WhatsApp Image 2020 08 04 at 5.24.01 PM

સ્તનપાન એ માતા અને બાળક વચ્ચે મધુર સંબંધની શરૂઆત છેઃ ડૉ. જોલી વૈષ્ણવ

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ‘વિશ્વ સ્તનપાન સપ્તાહ’ ની ઉજવણી

Civil Breastfeed 3

સ્તનપાન એ માતા અને બાળક વચ્ચે મધુર સંબંધની શરૂઆત છેઃ ડૉ. જોલી વૈષ્ણવ

Civil Breastfeed 2

નવજાત શિશુ માટે માતાનું ધાવણ અમૃત સમાનઃ ડૉ. ગાર્ગી પાઠક

Civil Breastfeed 1

સંકલનઃ રાહુલ પટેલ

સમગ્ર વિશ્વભરમાં ૧ થી ૭ ઓગસ્ટ સુધી ‘વિશ્વ સ્તનપાન સપ્તાહ’ ની ઉજવણી કરવામાં આવે છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા દર વર્ષે સગર્ભા અને ધાત્રી માતાઓને સ્તનપાનથી થતા ફાયદાઓથી અવગત કરાવવા તેમજ બાળકોને નિયમિતપણે સ્તનપાન માટે પ્રોત્સાહિત કરવા આ સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા “તંદુરસ્ત વિશ્વના સર્જન માટે, સ્તનપાનનું સમર્થન કરીએ,” થીમ રાખવામાં આવી છે જે અંતર્ગત વિવિધ જાગૃતિ કાર્યક્રમોનું સિવિલ હોસ્પિટલમાં આયોજન કરવામાં આવ્યું છે. આજે એન.આઈ.સી.યુ વોર્ડ ખાતે માતા અને નવજાત શિશુ માટે સ્તનપાનનું મહત્વ, સ્તનપાન કરાવવાના ફાયદા તેમજ સ્તનપાન કેવી રીતે કરાવવું જોઈએ તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું.

Dr Joli vaishnav 1
ડૉ. જોલી વૈષ્ણવ

બાળરોગ વિભાગના વડા ડૉ. જોલી વૈષ્ણવ જણાવે છે કે, “સ્તનપાન માતા અને બાળક વચ્ચે મધુર સંબંધની શરૂઆત છે. આમ, તો જન્મ અગાઉ જ માતા અને બાળક વચ્ચે મધુર સંબંધ બંધાઈ જાય છે પરંતુ સ્તનપાન પછી વધુ ગાઢ બને છે. બાળકના જન્મ પછી છ મહિના સુધી માત્ર માતાનું ધાવણ જ શ્રેષ્ઠ છે. તાજા જન્મેલા બાળકને કોઈપણ પ્રકારની ગળથૂથી ના આપવી જોઈએ તેમજ છ મહિના સુધી પાણી પણ ન આપવું જોઈએ. છ પછીના પછી બાળકને માતાના ધાવણની સાથે-સાથે અન્ય ખોરાક આપવાની શરૂઆત કરવી જોઈએ જેથી બાળકને પર્યાપ્ત માત્રામાં પોષણ પ્રાપ્ત થઈ શકે. નવજાત શિશુને માતાનું દૂધ આપવાથી કુપોષણમાંથી મુક્તિ મળે છે. માતાનુ દૂધ બાળક માટે એન્ટિબોડીઝનું કામ કરે છે. ન્યુમોનિયા, ડાયેરિયા સહિતની અન્ય બિમારીમાંથી મુક્તિ મળે છે”.

Dr Gargi Pathak
ડૉ. ગાર્ગી પાઠક

બી.જે.મેડીકલના પ્રાધ્યાપક ડૉ. ગાર્ગી પાઠક જણાવે છે કે “બાળકના જન્મ પછી માતાના સ્તનમાંથી નીકળનારું પ્રથમ પીળું ઘાટું દૂધ શિશુ માટે ગુણકારી હોય છે, જેને કોલોસ્ટ્રોમ કહેવાય છે. કોલેસ્ટ્રમ વિટામિન-એથી ભરપૂર હોય છે તેમાં દસ ટકાથી વધુ પ્રોટીન હોય છે તેમજ તેમાં ચરબી ઓછી અને યોગ્ય માત્રામાં કાર્બોહાઈડ્રેટ હોય છે. આ દૂધને શિશુના જન્મના ૧ કલાકની અંદર જ માતાએ પોતાના બાળકોને પીવડાવવું જોઈએ. માતાના દૂધને શિશુ માટે પ્રથમ રસીકરણ પણ કહેવાય છે. આ દૂધથી નવજાત બાળકની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે જેના કારણે શિશુ વિવિધ બીમારી અને ચેપની સામે સરળતાથી લડી શકે છે. માતાના દૂધના કારણે બાળકનો શારિરીક અને માનસિક વિકાસ ખૂબ જ સારો થાય છે.

મદદનીશ પ્રાધ્યાપક ડૉ. અનુયા ચૌહાણે ધાત્રી માતાઓને સ્તનપાન કરાવવા માટેની યોગ્ય રીત અંગે સમજ આપી હતી. બાળકને સ્તનપાન કરાવતી વખતે સાબુથી હાથ ધોવા જોઈએ. નવજાત શિશુનું માથુ, ખભો, શરીર એક સિધી લિટીમાં હોવું જોઈએ તેમજ બાળકના આખા શરીરને સહારો મળવો જોઈએ. સ્તનપાન કરાવતી વખતે બાળક માતાની એકદમ નજીક હોવું જોઈએ. માતાની ત્વચા સાથેનો સંપર્ક શિશુના શરીરમાં તાપમાન જાળવી રાખે છે.

Dr Arif Vohra
ડૉ. આરીફ વોહરા

મદદનીશ પ્રાધ્યાપક ડૉ. આરીફ વોહરા જણાવે છે કે “બાળકને નિયમિત સ્તનપાન કરાવવાથી ધાત્રી માતાને પણ અનેક ફાયદાઓ થાય છે. સ્તનપાન કરાવવાથી કેલરી બર્ન થવાના લીધે પ્રસુતિમાં વધેલુ વજન ઓછું થાય છે. માતાના સ્તન અને અંડાશયના કેન્સર થવાની સંભાવના પણ ઘટે છે તેમજ બે બાળક વચ્ચે અંતર રાખવામાં પણ મદદરૂપ થાય છે”.

સિઝેરિયન પક્રિયાથી બાળકને જન્મ આપનારી મહિલાઓ પણ સરળતાથી સ્તનપાન કરાવી શકે છે. એનેસ્થેસિયાની અસર દૂર થયા પછી સ્તનપાન કરાવી શકાય છે.

આ વખતે કોરોનાગ્રસ્ત સગર્ભા મહિલાઓ અને ધાત્રી માતાઓને પણ સ્તનપાન વિશે સમજ આપી તેમનું કાઉન્સિલિંગ કરવામાં આવી રહ્યું છે. સ્તનપાનના મહત્વને વિશેષ રીતે સમજાવવા ડૉક્ટર્સ અને નર્સિંગ સ્ટાફ દ્વારા રોલ-પ્લે, ક્વિઝ અને કોમ્પિટિશન સહિત વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.