RJT Inform Employee 3

રાજકોટની પ્રાદેશિક માહિતી કચેરી દ્વારા વયનિવૃત થયેલા કર્મયોગીને ભાવભર્યુ વિદાયમાન અપાયુ

રિપોર્ટ:પારૂલ આડેસરા,રાજકોટ

રાજકોટ,૧ સપ્ટેમ્બર:પ્રાદેશિક માહિતી કચેરી, રાજકોટના વર્ગ -૪ના કર્મયોગીશ્રી હિંમતભાઇ વાઘેલા વયનિવૃત થતાં કચેરીના સર્વે અધિકારી અને કર્મચારી દ્વારા તેઓને લાગણીસભર ભાવભર્યુ નિવૃત્તિ વિદાયમાન આપવામાં આવ્યું હતું.

 આ વિદાયમાન સમારોહમાં નાયબ માહિતી નિયામકશ્રી નિરાલા જોષીએ શ્રી વાઘેલાની કાર્યનિષ્ઠાને બિરદાવતા જણાવ્યું હતું કે માહિતી ખાતાની તેમની વીસ વર્ષ જેટલી લાંબી સેવામાં તેઓએ નિયમિતતા, નિષ્ઠા અને ચીવટપૂર્વક ફરજ બજાવી છે. તેમના દ્વારા શ્રેષ્ઠ રીતે વહિવટી-હિસાબી કામગીરી કરાતી. તેઓનું ફાઇલીંગ પણ ધ્યાનાકર્ષક રહેતું. તિજોરી કચેરીની બિલોની કામગીરીની તેમની સુઝબુઝ અને ચીવટ અને ચોકસાઇ પણ અદભૂત હતી. તેમનું નિવૃતિનું જીવન સુખમય અને નિરોગી રહે તેવી શુભેચ્છા શ્રી જોષીએ પાઠવી હતી.

સહાયક માહિતી નિયામકશ્રી જગદિશ સત્યદેવએ શ્રી વાઘેલાની સેવા વિષયક માહિતી આપતા જણાવ્યું હતું કે શ્રી વાઘેલાએ પોતાની કારકિર્દીનો પ્રારંભ વર્ષ ૧૯૮૧માં ગ્રામ્ય પ્રસારણ વિભાગમાં કર્યો હતો. ત્યારબાદ વર્ષ ૨૦૦૦માં ગ્રામ્ય પ્રસારણ વિભાગનું જોડાણ માહિતી અને પ્રસારણ વિભાગમાં થતાં તેઓએ રાજકોટ માહિતી ખાતામાં વીસ વર્ષ સુધી સેવા આપી છે. આમ તેઓએ સતત ૩૯ વર્ષ સુધી સરકારી ફરજ બજાવી છે.

 શ્રી વાઘેલાની હિસાબી વિભાગમાં કરેલી કામની ચોકકસાઇ અને કાર્ય પ્રત્યેની તત્પરતાને પણ શ્રી સત્યદેવ દ્વારા સરાહના કરવામાં આવી હતી. શ્રી વાઘેલાએ  પણ માહિતી ખાતાની સેવાના સંસ્મરણો વાગોળ્યા હતા. તેઓએ તેમની ૩૯ વર્ષની લાંબી કારકિર્દીમાં સહયોગ આપનાર સર્વે સ્ટાફનો આભાર વ્યકત કર્યો હતો.

 આ  વિદાય સમારોહમાં સહાયક માહિતી નિયામક શ્રીમતી સોનલ જોષીપુરા સહિતનો સ્ટાફ ઉપસ્થિત રહયો હતો.