Rekhta Kids Learning App

Rekhta Kids Learning App: રેખતા ગુજરાતીની વેબસાઇટ અને ગુજરાતી શીખવા ‘રેખતા કિડ્સ લર્નિંગ ઍપ’ લૉન્ચ કરાઈ

Rekhta Kids Learning App: ગુજરાતી ભાષા-સાહિત્યને યુવાનો અને બાળકો સુધી પહોંચાડવા માટે રેખતા ગુજરાતીની વેબસાઇટ અને ગુજરાતી શીખવા ‘રેખતા કિડ્સ લર્નિંગ ઍપ’ લૉન્ચ કરાઈ

પૂજ્ય મોરારિબાપુ, ભારતના સોલિસિટર જનરલ તુષાર મહેતા, જાણીતા ઍક્ટર પરેશ રાવલ અને ગુજરાતના ખ્યાતનામ સાહિત્યકાર રઘુવીર ચૌધરીની હાજરીમાં આ વેબસાઇટ લૉન્ચ થઈ

whatsapp banner

અમદાવાદ, 21 માર્ચ: Rekhta Kids Learning App: રેખતા ફાઉન્ડેશન ગુજરાતી ભાષા-સંસ્કૃતિના સમૃદ્ધ વારસા અને સાહિત્યના જતન-પ્રોત્સાહન માટે rekhtagujarati.org વેબસાઇટ બુધવારે અમદાવાદમાં યોજાયેલા એક કાર્યક્રમમાં લૉન્ચ કરી હતી. ગુજરાતી બાળકો ગુજરાતી ભાષાને સારી રીતે શીખી અને સમજી શકે તે માટે ‘રેખતા કિડ્સ લર્નિંગ ઍપ’ને પણ લૉન્ચ કરવામાં આવી હતી.

રેખ્તા ફાઉન્ડેશન (Rekhta Kids Learning App) દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં અમદાવાદના ઠાકોરભાઈ દેસાઈ હોલ ખાતે ભાષાપ્રેમીઓ અને સાહિત્યકારો તથા જાહેરજીવનના અગ્રણીઓની ચિક્કાર મેદની વચ્ચે ‘રેખ્તા ગુજરાતી’ની વેબસાઇટ rekhtagujarati.org પૂજ્ય મોરારિબાપુના હસ્તે લૉન્ચ કરવામાં આવી હતી. આ લોન્ચ ઇવેન્ટમાં સમ્માનિત મહેમાન તરીકે અભિનેતા પરેશ રાવલ, વરિષ્ઠ સાહિત્યકાર રઘુવીર ચૌધરી, સૉલિસિટર જનરલ ઑઇ ઇન્ડિયા, તુષાર મહેતા તથા રેખ્તા ફાઉન્ડેશનના સ્થાપક સંજીવ સરાફ સહિત અનેક સમ્માનનીય લોકો હાજર રહ્યા હતા.

રેખ્તા ફાઉન્ડેશનના સ્થાપક સંજીવ સરાફે કાર્યક્રમની ભૂમિકા બાંધતા કહ્યું, ‘રેખ્તા ફાઉન્ડેશનની શરૂઆત 12 વર્ષ પહેલાં કરી હતી અને આજે ‘Rekhta.Org’ (Rekhta Kids Learning App) ઉર્દૂની દુનિયાનો સૌથી મોટો ખજાનો બન્યો છે. તુષાર મહેતાએ મને કહ્યું કે ગુજરાતી માટે પણ આવી વેબસાઇટ હોવી જોઈએ. ગુજરાતી બાળકો ગુજરાતી બોલી શકે છે પરંતુ વાંચવા-લખવામાં મુશ્કેલી અનુભવે છે તે માટે કંઈ કામ કરવું જોઈએ. આ કારણે અમે દોઢ વર્ષથી કામ કરતા હતા. ગુજરાતી ભાષાનો ઉર્દૂની સાથે જૂનો અને ઊંડો સંબંધ છે. ઉર્દૂ પછી સૌથી વધારે ગઝલ ગુજરાતીમાં લખાઈ છે. ગુજરાતી સાહિત્ય માટે આ વેબસાઇટ દુનિયાનો સૌથી મોટો સોર્સ બનશે. મને ગર્વ છે કે આજે અમે ઉર્દૂની જેમ પુસ્તકોનું ડિજિટાઇજેશન શરૂ કર્યું છે.

અમદાવાદમાં ભો.જે.વિદ્યાભવન, નડિયાદમાં અ.સૌ. ડાહીલક્ષ્મી લાઇબ્રેરી અને ભરૂચમાં રાયચંદ દીપચંદ જેવા ઐતિહાસિક પુસ્તકાલયોને રેખ્તા ફાઉન્ડેશન વિનામૂલ્યે ડિજિટાઇઝ કરી રહ્યું છે. દુનિયાભરના ગુજરાતી ભાષા-સાહિત્ય પ્રેમીઓ સુધી સરળતાથી પહોંચવા માટે અમે ટેક્નૉલૉજીનો ભરપૂર ઉપયોગ કરીએ છીએ.’ તેમણે વધુમાં કહ્યું, ‘ખૂબ જ ઉત્સાહ અને સમપર્ણની સાથે આ કાર્યને આગળ ધપાવવામાં જે લોકોએ અમારી મદદ કરી છે તેમનો અમે આભાર માનીએ છીએ’

સંજીવ સરાફના જણાવ્યા અનુસાર રેખ્તા ગુજરાતી પર કામ કરવાનું સૂચન સૉલિસિટર જનરલ ઑફ ઇન્ડિયા તુષાર મહેતાએ આપ્યું હતું. તુષાર મહેતાએ રેખ્તા ગુજરાતીની જરૂરિયાત વિશે વાત કરતા કહ્યું, ‘જ્યારે આપણા પછીની પેઢી આપણને પુછે કે પપ્પા પોણા બે એટલે શું? નેવ્યાશી એટલે કેટલાં? ત્યારે શરમ જો આવતી હોય તો રેખ્તા ગુજરાતી જરૂરી છે. આપણા પહેલાંની પેઢીએ આપણને હરીશ નાયકના કિશોરાવસ્થાના પુસ્તકોથી વાકેફ કરેલા. આપણે આપણી પછીની પેઢીને આ વસ્તુ આપી શક્યા નથી માટે આ પેઢી હેરીપૉટર તરફ વળી છે.

આ પણ વાંચો:- Sugarcane Juice: ગરમીમાં શેરડીનો રસ છે સ્વાસ્થ્ય માટે લાભદાયી, પરંતુ જાણો તેને રસ પીવાની યોગ્ય રીત

હાલના ગુજરાતી સાહિત્ય સર્જકો પણ ઉત્તમ સાહિત્ય સર્જી રહ્યા છે પણ તે આપણે 90 પછીની પેઢીની તે તરફ લઈ જઈ શક્યા નથી. એ તરફ લઈ જવાનો સેતુ રેખ્તા ગુજરાતી બનશે. ગુજરાતી ભાષાને ગુજરાતી 2.0 તરીકે ફરી વખત લૉન્ચ કરવી પડશે અને એ માધ્યમ એટલે રેખ્તા. હવે પછીની જનરેશનને ગુજરાતી સોંપવાનું માધ્યમ રેખ્તા બનશે.’ રેખ્તા ગુજરાતીનું ગીત ‘હૈયે હરખ ગુજરાતી’ ભારતના સોલિસિટર જનરલ તુષાર મહેતા હસ્તે લૉન્ચ કરવામાં આવ્યું હતું. આ ગીત કવિ મેહુલ મંગુબહેને તથા ઉદયન ઠક્કરે લખ્યું છે અને તેને દેવલ મહેતાએ સ્વરબદ્ધ કર્યું છે.

જ્ઞાનપીઠ ઍવૉર્ડ વિજેતા જાણીતા સાહિત્યકાર રઘુવીર ચૌધરીએ કહ્યું, ‘રેખ્તા ગુજરાતીમાં ઘણું કામ થઈ રહ્યું છે. સૌરાષ્ટ્ર અને આખા ગુજરાતમાં ફરીને કવિની રચનાઓમાં ફરીને અડધા કલાકનું રેકૉર્ડ પણ કર્યું છે. હજુ આ સામગ્રી વધશે અને ગુજરાતી ભાષાને રાષ્ટ્રીય ગૌરવ મળશે. બંગાળી કવિતા ખૂબ આગળ છે. ગુજરાતીમાં જે ઉત્તમ સાહિત્ય છે તેને તારવીને જે કાર્ય કર્યું છે તે ઘરે બેસીને તમે સાંભળી શકશો અને ઉત્તમ ગુજરાતી માણી શકશો.’

જાણીતા કલાકાર પરેશ રાવલે આ કાર્યક્રમમાં ગુજરાતી ભાષાની કેટલીક કવિતાઓનું પઠન કર્યું હતું. આ પ્રસંગે તેમણે રમેશ પારેખ, નયન હ દેસાઇ, વરિષ્ઠ કવિ સિતાંશુ યશ્ષંદ્ર અને કવિ નીરવ પટેલની કવિતાનું ભાવવહી પઠન કર્યું હતું.  રેખતા કિડ્સ લર્નિંગ ઍપને જાણીતા કલાકાર પરેશ રાવલે લૉન્ચ કરી હતી.

પૂજ્ય મોરારિબાપુએ રેખ્તા ગુજરાતીની વેબસાઇટ ‘rekhtagujarati.org’ને લૉન્ચ કરતા કહ્યું, રેખ્તાનો અર્થ મિશ્રણ થાય છે. પ્રયોગ થાય છે પરંતુ પ્રયાગ પણ જરૂરી છે. ગુજરાતીઓને કહ્યું પ્રયોગો કરો પણ પ્રયાગો પણ રચો. જેમાં ગંગા, ગંગા અને સરસ્વતી પણ હોય. રેખ્તા ગુજરાતીની શરૂઆત શુકનવંતી શરૂઆત છે. રેખ્તા વ્રજભાષામાં ગઈ, હિંદીમાં ગઈ અને આજે ગુજરાતીના આંગણે આ સંસ્થા આવી છે. સંજીવ સરાફ સાહેબને હાર પહેરાવ્યો નથી પણ હું તેમના ઓવરણા લઉં છું.’

રેખ્તા ગુજરાતીના કાર્યક્રમનો અંત જાણીતા ગાયક ઓસમાણ મીરની સંગીત સંધ્યા દ્વારા થયો હતો. ગુજરાતી કવિ અને સંશોધક રઈશ મણિયાર આ કાર્યક્રમનું શાનદાર સંચાલન કર્યું હતું,

રેખ્તા ગુજરાતી શું છે?

રેખતા ફાઉન્ડેશને rekhtagujarati.org ની વેબસાઇટ અને ‘રેખતા કિડ્સ લર્નિંગ ઍપ’ દ્વારા ગુજરાતી ભાષા અને સાહિત્યના સંવર્ધન માટે એક પહેલ શરૂ કરી છે. રેખ્તા ગુજરાતીની વેબસાઇટ પર મધ્યયુગથી શરૂ કરીને વર્તમાન સમય સુધીના 800થી વધુ કવિઓની અનેક ચૂંટેલી કવિતાઓનો વૈવિધ્યસભર સંગ્રહ છે. આમાં ગીતો, ગઝલ, છંદ અને અછાંદસ કવિતાઓનો સમાવેશ થાય છે. ગુજરાતી સાહિત્યિક પરંપરાની સમૃદ્ધિ અને વિવિધતાને દર્શાવતા સંતસાહિત્ય અને લોકસાહિત્યનો પણ સમાવેશ આમાં કરાયો છે. સાહિત્યને આવરી લેવા માટે નવી ક્ષિતિજો વિસ્તારી રહી છે.

રેખ્તા ગુજરાતીનો હેતુ ગુજરાતી સાહિત્યને વિશ્વભરમાં ફેલાયેલા ગુજરાતીઓ અને ગુજરાતી સાહિત્ય પ્રેમીઓ સુધી પહોંચાડવાનો છે. રેખ્તા ફાઉન્ડેશન સોશિયલ મીડિયા અને ટેક્નૉલૉજીના માધ્યમથી ગુજરાતી સાહિત્યનો પ્રસાર કરવા માગે છે. આ ઉપરાંત તેઓ ગુજરાતી ભાષાના જતનની હિમાયત પણ કરે છે.

ગુજરાતના સાંસ્કૃતિક વારસો માત્ર લેખિત સ્વરૂપે જ નહીં પરંતુ તેનાથી આગળ જઈને ડિજિટલ સ્વરૂપે સચવાય તેના માટે સાહિત્યિક કૃતિઓના ડિજિટાઇઝેશનનું કામ શરૂ કર્યું હતું.

અમદાવાદમાં ભો.જે. વિદ્યાભવન, નડિયાદની અ.સૌ. ડાહીલક્ષ્મી લાઇબ્રેરી અને ભરૂચની રાયચંદ દીપચંદ લાઇબ્રેરીના પુસ્તકોને ડિજિટાઇસ કરવાનું કામ શરૂ કરવામાં આવેલું છે. રેખતા ગુજરાતીએ આ સંસાધનોને વેબસાઈટ પર અપલોડ કરીને સામાન્ય લોકો માટે સુલભ બનાવવાની કામ કરી રહ્યું છે. આ કરવા પાછળ રેખ્ ગુજરાતીનો ઉદ્દેશ ગુજરાતના સાંસ્કૃતિક ખજાનાની રક્ષા કરવાનો અને દુનિયાભરના સાહિત્યપ્રેમીઓ સુધી તેને પહોંચાડવાનો છે.

રેખ્તા ગુજરાતી આગામી દિવસોમાં ઇન્ફર્મેશન ટેક્નૉલૉજીના ઉપયોગથી ગુજરાતી ગદ્ય, વાર્તાઓ, નિબંધો, નાટકો, ઇન્ટરવ્યૂ જેવી અનેક બાબતોને વૈશ્વિક સ્તરે ગુજરાતી ભાષા અને સાહિત્યના રસિકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરશે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *