છેલ્લાં દોઢ મહિનાથી કોરોના સંક્રમણમાં આરોગ્ય તપાસ અને સારવાર માટે ખડેપગે
કતારગામની સ્ટેટિક સેન્ટરની ટીમ છેલ્લાં દોઢ મહિનાથી કોરોના સંક્રમણમાં આરોગ્ય તપાસ અને સારવાર માટે ખડેપગે
અહેવાલ: મહેન્દ્ર વેકરીયા, સુરત
સુરત, ૧૦ નવેમ્બર: મંગળવાર: સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વિવિધ વિસ્તારોમાં કોવિડ ટેસ્ટીંગ અને એ.આર.આઈ.ના કેસોના નિદાન અને સારવાર માટે ‘સ્ટેટિક અને સર્વેલન્સ સેન્ટર’ શરૂ કરવામાં આવ્યાં છે. કતારગામ નોર્થ ઝોન દ્વારા કતારગામ પોલીસ સ્ટેશનની સામે ‘જેરામમોરારની વાડી સ્ટેટિક સેન્ટર’ કાર્યરત છે. જ્યાં કોવિડ ૧૯ માટે નિ:શુલ્ક રેપિડ એન્ટીજેન ટેસ્ટીંગ અને ઓ.પી.ડી.ની સુવિધા ઊભી કરવામાં આવી છે. શરદી, ઉધરસ, તાવ જેવા એ.આર. આઈ. ના કેસોનું નિદાન કરી નિ:શુલ્ક દવા આપવામાં આવે છે.
ડો.અંકિતા રાઠોડ, સેનેટરી ઇન્સ્પેક્ટર જીતુભાઈ મકવાણા, લેબ ટેકનિશીયન પ્રિયા ટંકારિયા, સ્ટાફ નર્સ ડિનલ ટંડેલ, સર્વેયરો અર્પણ ઘોઘારી, ભૂમિકા વરિયા, જયશ્રી પવાર તેમજ ડ્રાઇવર ફિરોજભાઈ પઠાણ અને મિશ્રાજીની ટીમ દ્વારા રજા લીધા વિના સતત દોઢ મહિનાથી કતારગામવાસીઓના આરોગ્ય તપાસ અને સારવાર માટે ખડેપગે છે. દરરોજ ૫૦ થી ૬૦ શંકાસ્પદ લક્ષણોવાળા વ્યક્તિઓનું ટેસ્ટિંગ કરવામાં આવે છે.
કોઈ પણ નાગરિકને શંકાસ્પદ લક્ષણો જણાય તો સેન્ટર ખાતે આવી વિનામૂલ્યે ટેસ્ટ કરાવી શકે છે, રેપિડ ટેસ્ટ કરી માત્ર ૧૦ મિનિટમાં નેગેટિવ અથવા પોઝિટીવ રિપોર્ટ મળી જાય છે, પોઝિટીવ દર્દીઓના નિદાન પછી સારવારની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. સોશ્યલ ડિસ્ટન્સિંગ અને તમામ કોવિડ ગાઈડલાઈન્સ સાથે આ સેન્ટરમાં આરોગ્ય સેવા આપવામાં આવે છે એમ ફરજ પરના ડો.અંકિતા રાઠોડ જણાવે છે.