S.jayshankar

Foreign Minister talks: 10 દેશના વિદેશમંત્રી સાથે એસ જયશંકરે વાત કરી, નવા વર્ષની શુભેચ્છા સાથે વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી- વાંચો વિગત

Foreign Minister talks: દેશના વિદેશમંત્રી સાથે જયશંકરે વાત કરી તેમાં અમેરિકા, રશિયા, માલદીવ, ઓસ્ટ્રેલિયા, ઇન્ડોનેશિયા, ભૂટાન, નાઇજિરીયા, નેપાળ, બાંગ્લાદેશ અને સિંગાપોર સામેલ

નવી દિલ્હી, 7 જાન્યુઆરી : Foreign Minister talks: વિદેશમંત્રી એસ જયશંકરે સોમવારની રાત્રે અને મંગળવારે 10 દેશોના તેમના સમકક્ષ સાથે ટેલિફોન પર અલગ અલગ વાતચીત કરી હતી. જે દેશના વિદેશમંત્રી સાથે જયશંકરે વાત કરી તેમાં અમેરિકા, રશિયા, માલદીવ, ઓસ્ટ્રેલિયા, ઇન્ડોનેશિયા, ભૂટાન, નાઇજિરીયા, નેપાળ, બાંગ્લાદેશ અને સિંગાપોર સામેલ છે.

ટેલિફોનિક વાતચીત દરમિયાન વિદેશમંત્રી જયશંકરે તેમના સમકક્ષને નવા વર્ષની શુભેચ્છા આપી અને દ્વિપક્ષીય તેમજ વૈશ્વિક મુદ્દાઓ પર વ્યાપક ચર્ચા પણ કરી. તેના વિશે તેમણે ટ્વિટ કરીને જાણકારી આપી.

ટ્વિટમાં જયશંકરે કહ્યું, “કાલે રાત્રે વિદેશમંત્રી બ્લિંકન સાથે અલગ અલગ વિષયો પર વ્યાપક ચર્ચા થઇ. તેમાં હિંદ-પ્રશાંત અને મહત્વપૂર્ણ વૈશ્વિક મુદ્દાઓ સહિત દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા થઇ. આ દરમિયાન નવા વર્ષની શુભેચ્છાઓનું આદાન પ્રદાન પણ થયું. ”

બન્ને દેશના વિદેશમંત્રીઓ વચ્ચે આ ચર્ચા એવા સમયે થઇ છે જ્યારે ભારત અને અમેરિકા, વિદેશ અને રક્ષામંત્રી સ્તરે ‘ટુ પ્લસ ટુ’ ચર્ચાના આગામી તબક્કાની તૈયારી કરી રહ્યા છે. આ ચર્ચા આ મહિને અથવા ફેબ્રુઆરીમાં વોશિંગ્ટનમાં યોજાઇ શકે છે.

જયશંકરે અન્ય ટ્વિટમાં કહ્યુ, “આજે સાંજે રશિયાના વિદેશમંત્રી સર્ગેઇ લાવરો સાથે નવા વર્ષની શુભેચ્છાઓનુ આદાન પ્રદાન કર્યું. વાર્ષિક સંમેલન અને ટૂ પ્લસ ટૂ બેઠક બાદની પ્રગતિ અંગે ચર્ચા કરી. લગાતાર સંપર્કમાં રહેવા અંગે સહમતિ થઇ. ”

ઇન્ડોનેશિયાના વિદેશમંત્રી જેફ્રી ઓનિયેમા સાથે પણ જયશંકરની વાતચીત થઇ. તેના વિશે તેમણે ટ્વિટ કર્યું, “ વર્ષની શરૂઆતમાં વિદેશમંત્રી (ઇન્ડોનેશિયા) સાથે સરસ વાતચીત થઇ. દ્વિપક્ષીય સંબંધોને આગળ લઇ જવા અંગે સહમતિ બની. મ્યાંમાર અને અફઘાનિસ્તાન અંગે વિચારોનું આદાન પ્રદાન કર્યું. જી 20માં સહયોગથી કામ કરીશું. ”

આ પણ વાંચોઃ Gujarat Weather update: રાજ્યમાં હજુ આટલા દિવસ રહેશે ચોમાસા જેવો માહોલ, અને આ તારીખથી ફરી પડશે કાતિલ ઠંડી

વર્ષ 2021માં ઈટલી પાસે જી 20ની અધ્યક્ષતા હતી જ્યારે ડિસેમ્બર 2021માં થયેલી બેઠકમાં ઇન્ડોનેશિયાને 2022ની આ ભૂમિકા મળી છે. વર્ષ 2023માં ભારત આ કાર્યભાર સંભાળશે. અત્યારે ઈટલી, ઇન્ડોનેશિયા તથા ભારત તેમાં સામેલ છે.

વિદેશમંત્રી જયશંકરે ઓસ્ટ્રેલિયાના વિદેશમંત્રી મેરિસ પેન સાથે પણ વાતચીત કરી. પેન સાથે વાતચીત બાદ જયશંકરે ટ્વિટ કર્યું, “ઓસ્ટ્રેલિયાના વિદેશમંત્રી અને ક્વાડ સહયોગી મેરિસ પેન સાથે નવા વર્ષ પર વાતચીત થઇ. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે વર્ષ 2022 અમારા સંબંધોને વધુ મજબૂત બનાવશે.”

નાઇજિરીયાના વિદેશમંત્રી જેફ્રી ઓનિયેમા સાથે વાતચીત સંદર્ભે જયશંકરે ટ્વિટ કર્યું, “નાઇજિરીયાના વિદેશમંત્રી જેફ્રી ઓનિયેમા સાથે વાત કરીને સારું લાગ્યું. નવા વર્ષ 2022ની શુભેચ્છાઓ અર્પિત કરી અને આપણા વિશેષ સંબંધોના વિકાસની સમીક્ષા કરી. અબુજામાં થનારી સંયુક્ત આયોગની તાત્કાલિક બેઠકની રાહ જોઇ રહ્યો છું. ”

નેપાળના વિદેશમંત્રી સાથે વાતચીત કરીને જયશંકરે ટ્વિટ કરીને કહ્યું, “અત્યારે જ નેપાળના વિદેશમંત્રી ડો. નારાયણ ખડકા સાથે નવા વર્ષનો કોલ સમાપ્ત થયો. ઘણા મુદ્દાઓ પર થયેલી પ્રગતિ વિશે જાણવાનો મોકો મળ્યો. ”

જયશંકરે બાંગ્લાદેશના વિદેશમંત્રી ડો. એ કે અબ્દુલ મોમેન સાથે ટેલિફોન પર વાતચીત કરી. તેના વિશે તેમણે ટ્વિટ કર્યું, “બાંગ્લાદેશના વિદેશમંત્રી ડો. એ કે અબ્દુલ મોમેનને નવા વર્ષની શુભેચ્છાઓ આપી. 2021 આપણી ગાઢ એકજૂટતા અને મિત્રતાનું સૌથી સારૂં વર્ષ હતું. 2022માં તે પાયા પર નિર્માણ કરવા અંગે સહમતિ બની. ન્યૂઝીલેન્ડ સામે ક્રિકેટમાં મળેલી જીત પર તેમણે શુભેચ્છા આપી. ”

સિંગાપોરના વિદેશમંત્રી ડો. વિવિયન બાલકૃષ્ણન સાથે વાતચીત બાદ જયશંકરે ટ્વિટ કરીને કહ્યું, “નવા વર્ષમાં સિંગાપોરના વિદેશમંત્રી ડો. વિવિયન બાલકૃષ્ણન સાથે જોડાઇને સારું લાગ્યું. કોવિડની સ્થિતિ પર નોટ્સનું આદાન પ્રદાન કર્યું અને દ્વિપક્ષીય મોરચા અને સ્થાનિક પડકારો પર વિચારો રજૂ કર્યા. ”

તે સિવાય જયશંકરની વાતચીત માલદીવના તેમના સમકક્ષ અબ્દુલ્લા શાહિદ સાથે પણ થઇ. તેમણે ટ્વિટ કર્યું, “માલદીવના લોકો અને ત્યાંની સરકારને નવા વર્ષની શુભેચ્છાઓ આપી. ” ભૂટાનના વિદેશમંત્રી તાંડી દોરજી સાથે વાતચીત સંદર્ભમાં જયશંકરે કહ્યું, “કોરોના વાયરસના પડકારો વચ્ચે બન્ને દેશના વિશિષ્ટ સંબંધ વધુ મજબૂત થયા. ”

Whatsapp Join Banner Guj