ખેડુતોને સુર્યપ્રકાશ ઉર્જા ટ્રેપ સહાયદરે વિતરણ કરવાની યોજનાનો લાભ લેવા અનુરોધ

Roof top solar

માહિતી બ્‍યુરોસુરેન્‍દ્રનગરઃ-

સુરેન્દ્રનગર જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ વર્ષ ૨૦૨૦-૨૧ માં ખેડુતોને સુર્યપ્રકાશ ઉર્જા ટ્રેપ(સોલાર લાઈટ ટ્રેપ) સહાયદરે વિતરણ કરવાની યોજના મંજુર કરવામાં  આવી છે. સોલાર લાઈટ ટ્રેપ મેળવવા માંગતા લાભાર્થીઓએ I KHEDUT પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ યોજનામાં ઓનલાઈન અરજી કરવા લાભાર્થીઓ માટે તા. ૩૦/૯/૨૦૨૦ સુધી I KHEDUT પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવેલ છે.

            આ યોજના હેઠળ એસ.સી./ એસ.ટી. ખેડુતો માટે સોલાર લાઈટ ટ્રેપની કિંમતના ૯૦ ટકા અથવા રૂપિયા ૪,૫૦૦ પ્રતિ સોલાર ટ્રેપની મર્યાદામાં બેમાંથી જે ઓછુ હોય તેમજ અન્ય ખેડુતો માટે પ્રતિ લાભાર્થી સોલાર લાઈટ ટ્રેપની કિંમતના ૭૦ ટકા અથવા રૂપિયા ૩,૫૦૦ પ્રતિ સોલાર ટ્રેપની મર્યાદામાં બે માંથી જે ઓછુ હોય તે મળવાપાત્ર રહેશે. આ યોજના અંતર્ગત પુન:લાભ મેળવવાની સમય મર્યાદા ત્રણ વર્ષ રહેશે તેમજ ખાતા દીઠ એક જ લાભાર્થીને મહત્તમ બે સોલાર લાઈટ ટ્રેપનો લાભ મળી શકશે.

            આ યોજનાનો લાભ રાજયમાં જમીન ધારણ કરતા તમામ (મહિલા અને દિવ્યાંગ ખેડુતો સહિત)ને મળવા પાત્ર રહેશે તેમજ લાભાર્થી ખેડુતને તેઓની જમીનના ૮ અ માં દર્શાવેલ ખાતેદારો પૈકી એક જ ખાતેદારને અન્ય ખાતાધારકોની સંમતિને આધિન લાભ મળવાપાત્ર રહેશે. ઉપરાંત અરજી સાથે લાભાર્થીએ ૮ અની નકલ, આધારકાર્ડની નકલ, એસ.સી./એસ.ટી. ખાતેદારો માટે જાતિ અંગેનું સક્ષમ અધિકારીશ્રીનું પ્રમાણપત્ર, દિવ્યાંગ ખાતેદારો માટે દિવ્યાંગ હોવા અંગેનું સક્ષમ અધિકારીશ્રીનું પ્રમાણપત્ર તેમજ સંયુક્ત ખાતાના કિસ્સામાં સંમતિપત્રક સહિતના સાધનિક પુરાવા રજુ કરવાના રહેશે.

            જિલ્લાના ખેડુત ખાતેદારોને વહેલામાં વહેલી તકે અરજી કરીને અરજી કર્યાના સાત દિવસમાં સાધનિક પુરાવા સાથે અરજી તાલુકા મથકની ઓફિસે રજુ કરવાની રહેશે તેમજ વધુ માહિતી માટે તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારી(ખેતી) તથા ગ્રામસેવકનો સંપર્ક કરવા જણાવાયું છે