાણીમાત્રનું જીવન સૂર્યના પ્રકાશ પર આધારિત છે. આમ, સૂર્ય સતત સેવા કરે છે. પૃથ્વી પણ સેવા કરે છે, બધાનો ભાર સહન કરે છે. ગમે એટલો તિરસ્કાર કરીએ તો પણ માતાની જેમ આપણું સતત પોષણ કરે છે.

વાયુ સર્વ જીવનનું પાલન કરે છે, જીવન શક્ય બનાવે છે. જળ સર્વની તૃષા છિપાવે છે. ચંદ્ર શીતળતા દ્વારા ઔષધિઓમાં રસ ઉત્પન્ન કરીને સેવા કરે છે. આકાશમાંનાં વાદળો પણ સતત સેવા કરે છે, સમર્પણ કરતાં રહે છે. જગતમાં નજર કરીએ તો જણાય છે કે એક વૈશ્વિક યજ્ઞ ચાલી રહ્યો છે અને સૃષ્ટિનાં સર્વ તત્ત્વો આ યજ્ઞમાં ભાગ લઈ રહ્યાં છે. કોઈ પણ નિષ્ક્રિય નથી. વણથાક્યાં સર્વ સતત કાર્ય કરી રહ્યાં છે. કોઈ કહેશે કે આ તો જડ તત્ત્વો છે. પણ જે નિયમિત કાર્ય કરી રહ્યાં હોય તેને જડ કેમ કહેવાય ?

આ પણ વાંચો:- Swamiji ni Vani part-18: જીવનની દરેક પરિસ્થિતિ ઈશ્વરનો પ્રસાદ છે..

જગતનું નિરીક્ષણ કરીએ તો જણાય છે કે કોઈ બુદ્ધિપૂર્વકનું તત્ત્વ છે, ચેતન તત્ત્વ છે જે આ બધાનું સંચાલન કરતું હોવું જોઈએ. એ જ ચેતન તત્ત્વ બ્રહ્માંડમાં વિવિધ રૂપે આ સર્વ કાર્ય કરી રહ્યું છે. માનવી પણ એ જ ચેતન તત્ત્વની એક અભિવ્યક્તિ છે. તેણે પણ પોતાનાં કર્મ દ્વારા આ સમર્પણ-યજ્ઞમાં યોગદાન આપવાનું છે.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *