Yogesh Patel Chhatri vitaran 2

શાકભાજી પકવીને વેચનારા ખેડૂતોને વિનામૂલ્યે છત્રી અને ખેત કામદારોને સ્માર્ટ હેન્ડ ટુલ્સ વિતરણ

નર્મદા વિકાસ રાજ્ય મંત્રીશ્રી યોગેશભાઈ પટેલે શાકભાજી પકવીને વેચનારા ખેડૂતોને વિનામૂલ્યે છત્રી વિતરણ અને ખેડૂતો અને ખેત કામદારોને સ્માર્ટ હેન્ડ ટુલ્સ અને પાક સંરક્ષણ માટે વાડ બનાવવાની સહાય યોજનાઓનો જિલ્લામાં પ્રારંભ કરાવ્યો

  • વડોદરા જિલ્લામાં બંને યોજનાઓ મળીને કુલ ૧૩૨૨ ખેડૂતોને આ યોજનાઓનો લાભ આપવાની મંજૂરી આપવામાં આવી છે
  • આ સરકાર કિસાન વિરોધી નથી કિસાન મિત્ર છે ખેડૂતો ખોટી વાતોથી ભરમાય નહિ: નર્મદા વિકાસ મંત્રી

વડોદરા,૨૬ સપ્ટેમ્બર: નર્મદા વિકાસ રાજ્ય મંત્રી અને જાતે ખેતી સાથે જોડાયેલા નર્મદા વિકાસ રાજ્ય મંત્રી શ્રી યોગેશભાઈ પટેલે વરણામાના ત્રિમંદિર ખાતેના કાર્યક્રમમાં વડોદરા જિલ્લાના ખેડૂતો માટે શાકભાજી પકવનારા ખેડૂતોને વેચાણમાં અને પાક સાચવવામાં મદદરૂપ છત્રીઓ વિનામૂલ્યે આપવાની અને ખેડૂતો તેમજ ખેત કામદારોની મહેનત બચાવતા અદ્યતન ખેત સાધનો અને ખેતરમાં ઉભેલા પાકની સુરક્ષા માટે તારની કાંટાળી વાડ બનાવવા માટે સહાય આપવાની ખેતીવાડી અને બાગાયત ખાતાની યોજનાઓ શરૂ કરાવી હતી.

મુખ્યમંત્રીશ્રી પ્રેરિત સાત પગલાં કિસાન કલ્યાણના હેઠળની આ યોજના પૈકી છત્રીની યોજનાનો લાભ આપવામાં માટે ૭૦૦ જેટલા ખેડૂતોની અને સ્માર્ટ ટૂલ્સ યોજના હેઠળ ૬૨૨ અરજદાર ખેડૂતોની અરજીઓ માન્ય રાખવામાં આવી છે.મંત્રીશ્રી યોગેશભાઈ પટેલે આ પ્રસંગે પસંદગીના લાભાર્થીઓને યોજનાના લાભોનું વિતરણ કર્યું હતું. તેમણે કિસાન કલ્યાણ માટે સંકલ્પબદ્ધ સરકારની આ યોજનાઓનો લાભ લઈ ખેતી સુધારવા અને વળતર યુક્ત બનાવવા ખેડૂતોને અનુરોધ કર્યો હતો અને આ આયોજન માટે મુખ્યમંત્રીશ્રી તેમજ નાયબ મુખ્યમંત્રીશ્રીને અભિનંદન આપ્યા હતા.

પાદરા ખાતે પૂર્વ મંત્રીશ્રી છત્રસિંહ મોરી,પૂર્વ ધારાસભ્ય દીનુમામા,દિલુભા ચુડાસમા તથા જિલ્લા વિકાસ અધિકારી કિરણ ઝવેરી અને વાઘોડિયા ખાતે ધારાસભ્ય શ્રી શૈલેષ મહેતા અને ખેડૂત મોરચાના સતીશ પટેલ,ખેરવાડીએ આ યોજનાઓ શરૂ કરાવી હતી.
કૃષિ વિભાગના અધિકારીએ જાણકારી આપતાં જણાવ્યું હતું કે શાકભાજી અને પપૈયાના પાકોમાં ખેડૂતોએ વિવિધ રીતે ૪૦ ટકા જેટલો બગાડ સહન કરવો પડે છે ત્યારે આ યોજનાઓ પાકની સુરક્ષા અને બગાડ અટકાવવામાં ઉપયોગી બનશે.

loading…

રાજ્યમાં ૫૬ લાખ ખેડૂતો ખેતી કરે છે તેવી માહિતી આપતાં મંત્રીશ્રી યોગેશભાઈ પટેલે જણાવ્યું કે રાજ્ય સરકારે અનાવૃષ્ટિ,અતિવૃષ્ટિ અને માવઠા થી ખેતીમાં નુકશાન વેઠવાનો વારો ખેડૂતોને ન આવે તે માટે રાજ્ય સરકારે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના બનાવી છે અને વીમા કંપનીઓના ઓશિયાળા પણામાંથી ખેડૂતોને મુક્ત રાખી વિનામૂલ્યે વીમા સુરક્ષા નો લાભ આપવા રૂ.૩૭૦૦ કરોડનું પેકેજ અમલમાં મૂક્યું છે.

દેશમાં ગુજરાત સરકારે ખેડૂત ઊંચો આવે,પાક સુરક્ષિત રાખી શકે,યોગ્ય ભાવે વેચી શકે,બજારમાં પાક પોતાના વાહનમાં લઈ જઈ શકે, એ પ્રકારની તમામ યોજનાઓ અમલમાં મૂકી છે જે અન્ય રાજ્યો માટે માર્ગદર્શક બનશે એવી લાગણી તેમણે વ્યક્ત કરવાની સાથે મહિલા આત્મ નિર્ભરતા સહિતની યોજનાઓની વિગતવાર જાણકારી આપી હતી.રાજ્ય અને કેન્દ્ર સરકાર કિસાન વિરોધી નહિ પણ કિસાન મિત્ર છે એટલે ખેડૂતો કોઈ ભ્રામક પ્રચાર થી ભોળવાય નહિ એવો તેમણે અનુરોધ કર્યો હતો.

પ્રારંભમાં નાયબ બાગાયત નિયામક શ્રી એ.કે.પટેલે સહુને આવકાર્યા હતા.કિસાન મોરચાના પદાધિકારીઓ,વડોદરા તાલુકાના મામલતદાર,તાલુકા વિકાસ અધિકારી,કૃષિ અને બાગાયત વિભાગના અઘિકારીઓ અને લાભાર્થીઓ,ખેડૂતો ઊપસ્થિત રહ્યા હતા.
ગાંધીનગરમાં મુખ્યમંત્રીશ્રી દ્વારા આ યોજનાઓના ઓનલાઇન કાર્યક્રમનું જીવંત પ્રસારણ કાર્યક્રમમાં કરવામાં આવ્યું હતું.