Maa durga image 600x337 1

Hindu Nav Varsh: શક્તિસંચયનાં પર્વ એવાં ચૈત્રી નવરાત્રિ અને અનેક રાજ્યોમાં નૂતન વર્ષ અને નવા સંવત્સરનો પણ આજથી પ્રારંભ થશે

(વિશેષ નોંધ: Hindu Nav Varsh: આજે આપણે સહુ તહેવારની ઉજવણીમાં વ્યસ્ત હોઈશું એટલે શક્ય છે કે ઉજવણીની દ્રષ્ટિએ જોતાં સ્વાભાવિક રીતે જ નૂતનવર્ષની લેખમાળાનો આ પ્રથમ મણકો કંટાળાજનક લાગે. એ છતાં અમારી પેઢીને આગ્રહભરી વિનંતી છે કે લેખમાળાનો આ માહિતીસભર મણકો ખાસ વાંચે, સમજે અને આવનારી પેઢીને પણ વંચાવે.)

સામાન્ય રીતે હિંદુઓ(Hindu Nav Varsh) કોઇ પણ નવી બાબતનો પ્રારંભ કરવા માટે શુભ દિવસ જ પસંદ કરે છે. એ દૃષ્ટિએ વર્ષનાં કેટલાંક દિવસો વણજોયા મુહૂર્ત તરીકે કે સાડા ત્રણ મુહૂર્ત તરીકે જાણીતા છે. આજનો દિવસ આ સાડા ત્રણ મુહૂર્ત પૈકીનો એક છે. નવા ઘરમાં રહેવા જવું, કિંમતી વસ્તુઓની ખરીદી કરવી વગેરે જેવી કોઈ પણ બાબતો માટે આ દિવસ અત્યંત શુભ મનાય છે. આ દિવસે નવા “સંવત”નો પ્રારંભ થાય છે અને નવું પંચાંગ પણ શરૂ થાય છે. ચૈત્ર મહિનો એટલે તહેવારોનો મહિનો.

Hindu Nav Varsh, Vaibhavi joshi

આજનાં વિશિષ્ટ દિવસની વાત કરું તો એવું લાગે કે જાણે આજે તહેવારોની હેલી વરસી પડી છે.શક્તિસંચયનાં પર્વ એવાં ચૈત્રી નવરાત્રિનો આજથી પ્રારંભ થઇ રહ્યો છે અને એ સાથે જ ભારતભરમાં અનેક રાજ્યોમાં નૂતન વર્ષ અને નવા સંવત્સરનો પણ પ્રારંભ થશે. આજે વર્ષો નહિ પણ યુગો પાછળ જઈને થોડું જાણવાનો પ્રયાસ કરીયે. બ્રહ્મપુરાણ અનુસાર ચૈત્ર સુદ એકમનાં દિવસે બ્રહ્માએ સૃષ્ટિની રચનાનો પ્રારંભ કર્યો હતો એવી માન્યતા છે. આ વાતનું પ્રમાણ અથર્વવેદ અને શતપથ બ્રાહ્મણગ્રંથમાં પણ જોવા મળે છે. આ જ દિવસથી ચૈત્ર નવરાત્રીનો પણ પ્રારંભ થાય છે. આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ અનેક મહત્ત્વની ઘટનાઓએ આજના દિવસે આકાર લીધો હોવાથી પણ આ દિવસનું વિશેષ માહાત્મ્ય છે. આજે યુગાબ્દ ૫૧૨૪નો પ્રારંભ પણ થશે.

આ યુગાબ્દને અનુસરીએ તો ભારતીય સનાતન પરંપરા પાંચ હજાર વર્ષ કરતાં પણ વધુ પ્રાચીન ગણી શકાય. ભારતમાં પ્રચલિત સંવતમાં મુખ્યત્વે ત્રણ સંવત સવિશેષ પ્રસિદ્ધ છે. યુધિષ્ઠિર સંવત, વિક્રમ સંવત અને શક સંવત. એક લોકમાન્યતા એવી પણ છે કે આજનાં દિવસે યુધિષ્ઠિરનો રાજ્યાભિષેક થયો હતો. ભગવાન શ્રીકૃષ્ણનાં દેહોત્સર્ગ સમયે, ધર્મરાજ યુધિષ્ઠિરનાં શાસનનાં અંત ભાગે, ચાર યુગોનાં ચક્ર પરિવર્તનનાં અનુસંધાને યુગાબ્દ કલિયુગનાં આરંભથી યુધિષ્ઠિર સંવતને પ્રારંભ ગણાય છે. શાલિવાહન શક સંવતની શરૂઆત (હિંદુ કાળગણનાં પ્રમાણે) આ દિવસે જ થઇ હતી. વર્ષો પહેલાં જયારે દુષ્ટ શકોએ સંપૂર્ણ ભારતવર્ષમાં પોતાનું સામ્રાજ્ય સ્થાપી ભારતીય સંસ્કૃતિનો એક યા બીજી રીતે ઉચ્છેદ કરવા માંડ્યો ત્યારે એક શાલિવાહન જાગ્યા.

એમની સાથે લાખો હિન્દુ યુવકો જાગ્યા, સ્વપરાક્રમથી શકોનો પરાભવ કરી આ હિન્દુ દેશમાં પુન: સ્વરાજ્યની સ્થાપ્ના કરી, દેશને સ્વતંત્ર બનાવ્યો. માટીનાં ઢેફાં જેવા બનેલાં હિન્દુ સમાજમાં સ્વાભિમાન અને સ્વત્ત્વનો સંચાર કરી, શત્રુનું માથું ભાંગી નાખે એવો પરાક્રમી સમાજ બનાવ્યો. તેથી જ એમ કહેવાય છે કે, શાલિવાહને માટીમાંથી મર્દો સર્જ્યા. ચૈત્ર સુદ એકમને દિવસે સ્વતંત્ર હિંદુ રાજા તરીકે લોકોએ શાલિવાહનનો રાજ્યાભિષેક કરાવ્યો. તે જ દિવસથી સમ્રાટ શાલિવાહનનાં નામથી વર્ષ – ગણના શરૂ કરવામાં આવી તે શાલિવાહન શક સંવત કહેવાય છે. આજે શાલિવાહન શક સંવત ૧૯૪૪ ‘શુભકૃત’ સંવત્સરનો પણ પ્રારંભ થશે. કદાચ જ કોઈ જાણતું હશે પણ શાસ્ત્રોમાં કુલ ૬૦ સંવત્સરનો ઉલ્લેખ છે. સંવત્સર એટલે જ્યારથી વર્ષની શુભ શરુઆત થાય એને સંવત્સર કહેવાય.

Hindu Nav Varsh: સંવત્સરનું નામ એટલું મહત્ત્વપૂર્ણ છે કે પ્રત્યેક ધાર્મિક કાર્યમાં લેવાતાં સંકલ્પમાં સંવત્સરનું નામ અવશ્ય લેવામાં આવે છે. આની પાછળનું એક કારણ એવું પણ માનવામાં આવે છે કે લેવામાં આવતાં સંકલ્પનો સંબંધ દિવસ – મુહૂર્ત – સમય – સ્થાન – વ્યક્તિ વગેરે સાથે હોય છે, આવું કરવાથી વ્યક્તિની અંદર સંકલ્પ અને તેને પૂરો કરવા પ્રત્યે જાગૃતિ આવે છે. આ સંવત્સરની પાછળ પણ ખગોળશાસ્ત્ર જ છે તો થોડું એના વિશે પણ સમજીયે.બાર્હસ્પત્ય સંવત્સર ચક્ર – બાર વર્ષનું અને સાઠ વર્ષનું હોય છે. બૃહસ્પતિ ગ્રહ પોતાનું પરિક્રમણ ૧૨ સૌર વર્ષે પૂરું કરે છે. એમાં એ દર રાશિમાં લગભગ એક વર્ષ રહે છે. આ પરથી ૧૨ બાર્હસ્પત્ય સંવત્સરોનું ચક્ર પ્રચલિત થયું. ૧૨ સૌર વર્ષ દરમિયાન બૃહસ્પતિ ૧૧ વાર ઉદય પામે છે, તેથી ૧૨ સૌર વર્ષમાં એક બાર્હસ્પત્ય સંવત્સરનો ક્ષય થાય છે.

Vikramaditya

આ સંવત્સર ચક્ર પાંચમી–સાતમી સદી દરમિયાન પ્રચલિત હતું, એ પછી એ સામાન્ય વ્યવહારમાંથી લુપ્ત થઈ ગયું. હવે તો કેવળ પંચાંગોમાં વર્ષનું નામ બતાવવામાં જ એ પ્રચલિત રહ્યું છે. હજી પણ ભારતીય પંચાંગોમાં વિક્રમ તથા શક સંવતનાં વર્ષ સાથે બાર્હસ્પત્ય સંવત્સરનું નામ અપાય છે. (આ માહિતી ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટમાંથી સાભાર)સંવત્સરનાં પહેલા ભાગને બ્રહ્માજી સાથે જોડવામાં આવે છે જેને બ્રહ્મવિનશતી કહે છે. બીજા ભાગને વિષ્ણુવિનશતી અને ત્રીજા ભાગને શિવવિનશતી કહેવાય છે. એટલે આ ત્રણ ભાગો આ રીતે વહેંચાયેલા છે.૧ થી ૨૦ સંવત્સર “બ્રહ્યા”ની વિશી૨૧ થી ૪૦ સંવત્સર” વિષ્ણુ”ની વિશી૪૧ થી ૬૦ સંવત્સર “રુદ્ર”ની વિશી આ સંવત્સર કેવી રીતે ગણવામાં આવે છે એ જરા અટપટો પણ મજા પડે તેવો વિષય છે.

ખગોળશાસ્ત્રીઓ પાસે એમનું પોતાનું ગણિત છે આ નક્કી કરવા માટે. જેને ક્રમવાર ૬૦ સંવત્સરનાં નામ ખ્યાલ હશે એમને વધુ ખ્યાલ આવશે. વિક્રમ સંવત્સરની જેમ શક સંવત્સરની પણ અલગ ગણતરી હોય છે. આજથી શક સંવત ૧૯૪૪ અને ‘શુભકૃત’ સંવત્સરનો પણ પ્રારંભ થશે. હાલમાં ગુજરાતી વિક્રમ સંવત ૨૦૭૮ અને ‘પ્રમાદી’ સંવત્સર ચાલી રહ્યું છે જે કારતક સુદ એકમે બદલાશે અને ‘આનંદ’ સંવત્સર શરુ થશે.કદાચ જ નવી પેઢી જાણતી હશે કે અત્યાર સુધી ઘણી બધી સંવતમાં ૧૬ પ્રચલિત ભારતીય સંવતનો ઉલ્લેખ છે. પહેલું સંવત એટલે કલ્યાબ્દ. ત્યાર પછી સૃષ્ટિ સંવત, વામન સંવત, શ્રીરામ સંવત, શ્રીકૃષ્ણ સંવત, યુધિષ્ઠિર સંવત, બુદ્ધ સંવત, મહાવીર (જૈન) સંવત, શ્રી શંકરાચાર્ય સંવત, વિક્રમ સંવત, શાલિવાહન સંવત, હર્ષાબ્દ સંવત વગેરે આવે છે.

એ સિવાય જે હાલ ચલણમાં નથી એવી કેટલીક સંવત જેવી કે સ્વયંભૂ મનુ સંવત્સર, સપ્તઋષિ સંવત, ગુપ્ત સંવત, યુધિષ્ઠિર સંવત, કૃષ્ણ સંવત, ધ્રુવ સંવત, ક્રોંચ સંવત, કશ્યપ સંવત, કાર્તિકેય સંવત, વૈવસ્વત મનુ સંવત, વૈવસ્વત યમ સંવત, ઈક્ક્ષવાકુ સંવત, પરશુરામ સંવત, જયાભ્યુદ સંવત, લૌકિકધ્રુવ સંવત, ભટાબદ્ધ સંવત(આર્ય ભટ્ટ), શિશુનાગ સંવત, નંદ શક, ક્ષદ્રક સંવત, ચાહમાન શક, શ્રીહર્ષ શક, કલ્ચુરી કે ચેદી શક, તલ્ભિભંગ સંવત જેવી સંવતનો ઉલ્લેખ પણ મળી આવે છે. હિન્દુ સંસ્કૃતિ અંકમાં લખવામાં આવ્યું છે કે ભારતમાં સંવતની આગળ રાજાઓનાં નામ લાગતાં આવ્યાં છે.

Hindu Nav Varsh

નવા નામે સંવત ચલાવવી હોય તો તેની શાસ્ત્રીય વિધિ હતી. જો રાજાએ પોતાના નામથી સંવતની શરૂઆત કરવી હોય તો સૌથી પહેલાં રાજ્યમાં જેટલા દેવાદાર હોય (ઋણી) તેમનું દેવું રાજાએ ચૂકવવું પડે. ભારતમાં આ રીતે અનેક સંવતો આવી પણ તેમાંની સર્વસામાન્ય સ્વીકાર્ય વિક્રમ સંવત છે. ઉજ્જૈનનાં મહાપ્રતાપી અને પરદુ:ખભંજન મહારાજા વીર વિક્રમનાં શાસનકાળથી વિક્રમ સંવતનો આરંભ થયો છે. વિક્રમ સંવતનાં વર્ષ ઉત્તર ભારતમાં ચૈત્રાદિ અને ગુજરાતમાં કાર્તિકાદિ ગણાય છે.

આ પણ વાંચો..Gudi Padwa 2022: વાંચો, ગુડી પડવોનું મહત્વ અને આ દિવસ સાથે જોડાયેલી ખાસ વાતો

વિક્રમ સંવતનાં માસ ઉત્તર ભારતમાં પૂર્ણિમાન્ત અને ગુજરાતમાં અમાસાન્ત ગણાય છે. કચ્છ, હાલાર વગેરે પ્રદેશમાં આષાઢાદિ વર્ષ પ્રચલિત હતાં. એ ચૈત્રાદિ વર્ષ કરતાં ત્રણ મહિના મોડું અને કાર્તિકાદિ વર્ષ કરતાં ચાર મહિના વહેલું શરૂ થાય છે.વિશ્વનાં ખગોળ વૈજ્ઞાનિકો જેને સચોટ ગણનાં માને છે તે હિન્દુ કાલગણનાનું ભારતમાં જ કોઈ મહત્ત્વ નથી. હિન્દુઓની તિથિ, નવું વર્ષ, વિક્રમ સંવત સચોટ અને ભૂલ વગરનું છે છતાં ભારતમાં બધે જ સ્વીકાર્ય નથી. અહીં કારતકથી આસો અથવા ચૈત્રથી ફાગણ નહિ પણ જાન્યુઆરીથી ડિસેમ્બર ચાલે છે. નવા વર્ષની ઉજવણી સૃષ્ટિનાં જન્મદિવસ એવા ચૈત્ર સુદ એકમનાં દિવસે નહિ પણ પહેલી જાન્યુઆરીનાં દિવસે થાય છે.

જાન્યુઆરી, ફેબ્રુઆરી… વાળું ગ્રેગોરિયન કેલેન્ડર પણ સમયની દ્રષ્ટિએ એટલું સચોટ નથી જેટલું હિન્દુ કેલેન્ડર વિક્રમ સંવતનું છે. વિશ્વનું ગણિત કહે છે કે સૃષ્ટિનો જન્મ થયાને આશરે ૫૦૦૦ વર્ષ થયાં છે જ્યારે હિન્દુશાસ્ત્રો કહે છે કે સૃષ્ટિનો જન્મ થયાને આશરે ૨ અબજ વર્ષ વીતી ચૂક્યાં છે. મહત્ત્વની વાત એ છે કે આજે વિશ્વનાં વૈજ્ઞાનિકો આ તથ્યને માનવા લાગ્યા છે કે હિન્દુગણનાં યોગ્ય અને સચોટ છે. પણ દુ:ખની વાત એ છે કે આપણે ‘પશ્ચિમી ગણનાં’ને આજે પણ વધુ મહત્ત્વ આપી રહ્યા છીએ. તેનું ઉદાહરણ પણ આપણી સામે જ છે. હિન્દુઓનું નવું વર્ષ પણ આપણે માત્ર ૩૧ ડિસેમ્બરની મધરાતે જ ઊજવીએ છીએ ! ચૈત્ર સુદ એકમને નવું વર્ષ ગણતાં નથી. હકીકત તો એ છે કે આપણે આપણી કાલગણનાને અવગણી છે. તેનો ઇતિહાસ, હકીકત, એની સાર્થકતાં આપણે આપણી યુવાપેઢીને ક્યાંય શીખવ્યો જ નથી. આજની પેઢીને જાન્યુઆરી, ફેબ્રુઆરી… ડિસેમ્બરની ખબર છે પણ કારતક… માગશરથી લઈને એકમ, પૂનમ, અમાસમાં કંઈ જ ખબર પડતી નથી.

હિન્દુ કાલગણનાં એ આપણી મહામૂલી વિરાસત છે. નવાં વર્ષને જાણવા આપણા પૂર્વજોને કોઈ પંચાંગ કે કેલેન્ડરની જરૂર પડતી નહિ. આપણો સમય ચંદ્ર સાથે જોડાયેલો છે. આપણા વડવાઓ ચંદ્રને જોઈને તિથિ, તારીખ ને સમય કહી દેતા. આપણી કાલગણનાં આકાશ સાથે સરળતાથી સંકળાયેલી છે. વિજ્ઞાનિક દ્રષ્ટિએ પણ સચોટ છે. એટલે તો આપણી ગણના અન્યો કરતા હંમેશાં સાચી ઠરી છે અને સાચી ઠરતી રહેશે. આ તો માત્ર એક જ વિજ્ઞાનની વાત છે. બાકી અમેરિકાથી લઈ બ્રિટન સુધી બધા જ વિજ્ઞાનીઓએ ભારતીય કાલગણનાની સચોટતા પારખી તેમને સ્વીકારી લીધી છે. બ્રહ્માંડની ગણતરી કરવી હોય તો હિન્દુ કાલગણના જ શીખવી પડે. કદાચ એટલે જ નાસાએ પણ ભારતીય મૂળ ભાષા સંસ્કૃતને ફરજિયાત બનાવી છે.

આજે આપણે જાન્યુઆરીથી ડિસેમ્બરને વર્ષ ગણી ૩૧ ડિસેમ્બરે નવાં વર્ષની મધરાતે ઉજવણી કરીએ છીએ પણ ખરાં અર્થમાં આપણે આજે એટલે કે ચૈત્ર સુદ એકમે નવાં વર્ષની ઉજવણી કરવાની જરૂર છે. આ જ આપણી ભારતીય સંસ્કૃતિનો સંદેશ છે. આશા રાખું કે જેમ અન્ય રાજ્યો આજે નવું વર્ષ ઉજવે છે એમ એક દિવસ સમગ્ર ભારત આ નવાં વર્ષની પરંપરાને માન આપે..!!- વૈભવી જોશી

હવે પછીનાં મણકામાં ભારતભરમાં ઉજવાતા નવા વર્ષ અને તેની ઉજવણી વિશે માહિતી મેળવીશું.

Gujarati banner 01