Diwali image 600x337 1

Diwali Festival: દિવાળી! બાળકોથી માંડીને યુવાનો, વૃદ્ધો સૌ માટે ફરીથી પાંચ દિવસની મજા લઈને આવી જ ગઈ!

શીર્ષક:- દિવાળી પર્વ(Diwali Festival)

Diwali Festival: હેલ્લો મિત્રો! આશા રાખું છું કે આપ સૌ કુશળ હશો! આજે હું આવી છું આપના બધાંની વચ્ચે એક ટોપિક લઇને કે જેનું શીર્ષક છે: “દિવાળી પર્વ”!

Diwali Festival: Pooja Patel

દિવાળી! બાળકોથી માંડીને યુવાનો, વૃદ્ધો સૌ માટે ફરીથી પાંચ દિવસની મજા લઈને આવી જ ગઈ! જોને, ઉત્તરાયણ, શ્રાવણ માસ, નવરાત્રી, અને અગણિત નાના મોટા તહેવારો પછી આખરે આવી જ ગઈ! એ જ દર વર્ષે જે હર્ષોલ્લાસથી જલસા કરાવવા આવી ગઈ! જેમાં નવરાત્રિનો હજુ ઉત્સાહ ઓછો જ ન થયો હોય ત્યારે દિવાળીમાં સાફસફાઈ, સજાવટ, મીઠાઈઓ બનાવવી, ફરસાણ બનાવવું અને ગામડે સહકુટુંબ સાથે ઉજવણી કરવાની હોંશ લઈને આવી ગઈ! શાળાએ જતાં બાળકો માટે દિવાળી વેકેશન એટલે ભણવામાંથી થોડોક આરામ! નોકરિયાતો, ધંધાદારીઓ માટે નાનું એવું વેકેશન! વેપારીઓ માટે ચોપડાપૂજન તો બહેનો માટે આખું ઘર બદલવાનો નવો જાદુ કરવાનો જાણે કરતબ બતાવવાનો મોકો!

ઘરની સફાઈથી સૌપ્રથમ શરૂઆત થાય. માળિયે મૂકેલાં કે કોઈ જૂની પેથીમાંથી અમૂક સામાનની જાણે આ વર્ષે વસમી વિદાય થાય; નવી ઘણી ખરી વસ્તુઓનો ગૃહપ્રવેશ થાય; ગાદલાં એને ગોદડાંમાંથી ધૂળ એ રીતે ખંખેરતા હોઈએ જાણે પોતાનામાંથી અહંકારને દૂર કરવા માંગતા હોઈએ! એક રજ પણ ન રહી જાય બસ એ જ વાતનું પૂરેપૂરું ધ્યાન રાખવાનું હોય છે. વાસણોની સફાઈ, રસોડાની સફાઈ, આખા ઘરમાં ખૂણે ખૂણેથી જામી ગયેલાં બાવાઓને કાઢવાં અને પછી એક દિવસ આરામ કરીને દિવાળીની તૈયારીમાં લાગી જવું! અરે ઘૂઘરા, શક્કર પારા, સુંવાળી, ખાજા જેવી મીઠાઈઓ, સેવ, ગાંઠિયા, મેથીપુરી, ફરસીપુરી, ચોળાફળી, મઠિયાં, ચેવડો જેવાં ફરસાણ જ્યારે તળતા હોય ત્યારે એમ જ લાગે કે ખરી ઉજવણી તો આ જ છે. આમાં પણ અમૂક મીઠાઈઓ અને ફરસાણ બહારથી આવે એ તો અલગ! આપણે તો માત્ર એટલું જ ધ્યાન રાખવું કે આપણાં રોજિંદા નાસ્તામાં ભાખરી, ચવાણું, અથાણું ને રોટલી, મમરા જેવી વસ્તુઓ હોય તો તેને દિવાળીમાં બનેલાં ફરસાણ વખતે ભુલવી તો ન જ જોઈએ!
ધનતેરસનાં દિવસે માં લક્ષ્મીની પૂજા કરવી; એ સાંજની પૂજા કરવાની એક અલગ જ મજા હોય છે. જૂના જમાનાનાં સાચવેલા સિક્કાઓ કબાટમાંથી નીકળે, પૂજામાં તેઓનો સમાવેશ કરીને જે લક્ષ્મીપૂજન થાય ને, મનમાં એક જ ઈચ્છા થાય ત્યારે કે બસ અમારું ધન છે તે ખોટા ખર્ચમાં ન વેડફાઈ જાય અને ઉતરોત્તર પ્રગતિ થતી રહે! કાળી ચૌદશના દિવસે ચાર રસ્તે ભજિયાં અને એક કર્સો પાણી લઈને જવું, અનેક પશુ પક્ષીઓ માટે જાણે દાવત/ઉજાણી થઈ જાય! દિવાળીએ દીવા પ્રગટાવીને આસો વદ અમાસની રાતનો અંધકાર દૂર કરવાની હોંશ, ફટાકડાંનો અગણિત અવાજ તથા ધુમાડો કે જેનાથી હવામાંના અનેક કીટાણુઓને મારી શકાય! ઉપરાંત આ પાંચેપાંચ દિવસની અલગ અલગ રંગોળી બનાવવાની હોંશ, એક પોતાની અંદર રહેલી છુપી કળાનો વિકાસ ને પ્રદર્શન કરવાનો મોકો આપતી હોય છે.

Is it necessary to get married?: શું લગ્ન કરવા જરૂરી છે!?

બીજાં દિવસે નૂતનવર્ષનાં દિવસે સ્નેહમિલન! એક સ્નેહમિલન પાડોશીઓ સાથે, એક મુલાકાત મિત્રો સાથે અને વતનમાં જઈને પોતાનાં સગાવહાલા સાથે ઉજવણી કરવાની મજા જ અલગ હોય છે કે જે વર્ષની ઓછામાં ઓછી એક અનેરી યાદ બનાવીને માણસનાં માનસપટ પર છવાયેલી રહેવા માંગતી હોય છે. પછી ભાઈ બીજ કે જે ભાઈ બહેનનાં પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે, રક્ષાબંધન પછી ભાઈ બીજનું એક જ પર્વ એવું છે કે જે ભાઈ બહેનને મલાવતું હોય છે ખાસ કરીને ત્યારે જ્યારે બંને સાથે ન રહેતાં હોય! છેવટે લાભપાંચમ પછી નવા વર્ષમાં પોતાનાં રોજબરોજના કામધંધે લોકો જવાનું શરુ કરે! આ એક અઠવાડિયું આખું જીવન જાણે તરોતાજા બની જતું હોય છે જેમાં હેમંત ઋતુની ગુલાબી ઠંડી ધીરે ધીરે સ શિશિર ઋતુ તરફ પ્રયાણ કરવાની તૈયારી કરતી હોય છે.
આ સાથે, હું મારી કલમને વિરામ આપું છું, મળીશ હું નવા ટોપિક અને નવાં લેખ સાથે ખૂબ જ જલ્દી! પૂજા અનિલકુમાર પટેલ (ચીકી)

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *