Therapi

સયાજી હોસ્પિટલમાં કોવિડ દર્દીઓ માટે દવાની સાથે દુઆનું કામ કરે છે ફિઝીઓથેરાપી

કવાયતો ને લીધે સારવાર હેઠળના દર્દીઓ તાજગી અનુભવે છે મનોબળ મક્કમ બને છે અને આત્મ વિશ્વાસ વધે છે

કોરોના વોર્ડમાં અને આઇસીયુ માં ૨૫ થી વધુ ફિઝીઓથેરાપિસ્ટ રોજ દિવસમાં બે વાર કસરતો યોગ અને લાફિંગ થેરાપી કરાવે છે

Therapi

અહેવાલ.સુરેશ મિશ્રા,વડોદરા

વડોદરા,૧૧ઓગસ્ટ:આપણી વિચારધારામાં દવાની સાથે દુઆનો મહિમા કરવામાં આવ્યો છે.દુઆ એટલે કોઈના આશિષ,શુભકામના. કોવિડ ના દર્દીઓ માટે આમ તો સમાજ આખો સતત દુઆ કરે છે.જો કે સયાજી હોસ્પિટલ માં કોવિડ સારવાર સુવિધા હેઠળ ઉપચાર કરાવી રહેલા દર્દીઓને એક નવા પ્રકારની દુઆ મળી રહી છે.આ દુઆ છે ફિઝીઓથેરાપી જે દર્દીઓને નવી તાજગી આપે છે, સ્ફૂર્તિનું સિંચન કરે છે, મનોબળને મક્કમતા આપી ને તેમનો સાજા થવાનો આત્મ વિશ્વાસ વધારે છે.
સયાજી હોસ્પિટલમાં સરેરાશ ૩૦૦ જેટલા દર્દીઓ કોવિડ વોર્ડ એટલે કે આઇસોલેશન અને આઇસીયુ માં સારવાર લે છે.એક વધારાની સારવાર રૂપે ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ વહીવટદાર અશોક પટેલ અને સલાહકાર ડો. મીનુ પટેલે કોવિડ દર્દીઓ માટે ફિઝીઓથેરાપીના સેશન્સ શરૂ કરાવ્યા છે.

આ વ્યવસ્થાનું સંકલન કરતા ડો. એ. ઓ. બેલિમે જણાવ્યું કે ફિઝીઓથેરાપિક ઉપચાર માટે અમે અહી સંચાલિત ફિઝીઓથેરાપી કોલેજ સાથે સંકલન કર્યું છે જેના હેઠળ સિનિયર ફિઝીઓથેરાપિસ્ટ અને મદદનીશ પ્રાધ્યાપક ડો.ચેતના સેજુ ના નેતૃત્વ હેઠળ આ કોલેજમાં પ્રશિક્ષણ આપતાં ૨૫ થી વધુ ફિઝીઓથેરાપિસ્ટ વોર્ડમાં અને આઈસીયુમાં સારવાર હેઠળના દર્દીઓને દિવસમાં બે વાર ઉપચારાત્મક કવાયતો કરાવે છે.તેમાં યોગનો સમાવેશ થાય છે. લાફિંગ થેરાપી એટલે હાસ્ય ઉપચાર પણ એનો ભાગ છે.ચાલવાની કસરતો પણ કરાવવામાં આવે છે.તેના લીધે દર્દીઓ એકબીજા સાથે અંતર જાળવીને હળતા મળતા થવાથી તેમને એકલતા અનુભવાતી નથી.કારણ કે કોરોના એવો રોગ છે જે તમને સ્વજનો,મિત્રો બધા થી દુર,જાણે કે એકાંતવાસમાં મૂકી દે છે.તેવી સ્થિતિમાં ફિઝીઓથેરાપી દર્દીઓને એકબીજા સાથે જોડી તેમની એકલતાનું પણ નિવારણ કરે છે.

કોવિડ ના દર્દી માટે મોટી તકલીફ શ્વસન ની હોય છે,શ્વાસ ચઢવો,અનિયમિત થવો જેવી મુશ્કેલીઓ યોગ અને ફેફસાં ની કસરતો થી હળવી થાય છે.
આ અંગે ૭૪ વર્ષની વયના કોરોના દર્દી ચંદુભાઈ પટેલ કહે છે કે દવાની સાથે શ્વાસ લેવાની જે કસરતો કરાવી તેના લીધે શ્વાસની તકલીફમાં ખૂબ રાહત અનુભવું છું,હવે શ્વાસ લેવામાં કોઈ તકલીફ થતી નથી.ચંદુભાઈ છેલ્લા સાતેક દિવસ થી કોવિડની સારવાર લઈ રહ્યાં છે.તેઓ બીપી અને ડાયાબિટીસ જેવા સહ રોગો થી પીડિત છે.તેવા સમયે ફિઝીઓથેરાપી થી સારવારની અસરકારકતા વધી છે.

Therapi 2

૫૧ વર્ષના રીટાબહેન ચૌહાણ સાત દિવસ થી સારવાર હેઠળ છે.તેઓ કહે છે કે શ્વાસની કસરતો થી ખૂબ ફાયદો થયો છે.કસરત થી ઘણું સારું લાગે છે. સારવાર હેઠળના દર્દીઓને દરરોજ સવાર અને સાંજ બે વાર એક કે બે કલાકના સત્રો યોજી કસરતો,યોગ,ચાલવાનો વ્યાયામ અને લાફિંગ થેરાપી નો લાભ આપવામાં આવે છે.આઇસીયુ ના દર્દીઓને પણ અનુકૂળ કસરતો કરાવવામાં આવે છે. ફિઝીઓથેરાપિસ્ટ પીપીઈ કીટ પહેરી સલામત રીતે આ કસરતો કરાવે છે.એમની આ સેવા બિરદાવવા ને પાત્ર છે.

અત્યાર સુધીમાં ૪૫૦ જેટલા દર્દીઓ એ તેનો લાભ લીધો છે.જેમના માટે આ કસરતો અને ફિઝીઓથેરાપી એ દવાની સાથે દુઆનું કામ કર્યું છે.તેમનામાં ચેતના સીંચી સાજા થવાનો આત્મ વિશ્વાસ વધાર્યો છે.

કોવિડના દર્દીઓને સયાજી હોસ્પિટલમાં તબીબી સારવારની સાથે ફિઝીઓથેરાપિક ઉપચાર આપવાનું શરૂ કરવામાં આવ્યું છે જેનાથી સારવાર હેઠળના દર્દીઓ ખૂબ રાહત અનુભવે છે.આ કસરતો ખાસ કરીને શ્વાસના નિયમન અને સ્થિરતામાં ખૂબ ઉપયોગી છે.સયાજી હોસ્પિટલના સર્જરી,ઓર્થોપેડીક જેવા વિભાગોમાં સારવાર હેઠળના દર્દીઓને સારવારના જ ભાગરૂપે ફિઝીઓથેરાપીની સારવાર આપવામાં આવે છે. એ જ રીતે હવે કોવિડના દર્દીઓને તેનો લાભ આપવાનું શરૂ કરવામાં આવ્યું જે સારવારની અસરકારકતા વધારે છે.

૭૪ વર્ષના લીલાબહેન પટેલ દશ દિવસથી કોવિડની સારવાર લઈ રહ્યાં છે.તેઓ બીપીના સહરોગથી પણ પીડિત છે.તેઓ કહે છે કે દવાની સાથે લાફિંગ અને ચાલવાની કસરતથી સારો ફાયદો થયો છે.હવે ઓક્ષિજન લેવાની જરૂર પડતી નથી.
હવે મને શ્વાસ ચઢતો નથી એવી જાણકારી આપતાં સંજયભાઈ જીંજર કહે છે કે છાતી અને શ્વાસને લગતી કસરતોથી ખૂબ રાહત અનુભવું છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *