hanuman jayanti cm

Hanuman Jayanti: હનુમાનજીનાં જન્મદિવસને જયંતિનાં બદલે જન્મોત્સવ તરીકે જ ઓળખાવવો જોઈએ, જાણો કેમ?

(વિશેષ નોંધ : Hanuman Jayanti: આ લેખ શાંતિથી અને ધીરજથી વાંચી શ્રી રામ ભક્ત હનુમાન વિશે પ્રવર્તતી અમુક ખોટી ધારણાઓ દૂર કરવા સહુ સાથે મળીને પ્રયત્ન કરીયે. આ એક એવું પાત્ર છે જેનાં ઋણી શ્રી રામ ભગવાન પોતે છે તો એટલી આસ્થા તો કેળવવી જ રહી.)

Banner Vaibhavi Joshi

દર વર્ષે ચૈત્ર માસની પૂર્ણિમાનાં દિવસે પવનપુત્ર હનુમાનજીનો પ્રાકટ્યોત્સવ ઉજવવામાં આવે છે. આ શુભ દિવસે અંજલી માતાએ હનુમાનજીને જન્મ આપ્યો હતો. આજનાં દિવસે સહુથી પહેલી વાત તો એ કરવી છે કે હનુમાનજીનાં જન્મદિવસને જયંતિનાં બદલે જન્મોત્સવ તરીકે જ ઓળખાવવો જોઈએ કેમ કે જયંતિનો ઉપયોગ એવા વ્યક્તિ માટે કરવામાં આવે છે જે હવે આ દુનિયામાં હયાત નથી. હિન્દુ શાસ્ત્રોમાં આઠ ચિરંજીવીઓનો ઉલ્લેખ છે અને ભગવાન હનુમાન તેમાંથી એક છે. તેઓ બ્રહ્મચારી અને ચિરંજીવી તરીકે વર્ણવાયા છે. તેઓ બળ, બુદ્ધિ, વિદ્યા અને ભક્તિનાં દેવતા મનાય છે. રામાયણ સહિત અન્ય ગ્રંથો જેવા કે મહાભારત અને વિવિધ પુરાણોમાં તેમનું વર્ણન થયું છે.

જન્મ સમયે હનુમાનજીનું નામ હનુમાન નહોતું, પરંતુ એકવાર તેમણે સૂર્યને મધુર ફળ સમજીને ગળી લીધું હતું. પછી ઈન્દ્રએ સૂર્યને મુક્ત કરવા માટે વીજળીનો ગોળીબાર કર્યો અને તેનું જડબું ફૂલી ગયું. ત્યારથી તેમનું નામ હનુમાન પડ્યું કારણ કે હનુમાન સંસ્કૃત શબ્દ હનુમત પરથી ઉતરી આવ્યો છે. હનુમત શબ્દ અને પ્રત્યયનું સંયોજન છે. હનુ અથવા હનુ એટલે જડબા અને સાદડી પ્રત્યય બને છે. તેથી, હનુમાનનો અર્થ એ છે કે જેનું જડબામાં સોજો અથવા વિકૃત છે.

આપણા શાસ્ત્રોમાં વર્ણન છે કે રાજા દશરથે પૂર્ણાહુતિ પછી ઋષિ શૃંગીનાં યજ્ઞમાં અગ્નિદેવને મળેલી ખીરને ત્રણેય રાણીઓમાં વહેંચી હતી. એટલામાં એક ગરુડ ત્યાં પહોંચ્યું અને તેની ચાંચમાં પ્રસાદ ખીરનો કટોરો ભરીને ઉડી ગયો. આ ભાગ અંજની માતાનાં ખોળામાં પડ્યો હતો જે કિષ્કિંધા પર્વત પર ભગવાન શિવની પૂજા કરી રહી હતી. માતા અંજની પાસેથી આ પ્રસાદ ગ્રહણ કર્યો, એવું માનવામાં આવે છે કે તેના પરિણામે દેવી અંજનીનાં ગર્ભમાંથી હનુમાનજીનો જન્મ થયો હતો.

પૌરાણિક કથાઓમાં એવા પણ ઉલ્લેખ છે કે તેઓ કેસરી અને અંજનાનાં પુત્ર હતાં, પરંતુ વાસ્તવિકતા એ છે કે તેઓ ભગવાન શિવનાં અવતાર હતાં અને તેમને ભગવાન શિવનાં અંશ તરીકે પણ પૂજવામાં આવે છે. હનુમાનજીને પવનનાં પુત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે જ્યારે ભગવાન વિષ્ણુ પૃથ્વી પર રામનાં રૂપમાં અવતર્યા હતાં, ત્યારે ભગવાન શિવ તેમની સાથે રહેવા માટે પૃથ્વી પર હનુમાન તરીકે અવતર્યા હતાં.

આ પણ વાંચો:MDH-Everest Masala Banned: MDH અને એવરેસ્ટ મસાલા પર મૂકવામાં આવ્યો પ્રતિબંધ,જાણો શું છે કારણ?

હનુમાનજીની મૂર્તિ આખી સિંદૂરી કેમ છે એની પાછળ પણ એક કથા જોડાયેલી છે. એક દંતકથા અનુસાર, એકવાર ભગવાન હનુમાને માતા સીતાને તેમના કપાળ પર સિંદૂર લગાવતાં જોયા અને પૂછ્યું કે આ તેમના રોજિંદા ધાર્મિક વિધિઓનો ભાગ કેમ છે. માતા સીતાએ પછી હનુમાનને સમજાવ્યું કે સિંદૂર શ્રી રામનાં લાંબા આયુષ્ય, તેમના પતિ પ્રત્યેનાં તેમના પ્રેમ અને આદરનું પ્રતિનિધિત્વ કરે છે.

શ્રી રામ પ્રત્યેની તેમની વફાદાર ભક્તિને કારણે, હનુમાનજીએ તેમના આખા શરીરને આ સિંદૂરથી લેપ કરવાનું નક્કી કર્યું અને હનુમાનજીને સિંદૂરથી રંગેલા જોઈને, તેમની ભક્તિથી પ્રભાવિત થઈને, ભગવાન શ્રી રામે વરદાન આપ્યું કે જેઓ હનુમાનને ભવિષ્યમાં સિંદૂર લગાવે છે. જો તેઓ હનુમાનજીની પૂજા કરશે તો તેમની તમામ મુશ્કેલીઓ દૂર થઈ જશે અને આ જ કારણ છે કે આજે પણ મંદિરમાં હનુમાનજીની મૂર્તિ સિંદૂરથી રંગાયેલી છે.

આ દિવસે હનુમાનજીના વિવિધ સ્વરૂપની પૂજા કરવાની પરંપરા છે. હનુમાનજીનું એક સ્વરૂપ પંચમુખી પણ છે. એવું કહેવાય છે કે લંકામાં યુદ્ધ વખતે શ્રીરામનાં પ્રહારોથી રાવણની સેના નષ્ટ થઇ રહી હતી. તે સમયે રાવણે તેના માયાવી ભાઈ અહિરાવણને બોલાવ્યો. અહિરાવણ દેવી ભવાનીનો સાધક હતો અને તંત્ર-મંત્ર જાણતો હતો. તેણે પોતાની સાધના વડે શ્રીરામની સેનાને સૂવડાવી દીધા. ત્યાર બાદ તે શ્રીરામ અને લક્ષ્મણને પોતાની સાથે પાતાળ લોક લઇ ગયો.

થોડાં સમય બાદ જ્યારે અહિરાવણની માયાની જાણ વિભીષણને સમજાઇ ગઇ. ત્યારે વિભીષણે હનુમાનજીને સંપૂર્ણ વાત જણાવી અને શ્રીરામ-લક્ષ્મણની મદદ માટે પાતાળ લોક મોકલી દીધા. હનુમાનજી તરત પાતાળ લોક પહોંચી ગયાં. ત્યાં જઇને જોયું તો, અહિરાવણે દેવી ભવાનીને પ્રસન્ન કરવા માટે પાંચેય દિશામાં દીવા પ્રગટાવી રાખ્યા હતાં. વિભીષણે હનુમાનજીને જણાવ્યું હતું કે, જ્યાં સુધી આ પાંચ દીવા ઓલવાશે નહીં, ત્યાં સુધી અહિરાવણને પરાજિત કરવો મુશ્કેલ રહેશે.

હનુમાનજીએ પાંચેય દીવા ઓલવવા માટે પંચમુખી સ્વરૂપ ધારણ કર્યું અને પાંચેય દીવા એકસાથે ઓલવી નાખ્યાં. હનુમાનજી પંચમુખી સ્વરૂપે ઉત્તર દિશામાં વરાહ મુખ, દક્ષિણ દિશામાં નરસિંહ મુખ, પશ્ચિમ દિશામાં ગરૂડ મુખ, આકાશ તરફ હયગ્રીવ મુખ અને પૂર્વ દિશામાં હનુમાન મુખ રાખેલું. આ કથાનાં કારણે હનુમાનજીનાં પંચમુખી સ્વરૂપની પૂજા કરવામાં આવે છે.

આજે બીજી એક ખાસ વાત ઉપર પણ ભાર મુકવો છે કે શું એ આપણી મૂર્ખતા નથી કે આપણે પોતે જ આપણા વીર, પરાક્રમી, વિદ્વાન અને પૂજનીય પૂર્વજ હનુમાનજીને વિશ્વ સમક્ષ પૂંછડાવાળા એક વાંદરા જેવા પ્રાણી સ્વરૂપે પ્રસ્તુત કરીએ છીએ, ટીવી સિરિયલોમાં, ચિત્રોમાં અને મંદિરોની મૂર્તીઓમાં તેમને પૂંછડાધારી બતાવીએ છીએ?

જો રામાયણમાં વાંદરાઓ(મંકી) નો જ ઉલેખ કરવો હોત તો “મર્કટ / मर्कट” આ રીતે કરી શકાય ,પણ ઉલ્લેખ તો વાનરનો હતો, વાંદરાનો નહિ. વાનર એટલે વનમાં રહેતો નર. વાનરો શબ્દોનો અપભ્રંશ થઇને “વાંદરો / बंदरो ” બન્યું હોઈ શકે. મર્કટ શબ્દનું જો આપણે ગુજરાતી કરીયે તો માંકડું થઇ શકે અને માંકડું એટલે વાંદરું કહેવાય પણ વાનર ન કેહવાય.

હનુમાનજી વ્યાકરણ ઉપરાંત વેદ, વેદાંગ, છંદ વગેરેમાં પણ વિદ્વાન છે. વાલ્મીકિ રામાયણમાં શ્રી રામ, લક્ષ્મણજી તથા મહર્ષિ અગસ્ત્ય દ્વારા થયેલુ શ્રી હનુમાનજીનું યશોગાન શું હનુમાનજીને એક પૂંછડીવાળા વાનર સિધ્ધ કરે છે ? શું આ બધા ગુણ કોઇ વાંદરામાં શક્ય છે ? માટે જ મહાવિદ્વાન રાજા સુગ્રીવનાં મંત્રી, ભગવાન શ્રી રામનાં સાથીને ‘વાંદરો’ કહેવો એ એમનું જ નહીં, પરંતુ આર્ય સભ્યતાનું પણ અપમાન છે.

વાલ્મીકિ રામાયણમાં આપેલા કેટલાક પ્રમાણો સિદ્ધ કરે છે કે દક્ષિણ ભારતનાં વાનર લોકો વાંદરા નહી, પણ મનુષ્યો હતા. બાડમેર (રાજસ્થાન) ક્ષેત્રમાં આજે પણ વાનર જાતિનાં લોકો નિવાસ કરે છે. રાંચીની આસપાસ ઉરાવ અને મુંડા નામની જાતિનાં લોકો વસવાટ કરે છે, જેમનાં ગોત્ર “વાનર” અને “ભલ્લૂક (રીંછ)” છે.

સંસ્કૃતનાં પ્રસિધ્ધ કોષકાર શ્રી આપ્ટેએ પોતાના કોષમાં “કપિ” શબ્દનો અર્થ હાથી, સૂર્ય અને શિલારસ કર્યો છે. સંભવ છે કે સૂર્યવંશી ક્ષત્રિય વંશજ હોવાને લીધે વનવાસી અને પહાડનાં લોકો “વાનર” કે “કપિ” નામથી ઓળખાવા લાગ્યા હશે. આ વાત ન સમજવાને કારણે આપણે તેમને પૂંછડીવાળા વાનર માની લીધા છે.

જે લોકોએ હનુમાનજીને પૂંછડૂં લગાડ્યું છે એ લોકોએ હનુમાનજી, હનુમાનજીનાં સાચા ભક્તો અને સમગ્ર જાતિનું અપમાન જ કર્યું છે. આશા છે કે આટલાં પ્રમાણો જાણ્યા પછી કોઇ પણ સાચો ભક્ત વંદનીય મહાબલી વિદ્વાન શ્રી હનુમાનજીને પૂંછડીવાળો વાનર માનવાનું દુઃસાહસ નહિ કરે.- ✍️વૈભવી જોશી

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો