CM house startup

Startup: યુવા ઉદ્યોગ સાહસિકોના સપનાને સાકાર કરતી ગુજરાત સરકાર

સ્ટાર્ટઅપ (Startup)અને યુવા ઉદ્યોગ સાહસિકોના સપનાને પાંખો આપતી ગુજરાત સરકાર

ગુજરાતના યુવા ઉદ્યોગ સાહસિકોએ સ્ટાર્ટઅપ ક્ષેત્રે દેશભરમાં વગાડ્યો ડંકો: રાજ્યના ૯૧૦૦થી વધુ સ્ટાર્ટઅપને મળી DPIITની માન્યતા

  • Startup: વર્ષ ૨૦૧૮, ૨૦૧૯ અને ૨૦૨૧ના સ્ટાર્ટઅપ રેન્કિંગમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર રાજ્ય-ગુજરાત
  • રાજ્યના સ્ટાર્ટઅપ્સને સહાયરૂપ થવા ૩૦૦થી વધુ મેન્ટર્સ પણ પોર્ટલ પર રજીસ્ટર્ડ થયા
  • ગુજરાતના ૩૯૦ સ્ટાર્ટઅપને ચૂકવાઈ રૂ. ૪૩ કરોડની રોકડ સહાય
  • સહાય મેળવેલા સ્ટાર્ટઅપ્સ દ્વારા ૧૨૫થી વધુ પેટન્ટ ફાઈલ કરાયા
  • રાજ્યમાં સ્ટાર્ટઅપ્સને સાનુકુળ વાતાવરણ-પ્રોત્સાહન પૂરું પાડતી અનેક સંસ્થાઓ કાર્યરત

અમદાવાદ, 31 ડિસેમ્બર: Startup: વ્યાપાર-ધંધાની વાત આવે ત્યાં ગુજરાતીઓનું નામ ન આવે એવું ભાગ્યે જ ક્યારેક બનતું હશે. સદીઓથી ગુજરાતીઓની આ એક સર્વમાન્ય છાપ રહી છે, જેને આપણા ગુજરાતી ભાઈઓ-બહેનો સાચા અર્થમાં ચરિતાર્થ કરી રહ્યા છે. છેલ્લા બે દશકામાં ગુજરાતીઓએ વિશ્વ સમક્ષ પોતાની એક આગવી ઓળખ ઉભી કરી છે. વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ જેવા વિવિધ કાર્યક્રમોના પરિણામે આજે ગુજરાત વૈશ્વિક રોકાણકારોની પ્રથમ પસંદગી બન્યું છે. ગુજરાતને વિશ્વ સમક્ષ ઉજાગર કરવામાં સૌથી મહત્વપૂર્ણ ફાળો તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી નેતૃત્વનો છે.

વડાપ્રધાન જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, તે સમયે તેમણે કરેલા અથાગ પ્રયત્નોને પરિણામે અનેક રોકાણકારો ગુજરાત તરફ આકર્ષાયા છે. ગુજરાતમાં જેમ-જેમ રોકાણો આવતા રહ્યા તેમ-તેમ દરેક ક્ષેત્રે વિકાસના નવા દ્વાર ખુલતા ગયા. કોઈને રોજગારી મળી, તો કોઈને પ્રેરણા. રોકાણો અને નોલેજ શેરીંગ વધતા ગુજરાતના યુવાનોમાં ઉદ્યોગ સાહસિકતા પણ વધી. યુવાનોમાં રહેલી ઉદ્યોગ સાહસિકતાને આર્થિક પીઠબળ પૂરું પાડી તેમના સપનાઓને પાંખો આપવાનું કામ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર કરી રહી છે.

ત્રણ વર્ષથી સ્ટાર્ટઅપ રેન્કિંગમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર રાજ્ય-ગુજરાત
ગુજરાતમાં સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમના વિકાસ માટે કામ કરવામાં રાજ્ય સરકાર સમગ્ર દેશમાં મોખરે છે. યુવાનોમાં રહેલી ઉદ્યોગસાહસિકતાની ભાવના અને હિસ્સેદારોના સમર્થનની સહજ શક્તિને પરિણામે ભારત સરકાર દ્વારા ગુજરાતને વર્ષ ૨૦૧૮, ૨૦૧૯ અને ૨૦૨૧ એમ સતત ત્રણ વર્ષ સુધી સ્ટાર્ટઅપ રેન્કિંગમાં “શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર રાજ્ય” તરીકેની માન્યતા આપવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાતને વર્ષ ૨૦૧૭માં પણ સ્ટાર્ટઅપ ઈન્ડિયા પ્લાનના સફળ અમલીકરણ માટે પ્રતિષ્ઠિત “પ્રધાનમંત્રી એવોર્ડ ફોર એક્સેલન્સ ઇન પબ્લિક એડમિનિસ્ટ્રેશન” પણ મળ્યો હતો.

કોઇપણ રાજ્યના આર્થિક વિકાસમાં સ્ટાર્ટઅપ અને ઇનોવેશન મુખ્ય ભૂમિકા ભજવે છે. એટલા માટે જ, ગુજરાત સરકારે સ્ટાર્ટઅપ અને ઇનોવેશનને પ્રોત્સાહિત કરવા માટે અનેક યોજના અને કાર્યક્રમો અમલમાં મૂક્યા છે. ગુજરાત ઔદ્યોગિક નીતિ-૨૦૧૫ હેઠળ અપાયેલા વિવિધ પ્રોત્સાહનોથી કેટલાક સ્ટાર્ટઅપ્સે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે તેમની કામગીરી અને ઉત્પાદનોનો વિસ્તાર કર્યો છે. સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલીસી (SSIP 2.0) સહિતના અનેક પ્રયાસોના પરિણામે ગુજરાતે રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં નોંધપાત્ર સ્થાન મેળવ્યું છે.

Amdavad division VRSP: અમદાવાદ મંડળના 4 અધિકારીઓ અને 11 રેલકર્મીઓને “વિશિષ્ટ રેલ સેવા પુરસ્કાર” (VRSP) પ્રદાન

ગુજરાતના ૯૧૦૦થી વધુ સ્ટાર્ટઅપને મળી DPIITની માન્યતા
ગુજરાતના આશરે ૯૧૦૦થી વધુ સ્ટાર્ટઅપને ભારત સરકારના ડીપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ઇન્ટરનલ ટ્રેડ (DPIIT) દ્વારા માન્યતા પ્રાપ્ત થઇ છે. સાથે જ રાજ્યના ઉદ્યોગ વિભાગમાં ૫૧ નોડલ સંસ્થાઓ નોંધાયેલ છે. ગુજરાતના સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ અંગે માહિતી પ્રદાન કરતુ એક સમર્પિત સ્ટાર્ટઅપ ગુજરાત પોર્ટલ (www.startup.gujarat.gov.in) પણ રાજ્યમાં કાર્યરત છે. જેમાં સ્ટાર્ટઅપ્સને સહાયરૂપ થવા ૩૦૦થી વધુ મેન્ટર્સ રજીસ્ટર્ડ થયેલા છે. આ યોજના હેઠળ કુલ ગુજરાતના કુલ ૩૯૦ સ્ટાર્ટઅપને રૂ. ૪૩ કરોડની રોકડ સહાય ચૂકવવામાં આવી છે. એટલું જ નહિ, સહાય મેળવેલા સ્ટાર્ટઅપ્સ દ્વારા ૧૨૫થી વધુ પેટન્ટ પણ ફાઈલ કરવામાં આવ્યા છે.

સ્ટાર્ટઅપ્સને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડતી રાજ્ય સરકારની સંસ્થાઓ
આટલું જ નહિ, ગુજરાતને દેશનું સ્ટાર્ટઅપ હબ બનાવવા માટે રાજ્ય સરકારે અનેક નવતર પહેલો પણ કરી છે. કોઇપણ સારા ઇનોવેશન કે સ્ટાર્ટઅપને યોગ્ય માર્ગદર્શન, આર્થીક સહાય અને સાનુકુળ વાતાવરણ મળી રહે તે માટે રાજ્યમાં સેન્ટર ફોર એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ નેટવર્ક, એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ, ગુજરાત વેન્ચર ફાયનાન્સ લિ., ઈન્ટરનેશનલ સેન્ટર ફોર એન્ટરપ્રેન્યોરશિપ એન્ડ ટેક્નોલોજી (iCreate), ઈન્ટરનેશનલ ઓટોમોટિવ સેન્ટર ઓફ એક્સેલન્સ (iACE) અને ગુજરાત સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન હબ (i-Hub) જેવી વિવિધ સંસ્થાઓ ઉપરાંત યુનિવર્સીટી સ્તરે પણ ઇન્ક્યુબેટર સેન્ટરો શરુ કરવામાં આવ્યા છે.

સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકારની નાણાકીય સહાય
ઔદ્યોગિક નીતિ-૨૦૨૦ હેઠળની સ્ટાર્ટઅપ યોજના અંતર્ગત રાજ્ય સરકાર સ્ટાર્ટઅપ દીઠ રૂ. ૩૦ લાખ સુધીનો સીડ સપોર્ટ, સામાજિક પ્રભાવ ધરાવતા સ્ટાર્ટઅપ્સને રૂ. ૧૦ લાખનો વધારાનો સીડ સપોર્ટ, નિર્વાહ ભથ્થા તરીકે એક વર્ષ સુધી દર મહિને રૂ. ૨૦ હજાર સહાય આપવામાં આવે છે. સ્ટાર્ટઅપ ક્ષેત્રે પણ મહિલાઓ બરાબરની ભાગીદારી નોંધાવે તે માટે મહિલાઓના નેતૃત્વ હેઠળના સ્ટાર્ટઅપ્સને નિર્વાહ ભથ્થા તરીકે દર મહિને રૂ. ૨૫ હજારની સહાય અપાય છે.

આ ઉપરાંત સ્ટાર્ટઅપ્સને એકસલરેશન પ્રોગ્રામમાં ભાગ લેવા મહત્તમ રૂ. ૩ લાખની સહાય પૂરી પાડવામાં આવે છે. સાથે જ તાલીમ માટે સ્ટાર્ટઅપ દીઠ રૂ. ૧ લાખ સુધીની સહાય, માન્ય નોડલ સંસ્થાને સ્ટાર્ટઅપના મેન્ટરીંગના ભાગરૂપે સ્ટાર્ટઅપ દીઠ રૂ. ૧ લાખની સહાય આપવામાં આવે છે. રાજ્ય સરકારના આવા પ્રયાસોના પરિણામે જ આજે ગુજરાતની અર્થવ્યવસ્થા તેના મજબૂત આર્થિક પાયા સાથે ‘ભારતના ગ્રોથ એન્જિન’ તરીકે પ્રસ્થાપિત થઇ છે. આગામી સમયમાં ભારતને ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવામાં પણ ગુજરાતની ભૂમિકા મહત્વપૂર્ણ રહેશે.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *