kisan sahay yojna

કામરેજના ઉમા મંગલ હોલ ખાતે ‘મુખ્યમંત્રી કિસાન સહાય યોજના’ અંગે કાર્યક્રમ યોજાયો

kisan sahay yojna

મુખ્યમંત્રી કિસાન સહાય યોજના ખેડુતો માટે સાચા અર્થમાં સંજીવની સાબિત થશેઃ આદિજાતિ મંત્રી ગણપતસિંહ વસાવા

સુરતઃસોમવારઃવન, આદિજાતિમંત્રીશ્રી ગણપતસિંહ વસાવાના અધ્યક્ષપણા હેઠળ કામરેજ તાલુકા મથકના ઉમા મંગલ હોલ ખાતે ʻʻમુખ્યમંત્રી કિસાન સહાય યોજનાʾʾનો કાર્યક્રમ યોજાયો હતો. જેનો મુખ્ય આશય ખેડુતોને કમોસમી વરસાદ કે માવઠાના સમયે થતા નુકશાની પાકનું યોગ્ય વળતર મળી રહે તેમજ રાજય સરકાર દ્વારા તાજેતરમાં સાત પગલા ખેડુત કલ્યાણ સમી સાત નવી યોજનાઓની જાણકારી આપવાનો હતો. કાર્યક્રમ દરમિયાન મંત્રી તથા અન્ય પદાધિકારીઓના હસ્તે ઓલપાડ, કામરેજ અને ચોર્યાસી તાલુકાના ૧૫ ખેડુતોને પાવર ટીલર, ટ્રેકટર, પ્લાઉ, રોટાવેટર માટેની રૂા.૮.૫૬ લાખની સહાયના ચેકો અર્પણ કરાયા હતા.

ganpat vasava

આ અવસરે મંત્રીશ્રી વસાવાએ જણાવ્યું હતું કે, રાજયના લાખો કિસાનોના વ્યાપક હિતમાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળ ખેડુતોને અતિવૃષ્ટિ-કમોસમી વરસાદ કે માવઠા જેવા જોખમો સામે ખેતીપાકને થતા નુકશાન બદલ એક પણ રૂપિયાનું પ્રિમિયમ ભર્યા વગર હેકટરદીઠ રૂા.૨૫૦૦૦ની સહાય આપવાની થકી સુરત જિલ્લાના હજારો ખેડુતોને ફાયદો થશે. ખેડુતોની જમીનો હડપનારા ભૂમાફિયાઓ સામે લેન્ડ ગ્રેબ્રિંગ એકટ હેઠળ કાર્યવાહી કરીને ૭ થી ૧૪ વર્ષ સુધીની સજાની જોગવાઈ કરવામાં આવી હોવાનું મંત્રીશ્રીએ ઉમેર્યું હતું. કામરેજના પ્રજાજનોની લાગણીને માન આપીને કઠોર સ્મશાનગૃહમાં ગેસ કનેકશન આપવા માટે અધિકારીઓ સાથે મીટીંગ કરીને સુચના આપવામાં આવી છે જેથી ટુંક સમયમાં કનેકશન મળી જશે તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
આ પ્રસંગે સાંસદશ્રી પ્રભુભાઈ વસાવાએ કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા ખેડુતોને પોષણક્ષમ ભાવોથી લઈને સિંચાઈને લગતી યોજનાઓ અમલમાં મૂકી છે. માંડવી, ઉમરપાડા અને માંગરોળમાં કરોડોના ખર્ચે તૈયાર થઈ રહેલી સિંચાઇની યોજના ટુંક સમયમાં પૂર્ણ થનાર છે. જેનાથી હજારો ખેડુતોને સિંચાઈની સુવિધા મળતા ગામો નંદનવન બનશે.

kisan sahay yojna 2

આ અવસરે જિલ્લા વિકાસ અધિકારીશ્રી હિતેશ કોયાએ રાજય સરકાર દ્વારા તાજેતરમાં અમલમાં મુકેલી સાત નવી યોજનાઓની વિગતો આપતા જણાવ્યું કે, કિસાન પરિવહન યોજના હેઠળ ગુડઝ કેરેઝ વાહનની ખરીદી માટે રૂા.૭૫ હજાર પાણીના કરકસરપૂર્ણ ઉપયોગ માટે સામુદાયિક સ્તરે કોમ્યુનિટી બેઝ ભુગર્ભ ટાંકાઓ માટે જુથ દીઠ રૂા.૯.૮૦ લાખની સહાય આપવામાં આવશે. આ ઉપરાંત મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજનાહેઠળ નાના ગોડાઉન માટે રૂા.૩૦ હજાર, સીમાંત ખેડુતો માટે સ્માર્ટ હેન્ડટુલકીટ માટે રૂા.૧૦ હજાર, પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન માટે ડ્રમ,ડોલની સહાય, ફળ-શાકભાજી છુટક વિક્રેતાઓને છત્રી/શેડકવરની સહાય તથા ગાય આધારિત ખેતી માટે પ્રતિ માસ રૂા. ૯૦૦ની સહાય એનાયત કરવામાં તેમ જણાવ્યું હતું.
આ અવસરે કૃષિ વૈજ્ઞાનિક જનકભાઈ રાઠોડે કામરેજ અને પલસાણા તાલુકાઓમાં કેળના પાકમાં થતા પનામા નામના રોગ સામે ખેડુતોએ આગોતરા સાવચેતી પૂર્વકના નિવારાત્મક પગલાઓ લેવાનું જણાવીને શેરડીના પાકમાં રાસાયણિક ખાતરોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાનો અનુરોધ કર્યો હતો.

આ વેળાએ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીમતી પ્રિતીબેન પટેલ, ધારાસભ્ય સર્વશ્રી વી.ડી.ઝાલાવડીયા, મુકેશભાઈ પટેલ, શ્રીમતિ ઝંખનાબેન પટેલ, તા.પં.પ્રમુખશ્રી ગણપતભાઈ, ઓલપાડના તા.પં.પ્રમુખ જયાબેન, નાયબ ખેતી નિયામક(તાલીમ)શ્રી એન.કે.ગાબાણી, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી એન.જી.ગામીત, નાયબ બાગાયત નિયામકશ્રી પંડાલીયા, અગ્રણી રાકેશભાઈ, જયેશભાઈ, બ્રિજેશભાઈ તથા મોટી સંખ્યામાં ખેડુતો ઉપસ્થિત રહ્યા હતા.