Earth day

World Earth Day: મા ધરતીને પ્રદુષિત કરી માત્ર એક જ દિવસ કૃતજ્ઞતાં શા માટે ?

World Earth Day: આજનાં વૈશ્વિક મહામારીનાં સમયમાં કોણ એવું છે જેને લાકડાં હોય કે ઓક્સિજન એનું મૂલ્ય નથી ખબર ?? હજી પણ માનવજાતની આંખ ન ઉઘડી હોય તો કદાચ આપણે માણસોએ આ બધી આફતો અને મહામારીઓનો સામનો કરવાં માનસિક રીતે સજ્જ થઇ જવું પડશે એ વાત તો નક્કી. જયારે-જયારે પૃથ્વી પરનું સંતુલન ખોરવાયું છે ત્યારે-ત્યારે એનું મૂલ્ય મૃત્યુનાં વિનાશકારી તાંડવથી ચુકવાયું છે.આજે ૨૨ એપ્રિલનો દિવસ વિશ્વભરમાં પૃથ્વી દિવસ તરીકે ઉજવાશે ત્યારે આ વર્ષે સમગ્ર બ્રહ્માંડનાં આ અનોખા ગ્રહ ‘પૃથ્વી’નાં દિવસની ઉજવણી માટે આપણે સૌએ તેને બચાવવાનાં શપથ લેવાં પડે તેવી સ્થિતિમાં પૃથ્વી આવી ગઈ છે.

બાકી ગ્લોબલ વોર્મિંગનાં (World Earth Day) પરિણામે ઋતુચક્રમાં અનિયમિતતાં, વાવાઝોડું, પૂર, બુશ ફાયર, લાવા, ભૂકંપ, અતિવૃષ્ટિ કે દુષ્કાળ જેવી આપત્તિઓનો સામનો તો છેલ્લાં થોડાં વર્ષોથી આપણે કરી જ રહ્યાં છીએ.આમ તો પર્યાવરણ અને પ્રકૃતિને લગતાં ઘણાં કાર્યક્રમો આ દિવસે યોજવામાં આવે છે. તો ચાલો થોડું પાછળ જઈ જાણીએ કે શું છે આ દિવસનો ઈતિહાસ અને તેનું મહત્વ. ૨૨ એપ્રિલ ૧૯૭૦થી સમગ્ર વિશ્વમાં ‘વર્લ્ડ અર્થ ડે’ ઉજવવામાં આવે છે. હાલ ૧૯૩ કરતાં પણ વધારે દેશો ‘વર્લ્ડ અર્થ ડે’ ઉજવે છે. અમેરિકાથી શરૂઆત થયેલી આ વિશ્વ કક્ષાની ચળવળમાં આપણે કેટલા ગંભીર છીએ તે કહેવું તો ખરેખર મુશ્કેલ છે.

World Earth Day, Vaibhavi Joshi Jheel

અમેરિકાનાં સેનેટર જેરાલ્ડ નેલ્સન પર્યાવરણને લઈને ખુબજ ચિંતિત હતાં. એમણે પર્યાવરણ સંરક્ષણ અને પ્રકૃતિ પ્રત્યેની જાગૃતતાંને ધ્યાનમાં લઈ આ દિવસ ‘વિશ્વ પૃથ્વી દિવસ’ તરીકે ઉજવાય તેવું જાહેર કર્યું હતું. લડાઈ મુદ્દે વેડફાતી ઉર્જાને પ્રકૃતિ પ્રત્યેની જાગૃતતાં તરફ વાળી પર્યાવરણનું જતન થઈ શકે, એવા જ કઈંક વિચારો સાથે તેઓએ ૨૨ એપ્રિલની તારીખને ‘વર્લ્ડ અર્થ ડે’ તરીકે ઉજવવાનું નક્કી કર્યું.સામાજિક અને રાજનીતિક સ્તરે પણ પૃથ્વીનાં રક્ષણ માટેનો ખૂબ જ અભાવ જોવા મળી રહ્યો છે. ઘણી સંસ્થાઓનાં બેનર હેઠળ સમ ખાવાં પુરતાં પર્યાવરણી સુરક્ષાને લગતાં કાર્યક્રમો યોજીને વાહ-વાહ મેળવતાં હોય છે પરંતુ જયારે તેની પાછળનો સ્વાર્થ ખબર પડે ત્યારે જ તેની ગંભીરતાનો અહેસાસ થાય છે. માત્ર એક જ દિવસનો ઉત્સાહ દર્શાવીને મા ધરતી પ્રત્યે કૃતજ્ઞતાં બતાવવી એ દેખાડો જ કહેવાય.આ વર્ષે ૨૦૨૨માં ૫૨મો ‘વર્લ્ડ અર્થ ડે’ છે. દર વર્ષે આ દિવસની ઉજવણીનાં ભાગ સ્વરૂપે અવનવી થીમ્સ નક્કી કરવામાં આવતી હોય છે.

આ વર્ષે “Invest in Our Planet” આ થીમ નક્કી કરવામાં આવી છે. આજે જયારે ‘વિશ્વ પૃથ્વી દિવસ’ની ઉજવણી થવાની છે ત્યારે આ જ રીતે જંગલો કપાશે, ઝેરી વાયુ ઉંચે ચડશે અને આગામી સદી સુધીમાં પૃથ્વી વિનાશ ભણી અગ્રેસર થશે જેનું મુખ્ય કારણ માનવજાત જ હશે.આ બધામાં મારાં તમારાં જેવાં સામાન્ય લોકો શું કરી શકે?વિશ્વ પૃથ્વી દિનની ઉજવણી પૂરતું જ નહિ પણ હંમેશા પ્રત્યેક માણસે ઓછામાં ઓછું એક વૃક્ષનું વાવેતર કરી તેનાં સંપૂર્ણ ઉછેરની જવાબદારી લેવી જોઈએ. આ ઉપરાંત પ્રદૂષણ ફેલાવતી ચીજવસ્તુઓને બદલે ઈકો-ફ્રેન્ડલી વસ્તુઓ વાપરીશ અને બને ત્યાં સુધી વાતાવરણને પ્રદૂષિત કરીશ નહીં તેવા શપથ ગ્રહણ કરવાં જોઈયે અને એનો અમલ પણ. કાર્બન ડોયકસાઈડમાં થતાં વધારાને લીધે ગરમ વાયુઓ વાતાવરણમાં જ રહેતા ગ્રીન હાઉસ ઈફેકટ સર્જાઈ રહી છે જેથી ઓઝોનનું પડ તૂટી રહ્યું છે પરિણામે ઋતુચક્ર ખોરવાઈ રહ્યું છે.

World Earth Day

આપણે પ્રદૂષણ ઘટાડી, વૃક્ષો વાવશું તો જ પૃથ્વીને બચાવી શકશું. સરસ મજાનો આ ગ્રહ જેણે આપણને સુંદર રહેવાનું સ્થાન આપ્યું છે આજે તે પોતે પોતાનાં અસ્તિત્વ માટે સંઘર્ષ કરી રહ્યો છે. તેનાં મુખ્ય કારણ છે પ્રદૂષણમાં બેફામ વધારો, આડેધડ કપાઈ રહેલાં જંગલ, વિનાશકારી ગેસનું વધી રહેલું પ્રમાણ આવું લિસ્ટ લખવાં બેસું તો બહુ લાબું છે. માનવસર્જિત આફતોને લીધે આપણી માતા સમી ધરતીનું અસ્તિત્વ જોખમાયું છે. ૨૦૨૨માં પૃથ્વી દિનની ઉજવણી વિશ્વનાં તમામ જાગૃત માનવીઓ હરિયાળી સર્જવાનાં શપથ લઇ તેમજ પર્યાવરણને શુદ્ધ રાખવાનાં આશય સાથે ઉજવીયે તો જ ઉજવણી યથાર્થ ગણાશે.માનવ, પ્રાણી-પક્ષી, વનસ્પતિ સહિતની તમામ જીવસૃષ્ટિનું પોષણ પૃથ્વી કરે છે.

ધરતી માતાનાં આ અમુલ્ય ઋણ બદલ આપણે પ્રદુષણ સિવાય કંઈ જ આપ્યું નથી. ઉલ્લેખનીય છે કે ભલે અત્યાર સુધીમાં ધરતીને આપણે પ્રદુષણ સિવાય કંઇ જ ન આપ્યું હોય પરંતુ હવે તો જાગૃત થઇને તેનું ઋણ અદા કરવું જ રહ્યું. પૃથ્વી પર પ્રદુષણ ફેલાવતાં કાર્યોને પણ અટકાવીએ અને એ સંકલ્પ સાથે કે વધુમાં વધુ વૃક્ષ વાવીને પુષ્પો અને હરિયાળી રૂપી આભુષણ થકી મા ધરતીને શણગારીએ તો જ પૃથ્વીને પ્રદુષિત થતાં અટકાવી શકાશે.

આશા રાખું કે બધાં સાથે મળીને પૃથ્વીને બચાવવાં માટે કટિબદ્ધ થાય નહીંતર આવાં દિવસો ફક્ત સોશિયલ મીડિયામાં ‘World Earth Day’ની એકાદ ઇમેજ ટપકાવી દેવાં પૂરતાં સીમિત રહી જશે..!!- વૈભવી જોશી

આ પણ વાંચો..ઉપકાર કે પરોપકાર; Thoughts about celebrating in an Anath ashram

Gujarati banner 01

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *