Bamboo

World Bamboo Day: આજે બારમો વિશ્વ વાંસ દિવસ: વાંસ એ વૃક્ષ નથી ઘાસ છે અને આ ઘાસ ઘણું ખાસ( ઉપયોગી) છે…

World Bamboo Day: વડોદરાના સામાજિક વનીકરણ વિભાગે છોટાઉદેપુર જિલ્લામાં વાંસની ૧ લાખ કૂંપળો ( રોપા) ધરાવતી નર્સરી ઉછેરી છે: નાયબ વન સંરક્ષક કાર્તિક મહારાજા…

  • વિશ્વમાં ૧૧૫ કુળ (જનરે) હેઠળ ૧૪૦૦ જેટલી વિવિધ પ્રજાતિના વાંસ ઉગે છે
  • વાંસની સહુથી મોટી ઓળખ છે ભગવાન કૃષ્ણની અલૌકિક અને દિવ્ય સૂરો પ્રસરાવતી વાંસળી
  • વાંસ એક વનસ્પતિ છે.એની સહુ થી મોટી ઓળખ કંઈ? વાંસ એટલે ભગવાન શ્રીકૃષ્ણની અલૌકિક સૂરો થી હજારો વર્ષો થી પૃથ્વીના સમગ્ર જડ ચેતનને ડોલાવતી વાંસળી..!

અહેવાલ: સુરેશ મિશ્રા
વડોદરા, ૧૮ સપ્ટેમ્બર:
World Bamboo Day: વાંસ એ માનવ જીવન સાથે જુદી જુદી રીતે વણાયેલી વનસ્પતિ છે.સયાજીબાગ જેવા ઉદ્યાનોમાં ખૂબ ઊંચા ઊંચા લીલા લચ્ચક સંખ્યાબંધ વાંસના ઝુંડ દેખાવમાં ખુબ્બ રળિયામણા લાગે છે.તોતિંગ વધતી ઊંચાઈ ને જોઇને એને વૃક્ષ માનવામાં આવે છે.વાસ્તવમાં વનસ્પતિ વિજ્ઞાનના વર્ગીકરણ અનુસાર વાંસ એ વૃક્ષ નથી પણ ખાસ પ્રકારનું ઘાસ છે. જો કે આ ઘાસ ઘણું જ ખાસ અને અનેકવિધ રીતે ઉપયોગી છે. આ વાંસ વંદના એક ખાસ આશય થી લખાઈ રહી છે.દર વર્ષે સપ્ટેમ્બર મહિનાની ૧૮ મી તારીખે વિશ્વ વાંસ દિવસ એટલે કે વર્લ્ડ બાબું ડે ઉજવવામાં આવે છે. આ વર્ષની ૧૮ મી સપ્ટેમ્બર એટલે કે આજે શનિવારના દિવસે જગતમાં ૧૨ મો વિશ્વ વાંસ દિવસ ઉજવાઈ રહ્યો છે.

જગતમાં થી વાંસ જેવી (World Bamboo Day) અતિ ઉપયોગી વનસ્પતિ નું અવિચારી નિકંદન અટકાવવાની વ્યાપક લોક જાગૃતિ અને પ્રબળ લોકમત કેળવવા ૨૦૦૯ માં બેંગકોક માં મળેલી વર્લ્ડ બાંબુ કોંગ્રેસમાં કેલેન્ડર ની આ તારીખ વાંસને સમર્પિત કરવામાં આવી ત્યાર થી વિશ્વ વાંસ દિવસ ઉજવાય છે.ઉજવણીનો એક આશય લોકોને વાંસની વ્યાપક ઉપયોગિતાની જાણકારી આપીને તેના આધારિત ઉત્પાદનોનો વપરાશ વધારવાનો પણ છે.

વાંસ એ સદા હરિત બારમાસી ઘાસ છે,અને વિશ્વમાં ૧૧૫ જેટલા કુળ કે પેઢી( જનરે ) હેઠળ ૧૪૦૦ પ્રજાતિઓના વાંસ ઉગે છે તેવી રસપ્રદ જાણકારી આપતાં સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી કાર્તિક મહારાજાએ જણાવ્યું કે,ગુજરાતમાં બહુધા દક્ષિણ ગુજરાતના વધુ વરસાદવાળા વિસ્તારમાં વાંસ ના ઝુંડ વધુ જોવા મળે છે અને રાજ્યમાં મુખ્યત્વે ડેંડોકેલામસ સ્ટ્રિક્ટસ અને બાંબુસા બાંબુસ નામક બે પ્રજાતિઓના વાંસ ઉગે છે.

ખેડૂતો અને જંગલ વિસ્તારમાં આદિવાસીઓ અને અન્ય લોકો ઘરના વાડા,ખેતરના પાળા શેઢા પર વાંસ ઉછેરી પૂરક આવક મેળવી શકે છે એવો અભિપ્રાય આપતાં મહારાજાએ જણાવ્યું કે, વન વિભાગના માધ્યમ થી ભારત સરકાર અને ગુજરાત સરકારે વાંસ ઉછેરને,તેની વૃક્ષ ખેતીને પ્રોત્સાહિત કરતી વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. સ્થાનિક લોકો,ખેડૂતો અને વન વિસ્તારના લોકો ને વાંસ ઉછેર સાથે જોડવા તેમના માર્ગદર્શન હેઠળ સામાજિક વનીકરણ વિભાગ,વડોદરાએ છોટાઉદેપુર જિલ્લામાં ૧ લાખની કૂંપળો(રોપા) ધરાવતી નર્સરી ઉછેરી છે. અહીં ઘર બનાવવામાં ઉપયોગી માનવેલ પ્રજાતિના રોપા ઉછેરવામાં આવી રહ્યાં છે.

World Bamboo Day: વાંસના ફૂલ પછી ચોખા જેવા બીજ મળે છે જેના રોપાણ થી વાંસના છોડ ઉછેરવામાં આવે છે. વન વિભાગ વાંસના આ બીજ એકત્ર કરાવે છે.રસપ્રદ વાત એ પણ છે કે આ બીજને વન વિસ્તારના લોકો વાંસના ચોખા તરીકે ઓળખે છે અને ખાવાના ઉપયોગમાં લે છે! ફૂલ બેસે એ વાંસના વૃક્ષના મૃત્યુની નિશાની છે.ફૂલમાં થી બીજ મળે પછી એ વાંસ સુકાઈ જાય છે. વાંસની પ્રજાતિઓ પૈકી ઘણીમાં છૂટાછવાયા ફૂલ બેસે છે.પરંતુ કેટલીક પ્રજાતિઓમાં એક સાથે પુષ્કળ ફૂલ બેસે, ગ્રેગોરિયસ ફ્લાવરિંગ થાય પછી બધા વૃક્ષ સુકાઈ જાય ત્યારે આખું જંગલ સુકાઈ ગયું હોય એવું દ્રશ્ય સર્જાય છે!

આ પણ વાંચો…Jay swaminarayan: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આચાર્ય કૌશલેન્દ્ર મહારાજ ના આશીર્વાદ મેળવ્યા

કાર્તિકભાઈ એ ૨૧ જેટલી પ્રજાતિઓ ના વિવિધ રીતે ઉપયોગો જણાવ્યાં છે.પ્રજાતિ પ્રમાણે વાંસનો ઉપયોગ ગ્રામ વિસ્તારોમાં ઘર બનાવવામાં, બાંધકામમાં, લખવાના કાગળ અને કાપડ બનાવવામાં,ઘરના બગીચા કે વાડા ને હરિયાળી સુંદરતા આપવામાં આમ અનેકવિધ રીતે ઉપયોગી છે.વાંસ વાંસળી સહિતના વાદ્યો બનાવવામાં ઉપયોગી છે.આદિજાતિના પિહવો સહિતના ઘણાં અનોખા વાદ્યો વાંસના બને છે. વાંસના ઉછેર થી જમીનમાં ભેજ જળવાય છે અને હા,તમારી ઉત્તરાયણ પણ ઉજવાય છે! કારણકે પતંગના ઢડધા અને કમાન વાંસની જ બને છે.વાંસ બાળીને પાડવામાં આવતા કોલસાને બાંબુ ચારકોલ કહે છે.

અને અને…કુમળા વાંસમાં થી, કૂંપળો માં થી મ્હોમાં પાણી છૂટે એવું અથાણું અને શાક પણ બને છે. અને એ પણ જાણી લો કે ગુજરાતના બાંબુ મેન કહી શકાય, જેમણે રાજ્યના દક્ષિણ વિસ્તારમાં વન વિભાગે ઉછેરેલા વાંસ સંશોધન ઉદ્યાનની ખૂબ માવજત કરી છે એવા રાજેન્દ્ર સિંહ ચૌહાણ નિવૃત્તિ પછી વડોદરામાં સ્થાયી થયાં છે. વાંસના આમ અનેક ઉપકારો છે માનવ જાત પર એટલે જ્યાં વાંસના ઝુંડ જુવો ત્યાં એને મંદિર ગણી વંદન કરજો.

Whatsapp Join Banner Guj