કોરોનાની સારવાર પોલિસની ફરજો કરતાં કયાંય વધુ અઘરી છે:પોલિસકર્મી

કોરોનાની હાથકડીમાંથી માત્ર પાંચ જ દિવસમાં મુકત થયેલા પોલિસકર્મી ધર્મેશભાઇ રંગાણી

રાજકોટ તા. ૧ ઓકટોબર – ગુનેગારોને રંગે હાથ પકડવાવાળા ખુદ જ જયારે કોરોનાના હાથે ઝડપાઇ જાય ત્યારે કેવો અનુભવ થાય એ તો રાજકોટ શહેર પોલિસના કર્મચારીશ્રી ધર્મેશભાઇ રંગાણીને પુછો તો ખબર પડે, જેમણે માત્ર પાંચ જ દિવસમાં કોરોનાને જબરદસ્ત શિકસ્ત આાપી છે.

Police corona Patient

૨૬ સપ્ટેમ્બરે ઓક્સિજનના ખૂબ ઓછા લેવલ અને કફમાં લોહી આવવાની ફરિયાદ સાથે રાજકોટની પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ પેશન્ટ તરીકે દાખલ થયેલા પોલિસકર્મી શ્રી  ધર્મેશભાઇ રંગાણી બહુ જ સ્વાભાવિકતાથી સિવિલ હોસ્પિટલમાં મળતી સારવારની સરાહના કરતાં જણાવે છે કે, મને અને મારા પરિવારને મારી લથડેલી પરિસ્થિતિની શરૂઆતમાં ખૂબ જ ચિંતા હતી. પરંતુ અહીંના ડોકટરો અને નર્સ બહેનોના માયાળુ વર્તન તથા અસરકારક સારવારને પરિણામે હું કોરોનાને હરાવી શકયો તે બાબતનો મને ખૂબ જ આનંદ છે. કોરોનાની સારવાર લેવી એ કપરા સંજોગોમાં બજાવવી પડતી પોલિસની ફરજો કરતાં કયાંય વધુ અઘરૂં કામ છે, એ મને સ્વાનુભવે સમજાયું પરંતુ પાડ અહીંના તબીબોનો કે જેમણે મને ફરી સાજો કરી દીધો જેના પ્રતાપે ઓ હું હેમખેમ મારા પરિવાર સાથે સુખેથી જીવન પસાર કરી શકીશ.

પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોસ્પિટલ ખાતે કાર્યરત ડો. અભિષેક ગુનકરે શ્રી ધર્મેશ રંગાણી ઉપરાંત, હરેશભાઇ અને રોહિતભાઇ જેવા અન્ય પોલિસ કર્મચારીઓની પણ સારવાર કરી છે. તેમણે ખાસ જણાવ્યું હતું કે, સરકારી નોકરીમાં ફરજો બજાવતી વખતે કોરોનાનો ચેપ લાગવાની શકયતા વધી જાય છે, આવા સંજોગોમાં સામાન્ય માણસો જરૂર વગર ઘરની બહાર ન નીકળે, મોઢા પર માસ્ક બાંધે અને હાથ વારે-વારે સેનિટાઇઝ કરે તો કોરોનાના રોગથી આસાનીથી દૂર રહી શકાય છે.