Jayesh Radadiya

લાભ પાંચમથી ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવશે:જયેશભાઈ રાદડિયા

Jayesh Radadiya
  • લાભ પાંચમથી ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવશે :અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી જયેશભાઈ રાદડિયા
  • મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ ગાંધીનગરથી વીડિયો કોંફરન્સના માધ્યમથી મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના અને કિસાન પરિવહન યોજનાનો શુભારંભ કરાવ્યો
  • જસદણ એ.પી.એમ.સી. ખાતે યોજનાકિય લાભોના ખેડૂતોને મંજૂરીપત્રો અપાયા: જસદણમાં યોજાયો ખેડૂતોના સાત પગલાં ખેડૂત કલ્યાણ કાર્યક્રમ

સંકલન: રોહિત ઉસદળ, રાજકોટ

રાજકોટ,૧૦ સપ્ટેમ્બર: ગાંધીનગરથી વીડિયો કોંફરન્સના માધ્યમથી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ  જસદણ એ.પી.એમ.સી. ખાતે સાત પગલાં ખેડૂત કલ્યાણ અંતર્ગત મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના અને કિસાન પરિવહન યોજનાનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે અન્ન અને  નાગરિક પુરવઠા મંત્રી શ્રી જયેશભાઈ રાદડીયાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.

આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, ખેડૂતોને પાકને પિયત આપવા માટે રાત ઉજાગરા ન કરવા પડે  તે માટે રાજ્ય સરકાર દિનકર યોજનાનો શુભારંભ કરવામાં આવશે. આ યોજનાના અમલીકરણથી ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવશે. ઉપરાત  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસે ખેડુતો  પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે જીવામૃત બનાવવાની સહાય યોજના અને ગૌ વંશના સંરક્ષણ  માટે માસિક રૂ.૯૦૦ની સહાયની યોજનાનો પ્રારંભ કરવામાં આવશે.

ગુજરાત સરકારને ખેડૂતોના હિતને વરેલી ગણાવતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ખેડૂતોને પાણી, બિયારણ, ખાતર,અને વીજળી પુરા પાડવામાં આવે તો ખેડૂતોમાં વિક્રમજનક ખેત ઉત્પાદન કરવાની ક્ષમતા રહેલી છે. રાજ્ય સરકારે કરેલા વાયદા પૂર્ણ કરીને જ્યોતિગ્રામ યોજના મારફતે ૮ કલાક વીજળી, નિમ કોટેડ યુરિયા, ખેડૂતોને ઝીરો ટકા વ્યાજે ધિરાણ તેમજ નર્મદા બંધની ઉંચાઈ વધારીને છેવાડાના વિસ્તાર સુધી સિંચાઈની સુવિધા ઉપલબ્ધ કરાવી છે. ઉપરાંત  છેલ્લા ૪ વર્ષમાં રૂ.૧૫ હજાર કરોડની વિવિધ ખેત પેદાશોની ટેકાના ભાવે ખરીદી કરી છે. આમ, રાજ્ય સરકારના ખેડૂત લક્ષી નિર્ણયથી ગુજરાત કૃષિ વિકાસમાં દેશભરમાં અગ્રેસર રહ્યું છે.

આ પ્રસંગે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી જયેશભાઈ રાદડિયાએ જણાવ્યું કે, રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં મગફળી ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય કર્યો છે. આ ખરીદી  લાભ પાંચમથી શરૂ પણ કરી દેવામાં આવશે. ખેડૂતો હેરાન ન થાય તે માટે ઓનલાઈન નોંધણી પણ ગ્રામયકક્ષાએથી કરવામાં આવશે. ખેડુતોના હિતને વરેલી આ સરકારે સાત પગલાં ખેડૂત કલ્યાણ અંતર્ગત ખેડૂતો પોતાનો પાક સુરક્ષિત રીતે સંગ્રહિત રાખી શકે અને યોગ્ય બજાર બજાર ભાવ મળી રહે તે માટે ગોડાઉન બનાવવા માટે રૂ. ૩૦ હજાર સહાય આપવામાં આવશે. ઉપરાંત ખેત ઉત્પાદનોને બજાર સુધી પહોંચાડી શકે અને તે માલવાહક વાહન ખરીદવા માટે રૂ. ૫૦ હજારથી ૭૫ હજાર સુધીની સહાય આપવામાં આવશે. આમ, કૃષિ વિકાસને એક નવો વેગ મળશે.

વધુમાં તેમણે ઉમેર્યું કે, ભારે વરસાદના પગલે ખેડૂતોને થયેલા નુકસાનના સર્વેના  આદેશ આપવામાં આવ્યા છે. સર્વેની કામગીરી બાદ એસ.ડી.આર.એફ. મુજબ વળતર ચૂકવવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. તેમજ રાજકોટ જિલ્લા સહકારી બેંકે ખેડુતોને ઝીરો ટકા વ્યાજ ધિરાણ પૂરું પાડ્યું છે. જે યોજના સમગ્ર રાજ્યમાં અનુકરણીય બની હતી.

અન્ન અને  નાગરિક પુરવઠા મંત્રી શ્રી જયેશભાઈ રાદડિયાના હસ્તે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના અને કિસાન પરિવહન યોજનાઓના લાભાર્થીઓને મંજૂરીપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ગોહિલ અને જસદણ એ.પી.એમ.સી.ના ચેરમેન શ્રી અરવિંદભાઇ તોગડીયાએ પ્રાસંગીક ઉદબોધન કર્યું હતું. અને જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી આર.આર. ટીલાવાએ કૃષિલક્ષી યોજનાઓની સમજ આપી હતી

આ પ્રસંગે શાબ્દિક સ્વાગત આત્મા પ્રોજેક્ટના નાયબ ખેતી નિયામક શ્રી બી.એમ. આગઠ અને આભારવિધિ નાયબ બાગાયત નિયામક શ્રી જી.કે. કાતરિયાએ કરી હતી. આ કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો, જસદણ નગરપાલિકાના હોદ્દેદારો, ગોંડલ, કોટડા સંગાણી, વીંછીયા અને જસદણ તાલુકાના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

loading…