Airport Rajkot 5

રાજકોટમાં આવતા બહારના મુસાફરોનું રેલવે સ્ટેશન અને એરપોર્ટ ખાતે સતત કરાતુ કોરોના સ્ક્રિનિંગ અને ટેસ્ટિંગ

રાજકોટ મહાનગર પાલિકા અને જિલ્લા વહીવટી તંત્રની કોરોના સંદર્ભે  સાવચેતીની કામગીરીને આવકારતા મુસાફરો

અહેવાલ: નરેશ મહેતા, રાજકોટ

રાજકોટ,૦૧ ડીસેમ્બર:રાજકોટ શહેરમાં પ્રવેશતા બહારના મુસાફરો દ્વારા કોરોનાનું  સંક્રમણ ન થાય અને જો મુસાફરો કોરોનાથી સંક્રમિત હોય તો તેમની સારવાર થઇ શકે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટના રેલવે સ્ટેશન અને એરપોર્ટ ખાતે ટેસ્ટિંગ બુથ શરુ કરવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લા તંત્ર અને મહાનગરપાલિકાની રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ ની આ કામગીરીને મુસાફરોએ આવકારી છે.

રાજકોટ મહાનગરપાલિકાના અધિકારી શ્રી રાઠોડે જણાવ્યું હતું કે રાજકોટ શહેરમાં આવતા બહારના મુસાફરો કોરોના સંક્રમિત હોય તો તેમનું વહેલું નિદાન થઇ શકે અને બીજાને ચેપ ન લાગે તે માટે ટેસ્ટિંગ બુથ વધારવામાં આવ્યા છે.

whatsapp banner 1

રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય શાખાના  ડો . મિહિર જોશીએ જણાવ્યું હતું કે એરપોર્ટ ખાતે ફલાઇટમાં આવતા મુસાફરોનું થર્મલ સ્ક્રીનીંગ તેમજ જરૂર જણાયે તેમનું એન્ટીજન ટેસ્ટ કરવામાં આવે છે. જો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવે તો તેમની માટે સારવારની વ્યવસ્થા કરવામાં આવે છે.

રાજકોટના રેલવે સ્ટેશન ખાતે તંત્રની કામગીરીની આવકારતા મુંબઈના મુકેશભાઈ સોસા એ જણાવ્યું હતું કે કોરોનાનો ચેપ ના ફેલાય તે માટે ટેસ્ટ ની વ્યવસ્થા કરવામાં આવી છે તે આવકાર દાયક છે. મુંબઈના વિક્રમભાઈ અને મહંમદ ભાઈએ પણ પ્રતિભાવ આપતા કહ્યું કે મુસાફરી દરમિયાન માસ્ક પહેરવું જરૂરી છે અને તે પ્રમાણે અમે તકેદારી રાખીએ છીએ. દિલ્હીથી ફલાઇટ લઈને આવેલા મહિલા ઓફિસર હિમાંશીએ જણાવ્યું હતું કે માસ્ક પહેરવું તેમજ સોશિયલ ડિસ્ટન્સ રાખવું જરૂરી છે. ફ્લાઈટમાં પણ મુસાફરોને પીપીઇ કીટ આપવામાં આવે છે અને જરૂરી સાવચેતી રાખવામાં આવે છે. રાજકોટ એરપોર્ટ પર સ્થાનિક તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરીને તેઓએ આવકારી હતી.