kali chaudas

Kali Chaudas: દિવાળીની પૂર્વસંધ્યાથી પ્રભાત સુધીની રાત્રી કાળી ચૌદશ કહેવાઈ છે એની પાછળ પણ છે એક રસપ્રદ કથા..

મણકો ૪-કાળી ચૌદશ(Kali Chaudas)

(વિશેષ નોંધ: Kali Chaudas: દિવાળી નિમિત્તે દસ મણકામાં તૈયાર કરેલી લેખમાળાનો આ ચોથો મણકો છે. દિવાળીનાં સપ્તરંગી પર્વનો પ્રારંભ કરતી અને આખા વર્ષની અંતિમ એવી રમા એકાદશીથી લઈને દેવદિવાળી સુધી આવતાં અલગ-અલગ પર્વ વિશે રોજ શક્ય એટલી માહિતી આપવાનો પ્રયત્ન કરીશ. પહેલાં મણકામાં રમા એકાદશીની, બીજા મણકામાં વાક્ બારસ વિશે અને ત્રીજા મણકામાં ધન્વંતરિ તેરસ વિશે વાત કરી. પંચાંગ મુજબ ચૌદશની તિથિ પ્રારંભ થઇ ગઈ એટલે હવે મણકો ૪ – કાળી ચૌદશ.)

Kali Chaudas: Vaibhavi joshi

દિવાળીની પૂર્વસંધ્યાથી પ્રભાત સુધીની રાત્રી કાળી ચૌદશ(Kali Chaudas) કહેવાઈ છે તો એ સાથે તેને નરક ચતુર્દશી પણ કહે છે. આ જાણીને થોડો વિસ્મયનો અનુભવ થાય છે કે હિન્દુ-પંચાંગ પ્રમાણે વર્ષમાં આવતી ચોવીસ ચૌદશમાંથી એકયને કાળી કે નરક ચૌદશ કહેતા નથી, તો પછી આસો વદ ચૌદશને આવો સિરપાવ કેમ? એની પાછળ પણ એક રસપ્રદ કથા છે.

વિષ્ણુ પુરાણમાં નરકાસુરનાં વધની કથા છે. દ્વાપર યુગમાં ભૂમિ દેવીએ એક ક્રૂર પુત્રને જન્મ આપ્યો. અસુર હોવાથી તેનું નામ નરકાસુર પડ્યું. તે પ્રાગજ્યોતિષપુરનો રાજા બન્યો. તેણે દેવતાઓ અને મનુષ્યોને ખૂબ જ પરેશાન કર્યાં. સોળ હજાર અપ્સરાઓને નરકાસુકરે કેદ કરી લીધી. ત્યાર બાદ ઈન્દ્રની પ્રાર્થના સાંભળી ભગવાન કૃષ્ણએ અત્યાચારી નરકાસુરની નગરી ઉપર આક્રમણ કર્યું. યુદ્ધમાં તેમણે મુર, હયગ્રીવ અને પંચજન જેવા રાક્ષસોને માર્યા ત્યારે નરકાસુરે હાથીનું સ્વરૂપ ધારણ કરીને આક્રમણ કર્યું.

આસો મહિનાનાં વદ પક્ષની ચૌદશ તિથિએ શ્રીકૃષ્ણએ નરકાસુરનો વધ કર્યો. ત્યાર બાદ અપ્સરાઓ અને અન્ય લોકોને કેદમાંથી છોડાવ્યાં. એટલા માટે પણ આ તહેવારનું નામ નરક ચતુર્દશી પડ્યું છે. મા દુર્ગાનાં બે સ્વરૂપો ગણાયાં છે. એક સૌમ્ય તો બીજું રૌદ્ર. કાળી ચૌદશનું (Kali Chaudas)રાત્રિપર્વ મહાકાળીનાં રોદ્ર સ્વરૂપનું મનાયું છે, ત્યારે તેની ઉપાસના કરવામાં આવે છે. આ માતાનું સ્વરૂપ અનિષ્ટ તત્વનો નાશ કરીને, ઈષ્ટની પ્રાપ્તિ કરાવે છે.

Diwali Festival: દિવાળી! બાળકોથી માંડીને યુવાનો, વૃદ્ધો સૌ માટે ફરીથી પાંચ દિવસની મજા લઈને આવી જ ગઈ!

મનુષ્ય જીવ સ્વભાવગત અનેક દુર્ગુણોનો ગુલામ હોય છે. કાળી ચૌદશની(Kali Chaudas) વિશેષ રાત્રિએ મા કાળીની ઉપાસના ભક્તોમાં દુર્ભાવોનો નાશ કરી તેને સાચો માર્ગ સૂચવે છે. કાળી ચૌદશની રાત્રે કકળાટ કાઢવાની પ્રથા છે. કેટલાક લોકો કકળાટ કાઢવાની સાથે પોતાના ઘરની જૂની વસ્તુઓનો પણ ગામનાં ચોતરે ત્યાગ કરે છે. આ પ્રથા પાછળનો આશય માત્ર એટલો કે, વર્ષનાં છેલ્લા દિવસે આપણા ઘરની ગંદકી, ઘરનાં ક્લેશ, અશાંતિ તેમજ શરીરનાં વિકારોને ગામનાં ચોતરે તિલાંજલિ આપીને બીજા દિવસે નવા સંકલ્પો અને સારાં સ્વાસ્થ્ય સાથેનાં નવા વર્ષની ઉજવણી કરી શકાય.

આ કોઈ જાદુઈ પ્રથા નથી કે ન તો પળવારમાં આસપાસની સ્થિતિ કે આપણા જીવનમાં જાદુઈ પરિવર્તનો આવવાના છે. આ પ્રથા સદીઓથી ચાલતી આવેલી આપણી સંસ્કૃતિનું એક પ્રતીક છે, જે પ્રતીક આપણને આપણા ઘર અને આપણી જાત પ્રત્યેની જવાબદારીઓનું ભાન કરાવે છે. ઘરની સ્વચ્છતા હોય કે, પછી ઘરની શાંતિ હોય, એ બધુ જાળવી રાખવું આપણા હાથમાં હોય છે, માત્ર થોડા સંકલ્પો લેવાની જરૂર છે.

ઘરનો બાહ્ય કકળાટ કાઢવાની સાથો સાથ આપણે આપણી અંદર ઘર કરી ગયેલાં ડર, નાની-નાની બાબતો માટેની આપણી આળસ અને આપણી અંદરની ગભરામણને પણ વિના સંકોચ ગામનાં ચોતરે મૂકી આવવાની છે. આપણી અંદર જે અમાપ શક્તિઓ ઢબૂરાયેલી છે એને બહાર કાઢવાની છે અને આવનારાં નવા વર્ષ દરમિયાન આપણી સામે જે-જે પડકારો આવવાના છે એ પડકારોની સામે ઝીંક ઝીલવાની છે. જરાય ડર્યા વિના, પૂરા આત્મવિશ્વાસ સાથે જિંદગી માણવાની છે અને આપણા તમામ સપનાં પૂરા કરવાના છે.

કકળાટ કાઢવાની આ પ્રથામાં પાછળથી ઘણી માન્યતાઓ ભળી, આપણે આપણી મરજી મુજબનાં અર્થો પણ કાઢ્યાં. પરંતુ એનો મૂળ અર્થ શરીર, હ્રદયની આંતરિક શુદ્ધિ સાથે સંકળાયેલો છે. એટલે આપણી આ સુંદર પ્રથાને માત્ર એક સાંસ્કૃતિક પ્રતીક નહીં ગણતા આપણે એની પાછળનાં આશયને આત્મસાત્ કરીએ અને કંઈક નવી ઊર્જા, નવી તાજગી અને નવા સંકલ્પો સાથે આપણા નવા વર્ષની શરૂઆત કરીએ.

આજનાં કાળી ચૌદશનાં(Kali Chaudas) દિવસે કકળાટ કાઢવામાં ઘરની જૂની વસ્તુઓ કે ચોતરે વડાં નહીં મૂકો તો ચાલશે પણ આપણી અંદરનાં ડર, આળસ, વ્યસનો અને જાત પ્રત્યેની બેદરકારીને આપણા હ્રદયમાંથી બહાર કાઢવાનો પ્રયાસ જરૂરથી કરજો. આપ સર્વે આ બધું જ કરી શકો એ માટે મારાં તરફથી હાર્દિક શુભેચ્છાઓ..!! વૈભવી જોશી

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *