Valsad khad muhurt 2408

ધરમપુર તાલુકાના ખેડૂતોને મુખ્‍યમંત્રી કિસાન સહાય યોજના અંગેની જાણકારી અપાઇ

Valsad khad muhurt 2408

રાજ્‍યના તમામ ખેડૂતોને કુદરતી પરિબળોના કારણે કૃષિ પાકને થયેલા નુકસાન સામે સહાય અપાશે- આદિજાતિ વિકાસ રાજ્‍યમંત્રી રમણલાલ પાટકર

  અહેવાલ:માહિતી બ્‍યુરો વલસાડ

વલસાડ,રાજ્‍યના ખેડૂતોની આવક બમણી થાય તે માટે રાજ્‍ય સરકાર અનેકવિધ ખેડૂતલક્ષી યોજનાઓ અમલી બનાવી છે. જે પૈકી આ વર્ષે મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી દ્વારા મુખ્‍યમંત્રી કિસાન સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાની વિસ્‍તૃત જાણકારી આપવા માટેનો કાર્યક્રમ ધરમપુર તાલુકા મથકે નગરપાલિકા હોલ ખાતે વન અને આદિજાતિ વિકાસ રાજ્‍યમંત્રી રમણલાલ પાટકરની અધ્‍યક્ષતામાં યોજાયો હતો. 

આ અવસરે આદિજાતિ વિકાસ રાજ્‍યમંત્રી રમણલાલ પાટકરે જણાવ્‍યું હતું કે, રાજ્‍ય સરકાર ખેડૂત કલ્‍યાણના અનેક પગલાં ઉઠાવી ખેડૂતોની પડખે ઊભી રહી છે. વનબંધુ કલ્‍યાણ યોજના અંતર્ગત ફાળવવામાં આવેલા બજેટ થકી આદિજાતિઓમાં સવાઁગી વિકાસ થયો છે. શહેરો જેવી સુવિધા ગામડાઓમાં કરવામાં આવી છે.  ખેડૂતોના પાકનું યોગ્‍ય વળતર મળી રહે તે માટે ટેકાના ભાવો જાહેર કર્યા છે.  રાજ્‍યના વિકાસમાં ખેતી અને ખેડૂતોનો બહુમૂલ્‍ય ફાળો રહેલો છે. ખેતીની ખરીફ સીઝનમાં ખેડૂતોને ખેતીપાકોમાં અનાવૃષ્‍ટિ, અતિવૃષ્‍ટિના પ્રસંગો, વાદળ ફાટવું, સતત ભારે વરસાદ અને કમોસમી વરસાદ જેવા આકસ્‍મિક કુદરતી જોખમોનો સામનો કરવો પડે છે. આ પ્રકારની કુદરતી આપત્તિથી ખેતીપાકને થતા નુકસાન સામે સહાય આપવા માટે રાજ્‍ય સરકાર દ્વારા ખેડૂત હિતલક્ષી મુખ્‍યમંત્રી કિસાન સહાય યોજના જાહેર કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત રાજ્‍યના નાના, સીમાંત અને મોટા એક બધાજ ખેડૂતોને આવરી લેવાયા છે. આ યોજના માટે ખેડૂતોએ કોઇ પ્રિમીયમ ભરવાનું રહેશે નહીં. એસ.ડી.આર.એફ.ના લાભો યથાવત રાખીને આ યોજનાનો લાભ આપવામાં આવશે. 

ખેતીપાકમાં નુકસાન થયું હોય તેવો કોઇપણ ખેડૂત સહાયથી વંચિત ન રહી જાય તે ધ્‍યેય સાથે ખરીફ ઋતુમાં કુદરતી આપત્તિથી નુકશાન સામે ખેડૂતોને સરળતાથી લાભ આપવા અને તમામ પાક તેમજ સમગ્ર રાજ્‍યના વિસ્‍તારોને આવરી લે તેવી મુખ્‍યમંત્રી કિસાન યોજના અમલમાં મૂકવા રાજ્‍ય સરકારનો ખેડૂત હિતલક્ષી નિર્ણય જાહેર કરવામાં આવ્‍યો છે. ખેતીવાડી ખાતા દ્વારા વિવિધ યોજનાઓ હેઠળ છેલ્લા પાંચ વર્ષ દરમિયાન રૂા.૫૩૯૫.૫૬ લાખની સહાય ખેડૂતોને આપવામાં આવી છે. 

ખરીફ ઋતુમાં ખેતીપાકને ૩૩ થી ૬૦ ટકા નુકશાન થાય તો રૂા.૨૦ હજાર જ્‍યારે ૬૦ ટકાથી વધુ પાક નુકસાન માટે રૂા.૨૫ હજાર પ્રતિ હેક્‍ટર મુજબ વધુમાં વધુ ચાર હેક્‍ટરની મર્યાદામાં સહાય મળવાપાત્ર થશે. ખેડૂત લાભાર્થીના પાત્રતાના ધોરણમાં સમગ્ર રાજ્‍યમાં રેવન્‍યુ રેકર્ડમાં નોંધાયેલા તમામ ૮-અ ધારક ખેડૂત ખાતેદાર અને ફોરેસ્‍ટ રાઇટ એક્‍ટ હેઠળના સનદ ધરાવતા ખેડૂતો લાભાર્થી ગણાશે. આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતે ખરીફ ઋતુમાં વાવેતર કરેલું હોવું જરૂરી છે.

આ અવસરે કિસાન પરીવહન યોજના, મુખ્‍યમંત્રી પાક સંગ્રહ સ્‍ટ્રકચર યોજના, રાજયના સિમાંત ખેડૂતો અને ખેત મજુરોને સ્‍માર્ટ હેન્‍ડ ટુલ્‍સ કીટ આપવાની યોજના, દેશી ગાય  નિભાવ ખર્ચમાં માસિક રૂા.૯૦૦ સહાય આપવાની યોજના અને પ્રાકૃતિક કૃષિ કીટમાં ૭૫ ટકા  સહાય આપવાની યોજના અંગે જાણકારી આપવામાં આવી હતી.

 નાયબ ખેતી નિયામક શ્રી પી.આર. માંડાણીએ ખેડૂતલક્ષી યોજનાઓની જાણકારી આપી કાર્યક્રમનો હેતુ સમજાવ્‍યો હતો. આ અવસરે જિલ્લા જિલ્લા પંચાયત પ્રમુખ મણીલાલ પટેલ, ધરમપુર ધારાસભ્‍યશ્રી અરવિંદભાઇ પટેલ, પ્રાંત અધિકારી કેતુલ ઇટાલીયા, જિલ્લા ખેતીવાડી અધિકારી મુકેશભાઇ પટેલ, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ મીનાબેન ચૌધરી  પ્રગતિશીલ ખેડૂતો, ખેતીવાડી અને આત્‍મા વિભાગના કર્મચારીઓ હાજર રહયા હતા.

Banner Still Guj