Rajnath singh 1812 edited

Caste certificate for join agneepath: અગ્નિપથ હેઠળ સૈન્યમાં ભરતી માટે જાતિ પ્રમાણપત્ર મગાતા વિવાદ થયો, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કર્યો ખુલાસો

Caste certificate for join agneepath: સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આ આક્ષેપોને નકારી કાઢતા સંસદ પરિસરમાં જણાવ્યું હતું કે, હું સ્પષ્ટ કરવા માગું છું કે આ માત્ર એક અફવા છે. આઝાદી પહેલા ભરતીની જે વ્યવસ્થા હતી, તે હજુ પણ ચાલી રહી છે અને તેમાં કોઈ ફેરફાર થયા નથી

નવી દિલ્હી, 20 જુલાઇઃ Caste certificate for join agneepath: સૈન્યમાં ભરતી માટે કેન્દ્ર દ્વારા રજૂ કરવામાં આવેલી નવી કોન્ટ્રાક્ટ આધારિત અગ્નિપથ યોજના હવે નવા વિવાદમાં સપડાઈ છે. વિપક્ષના કેટલાક નેતાઓ અને ભાજપના સાથી પક્ષોએ મંગળવારે આક્ષેપ કર્યો હતો કે, અગ્નિપથ યોજના હેઠળ યુવાનોની ભરતીમાં જાતિને એક પરિબળના રૂપમાં ઉપયોગ થઈ રહ્યો છે. જોકે, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે તુરંત આ આક્ષેપોને નકારી કાઢતા કહ્યું હતું કે, આ માત્ર એક અફવા છે. ભાજપે આ આક્ષેપોને પીએમ મોદીને દોષ આપવાનું વિપક્ષનું ગાંડપણ ગણાવ્યું હતું.

કેન્દ્ર સરકારે સૈન્યમાં ભરતી માટે અગ્નિપથ યોજના શરૂ કરી છે ત્યારથી વિરોધ પક્ષ આ યોજનાનો વિરોધ કરતો આવ્યો છે. હવે આમ આદમી પાર્ટી (આપ)ના  રાજ્યસભાના સાંસદ સંજય સિંહ અને રાજદ નેતા તેજસ્વી યાદવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આ મુદ્દે હુમલો કર્યો હતો જ્યારે ભાજપના સાંસદ વરુણ ગાંધી અને જદ-યુ નેતા ઉપેન્દ્ર કુશવાહાએ સૈન્યની ભરતી પ્રક્રિયામાં જાતિ પ્રમાણપત્ર માગવા સંબંધિત કથિત દસ્તાવેજ ટ્વિટર પર શૅર કર્યા હતા અને આ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. 

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આ આક્ષેપોને નકારી કાઢતા સંસદ પરિસરમાં જણાવ્યું હતું કે, હું સ્પષ્ટ કરવા માગું છું કે આ માત્ર એક અફવા છે. આઝાદી પહેલા ભરતીની જે વ્યવસ્થા હતી, તે હજુ પણ ચાલી રહી છે અને તેમાં કોઈ ફેરફાર થયા નથી. સૈન્યની ભરતી પ્રક્રિયા સમાન રૂપે સ્વતંત્રતા પહેલાંથી ચાલી રહી છે. શાસક ભાજપે આક્ષેપ કર્યો કે વિપક્ષ યુવાનોને રસ્તા પર દેખાવો કરવા ઊશ્કેરી રહ્યા છે.

આ સંદર્ભમાં સૈન્યના અધિકારીઓએ ખુલાસો કરતાં કહ્યું છે કે, સૈન્યમાં કોઈપણ ભરતીમાં પહેલા પણ જાતિ પ્રમાણપત્ર માગવામાં આવતું હતું. આ અંગે અગ્નિપથ યોજનામાં કોઈ ફેરફાર કરાયા નથી. વધુમાં સૈન્યમાં જાતિ પ્રમાણપત્ર માગવામાં કશું જ નવું નથી. જરૂર પડે ત્યારે ઉમેદવારો દ્વારા પહેલા પણ જાતિ અને ધર્મનું પ્રમાણ પત્ર આપવામાં આવતું હતું. તાલિમ દરમિયાન મરનારા રંગરૂટો અને સર્વિસમાં શહીદ થનારા સૈનિકોના ધાર્મિક વિધિથી અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. એવામાં તેમના ધર્મની માહિતીની જરૂર પડે છે.

આ પણ વાંચોઃ UK PM Top Contender Rishi Sunak: રિશિ સુનક બ્રિટનના PM પદના પ્રબળ દાવેદાર, હું બ્રિટનનો નાગરિક પણ ધર્મથી હિન્દુ છું- રિશિનું આ નિવેદન થઇ રહ્યું છે વાયરલ

ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે, સૈન્યની રેજિમેન્ટ વ્યવસ્થા અંગ્રેજોના સમયથી જ અસ્તિત્વમાં છે. જોકે, સ્વતંત્રતા પછી વર્ષ ૧૯૪૭માં ‘વિશેષ સેના આદેશ’ના માધ્યમથી તેને ઔપચારિક રૂપ અપાયું છે. મોદી સરકારે તેમાં કોઈ ફેરફાર કર્યો નથી. પાત્રાએ કહ્યું કે, વર્ષ ૨૦૧૩માં કોંગ્રેસના નેતૃત્વની યુપીએ સરકારના શસાનકાળ દરમિયાન એક પીઆઈએલના જવાબમાં સૈન્યે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું હતું, જેમાં કહેવાયું હતું કે, તેની ભરતીમાં ધર્મ અને જાતિની કોઈ ભૂમિકા નથી અને ઉમેદવારો પાસેથી આ માહિતી માત્ર વહીવટી કારણોથી માગવામા આવે છે.

પાત્રાએ વિપક્ષ પર સમયે સમયે સૈન્ય અંગે વિવાદ સર્જવા મુદ્દે સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે, આપ નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પહેલા પણ પાકિસ્તાન સ્થિત આતંકવાદી સ્થળોને નિશાન બનાવાયેલી સર્જિકલ સ્ટ્રાઈક પર સવાલ ઉઠાવ્યા હતા. 

આ પહેલા સંજય સિંહે ટ્વીટ કરીને કહ્યું હતું કે, ભારતના ઈતિહાસમાં પહેલી વખત સૈન્યની ભરતીમાં ઉમેદવારોને તેમની જાતિનો ઉલ્લેખ કરવા કહેવાઈ રહ્યું છે. તેમણે સવાલ કર્યો કે શું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દલીતો, પછાતો અને આદિવાસીઓને સશસ્ત્ર દળોમાં સેવા આપવા યોગ્ય માનતા નથી? મોદીજી તમારે અગ્નિવીર તૈયાર કરવાના છે કે ‘જાતિવીર’? 

ભાજપના સહયોગી પક્ષ જદ-યુના નેતા કુશવાહાએ પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો અને સવાલ કર્યો કે સૈન્યમાં અનામતની જોગવાઈ નથી તો જાતિ પ્રમાણપત્ર માગવાની શું જરૂર છે? ભાજપ સાંસદ વરુણ ગાંધીએ પણ કુશવાહાના આ મુદ્દાનું સમર્થન કરતા કહ્યું, સૈન્યમાં કોઈપણ પ્રકારનું કોઈ અનામત નથી, પરંતુ અગ્નિપથની ભરતીઓમાં જાતિ પ્રમાણપત્ર માગવામાં આવી રહ્યું છે. શું હવે આપણે જાતિ જોઈને કોઈની રાષ્ટ્રભક્તિ નિશ્ચિત કરીશું?

આ પણ વાંચોઃ Sidhu Moosewala Case: સિદ્ધુ મૂસેવાલા હત્યાકાંડના હત્યારાનું એન્કાઉન્ટર, વાંચો વિગત

Gujarati banner 01