Nurse Drashti monapriya

માતા અને બાળક વચ્ચે સેતુરૂપ બનતા નર્સ દ્રષ્ટિબેન મોણપરા

Nurse Drashti monapriya

કોરોના યોદ્ધા દ્રષ્ટિબેન ફરજ દરમિયાન કોરોનાગ્રસ્ત થયા

પરંતુ કોરોનાથી સ્વસ્થ થયા બાદ પૂર્વવત ફરજ પર જોડાઈ ગયાં 

કોવિડ વોર્ડમાં કાર્યરત પડદા પાછળના કોરોના વોરિયરની અપ્રતિમ કથા

 અહેવાલ:શુભમ અંબાણી,રાજકોટ

રાજકોટ, ૦૧ ઓક્ટોબર: કોરોના મહામારીને નાથવા અને દર્દીઓને કોરોના મુક્ત કરવામાં રાજકોટ સિવિલ હોસ્પિટલના ઘણાં કોરોના યોદ્ધાઓ કોરોનાગ્રસ્તોની સેવા કરતાં કરતાં ખુદ સંક્રમિત થયાં, પરંતુ સારવાર અને સેવાની સરવાણી અટકી નથી. સિવિલના આવા જ એક કર્મયોગી સ્ટાફ નર્સ છે દ્રષ્ટિબેન મોણપરા. જેઓ કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર કરતાં કરતાં ખુદ કોરોનાનો શિકાર બન્યા અને સારવાર બાદ કોરોનાને હરાવીને તેઓ પોતાની નૈતિક ફરજ સાથે માનવીય સંવેદના સાથે પુન: કોરોનાગ્રસ્તોની સેવામાં જોડાઈ ગયાં છે.

મૂળ વીરનગરના વતની અને હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલના કોવિડ વોર્ડમાં ફરજ બજાવતા ૨૭ વર્ષીય નર્સ દ્રષ્ટિબેન દર્દીનારાયણની સેવાની વાત કરતા કહે છે કે, હું છેલ્લા ૬ વર્ષથી સિવિલ હોસ્પિટલમાં ફરજ પર છું. રાજકોટમાં કોરોનાની વિકટ પરિસ્થિતિ શરૂ થઈ ત્યારથી હું સેવામાં સક્રિય છું, મારુ કાર્ય ડોક્ટર દ્વારા દર્દીને અપાતી સૂચનાઓનું પાલન કરવાનું છે. જેમાં દર્દીઓને સમયસર દવા, ઉકાળા, આરોગ્યપ્રદ ભોજન આપવાનું છે,  સાથો સાથ કોરોના વોર્ડમાં દાખલ પ્રત્યેક દર્દીને કોઈ પણ વસ્તુની જરૂરિયાત હોય કે કોઈ સમસ્યા હોય તો અમે તેનું નિરાકરણ કરીએ છીએ, મારી કોવિડ વોર્ડની ફરજ દરમિયાન હું ક્રોરોના સંક્રમિત થઈ હતી. જેથી ૭ દિવસની સિવિલ હોસ્પિટલમાં જ સારવાર લઈ સ્વસ્થ થઈ. પરંતુ શારીરિક નબળાઈ જણાતા ૧૪ દિવસ હોમ આઈસોલેટ રહીને ફરીથી કોવિડ વોર્ડમાં કોરોના દર્દીઓની સેવામાં જોડાઈ ગઈ છું. પરિવારની પ્રેરણા અને ઈશ્વરની કૃપા દ્રષ્ટિથી આવી મહામારીના સમયમાં મને લોકોની સેવા કરવાની હિંમત મળે છે.”

loading…

દ્રષ્ટિબેન કોરોના વોર્ડમાં તેમની ફરજ દરમિયાન થયેલા અનુભવોને વર્ણવતાં કહે છે કે, ઘણી વાર દર્દીઓ હોસ્પિટલમાં આવે ત્યારે ગંભીર હાલતમાં હોય છે. હું જ્યારે પીડિયાટ્રિક વિભાગમાં કાર્યરત હતી એ સમયે એક કોરોનાગ્રસ્ત સગર્ભા બહેને કોવીડ હોસ્પિટલમાં બાળકને જન્મ આપ્યો. તે બાળકને કોરોના ન હોવાથી તેને અલગ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો. માતા કોરોનાગ્રસ્ત હતી એટલે તે બાળકની વારંવાર ચિંતા કર્યા કરતી અમે તેમને સમજાવતા કે તમે ચિંતા ન કરો તમે કોરોના મુક્ત થઈને અવશ્ય તમારા બાળકને રમાડશો, તેમના બાળકને મેં ૧૫ દિવસ સુધી આત્મીયતા સભર હૂંફ પુરી પાડી હતી અને જ્યારે તે બેન કોરોના મુક્ત થયા ત્યારે તેમણે મારો હર્ષભેર આભાર માન્યો હતો, આવી જ ઘટના આઇ.સી.યુ. વોર્ડમાં બની હતી. અહીં દાખલ દર્દીઓ માનસિક રીતે પડી ભાંગતા હોય છે ત્યારે અમે એમને આશ્વાસન આપી તેમનું મનોબળ મજબૂત કરીએ છીએ. આ વોર્ડમાં ઓક્સિજનની કમી ધરાવતા એક અંકલને બાયપેપ મશીન પર સતત ઓક્સિજન આપવામાં આવતું હતું, પણ

અંકલને એ ભય હતો કે તે મૃત્યુ પામશે. તેવા સમયે હું તેમને સમજાવતી કે સુયોગ્ય ઉપચાર અને મક્કમ મનોબળ દ્વારા આપણે સાથે મળીને કોરોનાને પરાસ્ત કરીશું, મારી આ વાત સાંભળીને તેમને બળ મળ્યું અને તેઓ કોરોના મુક્ત થયા, આમ અમે સિવીલમાં  સેવા કાર્ય કરી રહેલા આરોગ્ય કર્મીઓ દર્દીઓને પરિવાર જેવા જ માહોલમાં સારવાર આપી તેમને સ્વસ્થતા સાથે તેમના ઘરે પરત મોકલીએ છીએ ત્યારે ઘણો આનંદ સાથે ગર્વ થાય છે કે અમે જે સેવા આપી છે, તે વ્યર્થ નથી ગઈ.”

આમ, દ્રષ્ટિબેન જેવા અનેક કોરોના વોરિયર્સ દર્દીનારાયણની સારવાર કરતાં કરતાં ખુદ સંક્રમિત થયા, પરંતુ ફરજને પ્રાધાન્ય આપીને સેવા ભાવના સાથે તેમની ફરજ નિરંતર જારી રાખી છે. સલામ છે, દ્રષ્ટિબેન અને તેમના જેવા અનેક કોરોના વોરિયર્સ અને તેમની નિષ્કામ સેવાભાવનાને.