સુરત જિલ્લા પંચાયતના આરોગ્યકર્મીઓનું ગ્રામ્ય વિસ્તારમાં પ્રેરણાદાયી ‘હેન્ડ વોશ’ જનજાગૃત્તિ અભિયાન

કોરોના મહામારી વચ્ચે સમગ્ર રાજ્યમાંથી એક માત્ર સુરત જિલ્લાએ ત્રણ માસમાં કુલ ૧૦ લાખથી વધુ લોકોને સાબુ વડે હાથ ધોવાના ડેમો દર્શાવી જાગૃત કર્યાઃ

સુરત:બુધવાર: કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે સ્વચ્છતાના નિયમોનું પાલન કરીને મહામારીને ઘણા અંશે નાથી શકાય છે. શરીરની સ્વચ્છતા જાળવવાથી અનેક રોગોને શરીરમાં પ્રવેશતા અટકાવી શકાય છે. ખાસ કરીને હાથની સ્વચ્છતા રાખવાથી કોરોના સામે લડવાની સાથોસાથ અનેક સંક્રામક રોગોથી પણ રક્ષણ મેળવી શકાય છે.

સુરત જિલ્લામાં કોરોનાં અટકાયત માટે સુરત જિલ્લા પંચાયતના કોરોના વોરીયર્સ આરોગ્યકર્મીઓએ ગ્રામ્ય વિસ્તારમાં પ્રેરણાદાયી ‘હેન્ડ વોશ’ જનજાગૃત્તિ અભિયાન અંતર્ગત આજદિન સુધીમાં કુલ ૩,૪૫,૪૨૨ હાથ ધોવાનાં ડેમો દ્વારા ૧૦ લાખ લોકોને હાથ ધોવાની વૈજ્ઞાનિક પદ્ધતિ શીખવાડી છે.

કોરોના સંકટમાં આરોગ્ય વિભાગના અગ્ર સચિવશ્રી ડો.જયંતિ રવિના ઈનોવેટીવ આઈ.ઈ.સી. પ્રવૃત્તિ સઘન બનાવવાના આપેલા દિશાનિર્દેશ અનુસાર જિલ્લા કલેકટરશ્રી ડો. ધવલ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એચ.કે.કોયા અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.હસમુખ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આ અભિયાન ગત તા. ૨૬ એપ્રિલથી અમલમાં મૂકવામાં આવ્યું હતું. દરેક તાલુકામાં હેલ્થ સુપરવાઈઝર, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર, આર.બી.એસ.કે., એમ.ઓ. આશા તથા આશા ફેસેલિટેટરો તથા કોરોના વોરિયર્સ દ્વારા ગ્રામજનોની રૂબરૂ મુલાકાત લેવામાં આવે છે. જેઓ દરેક ગામની મહત્વના સ્થળે, દરેક ફળિયામાં જઈને સાબુ વડે હાથ ધોવાનાં ડેમો બતાવીને હેન્ડ વોશની સ્ટેપ સાથેની વૈજ્ઞાનિક પદ્ધતિ શીખવીને જનજાગૃતિનું કાર્ય કરી રહ્યા છે.

આ અભિયાન અંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.હસમુખ ચૌધરીએ જણાવ્યું હતું કે, હેન્ડ વોશ અભિયાન અંતર્ગત જિલ્લાના દરેક ગામમાંથી ઓછામાં ઓછા પાંચ અને ફળિયા, શેરી-મહોલ્લા દીઠ એક એવા સ્વયંસેવકો કોરોના વોરિયર્સ તૈયાર કરવામાં આવ્યાં છે. આ સ્વયંસેવકો હેન્ડ વોશ નિદર્શનની પ્રવૃત્તિ ઉત્સાહભેર આગળ વધારી રહ્યા છે, અને વધુમાં વધુ લોકો હાથ ધોવાની પદ્ધતિ શીખે એ માટે ફિલ્ડમાં સેવા આપી રહ્યા છે. અમે સ્થાનિક ગ્રામજનો તેમજ સરપંચશ્રીઓના સહયોગથી ગામે ગામ કોરોના વોરિયર્સ ગ્રુપ બનાવ્યાં છે, જેમાં સરપંચ, ગ્રામ પંચાયત-તાલુકા પંચાયતના સભ્યો, આગેવાનો, સ્વયંસેવકો, એન.જી.ઓ.ના સભ્યો તથા આશા, અને આંગણવાડી કાર્યકર બહેનોનો સમાવેશ કરાયો છે. તેઓ એક બીજાના સાથ સહકારથી કોરોના સામે લડવાં જનજાગૃત્તિનું કાર્ય કરી રહ્યા છે. સાથે કેન્દ્ર અને રાજ્ય સરકારની કોરોના સામે સાવચેતીના માટે એસ.ઓ.પી. અંગે માર્ગદર્શન આપી રહ્યા છે. તેઓ ગ્રામજનોમાં હેન્ડ વોશ પદ્ધતિ તેમજ સ્વાસ્થ્ય જાળવવા માટેની સુટેવો કેળવાય તે માટે આગળપડતી ભૂમિકા ભજવી રહ્યા છે.

આમ, ‘જીવનમાં કેટલીક સારી આદતો હોય છે કે જે આપણને તંદુરસ્ત રાખે છે, ત્યારે કોરોના સામે લડવા માટે પણ વારંવાર હાથ ધોવાની આદત કેળવવી આપણા સૌ માટે અનિવાર્ય બની જાય છે. નાગરિકો હેલ્થ અને હાઈજીન પ્રત્યે જાગૃત્ત બની હાથ ધોવા જેવી કેટલીક આદતો કેળવી તો કોરોના સહિત અનેક પ્રકારના રોગોના સંક્રમણથી આપણે સુરક્ષિત રહી શકીશું.

Banner Still Guj