સ.સં. ૧૬૦૭ dr.sohina makad 2

બેન મને બ્લડપ્રેશર છે એમાંય કોરોના….મને કંઈક થઈ જશે તો?

બ્લડપ્રેશર અને ડાયાબિટીસની સાથે કોરોનાની બીમારી ધરાવતા અનેક દર્દીઓને ભયમુક્ત કરતા આયુર્વેદિક ફિઝિશ્યન ડો. સોહીના માંકડ

અહેવાલ:શુભમ અંબાણી,રાજકોટ

રાજકોટ,૨૫ સપ્ટેમ્બર: “ડરવાની જરૂર નથી ભાઈ.., જો આમ ને આમ ડરશો તો કોરોના સામે કઈ રીતે લડશો !, આપણે સાથે મળીને કોરોનાનો હરાવવાનો છે.” આ સંવાદ છે સમરસ હોસ્ટેલમાં કાર્યરત આયુર્વેદિક ફિઝિશ્યન  ડૉ.સોહિનાબેન અને એક દર્દીનો…. કોઈ પણ રોગ શારીરિક કરતાં માનસિક અસર વધુ કરે છે, ત્યારે હાલ કોરોના સંક્રમિત દર્દીઓ કોરોનાથી ડર અનુભવી રહ્યા છે, આ કપરા કાળમાં ફરજનિષ્ઠ આરોગ્યકર્મીઓ દર્દીઓને કોરોનામુક્ત કરવાની સાથે સાથે તેમના મનમાંથી કોરોનાના ડરને પણ નાબૂદ કરે છે, આવા જ એક અનુભવી આયુર્વેદિક ફિઝિશ્યન છે ડૉ.સોહિનાબેન રફીકભાઇ માંકડ, જેમણે સમરસ બોયઝ હોસ્ટેલમાં દાખલ થયેલા અનેક દર્દીઓને દવાઓ સાથે માનસિક સધિયારો પુરો પાડીને તેમને કોરોના મુક્ત કરવામાં મહત્વની ભૂમિકા નિભાવી છે.

 ડૉ.સોહિનાબેન મૂળ બોટાદના વતની અને હાલ જસદણ તાલુકાના વીંછીયા ખાતે ધન્વંતરી આરોગ્ય રથમાં સેવારત છે. સમરસ હોસ્ટેલના તેમના કાર્યકાળ વિશે વાત કરતા તેઓ જણાવે છે કે,”જયારે બ્લડપ્રેશર, ડાયાબિટીસ કે હૃદયરોગ જેવી બીમારીઓ ધરાવતા દર્દીઓને કોરોના થાય ત્યારે તે વધુ ભયભીત થઈ જાય છે, આવા જ એક બ્લડપ્રેશરની બીમારી ધરાવતા અને કોરોના સંક્રમિત થયેલ દર્દીના ઉપચાર માટે હું તેમની પાસે ગઈ એ વખતે કોરોનાનાં ડરને કારણે તેમનું બ્લડપ્રેશર ખૂબ જ વધી ગયું હતું, ત્યારે મને સમજાયુ કે તેના મનમાં કોરોનાનો ડર અને ગેરસમજ ફેલાયેલી છે, 

loading…

એટલે મે તેમના મનમાંથી કોરોનાની ગેરસમજ અને ડર આ બન્નેને જડમુળથી દૂર કર્યા, મે તેમને સમજાવ્યું કે જરૂરી નથી કે તમે સંક્રમિત થયા એટલે અસાધ્ય રોગ થયો છે, સુયોગ્ય ઉપચાર અને મક્કમ મનોબળ દ્વારા આપણે સાથે મળીને કોરોનાને પરાસ્ત કરીશું, નિદાનની મારી આ પધ્ધતિ તેમના ઉપચારમાં કારગત નીવડી, મૂળ તો હું દર્દીઓના આહાર અને વિહાર અંગે યોગ્ય માર્ગદર્શન પ્રદાન કરતી અને દવાઓના નિયમીત ઉપચાર સાથે તેના ડરને દૂર કરતી, કોરોના કેર સેન્ટરમાં કોરોના મુક્ત થયા બાદ જયારે દર્દીઓ સ્વસ્થ્ય થઈને વિદાય લેતા એ વખતે તેઓ મારો આભાર વ્યક્ત કરતા, મારા મતે કોરોનાથી ડરવાની નહિ મક્કમ મનોબળથી લડવાની જરૂર છે”

આમ, ડૉ.સોહીનાબેન માંકડ જેવા આરોગ્યકર્મીઓની આત્મીયતાસભર સારવાર થકી અનેક દર્દીઓ કોરોનામુક્ત થઈ રહ્યા છે.