Plasma Donate Surat

સુરતના જેનિશભાઈ શાહે સતત ત્રીજી વાર પ્લાઝમાં ડોનેટ કર્યું

કોરોનામુક્ત થયેલાં ૧૭ મિત્રો-પરિચિતોને સમજાવી નવી સિવિલમાં પ્લાઝમા ડોનેટ કરાવ્યું છે

સુરત:બુધવાર:- સુરતના કોરોના વોરિયર જેનિશભાઈ શાહે કોરોનામુક્ત થયાં બાદ આજે સતત ત્રીજી વખત પ્લાઝમા ડોનેટ કર્યું છે. તેઓ છેલ્લાં ત્રણ મહિનામાં ત્રણ વાર પ્લાઝમા ડોનેટ કરી સમાજ માટે ઉદાહરણરૂપ બન્યા છે. કોરોનામુક્ત થયેલાં ૧૭ મિત્રો-પરિચિતોને સમજાવી નવી સિવિલમાં પ્લાઝમા ડોનેટ કરાવ્યું છે.

સુરતના વેસુ વિસ્તારમાં શિવકાર્તિક એન્કલેવમાં રહેતાં અને ઇક્વિટી વેલ્થ મેનેજમેન્ટના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તા.૨૦ જુલાઈ, તા.૯મી ઓગસ્ટ અને તા.૨૫મી ઓગસ્ટ ના રોજ ત્રણ વાર પ્લાઝમા ડોનેટ કરનાર જેનિશભાઈએ સંકલ્પ કર્યો છે કે, જ્યાં સુધી પ્લાઝમા આપી શકાશે ત્યાં સુધી હજુ પણ પ્લાઝમા દાન કરશે.

જેનિશભાઈ જણાવે છે કે, ગત તા.૨૨ જુનના રોજ મને કોરોનાના ગળામાં સોજો અને તાવ, શરદી જેવા પ્રારંભિક લક્ષણો જણાતા ડો.પ્રતિક સાવજની પ્રાથમિક સારવાર લીધી હતી. તેમણે મને જરૂરી દવા સાથે આપેલી સલાહ પ્રમાણે ૧૫ દિવસ હોમ આઈસોલેશનમાં રહી સ્વસ્થ થયો હતો. સ્વસ્થ થયાં બાદ પણ સાવચેતીના ભાગરૂપે ૦૮ દિવસ સુધી ઘરની બહાર નીકળ્યો ન હતો. એવામાં મારા એક વોટ્સએપ ગ્રુપમાં એક મિત્રનો મેસેજ જોવા મળ્યો જેમાં ઓ પોઝિટીવ બ્લડ પ્લાઝમા હોય તો એક કોરોનાગ્રસ્ત દર્દીને સારવાર માટે તાત્કાલિક જરૂર હતી. હું સ્વસ્થ થયો એને ૨૮ દિવસ થઈ ચૂક્યા હતાં. જેથી મેં તેમને કોલ કરીને કહ્યું કે જો મારા પ્લાઝમા મેચ થતાં હોય તો હું આપવાં તૈયાર છું. બ્લડ રિપોર્ટ અને એન્ટીબોડી રિપોર્ટમાં મારૂ બ્લડ અને પ્લાઝમા મેચ થઈ જતાં મેં પ્રથમ વાર તા.૨૦ જુલાઈએ નવી સિવિલમાં પ્લાઝમા દાન કર્યું હતું.

તેમણે વધુમાં કહ્યું કે, મારા પ્લાઝમા થકી કેન્સરથી પીડિત કોરોના પેશન્ટ અને અન્ય એક દર્દીને ઇસ્યુ કરાયું હતું. જેની તબિયત ખુબ સારી હોવાની મને બ્લડ બેંક દ્વારા જણાવતાં મને કોઈના પ્રાણ બચાવવામાં નિમિત્ત બન્યો તેનો અતિ આનંદ છે. હું બિઝનેસ નેટવર્ક ઇન્ટરનેશનલ BNI સંસ્થા સાથે જોડાયેલો છું. જેમાં અમે ૧૬૦૦ થી વધુ સભ્યો પરસ્પર બિઝનેસના વિકાસની સાથોસાથ પ્લાઝમા જાગૃતિ અભિયાન પણ ચલાવીએ છીએ. પ્લાઝમા જાગૃત્તિ ડોનેટ કરવાં માટે કોરોનામુક્ત થયેલાં અમારા ઘણાં મિત્રો-પરિચિતોને અમે જાગૃત્ત કરી રહ્યા છીએ.

નવી સિવિલમાં પ્લાઝમા દાનમાં ડો. મયુર જરગ, ડો. જિતેન્દ્રભાઈ, ડો.પૂજા અને કાજલ પરમહંસ સહાયરૂપ થયા હતા એમ તેઓ જણાવે છે.