Tulsi Vivah: આજે મણકો ૯ – તુલસી વિવાહ અને દેવઊઠી એકાદશી

(વિશેષ નોંધ : Tulsi Vivah: દિવાળી નિમિત્તે દસ મણકામાં તૈયાર કરેલી લેખમાળાનો આ નવમો મણકો છે. દિવાળીનાં સપ્તરંગી પર્વનો પ્રારંભ કરતી અને આખા વર્ષની અંતિમ એવી રમા એકાદશીથી લઈને દેવદિવાળી સુધી આવતાં અલગ-અલગ પર્વ વિશે રોજ શક્ય એટલી માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. હવે આજે મણકો ૯ – તુલસી વિવાહ અને દેવઊઠી એકાદશી.)

હજી તો નૂતન વર્ષનો પ્રારંભ થયો અને એટલામાં જ આજે કારતક સુદ એકાદશી પર ચાતુર્માસની પૂર્ણાહુતિ થવા જઈ રહી છે. આજનો દિવસ અત્યંત ખાસ માનવામાં આવે છે કેમ કે આજે કારતક મહિનાનાં શુક્લ પક્ષની અગિયારસ તિથિ છે જે દેવઊઠી એકાદશી તરીકે ઓળખાય છે.

પંચાંગ અનુસાર અગિયારસ તિથિની શરૂઆત આજે ૨૩ નવેમ્બરની વહેલી પરોઢે ૦૪ઃ૩૩ વાગ્યાથી શરૂ થઈ ગઈ અને આવતી કાલે એટલે કે ૨૪ નવેમ્બરનાં રાત્રે ૦૨ઃ૩૧ સુધીમાં સમાપ્ત થઈ જશે અને પછી દ્વાદશી શરૂ થશે. જો કે કેટલીક જગ્યાએ તુલસી વિવાહની તારીખ ૨૪ નવેમ્બર તો કેટલીક જગ્યાએ ૨૫ નવેમ્બરનાં શુક્રવારે દ્વાદશી પછી મનાવવામાં આવશે.

દ્વાદશી તિથિ આવતી કાલે રાત્રે ૦૨ઃ૩૧થી શરૂ થાય છે અને ૨૫ નવેમ્બરનાં શુક્રવારે રાત્રે ૧૨ઃ૩૬ મિનિટે સમાપ્ત થાય છે. આ સમય અમારાં સિડનીનાં સમય મુજબ મુક્યો છે અને અમે ભારતીય સમય કરતાં ૫ઃ૩૦ કલાક આગળ હોઈ એ મુજબનો સમય ગણવો. પૂજા માટે કે યોગ્ય મુહૂર્ત માટે અનુભવી પંડિતની સલાહ અનુસરવી.

આ ચાતુર્માસ દરમ્યાન ભક્તોએ જે તપ કર્યા અને ભગવાનનો વિયોગ વેઠ્યો તેથી પ્રભુ અંતરમાં જાગ્રત થયાં. આ ચાર મહિના દરમ્યાન આપણે આત્મ, અધ્યયન, વ્રત અને ઉપાસનાથી પ્રાપ્ત કરેલ ઉર્જાને સત્કર્મોમાં ફેરવી શકીયે તો દેવઊઠી એકાદશી સાર્થક થઈ કહેવાશે.

પૌરાણિક કથા અનુસાર આજનાં દિવસે ક્ષીર સાગરમાં પોઢેલાં ભગવાન વિષ્ણુ બલિ રાજાનાં નિવાસેથી દેવો પાસે પુનઃ પધારે છે. તો વળી અન્ય એક માન્યતા મુજબ શંખચૂર નામના એક અસુર સાથે ભગવાન વિષ્ણુનું લાંબા સમય સુધી યુદ્ધ થયાં બાદ અષાઢ શુક્લ અગિયારસનાં રોજ ભગવાન વિષ્ણુએ શંખચૂરનો વધ કર્યો અને એ ભીષણ યુદ્ધનાં કારણે થાક લાગવાથી ક્ષીર સમુદ્રમાં ૪ મહિનાની યોગનિંદ્રામાં ચાલ્યા ગયા હતાં તે છેક આજનાં દિવસે એ ગાઢ નિંદ્રામાંથી જાગ્યા હતાં.

આપણા શાસ્ત્રો અનુસાર દેવપોઢી એકાદશીથી ભગવાન પોઢેલાં હોવાથી તેમને આજનાં દિવસે પ્રબોધ કરી જગાડવામાં આવે છે. તેથી આ દિવસને દેવઊઠી એકાદશીની સાથેસાથે પ્રબોધિની એકાદશીનાં નામે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે દેવનો પ્રબોધ થતો હોવાથી દેવદિવાળીનું પર્વ એકાદશીથી લઈને પૂનમ સુધી મનાવાય છે. દેવઊઠી અગિયારસનાં દિવસે ભગવાન વિષ્ણુનાં શાલિગ્રામ સ્વરૂપનો વિવાહ તુલસી સાથે કરાવવાની યુગો જૂની પરંપરા છે. આજનાં દિવસ બાદ જ કોઈ પણ શુભકાર્ય કરી શકાય એવી માન્યતા છે.

સૌરાષ્ટ્ર-કચ્છમાં કારતક સુદ અગિયારસ પર દેવ દિવાળી પર્વ ઉજવાય છે અને આજ દિવસે તુલસી વિવાહ પણ મનાવાય છે. ઉત્તર ભારતમાં આ ઉત્સવ પાંચ દિવસ સુધી ઉજવાય છે અને કારતકી પૂનમનાં દિવસે દેવદિવાળી મનાવવામાં આવે છે.

આજનાં દિવસે તુલસી સાથે શાલિગ્રામજીનાં લગ્ન કરવાની પરંપરા છે. પુરાણોમાં શાલિગ્રામજીનું વર્ણન છે. સ્કંદપુરાણનાં કારતક માહાત્મ્ય અધ્યાયમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે શિવજીએ પણ શાલિગ્રામની સ્તુતિ કરી છે. બ્રહ્મવૈવર્તપુરાણનાં પ્રકૃતિ ખંડ અધ્યાયમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે જ્યાં શાલિગ્રામની પૂજા થાય છે, ત્યાં ભગવાન વિષ્ણુ સાથે ભગવતી લક્ષ્મી પણ નિવાસ કરે છે.

શાલિગ્રામ શિલાનું જળ જે પોતાના ઉપર છાંટે છે, તેમને તીર્થમાં સ્નાન કરવા સમાન પુણ્ય મળે છે. જે વ્યક્તિ રોજ સવારે શાલિગ્રામનો જળથી અભિષેક કરે છે, તેને અક્ષય પુણ્ય મળે છે એવી માન્યતા છે. તુલસી અને શાલિગ્રામજીનાં લગ્ન કરાવવાથી કન્યાદાનનું પુણ્ય મળે છે એવી પણ માન્યતા છે.

નેપાળમાં વહેતી ગંડકી નદી પણ તુલસીનું જ રૂપ મનાય છે. આ નદીમાં એક ખાસ પ્રકારનાં પત્થર મળે છે. આ પત્થરને જ ભગવાન વિષ્ણુનાં સ્વરૂપ મનાય છે અને શાલિગ્રામનાં રૂપે પૂજાય છે. શાલિગ્રામજી ભગવાન વિષ્ણુનાં જ અવતાર માનવામાં આવે છે. શાલિગ્રામ અનેક પ્રકારનાં હોય છે. થોડા શાલિગ્રામ અંડાકાર હોય છે તો થોડા શાલિગ્રામમાં એક-એક કાણું હોય છે. થોડાં પથ્થરમાં શંખ, ચક્ર, ગદા કે કમળનાં શુભ ચિહ્ન બનેલાં હોય છે. શાલિગ્રામની પૂજા તુલસી વિના પૂર્ણ માનવામાં આવતી નથી.

પદ્મપુરાણમાં કહેવાયું છે કે, તુલસીનાં દર્શન માત્રથી મહા પાતકોનો નાશ થઈ જાય છે. એના સ્પર્શ માત્રથી શરીર પવિત્ર બની જાય છે અને એને સીંચવાથી મૃત્યુ દૂર ભાગે છે. તુલસીનો છોડ વાવવાથી ભગવાનનું સાંનિધ્ય પ્રાપ્ત થાય છે અને એને ભગવાન વિષ્ણુના ચરણોમાં સમર્પિત કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે એવી માન્યતા છે.

વનસ્પતિ શાસ્ત્રીઓ પ્રમાણે તુલસી નેચરલ એર પ્યૂરિફાયર છે. તે લગભગ ૧૨ કલાક ઓક્સિજન છોડે છે. તુલસીનો છોડ વાયુ પ્રદૂષણને ઘટાડે છે. તેમાં યૂઝેનોલ કાર્બનિક યોગિક હોય છે જે મચ્છર, માખી અને કીડા ભગાડવામાં પણ મદદ કરે છે. એ સિવાય પણ એમાં રહેલા અઢળક ઔષધીય ગુણો વિશે આપણે ક્યાં નથી જાણતા.

Life Dream & Way: સપનાં સાકાર કરવા માટે ઘણું બધું ઝૂનુન હોવું જરૂરી છે: પૂજા પટેલ

પુરાણોમાં એનો મહિમાં દર્શાવતા કહેવાયું છે: “યન્મૂલે સર્વ તીર્થાનિ, યગ્રે સર્વ દેવતા, યન્મધ્યે સર્વ વેદા ચ તુલસી તાં નમામ્યહમ્ ।।” એટલે કે જેના મૂળમાં બધા તીર્થો રહેલા છે, જેની ટોચ પર બધા દેવતાઓ રહેલા છે અને જેની વચમાં બધા વેદો રહેલા છે તે તુલસીને હું વંદન કરું છું. શાસ્ત્રોમાં તુલસીનાં અનેક નામો છે એમાં આઠ નામ મુખ્ય છે – વૃંદા, વૃંદાવની, વિશ્વપૂજિતા, વિશ્વ પાવની, પુષ્પસારા, નંદિની, કૃષ્ણજીવની અને તુલસી.

વર્ષોથી આ તુલસી વિવાહની પરંપરાને આપણે અનુસરતાં આવ્યા છીએ પરંતુ શું આપણે બધા એ જાણીયે છીએ કે એક પત્ની લક્ષ્મીજી હોવા છતાં આખરે કઈ પરિસ્થિતિમાં ભગવાન વિષ્ણુને તુલસી સાથે લગ્ન કરવા પડ્યાં હતાં ?? આ કથા પણ ખૂબ જ રસપ્રદ છે તો ચાલો આજે થોડું એના વિશે પણ જાણીયે.

પૌરાણિક માન્યતા અનુસાર, રાક્ષસનાં કુલમાં એક કન્યાનો જન્મ થાય છે. એનું નામ વૃંદા રાખવામાં આવે છે. વૃંદા બાળપણથી જ ભગવાન વિષ્ણુની પરમ ભક્ત હતી અને હંમેશા તેમની ભક્તિમાં લીન રહેતી હતી.જ્યારે વૃંદા લગ્ન માટે લાયક બની ત્યારે તેમના માતાપિતાએ તેમના વિવાહ જલંધર નામનાં રાક્ષસ સાથે કરી દીધા. વૃંદા ભગવાન વિષ્ણુની પરમ ભક્ત સાથે એક ધાર્મિક સ્ત્રી પણ હતી, જેના કારણે તેના પતિ જલંધર વધુ શક્તિશાળી બન્યા હતા. વૃંદાની ભક્તિ અને સતીત્વનાં બળ પર જલંધર અજેય બની ગયા.

જલંધર જયારે પણ યુદ્ધ પર જતાં ત્યારે વૃંદા પૂજા અર્ચના કરતી. વૃંદાની ભક્તિને કારણે કોઈ પણ જલંધરને મારી શકતું ન હતું. જલંધરે જયારે દેવતાઓ સાથે યુદ્ધ કર્યું ત્યારે બધા જ દેવતાઓ જલંધરને મારવામાં અસમર્થ સાબિત થઈ રહ્યા હતાં. જલંધરે બધા દેવતાઓને હરાવી નાખ્યાં હતાં, પછી બધા દેવતાઓ દુઃખી થઈને ભગવાન વિષ્ણુની શરણમાં પહોંચ્યા અને એમની સમક્ષ આ જલંધર નામનાં રાક્ષસનો આતંક સમાપ્ત કરવા માટે પ્રાર્થના કરી.

ભગવાન વિષ્ણુએ પોતાની માયાથી જલંધરનું રુપ ધારણ કરી લીધુ અને વૃંદાનાં પતિવ્રત ધર્મને નષ્ટ કર્યું જેથી જલંધરની શક્તિ ધીરે-ધીરે ક્ષીણ થવા લાગી અને તે દેવતાઓ સાથેનાં યુદ્ધમાં મરણ પામ્યો. જ્યારે ભગવાન વિષ્ણુની યુક્તિ વિશે વૃંદાને ખબર પડી, ત્યારે તેમણે ભગવાન વિષ્ણુને એક પથ્થર બનવા માટે શ્રાપ આપ્યો. ભગવાન વિષ્ણુને પથ્થરનાં બનેલા જોઈ બધા દેવી-દેવતાઓમાં હાહાકાર મચી ગયો.

એ પછી માતા લક્ષ્મીએ વૃંદાને પ્રાર્થના કરી ત્યારે વૃંદાએ જગતનાં કલ્યાણ માટે પોતાનો આપેલો શ્રાપ પાછો લઈ લીધો અને પોતાના પતિ જલંધરની સાથે જ સતી થઈ ગઈ. પછી એમના શરીરની રાખમાંથી એક નાનું વૃક્ષ પ્રગટ થયું જેને ભગવાન વિષ્ણુએ તુલસી નામ આપ્યું. ભગવાન વિષ્ણુ પણ તેમના કરેલા આ છળનું પ્રાયશ્ચિત કરવા માગતાં હતાં. તેમણે વૃંદાનાં શ્રાપને જીવિત રાખવા માટે પોતાની જાતને એક શાલિગ્રામ સ્વરૂપમાં પ્રગટ કર્યા જે શાલિગ્રામ કહેવાયું.

ભગવાન વિષ્ણુએ વૃંદાને કહ્યું હતું કે, ‘તમે એક છોડ સ્વરુપે પ્રગટ થશો જેનું નામ તુલસી હશે. તમે મને લક્ષ્મી કરતાં પણ વધારે પ્રિય હશો. તમારું સ્થાન મારાં માથા પર રહેશે. આટલું જ નહીં હું તમારાં વગર કોઈ પણ પ્રકારનું ભોજન ગ્રહણ નહીં કરું.’ તેથી જ ભગવાન વિષ્ણુ કે તેમના તમામ અવતારની પૂજાનાં પ્રસાદમાં વિષ્ણુપ્રિયા તુલસી હોવી અનિવાર્ય છે. વૃંદાનું માન જાળવવા માટે દેવતાઓએ શાલિગ્રામ સ્વરૂપી વિષ્ણુ ભગવાનનો વિવાહ તુલસી સાથે કરાવ્યો.

વર્ષનાં સૌથી મોટાં પર્વ દીપાવલીનાં મહત્ત્વનાં દિવસોમાં દેવઊઠી એકાદશીનું પણ અનેરું મહત્ત્વ છે. દેવઊઠી એકાદશી સાથે જ ચાર મહિનાનાં હિંદુ ચાતુર્માસ પણ પૂરાં થાય છે. આ પૂર્વે બરાબર ચાર માસ પહેલાં અષાઢ સુદ અગિયારસે વિષ્ણુ ભગવાન પોઢે છે જેને દેવપોઢી અગિયારસ કહી છે. ભાદરવા સુદ એકાદશીએ ભગવાન પડખું ફેરવે છે જેને પરિવર્તિની એકાદશી કહી છે અને આજે કારતક સુદ એકાદશીએ ભગવાન જાગે છે જેને દેવઊઠી એકાદશી કહી છે.

હવે દિવાળીની લેખમાળાનો છેલ્લો મણકો દેવદિવાળી પર રજુ કરીશ પણ ત્યાં સુધી આજથી શરૂ કરીને કારતક પૂર્ણિમા સુધીનાં પાવન પર્વની આપ સહુને મારાં તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ..!! ✍🏻 વૈભવી જોશી

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *