ડોબરિયા પરિવારની એક સાથે ત્રણ પેઢી સામે કોરોના હાર્યો

Surat Dobaria Family corona

કોરોનાગ્રસ્ત માતાની મમતાથી છ માસના રિગ્વેદને કોરોના સ્પર્શી પણ ન શક્યો

અહેવાલ: પરેશ ટાપણીયા, સુરત

સુરત:શનિવાર: કતારગામમાં રહેતા ડોબરીયા પરિવારના આઠ સભ્યો કોરોનાની ઝપેટમાં આવી ગયા, પરંતુ આ પરિવારના ફુલસમા બે નાના બાળકોને કોરોના સ્પર્શી ન શક્યો. છ માસના રિગ્વેદ અને અઢી વર્ષની નાઓમીની માતા કોરોનાગ્રસ્ત બની, પરંતુ છ મહિનાના માસુમ પુત્ર માટે માતાનું દૂધ જ એકમાત્ર વિકલ્પ હોવાથી સ્તનપાન પર નિર્ભર છ માસના બાળક સામે કોરોના ઝૂક્યો અને માતાની મમતાનો વિજય થયો.

Surat Dobaria Family corona 2

મૂળ બોટાદ જિલ્લાના રોહિશાળા ગામના વતની અને હાલ કતારગામ વિસ્તારમાં રહેતા આ પરિવારના મોભી ૫૩ વર્ષીય મગનભાઈ તેમના ૫૨ વર્ષીય પત્ની રિટાબેન, ૩૦ વર્ષીય પુત્ર નિલય, પુત્રવધુ દિશાબેન, ૨૪ વર્ષની દિકરી ડો. રિમા સહિત બે ભત્રીજા પરેશ અને નિખિલને કોરોના પોઝિટીવ આવતાં સમગ્ર પરિવાર ચિંતામાં મુકાયો હતો.

મગનભાઈએ જણાવ્યું હતું કે, ‘સુરતમાં છેલ્લા ૨૫ વર્ષથી બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલો છું. બાંધકામનો અનુભવ સમાજને ઉપયોગી થાય તે હેતુથી કતારગામમાં કિરણ હોસ્પિટલનું બાંધકામ શરૂ થયું ત્યારથી ત્યાં સેવા આપું છું. આ દરમિયાન તા.૧ જુલાઈએ સામાન્ય શરદી, ખાંસી સાથે તાવ આવ્યો. પરિવારમાં છ મહિનાનો પૌત્ર અને અઢી વર્ષની પૌત્રી હોવાથી તેમને ઇન્ફેકશન ન લાગે એની સાવધાની સાથે હું તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ થઈ ગયો. બાદમાં પરિવારના તમામ સભ્યોની તપાસ કરવામાં આવતાં મારા પુત્ર, પુત્રવધુ, દીકરી, ભત્રીજા એમ અન્ય સાત સભ્યોનો કોરોના રિપોર્ટ પણ પોઝિટીવ આવ્યા.

પરિવાર પર ચિંતાના વાદળો ઘેરાયાં હતાં. પૌત્રી નાઓમી અને પૌત્ર રિગ્વેદનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવાથી તેમની સારસંભાળ અને દેખરેખ કોણ કરશે એ મોટી મુસીબત ઊભી થઈ હતી. માતા દિશાબેન પોઝિટિવ હોવાથી પુત્ર રિગ્વેદને સ્તનપાન કરાવવું કે નહી તેની મૂંઝવણ હતી. પણ ડોક્ટરની સલાહ મુજબ સ્તનપાન ચાલું રાખ્યું. ભગવાનનો પાડ કે છ માસના રિગ્વેદને કોરોનાથી ઊની આંચ પણ ન આવી.

મગનભાઈએ વધુમાં કહ્યું કે, હું ૮ દિવસ હોસ્પિટલમાં સારવાર લઈ સ્વસ્થ થઈ ઘરે પરત ફર્યો હતો. પ્લાઝમા થેરાપીથી કોરોના દર્દીઓનો જીવ બચતો હોવાથી મેં સ્વસ્થ થયાના ૨૮ દિવસ બાદ તા.૨૦ ઓગસ્ટે કિરણ હોસ્પિટલમાં પ્લાઝમા ડોનેટ કર્યા. અન્ય સભ્યોએ હોમ કવોરન્ટાઈન થઈને સારવાર મેળવી.

મગનભાઇના પાડોશી અરવિંદભાઈ મોણપરા અને મુકેશભાઈ સવાણીએ ૧૫ દિવસ ભોજન સહિત તમામ સુવિધા આપી દેખભાળ રાખી પાડોશી ધર્મ નિભાવ્યો હતો.

banner city280304799187766299

ડો.રિમા ડોબરિયા જણાવે છે કે, પિતાએ બાળપણથી જ શીખવાડ્યું છે કે મુશ્કેલીના સમયે વધુમાં વધુ લોકોની સેવા કરવી એ જ સાચો ધર્મ છે. તા.૫ જુલાઈએ મને પણ સામાન્ય કોરોનાના લક્ષણ જણાતા ૧૫ દિવસ હોમ ક્વોરન્ટાઈન રહી કોરોનાને મ્હાત આપી. ૨૮ દિવસ પછી એન્ટિજન ટેસ્ટ કરાવ્યો તેમાં એન્ટિબોડી બન્યા હતા. પિતાની પ્રેરણાથી તા.૨૪ ઓગસ્ટે સ્મીમેર બ્લડ બેન્કમાં પ્લાઝમા આપવા ગઈ હતી. પરંતુ હાલ પ્લાઝમા કરતાં બ્લડની જરૂરિયાત હોવાથી બ્લડ ડોનેટ કર્યું હતું. જરૂર પડ્યે પ્લાઝમા દાન પણ કરીશ.

કતારગામના ડોબરિયા પરિવારની એક સાથે ત્રણ પેઢીએ કોરોના સામેની લડતમાં જીત મેળવતા પરિવારની ખોવાયેલી ખુશીઓ પાછી આવી છે. માસુમ ભૂલકાઓ કોરોનાથી મુક્ત રહ્યાં એનો આ પરિવારને અતિ આનંદ છે.

banner still guj7364930615183874293.