Vijaya ekadashi

Ekadashi vrat: આજે એકાદશી બારસ અને તેરસનો અનોખો સંયોગ; વાંચો વિગત…

 Ekadashi vrat Vaibhavi Joshi, sydney

✍️ વૈભવી જોશી ‘ઝીલ’ સિડની આસ્ટ્રેલિયા
Ekadashi vrat: ખાસ આજનાં દિવસ વિશે છેલ્લાં થોડાં દિવસોથી સોશ્યિલ મીડિયામાં એક મેસેજ બહુ વાયરલ થયો છે. એ મેસેજ પ્રમાણે આજે ત્રિસ્પર્શા કે ત્રિસર્પા એકાદશી છે. મને કદાચ ત્રિસ્પર્શા શબ્દ વધુ યોગ્ય જણાય છે કેમકે એક જ દિવસમાં ત્રણ તિથિ સ્પર્શે છે પણ ત્રિસર્પા નામનો ઘણી બધી જગ્યાએ ઉલ્લેખ છે પણ મને એનો શાસ્ત્રોક્ત ઉલ્લેખ નથી મળતો અને બંધ બેસતો પણ નથી લાગતો. હશે સાચા કે ખોટા નામમાં પડ્યા વગર આજનાં દિવસની વાત કરું તો..


આજનાં દિવસમાં અગિયારસ, બારસ અને તેરસની તિથિનો સંયોગ એક જ દિવસમાં થયો છે એટલે એ મોટામાં મોટી એકાદશી છે. ૨૪ કલાકમાં ત્રણ તિથીઓનો સંગમ એ જવલ્લે જ જોવા મળતી ઘટના છે. ૨૪ કલાકમાં ત્રણ તિથિ આવતી હોવાથી તેનું ફળ હજારગણું મળે છે એવી માન્યતા છે. એનો ઉપવાસ કરવાથી એક હજાર એકાદશી ઉપવાસ કરવાનું પુણ્ય ફળ મળે છે.

માણસ ૪૦ વર્ષ સુધી એકાદશીનાં ઉપવાસ કરે ત્યારે તેની એક હજાર એકાદશી થાય. એટલે કે ૪૦ વર્ષનું પુણ્ય એક જ દિવસમાં પ્રાપ્ત કરી શકાય. એટલે આમ જોવા જઇયે તો ભક્તો માટે આજનો દિવસ વિશેષ તો ખરો જ. આપણા બધા જ વાર તહેવાર તિથિ, ગ્રહો કે નક્ષત્રો ને ધ્યાનમાં રાખી અને સૂર્ય કે ચંદ્રની સ્થિતિ પ્રમાણે ઉજવવામાં આવતા હોય છે. ગરુડ પુરાણમાં કહ્યું છે કે એકાદશીની તિથિ એ સૂર્યોદયનાં એક કલાક અને ૩૬ મિનિટ પહેલાં શરૂ થતી હોય તો તે પૂર્ણ એકાદશી કહેવાય છે અને ભવિષ્ય પુરાણ પ્રમાણે જો એકાદશીનો દિવસ આગળની તિથિ સાથે ભેગો થઈ જતો તો એકાદશી બીજા દિવસે કરવી અને ત્યાર પછીનાં ત્રીજા દિવસે એકાદશીનો ઉપવાસ છોડવો. તિથિ તોરણ અને પંચાંગ જેટલું મને જોતા આવડે છે એ પ્રમાણે અગિયારશ ગઈ કાલથી શરૂ થઇ આજે બપોરનાં ૧ઃ૪૨ સુધી રહેશે અને બારસની તિથિનો આજે ક્ષય થશે. પંચાંગમાં નવો દિવસ મધ્યરાત્રિએ ન બદલી થઇને સૂર્યોદયનાં સમયે બદલી થાય છે. એટલે તેરસની તિથિ પણ આજથી જ શરૂ થશે અને આવતી કાલે સવારે ૮ઃ૪૬ સુધી રહેશે. (શક્ય છે આમાં હું ક્યાંક ખોટી પણ હોઉં એટલે જે લોકો મુહૂર્તમાં ખાસ માનતા હોય એમણે પંડિતની સલાહ લેવી મને તો માત્ર વાંચતા આવડે બહુ ઊંડું જ્ઞાન નથી.)

સામાન્ય રીતે બે એકાદશી પંદર-પંદર દિવસે બે વાર આવે છે પરંતુ ઘણી વાર એવું થાય છે કે એકાદશી કદાચિત બે વાર સાથે આવી જાય છે ત્યારે તેમાં પ્રથમ એકાદશીને સ્માર્ત એકાદશી કહેવામાં આવે છે અને બીજી એકાદશીને વૈષ્ણવ એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. સ્કંદ પુરાણનાં વૈષ્ણવ ખંડમાં આખા વર્ષની બધી જ એકાદશીઓનું મહત્ત્વ ઉલ્લેખવામાં આવ્યું છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર વિજયા એકાદશીનાં દિવસે ભગવાન વિષ્ણુની પૂજા વિધિ-વિધાનથી કરવાથી દરેક કાર્યમાં વિજય મળે છે અને શત્રુઓથી મુક્તિ મળે છે. વિજયા એકાદશીનું જેવુ નામ છે ઠીક એ જ રીતે આ વ્રતને કરનારા સદૈવ બધા કાર્યમાં વિજય પ્રાપ્ત કરે છે. પ્રાચીન સમયમાં પણ રાજા મહારાજા લોકો આ વિજયા એકાદશી વ્રતનાં પ્રભાવથી યુદ્ધમાં હારને પણ જીતમાં બદલી લેતા હતાં. વિજયા એકાદશીનુ મહત્વ પદ્મ પુરાણ અને સ્કન્દ પુરાણમાં પણ જોવા મળે છે. એવી માન્યતા છે કે આ વ્રતને કરવાથી શત્રુઓથી ઘેરાયેલ વ્યક્તિ વિકટ પરિસ્થિતિમાં પણ વિજય સુનિશ્ચિત કરી લે છે. દરેક વાર તહેવારની જેમ જ આની સાથે પણ પૌરાણિક માન્યતા જોડાયેલી છે જે ઘણી રસપ્રદ છે.

આ કથા મુજબ ત્રેતાયુગમાં મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજીને જયારે ચૌદ વર્ષનો વનવાસ થયો ત્યારે તે માતા સીતા અને લક્ષ્મણજી સહીત પંચવટીમાં નિવાસ કરવા લાગ્યા. જ્યારે રાવણે સીતાજીનું હરણ કર્યું ત્યારે તેઓ વ્યાકુળ બની સીતાજીની શોધમાં નીકળી પડ્યા. ફરતાં-ફરતાં તેઓ મરણાસન્ન જટાયુની પાસે પહોંચ્યાં. જટાયુ પોતાની કથા સંભળાવી સ્વર્ગલોક ચાલ્યો ગયો. થોડાં આગળ વધીને શ્રી રામની સુગ્રીવ સાથે મિત્રતા થઇ અને વાલીનો વધ કર્યો. શ્રી હનુમાનજી રામચંદ્રજીની પાસે આવ્યા અને બધા સમાચાર કહ્યાં. શ્રી રામચંદ્રજીએ સુગ્રીવની સંમતિ લઈને વાનરો અને રીંછોની સેના સહીત લંકા તરફ પ્રસ્થાન કર્યું . જયારે શ્રી રામચંદ્રજી એ સમુદ્ર કિનારે અગાધ મગરમચ્છો થી યુક્ત સમુદ્ર જોયો ત્યારે તેમણે લક્ષ્મણજીને કહ્યું : “હે લક્ષ્મણ ! આ મહાન અગાધ સમુદ્રને કઈ રીતે પાર કરી શકીશું ?”ત્યારે શ્રી લક્ષ્મણજી બોલ્યા : ”હે રામજી ! તમે આદિ પુરુષ પૂર્ણ પુરુષોત્તમ છો. અહીંથી લગભગ અડધા યોજનની દુરી ઉપર કુમારી દ્વીપમાં બક્દાલભ્ય નામનાં ઋષિ રહે છે. તમે એમની પાસે જઈને એનો ઉપાય પૂછો.

” લક્ષ્મણજીનાં વચનો સાંભળી શ્રી રામચંદ્રજી બક્દાલભ્ય ઋષિ પાસે ગયાં અને એમને પ્રણામ કરીને બેઠા. મુનીએ તેમને પૂછ્યું , ”હે રામજી ! તમે ક્યાંથી પધાર્યા છો ?”શ્રી રામજી બોલ્યા : ”હે મહર્ષિ ! હું મારી સેના સહીત અહીં આવ્યો છું અને રાક્ષસોને જીતવા લંકા જઈ રહ્યો છું.” બક્દાલભ્ય ઋષિ બોલ્યા : ” હે રામજી ! હું તમને એક ઉત્તમ વ્રત બતાવું છું. મહામાસનાં કૃષ્ણ પક્ષની વિજયા એકાદશીનું વ્રત કરવાથી તમે સમુદ્ર અવશ્ય પાર કરી શકશો અને તમારો વિજય થશે.” શ્રી રામચંદ્રજીએ મુનીની આજ્ઞા અનુસાર વિધિ પૂર્વક વિજયા એકાદશીનું વ્રત કર્યું અને તેના પ્રભાવથી વિજય મેળવ્યો .જોકે આ તો થઇ આપણી માન્યતા અને આપણા પુરાણોની વાતો પણ મને રસ છે એની પાછળ જોડાયેલાં તત્વજ્ઞાનમાં. આપણે ખરેખર તો તન, મન અને ચિત્તની શુદ્ધિ માટે ઉપવાસ કરી એકાદશી કરવી જોઈએ, પરંતુ મને પ્રશ્ન એ થાય કે ઉપવાસ એટલે શું? અને એકાદશી એટલે શું? ઉપવાસનો અર્થ જોઈએ તો ‘ઉપ’ એટલે નજીક અને ‘વાસ’ એટ્લે રહેવું એટલે કે નજીક રહેવું. ખરેખર ઉપવાસનો મતલબ છે કે આ દિવસે આપણે આપણી તમામ ઇન્દ્રિયોને સાંસારિક અને દોષયુક્ત પ્રવૃત્તિઓમાંથી કાઢીને ઈશ્વરની નજીક રહેવું જોઈએ. બીજા અર્થમાં જોઈએ તો એકાદશી એટલે કે એક અંતઃકરણ અને દશ ઇન્દ્રિયો જેનાં વડે આપણે પોતાનાં જીવનનું અંતિમ લક્ષ્ય ઈશ્વરની પ્રાપ્તિ કરવાની છે.

મારાં મતે મનુષ્યોની આ પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય અને આપણાં અંતઃકરણની શુદ્ધિ કરવાનું વ્રત એટલે એકાદશી. આ સિવાય જેમ એકાદશી પર આપણે ગૌશાળામાં જઈ ગાયોને ચારો નાખીયે છીએ કે પક્ષીઓને ચણ નાખીયે છીએ કે અન્યો કોઈ દાન-પુણ્યનાં કામ કરીયે છીએ તો આવા કપરાં સમયમાં જીવતાં જાગતાં મનુષ્યને કેમ ભૂલી શકાય ? દુ:ખી, નિ:સહાય એવા મનુષ્યોની સહાય તો કરવી જ રહી. શિયાળાની ઠંડીમાં કોઈ ગરમ વસ્ત્ર વગર ફૂટપાથ પર ઠરડાતાં લોકોને ગરમ વસ્ત્રો આપો તો એનાથી ઉત્તમ બીજું શું હોય ! એ સિવાય પણ આજનાં કપરા કાળમાં અન્ય કોઈ આર્થિક કે સામાજિક સહાય ભલે યથાશક્તિ મુજબ પણ જો કરી શકાય તો એનાથી બીજું રૂડું શું હોઈ શકે ?

આ મારો અંગત મત છે કે કદાચ એકાદશી પર ઉપવાસ નહિ કરો તો ચાલશે પણ માનવતાનાં આવાં કામો કરીને ઉજવેલી એકાદશી ઈશ્વર પણ ચોક્કસ માન્ય રાખશે. સાચી શ્રદ્ધાથી કોઈને કરેલી મદદ એકાદશીનાં પુણ્યના રૂપમાં જરૂરથી ફળશે અને એનાથી ઘરમાં આપ મેળે જ શાંતિ અને સમૃદ્ધિ પણ આવશે. આપ સહુને મારા તરફથી વિજયા એકાદશીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ..!!- વૈભવી જોશી

આ પણ વાંચોGujarati students trapped in Ukraine: યુક્રેનમાં ફસાયેલા ગુજરાતી વિદ્યાર્થીઓ રેસ્કયુ ફલાઇટ મારફતે મુંબઈ આવી પહોંચ્યા

Gujarati banner 01

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *