World Population Day

World Population Day: “લખો પ્રગતિના નવા અધ્યાય” ની થીમ ઉપર ‘જાગૃત બનો,જવાબદાર બનો’ ના સુત્રને સાર્થક બનાવીએ

  • World Population Day: રાજ્ય સરકાર દ્વારા કુટુંબ કલ્યાણ કાર્યક્રમ હેઠળ સ્ત્રી-પુરુષ નસબંધી ઉપરાંત ગ્રીનકાર્ડ, દીકરી રૂડી સાચી મૂડી, રાષ્ટ્રીય સામાજિક સુરક્ષા પત્રો જેવા અનેકવિધ પ્રોત્સાહન પગલાં
  • પરિવારમાં બનતી જન્મ અને મરણની ઘટનાને સ્થાનિક રજિસ્ટ્રાર પાસે જન્મ-મરણની નોંધણી કરાવીને રાષ્ટ્રની કામગીરીમાં સહભાગી બનીએ

અહેવાલ- દિલીપ ગજ્જર

ગાંધીનગર, 11 જુલાઇઃ World Population Day: ૧૧ મી જુલાઈને વિશ્વ વસ્તી દિવસ એટલે કે “World Population Day” તરીકે ઓળખવામાં આવે છે. સાંપ્રત સમયમાં વિશ્વમાં વસ્તી-વધારાની સમસ્યા ઘણી વધી રહી છે. જેને કારણે કેટલીક વિકટ પરિસ્થિતિઓનો સામનો કરવો પડતો હોય છે. વિશ્વમાં વસતી વધારાની સમસ્યા પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે તથા વધતી જતી વસ્તી પર અંકુશ લાગી શકે તે માટે સંયુક્ત રાષ્ટ્ર સંઘના સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમની સંચાલન પરિષદ દ્વારા ઈ.સ ૧૯૮૯થી વસ્તી દિવસ ઉજવવામાં આવે છે.

વસ્તી વિસ્ફોટ સમગ્ર વિશ્વના મોટાભાગના દેશો માટે જટિલ સમસ્યા બની ગઈ છે. વિશ્વના વિકસિત અને વિકાસશીલ બંને દેશોમાં જે દરે વસ્તી વધારો થઈ રહ્યો છે તે ચિંતાપ્રેરક બાબત છે. પૃથ્વી ઉપરના કુદરતી સંપત્તિના જથ્થામાં વધારો થતો નથી પણ તેના વપરાશકર્તાઓની સંખ્યા પ્રમાણમાં વધી રહી છે દુનિયાના વિકાસશીલ દેશોમાં બહોળા પ્રમાણમાં વસ્તી વધારો થઇ રહ્યો છે. જેમાં ખાસ કરીને ભારત, ચીન, પાકિસ્તાન, બાંગ્લાદેશ જેવા દેશોમાં તો વસ્તી વિસ્ફોટના દરના પ્રમાણમાં વધારો થયો છે.

દેશના કેન્દ્રિય નાણાં મંત્રી નિર્મળા સીતારમણે સંસદમાં વર્ષ ૨૦૧૮ – ૧૯ની આર્થિક સમીક્ષા રજુ કરતા કહ્યું હતું કે, આવનારા દસ વર્ષ દરમિયાન દેશની વસ્તીમાં ઘટાડો જોવા મળશે તેમજ વર્ષ ૨૦૩૧ થી ૨૦૪૧ સુધીમાં લગભગ શૂન્ય થઇ જશે. વસ્તી વધારાના આ મુદ્દાને લઇને ચિંતા વ્યકત કરી છે કે, ૦-૧૯ વર્ષના યુવાનોની સંખ્યા વર્ષ ૨૦૧૧ માં ૪૧% હતી, જયારે વર્ષ ૨૦૪૧માં ઘટીને ૨૫ % થઇ જશે. અંદાજે ૮ કરોડ ૩૦ લાખ લોકો વિશ્વની જનસંખ્યા યાદીમાં ઉમેરાય છે. વિશ્વની વસ્તી વર્ષ ૨૦૩૦ સુધીમાં લગભગ ૮ અબજ ૬૦ લાખ સુધી પહોંચી જશે.

વસ્તી વધારાને કારણે ભારત દેશમાં ગરીબી, બેરોજગારી, નિરક્ષરતા, જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓની તંગી જેવી અનેક સમસ્યાઓ જન્મી છે. વસ્તી વધારાના લીધે ગામડાંઓ ભાગી રહ્યા છે અને શહેરીકરણમાં અનહદ વધારો થઈ રહ્યો છે તે કેવળ એક દેશનો નહીં પણ વૈશ્વિક પ્રશ્ન બન્યો છે.

આ પણ વાંચોઃ Gujarat heavy rain update: સમગ્ર રાજ્યમાં પાણી-પાણી, છેલ્લા 24 કલાકમાં 218 તાલુકામાં વરસાદ, બોડેલી 22 ઇંચ વરસાદથી જળબંબાકાર

વસ્તી વધારાથી રહેણાંકની જમીન માટેની સમસ્યા વિકટ બની છે સાથે સાથે ખેતીલાયક જમીનમાં પણ નિરંતર ઘટાડો થતો ગયો છે ખેતીલાયક જમીન ઘટવાથી ઉત્પાદનમાં પણ સતત ઘટાડો નોંધાયો છે જેથી કેટલાક દેશોમાં તો ભૂખમરાની સમસ્યા વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે જેને કારણે માણસની જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓની માંગ ખૂબ વધે છે તેથી તેની સામે તેના પુરવઠાની અછત ઊભી થઈ છે, પરિણામે સામાજિક અવ્યવસ્થા જેવા પ્રશ્નો ઉદભવ્યા છે.

વસ્તી વિસ્ફોટને અંકુશમાં લેવા કુટુંબ નિયોજન કાર્યક્રમને વધુ અસરકારક અને વેગવાન બનાવવા જરૂરી છે. જો કે ભારત દેશ વિશ્વમાં સૌ પ્રથમ ૧૯૫૨માં રાષ્ટ્રીય વસ્તી નીતિ કાર્યક્રમ હાથ ધરી વસ્તી વધારાની સમસ્યાને હળવી બનાવવાની દિશામાં પહેલ કરી હતી વસ્તી વધારાને નિયંત્રિત કરવા કેન્દ્ર સરકારે વર્ષ ૨૦૨૦ સુધીમાં વસ્તી વધારો નિયંત્રણ કરવાના ઉદ્દેશ સાથે નવી રાષ્ટ્રીય નીતિ અમલમાં મૂકી છે.

વર્ષ ૨૦૪પ સુધીમાં વસ્તી વધારાને સ્થિર કરવાના ઉદ્દેશ સાથે આ નવી રાષ્ટ્રીય વસ્તી નીતિ અમલી બનાવાઈ છે.આ રાષ્ટ્રીય વસ્તી નીતિના ઉદ્દેશોને સિદ્ધ કરવા ૧૪ વર્ષની ઉંમર સુધીનું શાળા શિક્ષણ ફરજિયાત અને મફત બનાવવું, પ્રાથમિક અને માધ્યમિક કક્ષાએ શિક્ષણ સ્થગિતતાનું પ્રમાણ ઘટાડવું અને પ્રસુતા મરણ બતાવો છોકરીઓની લગ્ન ૧૮ વર્ષ પછીની કરવા પ્રોત્સાહન પુરૂં પાડવું તથા નાના કુટુંબના સૂત્ર સાથે પરિવાર નિયોજન અંગેની જાગૃતિ માટે પ્રચાર-પ્રસારની સાથે પરિવાર નિયોજનના સાધનની સાર્વત્રિક ઉપલબ્ધિ જેવા પગલાં લેવાનું આયોજન કરવું જરૂરી છે.

ગુજરાત રાજ્યમાં પણ વસ્તી નિયંત્રણ માટે જન્મનું પ્રમાણ ઘટાડવા પ્રચાર ઝુંબેશ, લોક શિક્ષણ વગેરે દ્વારા કુટુંબ નિયોજનની યોજનાઓનો અમલનો અમલ થઈ રહ્યો છે. રાજ્ય સરકારે કુટુંબ કલ્યાણ કાર્યક્રમ હેઠળ સ્ત્રી-પુરુષ નસબંધીના પ્રોત્સાહક પગલાં ઉપરાંત ગ્રીનકાર્ડ, દીકરી રૂડી સાચી મૂડી, રાષ્ટ્રીય સામાજિક સુરક્ષા પત્રો જેવા પ્રોત્સાહન પગલાં લેવામાં આવી રહ્યા છે. વિશ્વ વસ્તી વિષયની સાથે જન્મનો ફાળો પણ અતિ મહત્વનો છે. જેના દ્વારા સમગ્ર વિશ્વની માનવ સંખ્યામાં થતા ફેરફારોને જાણી શકાય છે રાજ્યમાં જન્મ મરણ નોંધણી અધિનિયમ 1969 જન્મ મરણ નોંધણી માટે છે તેમાં જન્મની ઘટના ૧૪ દિવસની અંદર અને મરણની ઘટના સાત દિવસની અંદર નોંધાવવાની હોય છે જે કાયદાકીય રીતે ફરજિયાત છે.

ગુજરાતમાં વસ્તી નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત વર્ષ ૨૦૨૧-૨૨ દરમ્યાન થયેલ નોંધપાત્ર કામગીરી થયેલ છે જેમાં સ્ત્રી નસબંધી ૨૬૯૯૩૭, પુરુષ નસબંધી ૧૩૭૪ મળી કુલ નસબંધી ૨૭૦૬૫૯, કુલ આંકડી ૧૨૨૮૬૪૯, અંતરા ઈન્જેકશન ૬૭૮૦૬, કુલ નિરોધનું વિતરણ ૪૫૧૨૩૩૫૯ અને છાયા કાર્યક્રમ અંતર્ગત ઓરલ પિલ્સ ૪૬૪૪૯૮નું વિતરણ સફળતાપૂર્વક કરવામાં આવ્યું છે.

વિશ્વમાં વસ્તી વધારો રોકેટની જેમ અતિ તીવ્ર ગતિએ આગળ વધી રહ્યો છે, જે લાલબત્તી સમાન છે. જેથી, વિશ્વ વસ્તી દિન નિમિત્તે લોકોમાં જાગૃતિ અપાવવા કાર્યક્રમો પણ યોજવામાં આવતા હોય છે તથા કુટુંબ નિયોજનની વિવિધ પદ્ઘતિઓના પ્રચાર અને જનજાગૃતિ અંગેના કાર્યક્રમો ગોઠવીને લોકોને માહિતી આપવામાં આવે છે. જેથી, વસ્તી વધારાનો દર રોકી શકાય.

આમ, વસ્તી વિસ્ફોટ એક કુદરતી નથી પરંતુ માનવસર્જિત છે ત્યારે વસ્તી વિસ્ફોટની સમસ્યાને હલ કરવા આવો, આપણે સૌ ૧૧ મી જુલાઈના રોજ વિશ્વ વસતિ દિનની ઉજવણી નિમિત્તે રાષ્ટ્રીય વસ્તી નીતિને સફળ બનાવવાની સાથે સાથે “પરિવાર નિયોજનના અપનાવો પગલાં… લખો પ્રગતિના નવા અધ્યાય” ની થીમ ઉપર ‘જાગૃત બનો, જવાબદાર બનો’ ના સુત્રને સાર્થક બનાવવા આપણા પરિવારમાં બનતી જન્મ અને મરણની ઘટનાને સ્થાનિક રજિસ્ટ્રાર, જન્મ-મરણની પાસે નોંધણી કરાવીએ અને રાષ્ટ્રની કામગીરીમાં સહભાગી બનીએ.

આ પણ વાંચોઃ Speaking of intelligence: અક્કલના ઇંજેક્શન ક્યાં મળશે..! શું તમને પણ જરૂર છે અક્કલના ઇંજેક્શનની.. ?

Gujarati banner 01