WhatsApp Image 2020 09 26 at 1.09.55 PM 1

માંડવી:૩૩૩ ખેડુતોને સ્માર્ટ હેલ્ડ ટુલ્સ કિટસ તથા શાકભાજીના વેચાણકર્તાઓને છત્રીની સહાયના મંજુરી પત્રો એનાયત

સાત સોનેરી યોજનાઓ થકી ખેડુતોની ઉત્પાદકતા, કાર્યક્ષમતા અને જીવનધોરણમાં આમૂલ પરિવર્તન આવશેઃ સામાજિક, ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી ઈશ્વરભાઈ પરમાર

“સાત પગલાં ખેડૂત કલ્યાણના” અંતર્ગત માંડવી ખાતે મંત્રીના હસ્તે ૩૩૩ ખેડુતોને સ્માર્ટ હેલ્ડ ટુલ્સ કિટસ તથા શાકભાજીના વેચાણકર્તાઓને છત્રીની સહાયના મંજુરી પત્રો એનાયતઃ

સુરત, ૨૬ સપ્ટેમ્બર: ખેડુતોના સમગ્રતયા કલ્યાણને વરેલી રાજય સરકાર દ્વારા ખેડુતોની આવક બમણી કરવાના આશયથી સાત પગલાં ખેડૂત કલ્યાણના યોજના હેઠળની બે કલ્યાણ યોજનાઓના ૩૩૩ ખેડુતો લાભાર્થીઓને માંડવી હાઈસ્કુલ ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી ઇશ્વરભાઈ પરમારના હસ્તે મંજુરીપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. માંગરોળ, માંડવી અને ઉમરપાડા તાલુકાના ખેડુતોને ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા નાના વિક્રેતાઓને વિના મૂલ્યે છત્રી માટે ૨૭૪ ખેડુતો તથા સિમાંત ખેડૂતો-ખેતમજૂરોને રૂા.૧૦ હજારની કિંમતની મર્યાદામાં સ્માર્ટ હેન્ડ ટૂલ્સ કીટસના ૫૯ ખેડુતોને સહાયના મંજુરીપત્રોનું મંત્રીશ્રી તથા અન્ય મહાનુભાવોના હસ્તે વિતરણ કરાયું હતું. જયારે જંગલી પશુઓથી પાકનું રક્ષણ મેળવવા ખેડૂતોને કાંટાળી તારની વાડ બનાવવા સહાય અંગેની માહિતી આપવામાં આવી હતી.

loading…

કાર્યક્રમમાં મંત્રીશ્રી પરમારે જણાવ્યું હતું કે, આપણી સંસ્કૃતિ કૃષિ સંસ્કૃતિ સાથે સંકળાયેલી છે. ૨૦૨૨ સુધીમાં ખેડુતોની આવક બમણી કરવાના નિર્ધાર સાથે ખેડુતોના ઉત્થાનને વરેલી રાજય સરકાર દ્વારા સાત પગલા સમી સોનેરી યોજનાઓ અમલમાં મુકી છે. આ યોજના થકી ખેડુતોની કાર્યક્ષમતા, ઉત્પાદકતા અને જીવનધોરણમાં આમૂલ પરિવર્તન આવશે.  ખેડુતોને પાકના સંગ્રહ માટે ગોડાઉન, વેચાણ માટે વાહન સહાય, ગાય આધારિત પ્રાકૃતિક ખેતી માટેની સહાય, સ્માર્ટ ટુલ્સ કિટ્સ, જંગલી ભુડોથી પાકના રક્ષણ માટે કાંટાળી વાડ જેવી યોજનાઓનો લાભ લઈ ખેડુતો આત્મનિર્ભર બને તેવો અનુરોધ મંત્રીશ્રીએ કર્યો હતો.


વધુમાં મંત્રીશ્રીએ કહ્યું કે, કિસાન કલ્યાણની દિશામાં આગળ વધવાના લક્ષ્ય સાથે રાજયના ખેડુતો વધુમાં વધુ આત્મનિર્ભર બને તેવા નિર્ધાર સાથે સરકાર આગળ વધી રહી છે. રાજય સરકારના સકારાત્મક પ્રયાસો ખેડૂતોના જીવન બદલાવ લાવી, હરિયાળી ક્રાંતિસર્જશે. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ગાંધીનગર ખાતેથી વિડીયો  કોન્ફરન્સના માધ્યમથી રાજયકક્ષાએથી ત્રણેય યોજનાઓને લોન્ચ કરી ખેડૂતોને પ્રેરક ઉદબોધન કર્યું હતું.


આ અવસરે લિંબાયતના ધારાસભ્યશ્રીમતિ સંગીતાબેન પાટીલ, માંગરોળ તાલુકા પં. પ્રમુખશ્રી જગદીશભાઈ ગામીત, વિરોધ પક્ષના નેતા અનિલ વસાવા, અગ્રણી શ્રી દિનેશભાઈ, નટુભાઈ, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી એન.જી.ગામીત સહિત ખેડુતો ઉપસ્થિત રહ્યા હતા.