CM Rupani 1010

“ઇઝ ઓફ લિવિંગ”થી નગરો રહેવા લાયક માણવા લાયક બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા મુખ્યમંત્રીશ્રી

CM Rupani 1010

રાજ્યના નગરોમાં માળખાકીય સુવિધાઓ વધારીને ઇઝ ઓફ લિવિંગ થી નગરો રહેવા લાયક માણવા લાયક બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા મુખ્યમંત્રીશ્રી

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત વિરમગામમાં 2.88 કરોડ ના નવ નિર્મિત ટાઉનહોલનું ઇ-લોકાર્પણ કરતાં મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી

  • નગરપાલિકાઓ વિકાસ કામોના આયોજન કરે રાજ્ય સરકાર નાણાં પૂરા પાડવા તૈયાર
  • રાજ્ય સરકાર વિરમગામ ના ઐતિહાસિક મુનસર તળાવનો વિકાસ અને સંવર્ધન ઈચ્છે છે
  • જાહેર વહીવટમાં ટેકનોલોજી નો ઉપયોગ સમયની માંગ
  • નગરોમાં નાગરિક સુખ સુવિધા ની કામગીરી વધુ ઓન લાઇન બને

ગાંધીનગર, ૧૦ ઓક્ટોબર: મુખ્ય મંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી એ રાજ્યના નગરોમાં માળખાકીય સુવિધા વધારીને ઇઝ ઓફ લિવિંગ દ્વારા નગરો ને રહેવા લાયક માણવા લાયક બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે તેમણે કહ્યું કે ગુજરાત ના નગરો સ્માર્ટ સિટી બને અને વિશ્વના નગરો શહેરો ની સરખામણીએ ઊભા રહે તેવું સુદ્રઢ નગર વિકાસ આયોજન વિકસાવ્યું છે મુખ્યમંત્રીશ્રી એ અમદાવાદ જિલ્લા ના વિરમગામ માં 2.88 કરોડ ના ખર્ચે તૈયાર થયેલા નવા ટાઉનહોલ નો ઇ લોકાર્પણ ગાંધીનગર થી વીડિયો કોન્ફરન્સ ના માધ્યમથી કર્યો હતો.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું કે, ભારતીય જનતા પાર્ટીની સરકાર જ્યારથી સત્તામાં આવી ત્યારથી રાજ્યના શહેરો-નગરોનો વિકાસ આયોજન બદ્ધ અને ઝડપી થયો છે.
રાજ્યમાં શહેરી જનસંખ્યા ૪૫ ટકાથી વધુ છે. આમ રાજ્યમાં ૫૦ ટકા લોકો ગામડામાં અને 50 ટકા લોકો નગરોમાં વસે છે ત્યારે રાજ્ય સરકાર નગરોમાં માળખાકીય સેવાઓ વ્યાપક બનાવી ઇઝ ઓફ લિવિંગ વધારવા માટે કટિબદ્ધ છે.

Viramgaam

રાજ્યના નગરો રહેવાલાયક, માણવાલાયક અને જીવવાલાયક બને તે માટે સરકાર પ્રતિબદ્ધ છે. વ્યક્તિ પોતાના વતન, પોતાના ગમતા નગરમાં છેલ્લા શ્વાસ સુધી રહેવું પસંદ કરે તેવા નગરોનાં નિર્માણની નેમ મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે વ્યક્ત કરી હતી. રાજ્યના નગરો માં સમસ્યાઓની ભરમાર ન હોય પરંતુ વ્યથાની જગ્યાએ વ્યવસ્થાઓ હોય તેવું વાતાવરણ બનાવ્યું છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત વિરમગામમાં નિર્માણ પામેલા ટાઉન હોલ નો શુભારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, નગરપાલિકાઓ વિકાસ કામોના આયોજન કરે રાજ્ય સરકાર આ માટેના નાણાં પૂરા પાડશે. રાજ્ય સરકાર વિરમગામ ના ઐતિહાસિક મુનસર તળાવનો વિકાસ સંવર્ધન ઈચ્છે છે એમ પણ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ગામ નગરના તળાવ, જાહેર સ્થળો, જાહેર ભવનો, રસ્તા, ગટર વ્યવસ્થા, પાણી વિતરણ વ્યવસ્થા આ બધી નગરની ઓળખ હોય છે.

સારા પ્રસંગો ઉજવવા કે કાર્યક્રમો કરવા ટાઉનહોલ સુવિધા ઉપયોગી બનતી હોય છે. ટાઉનહોલ શબ્દ અંગ્રેજોના વખતથી પ્રચલિત છે. ઐતિહાસિક સંભારણા ટાઉનહોલમાં ગુંજતા હોય છે. ટાઉનહોલની સભાઓ, મેળાવડાઓ યાદગાર અને ઐતિહાસિક બની જતા હોય છે.
વિરમગામનો સ્વામી વિવેકાનંદ ટાઉન હોલ પણ વિકાસ કાર્યક્રમો અને વિકાસચર્ચાનું કેન્દ્ર બની રહે તેવી મુખ્યમંત્રીશ્રીએ આશા વ્યક્ત કરી હતી.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, નગરપાલિકાના સત્તાધીશો ભવિષ્યનો વિચાર કરી વિકાસકાર્યો અને વિકાસ આયોજનો કરે જેથી માનવી ત્યાં સુવિધાનો સંકલ્પ સાકાર થાય. નગરોમાં આવશ્યક તમામ સુવિધાઓ, જનસુખાકારીના તમામ પ્રકલ્પો ખૂણે-ખૂણે પહોંચાડવાની જવાબદારી રાજ્ય સરકારની છે. આ માટે રાજ્ય સરકાર નગરપાલિકાના પડખે ઉભી છે. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ વિરમગામ નગરપાલિકાના આગેવાનો અને ઉપસ્થિત લોકોને સો ટકા ઘરોને નળથી જળ આપવાનું આયોજન કરવા આહવાન કર્યું હતું. તેમણે કહ્યું કે, શુદ્ધ પેયજળ નાનું ઝુંપડું હોય કે મોટો બંગલો તમામ સુધી પહોંચે તેવું આયોજન થવું જોઈએ.

મુખ્યમંત્રીશ્રીએ ઓનલાઇન સેવા સેતુનો ઉલ્લેખ કરી કહ્યું કે, ગામડાના નાગરિક સુધી સામાન્ય ઉપયોગી સેવાઓ હવે ડિજિટલી પહોંચી છે. ભ્રષ્ટાચાર-વચેટિયા નાબૂદ થયા છે. ડિસેમ્બર ૨૦૨૦ સુધીમાં આઠ હજાર ગામડાંને આવરી લેવાશે જ્યારે 2021માં રાજ્યના ૧૪ હજાર ગામડાંને ડિજિટલ સેવા સેતુ અંતર્ગત આવરી લેવાશે. મુખ્યમંત્રીશ્રીએ આ તકે જાહેર વહીવટમાં ટેકનોલોજી ના ભરપૂર ઉપયોગનો મત વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, નગરપાલિકાના આગેવાનો નગરનું હિત શેમાં છે એ વિચારે તે આવશ્યક છે. વિકાસ કરનારા આગેવાનોને લોકો યાદ રાખે છે. બાકી તમામ પદાધિકારીઓ માટે થોડા વર્ષોનું શાસન ભોગવી ભૂતપૂર્વ બનવાનું નિશ્ચિત હોય છે.

loading…

નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી રેખાબેન પંડ્યાએ આ પ્રસંગે વિરમગામના નવનિર્મિત ટાઉનહોલનું નામ ‘સ્વામી વિવેકાનંદ ટાઉનહોલ’ જાહેર કર્યું હતું. રૂ. 288.70 લાખના ખર્ચે નિર્માણ પામેલ ટાઉન હોલ બે માળનો છે તથા આવશ્યક તમામ સુવિધાઓથી સજ્જ છે તેમ તેઓએ જણાવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા પ્રમુખ શ્રી આર.સી.પટેલ, પૂર્વ ધારાસભ્ય તેજશ્રીબેન પટેલ, નગરપાલિકાઓના પ્રાદેશિક કમિશનર ડો. મનીષ કુમાર બંસલ, પ્રાંત અધિકારી સુશ્રી સુરભી ગૌતમ, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી રેખાબેન પંડ્યા તથા વિરમગામના નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.