Maa Laxmi Pooja: લેખમાળાનો આ પાંચમો મણકો: મા લક્ષ્મી વિશે આજે થોડું જાણીયે

(વિશેષ નોંધ: Maa Laxmi Pooja: દિવાળી નિમિત્તે દસ મણકામાં તૈયાર કરેલી લેખમાળાનો આ પાંચમો મણકો છે. દિવાળીનાં સપ્તરંગી પર્વનો પ્રારંભ કરતી અને આખા વર્ષની અંતિમ એવી રમા એકાદશીથી લઈને દેવદિવાળી સુધી આવતાં અલગ-અલગ પર્વ વિશે રોજ શક્ય એટલી માહિતી આપવાનો પ્રયત્ન કરીશ.

પહેલાં મણકામાં રમા એકાદશીની, બીજા મણકામાં વાક્ બારસની, ત્રીજા મણકામાં ધન્વંતરિ તેરસની અને ચોથા મણકામાં કાળી ચૌદશ વિશે વાત કરી. અત્યારનો સમય જોતા આસો વદ અમાસની તિથિ પ્રારંભ થઈ ગઈ એટલે હવે મણકો ૫ – દિવાળી.)

માત્ર કેલેન્ડરનું પાનું ફાડી લેવાથી આસો વદ અમાસની આ ઘોર કાળી રાત્રી નથી આવી જતી પણ એના માટે એક આખું વર્ષ રાહ જોવી પડે છે. કોઈને વળી એમ થાય કે અંધકારની રાહ તો વળી કોઈ જોતું હશે ? પણ ના ! અજવાળાં સાથે અંધારાનો પણ સ્વીકાર કરવો જ રહ્યો. વૃક્ષમાંથી લાકડું થઇને બારણું બની ગયેલાં તમારાં સમયને કોઈની નજરનું લીલું તોરણ બંધાય ત્યારે સમજવું કે દિવાળી છે.

અમાસની રાતનો ઘોર અંધકાર લાખો દીવાનાં પ્રકાશ સામે પરાસ્ત થયો ને બસ ત્યારથી ભારતવર્ષની સાંસ્કૃતિક પરંપરામાં એક સ્વર્ણિમ ક્ષણનો ઉમેરો થયો જે દીપોત્સવ, દીપાવલી કે દિવાળીનાં નામે ઓળખાયો.‘દીપ’ એટલે ‘પ્રકાશ’ અને ‘આવલી’ એટલે ‘હરોળ’. આ પ્રકાશની હરોળને દર વર્ષે દીવડાઓ પ્રગટાવીને ઉજવવામાં આવે એ દીપાવલી કે દિવાળી.

શ્રી રામની અયોધ્યા પરત ફરવાની તારીખને લઈને ઈતિહાસકારોમાં પણ ઘણી વાત મતમતાંતર જોવા મળે છે. શું આપણે ક્યારેય વિચાર્યું છે કે દર વર્ષે દશેરાનાં માત્ર ૨૧ દિવસ પછી જ દિવાળી કેમ આવે છે? વાલ્મીકિ રૂષિએ રામાયણમાં લખ્યું છે કે ભગવાન શ્રી રામને શ્રીલંકાથી અયોધ્યા સુધી પગપાળા ચાલવા માટે ૫૦૪ કલાક લાગ્યા. હવે જો આપણે ૫૦૪ કલાકને ૨૪ કલાકથી વિભાજીત કરીએ તો જવાબ આવે એકવીસ દિવસ.

મેં પણ કુતુહલતાથી ગૂગલ મેપ પર સર્ચ કર્યું હતું અને એ દર્શાવે છે કે શ્રીલંકાથી અયોધ્યા સુધી ચાલવાનું અંતર ૩૧૪૫ કિલોમીટર છે અને લેવાયેલો સમય ૫૦૪ કલાક છે. એટલે આમ જોવા જઈએ તો દશેરા પર રાવણનો વધ કરી અને લંકાથી અયોધ્યા પરત ફરતાં શ્રી રામને ૨૧ દિવસ લાગ્યા હતાં. હાલમાં, ગૂગલ મેપ્સ સંપૂર્ણપણે વિશ્વસનીય માનવામાં આવે છે. પરંતુ આપણે ભારતીયો તો ત્રેતાયુગથી દશેરા અને દીપાવલીની ઉજવણી કરતા આવ્યા છીએ, અને આજદિન સુધી પરંપરા મુજબ ઉજવી રહ્યા છીએ.

સાચે જ આપણી સનાતન સંસ્કૃતિ કેટલી મહાન છે. અંધકાર સામે પ્રકાશનાં શાશ્વતી વિજયનું પ્રતિક એટલે દિવાળી. તો ચાલો અંતરનાં ટોડલે નાનો શ્રદ્ધાદીપ પ્રગટાવીએ અને દિલનાં દરવાજે આસ્થાનાં આસોપાલવનાં તોરણ બાંધીએ સાથે-સાથે શ્રી અને લક્ષ્મીનાં સાક્ષાત્ અવતાર સ્વરૂપ જાનકીનાં કુમકુમ પગલાંને વધાવીએ.

દિવાળીનાં દિવસે ખરા અર્થમાં મા લક્ષ્મીની પૂજા કરવાનું વિધાન છે કેમકે આ દિવસ મા લક્ષ્મીનો પ્રાગટ્ય દિવસ મનાય છે. સમુદ્રમંથન વખતે ક્ષીર સાગરમાંથી આજનાં દિવસે દેવી લક્ષ્મી પ્રગટ થયાં હતાં. આ દિવસે લોકો મા લક્ષ્મીની પૂજા કરી હંમેશાં પોતાની ઉપર કૃપા વરસાવવાની આરાધના કરે.

આપણા ઘર્મનો સૌથી મોટો તહેવાર જેમના માટે ઉજવાય છે એવા મા લક્ષ્મી વિશે આજે થોડું જાણીયે. દેવી લક્ષ્મીનાં શાસ્ત્રોનુંસાર કુલ આઠ રૂપ છે.

આદી લક્ષ્મી: આદી લક્ષ્મીને મહા લક્ષ્મીનાં નામે પણ ઓળખાય છે, લક્ષ્મીજીનાં આ સ્વરૂપને ભૃગુ ઋષિનાં દીકરી અને પ્રભુ શ્રી વિષ્ણુનાં પત્ની માનવામાં આવે છે. આદી લક્ષ્મીને શાંતિ અને ખુશીનું સ્વરૂપ ગણવામાં આવે છે. શાંતિ સ્વરૂપે ધન જે લોકોને જોઈએ છે તે લોકો આદી લક્ષ્મીની આરાધના કરે છે.

ધન લક્ષ્મી : મોટાં ભાગનાં લોકો લક્ષ્મીનાં જે સ્વરૂપને જાણે છે તે સ્વરૂપ એટલે ધન લક્ષ્મી, લક્ષ્મીજીનું આ સ્વરૂપ ધનની સાથે સાથે આંતરીક શક્તિ, પ્રતિભા, ગુણનાં પર્યાય પણ ગણવામાં આવે છે. આ લક્ષ્મી દરેક સ્વરૂપે ધનની વૃદ્ધિ કરતાં દેવી છે. ધન પ્રાપ્તિ માટે ધન લક્ષ્મી દેવીની પૂજા સૌથી પહેલી કરવામાં આવે છે.

ધાન્ય લક્ષ્મી : પૈસા, મિલકત, સોનુ, ચાંદી, હિરા, ઝવેરાતને જેમ આપણે અત્યારનાં સમયમાં ધન ગણીએ છીએ. તેમ ધાન્ય મતલબ કે ખોરાકને પણ સંપત્તિનું જ એક સ્વરૂપ ગણવામાં આવતું. સજીવ વ્યક્તિનાં જીવનમાં ખોરાકનું વિશેષ મહત્ત્વ રહેલું છે. તેથી લોકો ધન લક્ષ્મીની સાથે ધાન્ય લક્ષ્મીની પણ પૂજા કરતાં. ખાસ કરીને ખેડૂત વર્ગ ધાન્ય લક્ષ્મીની અવશ્ય પૂજા કરે છે. પોતાના ખેતરમાં સારો પાક આવે અને ખેતર ધાન્યથી ભરપૂર થઇ જાય તે માટે ખેડૂતો ખેતરે જ ધાન્ય લક્ષ્મીની પૂજા કરતા હોય છે.

ગજ લક્ષ્મી : લક્ષ્મીજી સાથે જોડાયેલી એક માન્યતા અનુસાર દેવી લક્ષ્મી સમુદ્રમંથનમાંથી પ્રગટ્યાં હતાં, તેથી તેમને સમુદ્રની દીકરી ગણવામાં આવે છે. તેથી તેમના આ સ્વરૂપમાં તેમની આજુબાજુ બે હાથીને દર્શાવવામાં આવ્યા છે, જે સતત લક્ષ્મીજી ઉપર પાણીનો વરસાદ વરસાવે છે.

સંતાન લક્ષ્મી : સંતાન લક્ષ્મીનું આ સ્વરૂપ પરિવારને આગળ વધારવા માટેનું સ્વરૂપ છે. પોતાના પરિવારને આગળ વધારવા માંગતી મહિલાઓ સંતાન લક્ષ્મીની આરાધના કરે છે.

વીર લક્ષ્મી : લક્ષ્મીજીનું આ સ્વરૂપ એ બહાદુરીનું પ્રતીક છે. હિંમત, બહાદુરી, શક્તિ, વીરતા પ્રાપ્ત કરવાનાં લક્ષણ, તાકાત, યુદ્ધમાં ગમે તેટલાં આકરા દુશ્મનોને પણ માત આપવાની વીરતાને વીર લક્ષ્મીનું સ્વરૂપ સૂચવે છે. વર્ષો પહેલાં જ્યારે આપણાં દેશમાં રાજ-રજવાડાનું રાજ હતું ત્યારે તેઓ દર વર્ષે વીર લક્ષ્મીની પૂજા કરતાં. વીર લક્ષ્મીની આરાધના કરી શસ્ત્રોની પૂજા પણ કરતા. હાલના સમયમાં વીર લક્ષ્મીની પૂજા જીવનમાં આવતી દુશ્મનરૂપી મુશ્કેલીઓને માત આપવાની હિંમત મનુષ્યમાં આવે તે માટે કરવામાં આવે છે.

વિદ્યા / ઐશ્વર્ય લક્ષ્મી : શાસ્ત્રોમાં કહેવાયું છે કે માણસ માત્રનું સાચું ધન એટલે વિદ્યા, માણસ પાસે વિદ્યા હશે તો તે જીવનમાં દરેક રીતે આગળ વધી શકશે, તે કેમેય કરીને પોતાના આ ધન થકી બીજા તમામ ધન પ્રાપ્ત કરી શકશે, તેથી વિદ્યાની દેવી સરસ્વતિ તો છે જ પણ વિદ્યાને આપણા શાસ્ત્રોમાં ધન ગણવામાં આવ્યું હોવાથી લક્ષ્મીજીનું સાતમું સ્વરૂપ વિદ્યા લક્ષ્મી કે ઐશ્વર્ય લક્ષ્મી માનવામાં આવ્યાં છે.

વિજયા લક્ષ્મી : વિજયા મતલબ વિજય, દેવી લક્ષ્મીનું વિજયા લક્ષ્મી સ્વરૂપ એ જીવનનાં તમામ તબક્કે માણસનો વિજય સૂચવે છે. જીવનનાં દરેક તબક્કે તમે જે પણ કાર્ય હાથમાં ધરો છો. તે કાર્યમાં સફળતાનું પ્રતિક વિજયા લક્ષ્મી છે. સામાજિક તેમજ પારિવારિક જીવનનાં સંઘર્ષમાં પણ લક્ષ્મીનું આ સ્વરૂપ વિજય પ્રાપ્ત કરાવે છે.

ધનતેરસ, કાળીચૌદશ અને દિવાળીની રાત્રે સમાજની ભૌતિક સમૃદ્ધિ, રક્ષા, શક્તિ અને બૌદ્ધિક સંપદાનાં પ્રતિક સ્વરૂપ મહાલક્ષ્મી, મહાકાળી અને મહાસરસ્વતીનું પૂજન કરીએ. પણ જો-જો વાત માત્ર ધાર્મિક વિધિ પૂરતી સીમિત ન રહી જાય નહિ તો પર્વનો ઉદ્દેશ માત્ર કેલેન્ડરનાં પાનાં પર અશ્મિ બનીને રહી જશે.

દિવાળીની જો હું મારી દ્રષ્ટીએ વ્યાખ્યા આપું તો એટલું ચોક્કસ કહીશ કે દિવાળી એટલે જીવનમાં ફેલાયેલા અંધકારોને દુર કરીને જીવનમાં પ્રકાશ ફેલાવવાનું પર્વ. આપણા જીવનમાં દ્વેષ, ઈર્ષા, છળ કપટ, દુશ્મનાવટ, કોઈનું ખરાબ કરવાની આદત વગેરે જેવા અનેક અંધકારો ફેલાયેલા છે આ તમામ અંધકારોને જીવનમાંથી દૂર કરીને જીવનમાં ભક્તિ, પ્રેમ, પરસ્પર સહયોગ અને એકતા જેવા પ્રકાશ ફેલાવવાનું પર્વ એટલે દિવાળી.

Govardhan Puja: એક રિવાજ આવી પણ…! અહીં ગોવર્ધન પૂજા પર એકબીજા પર ફેંકાય છે ફટાકડા

દિવાળીમાં કેટલાંય દિવસો અગાઉથી આપણે બધા ઘર સાફ કરીને એકદમ સ્વચ્છ અને ચોખ્ખુ બનાવી દઈએ છીએ પરંતુ ક્યારેય આપણું હૃદય કે મન સાફ નથી કરતા. તો આવો, આ દિવાળીમાં નવાં કપડાંની સાથે નવાં વિચારો અને સંસ્કારોનાં વાઘા પણ પહેરીએ અને જીવનને સાચા અર્થમાં અને સાચી દિશામાં આગળ ધપાવીએ.

દીપાવલીનાં પર્વને ખરા અર્થમાં પ્રકાશ પર્વ તરીકે ઊજવીએ. આ વખતે દિવાળી કઈંક અલગ રીતે મનાવીએ. ચોતરફ ભલે અંધકાર હોય પણ આપણે દીપ પ્રગટાવીએ. આપણે જ આપણા અને અન્યનાં ઘરને પણ અજવાળીએ. નગરનાં કોઈ અંધારા ખૂણામાં આવેલી કોઈ જર્જરિત ઝૂંપડીનાં આથમતાં દીવામાં નવી આશાનું દિવેલ પૂરીએ. આટલું કરવા માટે આતશબાજીનાં કે ડિનર પાર્ટીનાં બજેટનો માત્ર નાનો અંશ પૂરતો છે.

મા લક્ષ્મીનાં તમામ સ્વરૂપો આપ સહુ પર એમની કૃપા હંમેશા વરસાવતાં રહે, દિવાળીનાં દીવડાઓ તમારાં અંતરને ઝગમગાવે, આંગણે પૂરેલાં સાથિયાઓ મિત્રો અને સ્નેહીઓ વચ્ચે આત્મીયતાને વિકસાવે એવી ઈશ્વરને પ્રાર્થના.

દિવાળી માત્ર ફટાકડાં અને મીઠાઈ પૂરતું સિમીત ન રહેતાં, પ્રેમ અને આનંદ વહેંચવાનું પર્વ બને એવી આપ સહુને મારાં તરફથી હાર્દિક શુભેચ્છાઓ..!! વૈભવી જોશી

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *